કાવ્યચર્ચા/ઉપાયન
ઉપાયન
‘ઉપાયન’ એ આપણા એક પ્રમુખ વિવેચકની આજીવન સાહિત્યનિષ્ઠાનો પરિપાક છે. પણ્ડિતયુગના કેટલાક ઇષ્ટ અને સ્પૃહણીય અંશો આ વિવેચનમાં ક્રિયાશીલ બનેલા દેખાશે. ‘સાધના’ જેવો શબ્દ આજના સન્દર્ભમાં જરા વધુ પડતા વજનવાળો લાગે. પણ નિષ્ઠા, ગામ્ભીર્ય, એકાગ્રતા, અભ્યાસવિષયનું તંતોતંત નિરૂપણ – આ ગુણો કેળવવાને સાધનાની અપેક્ષા રહે છે. નરી બહુશ્રુતતા, વ્યુત્પત્તિમત્તા કે ચલણી પરિભાષા પરનું પ્રભુત્વ – આટલું જ પૂરતું થઈ પડતું નથી, એટલું જ નહિ આ જ કેટલીક વાર ઉપકારક બનવાને બદલે અપકારક થઈ પડે એવો સમ્ભવ રહે છે. સતત જાગૃત વિવેકબુદ્ધિ કેળવવી એનું નામ જ સાધના. વિવેચકના કર્તવ્ય પરત્વે લગભગ દરેક વિવેચક કંઈક ને કંઈક કહેતો હોય છે. પ્રજાની રસવૃત્તિને પરિષ્કૃત કરવી, શ્રેષ્ઠ સાહિત્ય તરફ એને વાળીને, એના પરિશીલનમાં ઉપકારક બને એવી રીતે સર્જક અને ભાવક વચ્ચેના મધ્યસ્થ તરીકે વર્તીને ઉત્તમ સાહિત્યના સર્જનને અનુકૂળ ભૂમિકા તૈયાર કરી આપવી અને પોતાના જમાનાની સમગ્ર માનવીય પરિસ્થિતિને એની સર્વ સંકુલતા સહિત આત્મસાત્ કરીને એના સન્દર્ભમાં સાહિત્યિક મૂલ્યબોધની ભૂમિકા પ્રસ્તુત કરવી – મેથ્યુ આર્નલ્ડને અભિમત કંઈક આ સ્વરૂપનું વિવેચકનું કર્તવ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સ્વીકાર્યું છે તે એમની વિવેચનપ્રવૃત્તિને સમગ્ર દૃષ્ટિએ જોતાં સ્પષ્ટ થાય છે. મેથ્યુ આર્નલ્ડની વિચારણાને ટી.એસ.એલિયટે પરિષ્કૃત કરી છે, સુધારી છે. એમાં જે કાંઈ અતિવાદ હતો, આગ્રહની અતિમાત્રા હતી તે તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે. પશ્ચિમમાં સાહિત્યસેવીઓની આ સતત જાગ્રત અભ્યાસપરાયણતા અને સદોદ્યતતાને કારણે સિદ્ધાન્તજડતા, અસહિષ્ણુતા કે અનુદારતાને નિવારવાનું શક્ય બની રહે છે. બદલાતા સાહિત્યિક સન્દર્ભના અનુલક્ષમાં વિવેચન પણ પોતાને કસોટીએ ચઢાવતું રહે છે, એ કેવળ આગલી પેઢીએ આપેલા શ્રદ્ધાના પાથેયને જ આરોગ્યા કરતું નથી. આપણા વિવેચન વિશે આપણે આવું કહી શકીશું? ‘ઉપાયન’ની વિવેચનાને નિમિત્તે આપણે નિર્મમ બનીને થોડીક જાતતપાસ કરી લઈએ.
સાહિત્યવિવેચનની બે શાખાઓનો ઉલ્લેખ મુ. વિષ્ણુભાઈએ કર્યો છે. એ પૈકીની એક શાખા ‘સાહિત્ય પદાર્થ શો છે, સાહિત્યકૃતિઓ તરીકે વિવિધ કૃતિઓને ઓળખીએ છીએ તેમાં શું સર્વસામાન્ય લાક્ષણિક તત્ત્વ છે અને એનું શું સર્વસામાન્ય પ્રયોજન છે’ તેનો વિચાર કરે છે. આને આપણે સૈદ્ધાન્તિક વિવેચન કહીશું. એ ખરું જોતાં તો એક પ્રકારનું તત્ત્વાવધાન છે. પણ નવી નવી કૃતિઓ પરત્વે એનાં ગૃહીતોનો વિનિયોગ કરીને એને ચકાસી જોવાની પ્રવૃત્તિ એમાં સતત ચાલ્યા કરતી હોય છે. સિદ્ધાન્ત શાસ્ત્ર આપતું નથી. કુન્તકનો શબ્દ વાપરીને કહીએ તો તદ્વિદ્ સાહિત્યનું અનુશીલન-પરિશીલન કરીને શાસ્ત્ર રચે છે, એ આવી રીતે રચાતું હોવાથી જ એમાં જડતા નભાવી લઈ શકાય નહીં. આ બેધારી પ્રવૃત્તિ છે. વિવેચન સાહિત્યને કસોટીએ ચઢાવે છે તો સાહિત્ય પણ વિવેચનને કસોટીએ ચઢાવે છે. આથી વિવેચનની બીજી શાખા ‘સાહિત્યના નમૂનાથી અલગ રહી શકતી નથી.’ મુ. વિષ્ણુભાઈએ કહ્યું છે તેમ ‘સાહિત્યના ભિન્નભિન્ન નમૂના લઈને આ અન્વીક્ષણ શક્ય બને છે.’ જો આમ નહીં બને તો પોતાને અભિમત એવી કૃતિને પ્રતિષ્ઠિત કરવાના સાધન લેખે જ સાહિત્યિક સિદ્ધાન્તોને પ્રયોજવાની ચાતુરી કે અપ્રામાણિકતામાં સરી પડાય. ‘મારી રુચિ જ અભિજાત છે, મને જે રુચ્યું તે જ શ્રેષ્ઠ છે એવું હું પુરવાર કરી આપું.’ એવો અભિનિવેશ અસમ્પ્રજ્ઞાતપણે કદીક પ્રવર્તતો દેખાય છે. આવાં વિવેચનમાં ધીમે ધીમે વિવેક પદભ્રષ્ટ થતો જાય છે; જાગૃત વિવેક જે વિનયથી કરે તે પોતામાં આરોપેલા આભિજાત્યનો અહંકાર દુરાગ્રહના જોરે કરવા માંડે છે. વિવેચકની સાધનામાં આ તબક્કે જે ભયસ્થાન આવીને ઊભું રહે છે તે વિશે જો એણે સાવધાનતા કેળવી હોય છે તો એ ઊગરી જાય છે; નહીં તો સમકાલીનોની ચતુર્મુખ પ્રશંસા અને એના વિવેચનની આપ્તવાક્ય લેખે થતી સ્વીકૃતિ છતાં એ પોતાને હાથે જ પોતાનાં મૂળ ઉખેડી નાખે છે.
