ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સુદામાચરિત્ર-સુદામાજીના કેદારા’

Revision as of 05:32, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘સુદામાચરિત્ર/સુદામાજીના કેદારા’'''</span> : ભાગવતની સુદામાકથાને ગુજરાતી કવિતામાં પહેલી વખત વિષય તરીકે લઈ પદમાળા રૂપે ઝૂલણાબંધમાં રચાયેલી નરસિંહ મહેતાની ૮ પદન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


‘સુદામાચરિત્ર/સુદામાજીના કેદારા’ : ભાગવતની સુદામાકથાને ગુજરાતી કવિતામાં પહેલી વખત વિષય તરીકે લઈ પદમાળા રૂપે ઝૂલણાબંધમાં રચાયેલી નરસિંહ મહેતાની ૮ પદની આ કૃતિ(મુ.)માં મૂળ કથાના વિચારતત્ત્વને અનુસરવાનું વલણ વિશેષ છે. ભાગવતની જેમ ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા કરવો એ જ અહીં કવિનું લક્ષ છે તો પણ આ કૃતિમાં સુદામાની સંકોચશીલતા અને કૃષ્ણસુદામાના મૈત્રીસંબંધને મૂળ કથા કરતાં વધારે ઉઠાવ મળ્યો છે. મુખ્યત્વે પાત્રોના ઉદ્ગાર રૂપે ચાલતી આ કૃતિમાં પાત્રના ભાવ અને વિચાર ઉપસાવવા તરફ કવિનું લક્ષ વિશેષ ને કથનવર્ણન તરફ ઓછું છે, તો પણ “અંગોઅંગ કમકમે, ધમણ મોંએ ધમે; ગ્રસિત ઝરવાળિયે નાક લોહતો” જેવી સુદામાના દેહને કે “કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા” જેવી સુદામાના ઘરની સમૃદ્ધિને આલેખતી ચિત્રાત્મક પંક્તિઓમાં કવિની વર્ણનકૌશલની શક્તિ દેખાય છે. ૯ પદની વાચનાવાળી પણ આ કૃતિ મુદ્રિત સ્વરૂપ મળે છે, પરંતુ એમાં આઠમું પદ ક્ષેપક હોવાની માન્યતા સાચી જણાય છે.[જ.ગા.]