શાહજહાં/છઠ્ઠો પ્રવેશ

From Ekatra Wiki
Revision as of 06:17, 17 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છઠ્ઠો પ્રવેશ|'''અંક પહેલો'''}} {{Space}}સ્થળ : અલ્લાહાબાદમાં સુલેમાનની છાવણી. સમય : પ્રભાત {{Right|[જયસિંહ અને દિલેરખાં]}} દિલેરખાં : સાંભળ્યું મહારાજ, ઔરંગજેબ તો છેલ્લી લડાઈમાં પણ જીતી ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
છઠ્ઠો પ્રવેશ

અંક પહેલો

         સ્થળ : અલ્લાહાબાદમાં સુલેમાનની છાવણી. સમય : પ્રભાત

[જયસિંહ અને દિલેરખાં] દિલેરખાં : સાંભળ્યું મહારાજ, ઔરંગજેબ તો છેલ્લી લડાઈમાં પણ જીતી ગયો. જયસિંહ : એ તો હું પહેલેથી જ જાણતો હતો. દિલેરખાં : શાયસ્તખાંએ વિશ્વાસઘાત કર્યો. આગ્રાની પાસે ભયંકર લડાઈ થઈ. દારા હારીને દોવાર તરફ છટકી ગયો છે. સાથે ફક્ત એકસો લડવૈયા ને ત્રીશ લાખ સોનામહોર. જયસિંહ : ભાગી જ જવું પડે ને! હું પહેલેથી જ જાણતો હતો. દિલેરખાં : આપ તો બધું જાણતા જ હતા! દારા બિચારો દોડાદોડીમાં વધુ દૌલત પણ લઈ જઈ શક્યો નહિ. પણ સાંભળ્યું કે ત્યાર પછી બુઢ્ઢા શહેનશાહે સત્તાવન ઘોડા લાદીને દારાની પાછળ સોનામહોરો મોકલી. તે પણ રસ્તે જાટ લોકોએ લૂંટી લીધી. જયસિંહ : અરેરે બિચારો! પણ હું એ પહેલેથી જ જાણતો હતો. દિલેરખાં : અને ઔરંગજેબ તથા મુરાદ દબદબાથી આગ્રામાં દાખલ થયા. અને હવે તો છેવટે ઔરંગજેબ જ પાદશાહ થવાનો. જયસિંહ : બધું હું પહેલેથી જ જાણતો હતો. દિલેરખાં : ઔરંગજેબે મને કાગળ લખ્યો છે કે હું જો ફોજ સાથે સુલેમાનને છોડી દઉં, તો એ મને બદલો નવાજશે. આપને પણ, મને લાગે છે કે એમ જ લખ્યું હશે, મહારાજ. જયસિંહ : હા. દિલેરખાં : લડાઈનું આખરી પરિણામ આપને શું લાગે છે, મહારાજ? જયસિંહ : મેં કાલે જ જોષીને બોલાવી પરિણામ જોવરાવી લીધું છે. એણે કહ્યું કે તકદીરના આસમાનમાં ઔરંગજેબનો સિતારો ચડે છે ને દારાનો આથમે છે. દિલેરખાં : તો હવે આપણે શું કરવું, મહારાજ? જયસિંહ : હું જે કરું તે જોયા કરો. દિલેરખાં : બરાબર છે, આ બાબતમાં મારી અક્કલ ચાલતી નથી. પણ એક હકીકત — જયસિંહ : ચૂપ! સુલેમાન આવે છે. [શાહજાદો સુલેમાન પ્રવેશ કરે છે.] જયસિંહ ને દિલેરખાં : બંદગી, શાહજાદા. સુલેમાન : મહારાજ, બાબા હારીને નાસી ગયા. આ શહેનશાહ શાહજહાંનો કાગળ છે. [પત્ર આપે છે.] જયસિંહ : [વાંચીને] ઓહો, એમ બન્યું! સુલેમાન : શહેનશાહ મને જલદી બાબાની કુમકે ઊપડવા લખે છે. હું હમણાં જ ચડું છું. છાવણી ઉઠાવીને ફોજને હુકમ કરો કે — જયસિંહ : મને લાગે છે, શાહજાદા, કે હજુ ભરોસાદાર ખબરની વાટ જોઈએ. તમને કેમ લાગે છે, ખાં સાહેબ? દિલેરખાં : મારો પણ એ જ મત છે. સુલેમાન : આથી વધુ ભરોસાદાર ખબર કયા હોઈ શકે? ખુદ શહેનશાહના જ હસ્તાક્ષરો છે. જયસિંહ : મને લાગે છે કે આ કપટ છે. ઉપરાંત, શહેનશાહ તો બુઝર્ગ છે. એમનો હુકમ જ નથી. આપના પિતાના હુકમ વગર આંહીંથી હું કદમ પણ ભરી ન શકું. તમે શું કહો છો, દિલેરખાં? દિલેરખાં : એમ જ. સુલેમાન : પણ બાબા તો પલાયન કરી ગયા છે. એ હુકમ આપે શી રીતે? જયસિંહ : તો પછી આપણે હવે એના પદ પર આવેલા કુમાર ઔરંગજેબના ફરમાનની રાહ જોવી જોઈએ. સુલેમાન : શું!! ઔરંગજેબના ફરમાનની — મારા પિતાના શત્રુના ફરમાનની — રાહ હું જોઉં? જયસિંહ : આપ ભલે ન જુઓ, અમારે તો જોવી જ પડશે. હું કહો છો, દિલેરખાં? દિલેરખાં : હા જ તો; હકીકત તો એમ જ છે. સુલેમાન : જયસિંહ! દિલેરખાં! ત્યારે તો તમે બન્નેયે કાવતરું કર્યું દેખાય છે. જયસિંહ : અમારી કસૂર શી! યોગ્ય હુકમ વગર શી રીતે કાંઈ કામ બને? શાહજાદા દારાની શોધમાં લાહોર જવાનો હુકમ મને હજુ સુધી મળ્યો નથી. સુલેમાન : તો એ હુકમ હું કરું છું. જયસિંહ : આપના હુકમને ખાતર અમે આપના પિતાના હુકમનું અપમાન ન કરી શકીએ. કેમ, કરી શકાય, ખાં સાહબ? દિલેરખાં : અરે એમ તે કાંઈ કરી શકાય? સુલેમાન : સમજાયું. તમે કાવતરું રચ્યું છે. ફિકર નહિ. હું પોતે જ ફોજને હુકમ દઉં છું. [સુલેમાન જાય છે.] દિલેરખાં : હવે શું? કહો મહારાજ? જયસિંહ : કશી ધાસ્તીનું કારણ નથી, ખાં સાહેબ... મેં આખી ફોજને બરાબર કબજે કરી રાખી છે. દિલેરખાં : આપના જેવો કાબેલ મુસદ્દી મેં કદી નહોતો જોયો. પણ આ કૃત્ય શું લાજિમ છે, મહારાજ? જયસિંહ : ચૂપ! આપણું કામ તો અત્યારે જરા થંભી જઈને મામલો જોવાનું જ છે. હજુ આપણે ક્યાં ઔરંગજેબના પક્ષમાં પૂરેપૂરા ભળી ગયા છીએ? થોડી વાટ જોવી જ પડશે. કોને ખબર છે! [સુલેમાન ફરીવાર આવે છે.] સુલેમાન : હં! સિપાહીઓ પણ આ કારસ્થાનમાં શામિલ થઈ બેઠા છે. તમારા હુકમ વગર કદમ પણ દેવા તૈયાર નથી, મહારાજા! જયસિંહ : દસ્તૂર તો એમ જ હોયને! સુલેમાન : મહારાજ, શહેનશાહ મને મારા પિતાની કુમકે જવા લખે છે. પિતાની પાસે પહોંચવા મારું દિલ તલપી રહ્યું છે. હું તમને વિનતિ કરું છું, દિલેરખાં! હું દારાનો બેટો હાથ જોડીને તમારી પાસે ભીખ માગું છું કે તમે ચાલો, ને મારી સાથે લાહોર આવવા ફોજને હુકમ આપો. પછી હું જોઈ લઉં છું કે આ બળવાખોર ઔરંગજેબના બાવડામાં કેટલું જોર છે. મારી આ દિગ્વિજયી ફોજને લઈ જો હું અત્યારે પણ જંગમાં ઊતરી શકું તોયે હું જોઈ લઉં એ લૂંટારાને. મહારાજા, દિલેરખાં, ફોજને હુકમ કરો. એટલી મહેરબાની બદલ હું જિંદગીભર તમારો વેચાણ બની રહીશ. જયસિંહ : શું કરું, કુમાર સાહેબ, શહેનશાહના હુકમ વગર, આંહીંથી એક ડગલું પણ કાંઈ દેવાય છે? સુલેમાન : દિલેરખાં, હું તમારે પગે પડીને, હું યુવરાજ દારાનો દીકરો તમારી પાસે ઘૂંટણિયે પડીને ભીખ માગું છું. [સુલેમાન ઘૂંટણિયે પડે છે.] દિલેરખાં : શાહજાદા! ઊભા થાઓ. મહારાજ હુકમ ન દે તો હું દઉં છું. મેં દારાનું નિમક ખાધું છે. મુસલમાન કોમ નિમકહરામ કોમ નથી. ચાલો, શાહજાદા, હું મારા તાબાની તમામ ફોજને લઈ આપની સાથે લાહોર આવું છું. અને કસમ ખાઉં છું કે તમે મને છોડશો નહિ ત્યાં સુધી હું તમને નહિ છોડી જાઉં. જરૂર પડશે તો હું જાન આપીશ. ચાલો શાહજાદા! હું આ પળે જ હુકમ કરું છું. [સુલેમાન અને દિલેરખાં જાય છે.] જયસિંહ : બ...સ! આંસુનું એક ટીપું પાડવાની સાથે જ તમે પીગળી ગયા, મિયાં સાહેબ? ખેર, તમારું હિત તમે પોતે જ સમજી શક્યા, ત્યાં હું શું કરું? હું તો હવે મારી ફોજ લઈને આગ્રા જઈ પહોંચું.