મુ.વિષ્ણુભાઈએ સમકાલીન વિવેચનની પરિસ્થિતિ વિશે અસન્તોષ પ્રકટ કરતાં કહ્યું છે… ‘લેખકહૃદયમાં કે જનહૃદયમાં વિવેચનની, વિવેચનની શાસ્ત્ર કે કલા લેખે, પ્રતિષ્ઠા થઈ નથી. સર્જક સ્વતંત્ર થવા ચાહે છે, જનતા સુલભ અપરસમાં રાચે છે, સર્જક-વિવેચક-વાચક મંડળો જ્યાં થઈ ગયાં ત્યાં નવી મંડળમમતાઓ જામે છે; સામાજિક અને રાજકીય વિચારઓઘ પણ આપણા નિર્ણયો ડગાવી, હઠાવી ચાંપી દે છે.’ આ પરિસ્થિતિમાં વિવેચકની જવાબદારી વધી જાય છે, ખાસ કરીને વિવેચક પોતે આવી પરિસ્થિતિ હોવાનું ભાન ધરાવતો હોય ત્યારે. મુ. વિષ્ણુભાઈએ પોતે પોતાની વિવેચનપ્રવૃત્તિનાં લક્ષણો બતાવતાં કહ્યું છે: ‘મારી ભાષાશૈલીમાં ક્યાંક ક્યાંક અભિનિવેશ છે, મુગ્ધતા ને ઉડ્ડયન છે; વૈયક્તિક અનુભાવન અને કૌતુકપ્રિયતા છે, આ લક્ષણો કદીક મર્યાદારૂપ બની રહે.’ મુ. વિષ્ણુભાઈમાં રહેલો સર્જક પશ્ચાદ્ભૂમાં રહ્યે રહ્યે પણ પોતાની લીલાને પ્રકટ કરતો રહે છે. શાસ્ત્રને અપેક્ષિત એવી નરી નીરસ તટસ્થતા એમને કદાચ અભિમત નથી. આપણને જે રુચે તે ઉમળકાથી ને ઉત્સાહથી, કદીક વહી જઈને પણ કહેવાનું મન થાય છે. આવા ઉત્સાહપૂર્ણ, અભિનિવેશપૂર્ણ ગદ્યને કાવ્યમય ઉદ્ગારની નજીક લાવી દેતા ઘણા પરિચ્છેદો તમને એમની વિવેચનામાંથી મળી રહેશે. એમણે પૂર્વ અને પશ્ચિમની સાહિત્યમીમાંસામાં ઊંડું અવગાહન કર્યું છે, ને કેટલાકે કર્યું છે તેમ આપણા આલંકારિકો જે કહી ગયા તેનું ભાષાન્તર, તેનું રટણ એમણે કર્યા કર્યું નથી. રસસિદ્ધાન્તને આજની સાહિત્યિક પરિસ્થિતિના સન્દર્ભમાં પ્રયોજી જોતાં શી શી મર્યાદા નડે, આપણા આલંકારિકોએ પ્રયોજેલી સાધારણીકરણ ભાવના જેવી સંજ્ઞાઓના સંકેતોને તપાસીને, કદીક એમને નવા સન્દર્ભના અનુલક્ષમાં વિસ્તાર્યા છે, કદીક એમની અપુષ્ટાર્થતાને સમજાવી છે, ને કદીક એવા સંકેતોને સ્થાને પોતા તરફથી નવા સંકેતોનું આરોપણ કરવાનું સાહસ પણ કર્યું છે. શાસ્ત્રનિષ્ઠ બનવા કરતાં સત્યનિષ્ઠ બનવાનું એમણે પસંદ કર્યું છે. આ બધાંની પાછળ આનન્દવર્ધન જેવા પરિષ્કૃત દર્પણવત્ સ્વચ્છ રુચિવાળા સહૃદયનો સાહિત્યવ્યાસંગ દેખાય છે.
બ્રિટિશ ફિલસૂફ કોલિંગ્વૂડે એમની આત્મકથામાં કહ્યું છે કે જ્યારે આપણે કોઈ ગમ્ભીર વિષયની તત્ત્વાલોચના કરતું પુસ્તક વાંચતા હોઈએ ત્યારે એ પુસ્તક લેખકના મનમાં ઉદ્ભવેલા કયા પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયું છે તેનો જ વિચાર કરવો જોઈએ; એ પ્રશ્નોનું અનુમાન કરી લઈને એ પ્રશ્નોના આપણને આવડે તેવા ઉત્તર શોધવાની પ્રવૃત્તિ આરંભી દેવી જોઈએ. એ ઉત્તરો મેળવ્યા પછી એ પુસ્તકના લેખકે શોધેલા ઉત્તર સાથે આપણા ઉત્તરોની તુલના જાગ્રત બુદ્ધિથી કરવી જોઈએ. આવો અનુવ્યવસાય જ્ઞાનના વિસ્તાર માટે અનિવાર્ય છે. ‘ઉપાયન’ પરત્વે આપણે આવી જ દૃષ્ટિ રાખીએ તો જ વિષ્ણુભાઈનું સાચું ગૌરવ કર્યું ગણાય.
તો વિષ્ણુભાઈએ આ વિવેચના નિમિત્તે કયા કયા પ્રશ્નો ઊભા ર્ક્યા છે? આપણી વિવેચનાને અમુક પ્રશ્નો વળગણરૂપ બની રહ્યા હોય એવું લાગે છે. કોઈ ને કોઈ રૂપે કળા અને નીતિનો પ્રશ્ન આપણે ઉઠાવીએ છીએ. જીવન અને સાહિત્ય વચ્ચેનો સમ્બન્ધ કેવો હોવો ઘટે એ વિચારતાં પણ આપણે થાક્યા નથી. સાહિત્યનું પ્રયોજન શું હોવું ઘટે એની જેટલી ચર્ચા આપણે કરી છે તેટલી ચર્ચા એ પ્રયોજન સાહિત્ય જે વિશિષ્ટ રીતે સિદ્ધ કરે છે તેની નથી કરી. ખરું જોતાં વિવેચનમાં નવા પ્રશ્નોને ઝાઝો અવકાશ રહેતો નથી, પણ દરેક પ્રશ્ન કઈ કક્ષાએ રહીને ચર્ચો છો એ મહત્ત્વનું છે. વળી, આપણા સાહિત્યની મર્યાદા તે આપણા વિવેચનની પણ મર્યાદા બની રહેતી હોય એવું લાગે છે; જોકે આમ બનવું અનિવાર્ય નથી, કારણ કે ‘રાઈનો પર્વત’નું વિવેચન કરતી વેળાએ કાલિદાસ કે શૅક્સપિયરના સંસ્કાર આપણા ચિત્તમાંથી ભૂંસી નાંખવાની જરૂર નથી. સૈદ્ધાન્તિક ચર્ચામાં વિશ્વસાહિત્યનો સન્દર્ભ જેટલો ઉપકારક નીવડે તેટલો કદાચ એક જ ભાષાના સાહિત્યનો ન નીવડે.
વિષ્ણુભાઈની સમગ્ર વિવેચનાને જોતાં એટલું તો સ્પષ્ટ થાય છે કે એમણે મુખ્યત્વે કોલરિજ, મેથ્યુ આર્નલ્ડ, સેઇન્ટ્સબરી અને ક્રોચે કોલિંગવૂડની મીમાંસાના મૂળભૂત પ્રમેયોને પોતાનાં ગૃહીત લેખે, એની સર્વ મર્યાદાસમેત સ્વીકાર્યાં છે. યુરોપમાં બદલાતી જાગતિક પરિસ્થિતિ તથા એના અનિવાર્ય પરિણામ રૂપે બદલાતી સાહિત્યિક પરિસ્થિતિ પરત્વેની જાગરુકતાને કારણે વિવેચન પોતાનાં ગૃહીતોની ફેરતપાસ કરતું રહ્યું છે. વિષ્ણુભાઈની વિવેચના નવા સાહિત્યિક સન્દર્ભના એક મોટા ખણ્ડને બાદ રાખે છે, કારણ એમનાં ગૃહીતોને એ ખણ્ડ પડકારે છે ને આ પરિસ્થિતિમાં ગૃહીતોને છોડવાં એના કરતાં આવા ખણ્ડોને જ બાદ કરવા એવું એમનું વલણ દેખાય છે. નહીં તો રસસિદ્ધાન્તની સાપેક્ષતા ચીંધી બતાવનારી કુશાગ્રતાને એઓ ગઈ પેઢીએ આપેલાં ગૃહીતોને સમકાલીન પરિસ્થિતિ પરત્વેની એની વિનિયોગક્ષમતાની દૃષ્ટિએ તપાસી જોવાનું શા માટે ટાળે? ક્યાંક ક્યાંક એ ગૃહીતોના ચોકઠામાં વર્તમાન પરિસ્થિતિને ગોઠવી જોવાનો પ્રયત્ન પણ એમણે કરી જોયો છે, પણ એમ કરતા હોય છે ત્યારેય એમાં એમને ઝાઝો ઉત્સાહ હોય એવું દેખાતું નથી, એટલું જ નહીં, એમ કરવાના ક્લેશથી જ કેટલીક વાર એઓ ભભૂકી ઊઠે છે. એમણે નવી કવિતામાં શ્રદ્ધાના અભાવ વિશે, એનામાં અપેક્ષિત સચ્ચાઈના અભાવ વિશે, એની ચિત્રવિચિત્ર કાવ્યાકાર ઘડવામાં ક્ષુલ્લક વૃત્તિ વિશે, એની ચાતુરીપ્રિયતા વિશે પુણ્યપ્રકોપ પ્રકટ કરીને એઓ નવી કવિતાને ઘાસનાં તણખલાં જેવી કરી નાંખે છે ત્યારે એ વિધાનોનાં સત્ય પરત્વે આપણે પ્રામાણિક મતભેદ ધરાવતા હોઈએ તો પણ એમના રોષની અભિવ્યક્તિને આસ્વાદ્ય ગણીએ જ છીએ.
‘પ્રભાતનર્મદા’ના વિવેચન નિમિત્તે અને ગઝલના મુશાયરાની વાત કરતાં એમણે જે કહ્યું છે તેમાં એમના વ્યક્તિત્વનું આગવું પોત પ્રકટતું દેખાય છે. એક નવીન કવિમિત્રે એક વાર કહેલું કે જો વિષ્ણુભાઈ પાસે વ્યક્તિત્વની ઉષ્માભર્યું ને આસ્વાદ્ય ગદ્ય લખાવવું હોય તો એમને થોડાક છંછેડવા જોઈએ. એવી માનસિક હિંસા આપણે ગાંધીજીનું સ્મરણ કરીને અને વિષ્ણુભાઈ પ્રત્યેના આપણા આદરને કારણે નહીં જ આચરીએ, છતાં એઓ આવા રોષને પ્રસંગે ખીલે છે તેની ના નહીં કહેવાય. ‘પ્રભાતનર્મદા’ની મસ્તી અને સાચી મસ્તી વચ્ચે એમણે વિવેક કર્યો છે ને નર્મદનો ‘જોસ્સો’ તે જ મસ્તી અથવા મસ્તી બરોબર પ્રતિભા, કવિત્વની પ્રેરણા એમનો એમણે નરસિંહરાવનું સ્મરણ કરીને વિરોધ તો કર્યો જ છે. પણ આ મસ્તીનું વર્ણન કરવા જતાં પોતે પણ કેવી મસ્તી પ્રકટ કરી બેસે છે તેનું એક જ ઉદાહરણ જુઓ. પ્રણયના મત્તભાવની ચોટવાળી કેટલીક ગઝલની બેતને ટાંકીને એઓ કહે છે, ‘ઇશ્કની જાણે ધૂન મચી છે. સ્વસ્થ કપોતીનું સંવનન કરતો નરકપોત આમથી તેમ અને તેમથી આમ કૂદી રહ્યો છે…’ આ વાક્ય વિષ્ણુભાઈએ સભાન બનીને અર્ધેથી છોડી દીધું છે તે સૂચક છે. વળી કપોતીની સ્વસ્થતા પરત્વે કદાચ આપણે વિષ્ણુભાઈ સાથે સંમત નહીં થઈએ. એ સ્વસ્થતાનો છદ્મવેશ છે ને વિધિની વક્રતા કહો કે જે કહેવું હોય તે કહો, કળામાં સત્યવેશ કરતાં છદ્મવેશ જ નથી આસ્વાદ્ય બની રહેતો?
‘રમણીયતા’ એ વિષ્ણુભાઈની એક પ્રિય સંજ્ઞા છે. એઓ હરીફરીને આ સંજ્ઞા આગળ આવીને અટકે છે. આમ છતાં શાસ્ત્રની એક પારિભાષિક સંજ્ઞા લેખે એને જે સુનિશ્ચિત ને અસન્દિગ્ધ સંકેત સમર્પવો જોઈએ તે એઓ સમર્પી શક્યા નથી. કેટલીક વાર એમને જે અભિમત છે તેને માટેનો અભિનિવેશ એમની પાસે તર્કપૂત ને તર્કપ્રસૂત સત્ય ઉચ્ચારાવવાને બદલે ભાવોચ્છ્વાસ કઢાવે છે, આ ભાવોચ્છ્વાસ વાક્છટામાં સરી પડે છે ને અન્તે એવા પરિચ્છેદો જેટલે અંશે સત્યના જ્ઞાપક નહીં તેટલે અંશે એમના વ્યક્તિત્વના, એમની વિશિષ્ટ શૈલીના નિદર્શન રૂપ બની રહે છે. પણ આવા પરિચ્છેદોમાં આપણા સ્મરણ પર અધિકાર મેળવવાનો ગુણ છે. ‘અનુભાવના’ એ શીર્ષકથી આપેલા વ્યાખ્યાનમાંનો આ ખણ્ડ કોને મોઢે નથી? ‘હું ચારેકોર જોઉં છું, આ ઉષાધેણને લઈ આવતાં પંખીઓનાં ગાન વનોપવનમાં સંભળાય છે ને હું પર્યુત્સુક બનું છું…’ એ પરિચ્છેદ આપણને કશીક મોહિનીથી મુગ્ધ કરી નાંખે છે, પછી એમાં રહેલા સત્ય વિશે આપણે સંદેહ પ્રકટ કરવાની સ્થિતિમાં રહેતા જ નથી. પણ આપણને એમ લાગ્યા વગર રહેતું નથી કે આ ‘રમણીયતા’ સંજ્ઞા એમણે ગોવર્ધનરામ પાસેથી લીધી એના કરતાં જગન્નાથ પાસેથી લીધી હોત તો આપણી વિવેચનાને ઘણો લાભ થયો હોત. આ ‘રમણીયતા’, ‘સૌન્દર્ય’, ‘તલ્લીનતા’, ‘આનન્દ’ વગેરે સાહિત્યના પ્રયોજન લેખે ગણાવેલી સંજ્ઞાઓ કેટલીક વાર, એકબીજાના પર્યાય રૂપે વપરાયેલી દેખાય છે. તો કેટલીક વાર સૌન્દર્યબોધ એ ઉપાન્ત્ય અવસ્થા ને તલ્લીનતા તે અન્તિમ અવસ્થા એવું વિધાન પણ એઓ કરે છે. ‘આનન્દ’ એટલે હર્ષ હોવાથી કરુણનો એમાં વિરોધ રહેલો છે તેથી એ સંજ્ઞાને સાહિત્યના પ્રયોજન લેખે સ્વીકારવાનું એમને રુચતું નથી. વળી લેલીન કરતી વિશિષ્ટ અવસ્થા તે સૌન્દર્યબોધ એમ પણ એઓ કહે છે, તો રસાનુભવને અન્તે સંવિત્ જે અસાધારણ ચેતનમયતા અને વ્યાપકતા દાખવે છે તેને પણ એ રસાનુભવના ફળ રૂપે ગણાવે છે. પણ અન્તે એઓ દર્શન આગળ આવીને અટકે છે. એમને મતે રસ આનન્દપર્યવસાયી નહીં પણ દર્શનપર્યવસાયી છે. આ દર્શન કાવ્યરમણીયતાના અનુભવ પછીની સ્થિતિ છે. આથી જ ભાવ એટલે કે aesthetic pleasure અથવા આલંકારિકોની પરિભાષામાં કહીએ તો રસચર્વણાની પરમ સીમા તે દર્શન છે. આ દર્શન તે કૃતિને નિમિત્તે થતી ચેતનાની અખણ્ડતાનું દર્શન એમ એમણે કહ્યું હોત તો આપણને વાંધો નહોતો, પણ એમણે આ વિધાન ‘વિચારપ્રધાન કવિતા’ની ચર્ચાના સન્દર્ભમાં કર્યું છે. આથી દર્શન એટલે જીવન વિશેનું ચિન્તન, અને દર્શન અને ચિન્તન એકબીજાના પર્યાય – એવું આખરે એમને કહેવાનું રહે છે. ક્રોચેના મતને સ્વીકારવાને કારણે સર્જકના intuition (જેનો અનુવાદ એઓ ‘સર્જકની જીવનદૃષ્ટિ’ રૂપે કરે છે, જે કદાચ ક્રોચેને અભિપ્રેત નથી) ને એઓ મહત્ત્વ આપે છે ને કહે છે: ‘આન્તર ઉપાદાનની અનુનેયતા અને આકારક્ષમતાને લીધે સર્જકની જીવનદૃષ્ટિ સાહિત્યકૃતિની આકૃતિમાં એક નિયામક તત્ત્વ થઈ જાય છે.’ ‘આકાર’ વિશેની એમની સમજ સ્પષ્ટ નથી, કેટલીક વાર ‘આકાર’ એટલે ઘાટ અને ઘાટ એટલે અહેતુકતા એવું ચક્ર ફરીને એઓ જ્યાં ને ત્યાં આવીને ઊભા રહે છે. તો વ્યંગમાં નવકવિઓને આકારમુક્તિ – આકારાત્ મુક્તિ – માં રાચનારા કહે છે. લઘુપરિમાણ કૃતિઓ જીવનના ભવ્ય ઉદાત્ત માહાત્મ્યને પ્રકટ નહીં કરે એવો એમને સંદેહ છે. મેથ્યૂ આર્નલ્ડનો આ અભિગ્રહ વિષ્ણુભાઈ એરિસ્ટોટલની મદદથી શુદ્ધ કરી લઈ શક્યા હોત. પોતાની આગવી પરિભાષા ઉપજાવવાની વિષ્ણુભાઈને આસક્તિ નથી એમ નથી, પણ એઓ જ્યારે આવી પરિભાષા ઉપજાવે છે ત્યારે એમાં ગૌરવશેષ રહ્યો હોય છે. ક્રોચેની જેમ ‘આન્તર ઉપાદાન’ને મહત્ત્વ આપવાને કારણે એમણે કવિકર્મને તપાસવાનો ઝાઝો ઉત્સાહ બતાવ્યો નથી. આ કારણે ભાવનું-કાવ્યત્વની સામગ્રીનું સાધારણીકરણ એઓ જે રીતે સમજાવે છે તેમાં અભિનવગુપ્તને ન્યાય થયો હોય એમ લાગતું નથી. પોતાને અનુકૂળ અર્થઘટન કરવાની આનંદશંકર તથા મણિલાલની વૃત્તિ કાવ્યપ્રકાશની એક કારિકા ‘જ્ઞાનનો વિષય અન્ય છે ને ફળ અન્ય છે’ માંથી એમને પોતાને અનુકૂળ અર્થ શોધવાને પ્રેરે છે એ પ્રતીતિકારક નીવડતું નથી. સામગ્રીની રસરૂપે થતી નિષ્પત્તિની પ્રક્રિયાની મીમાંસા એ આપણા આલંકારિકોનું એક નોંધપાત્ર અર્પણ છે, પણ ક્રોચે એમને અહીં નડે છે ને જ્યારે એઓ કહે છે કે જીવનમાં જે જુગુપ્સાજનક છે તે સાહિત્યમાં કંઈ રમણીય બની નથી જવાનું એ મારી શ્રદ્ધા છે.’ ત્યારે ભાવનું રસમાં થતું રૂપાન્તર, એને કારણે રસમાં આવતી લોકોત્તરતા તરફ એમણે લક્ષ આપ્યું નથી એમ લાગે છે. એમનો અભિનિવેશ ઘણી વાર એમને આન્તરપ્રતીતિનો દાવો રજૂ કરવા પ્રેરે છે. વિષ્ણુભાઈની વિવેચનાની આ તપાસ અન્તે તો જાતતપાસ છે, ને એ રીતે જોતાં આપણા વિવેચકને હજી પોતાનાં ઓજારો ઓળખીને વાપરતાં શીખવાનું બાકી છે એવું જ કહેવું પ્રાપ્ત થાય છે.[1]
ક્ષિતિજ: ઓક્ટોબર, 1963
1.આકાશવાણીના સૌજન્યથી. ↵