શાહજહાં/પહેલો પ્રવેશ2

From Ekatra Wiki
Revision as of 10:55, 17 October 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પહેલો પ્રવેશ|'''અંક ત્રીજો'''}} સ્થળ : ખિજવામાં સૂજાની છાવણી. સમય : સંધ્યા. સૂજા એક નકશો તપાસે છે. પિયારા હાથમાં ફૂલહાર લઈ ગાતી ગાતી પ્રવેશ કરે છે. [ગીત] મેં તો હરખેથી બેસી બેસી ગૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પહેલો પ્રવેશ

અંક ત્રીજો


સ્થળ : ખિજવામાં સૂજાની છાવણી. સમય : સંધ્યા. સૂજા એક નકશો તપાસે છે. પિયારા હાથમાં ફૂલહાર લઈ ગાતી ગાતી પ્રવેશ કરે છે. [ગીત] મેં તો હરખેથી બેસી બેસી ગૂંથી આ ફૂલડાંની માળા રે તારે કંઠે આરોપવાને કાજે પરોવી કેવી માળા રે. મને કામ સૂઝ્યાં ન કાંઈ ઘરનાં — હું શુધ બુધ ભૂલી રે બેઠી ગૂંથું બકુલ કેરી છાંયે અકેલી ને અટૂલી રે. એની ઘેરી ઘટામાં મોર મેના બાપૈયા ગીત ગાતાં રે એની ડાળે પ્રભાત કેરા વાયુ હીંચીને લ્હેર ખાતા રે. કુંજ-કળીઓને હેતે હૂલવતાં પ્રભાત તે દી ખીલ્યાં રે એવા સાથીના સાથ માંહી બેસી મેં ફૂલડાં ઝીલ્યાં રે. એને ફૂલડે ફૂલડે જડ્યાં છે આંસુ તે દિનના સૂરજનાં રે એની કળીએ કળીએ મઢ્યાં છે ગીતો તે દિનના પવનનાં રે. એના અણુએ અણુમાં રહ્યાં છે મ્હેકી, પ્યારાજી. હાસ્ય તારાં રે એવી માળા આરોપું તારે હૈયે, ઓ નેનના સિતારા રે. [પિયારા સૂજાના કંઠમાં ફૂલહાર આરોપે છે.] સૂજા : [હસીને] આ શું, મારી વિજયમાળા, પિયારા? લડાઈમાં તો હજુ હું જીત્યો નથી ને! પિયારા : મારે તેની શી પરવા! મારે મન તો તમે સદાના જીતેલા છો. તમારા પ્યારના કેદખાનામાં હું કેદી બની રહી છું. તમે મારા માલિક છો, ને હું તમારી બાંદી છું. આજ્ઞા ફરમાવો! [ઘૂંટણ પર પડે છે.] સૂજા : આ વળી એક નવી જ તરેહનું નાટક આદર્યું તેં, પિયારા! અચ્છા, મારી કેદી, જા તને છોડી દેવામાં આવે છે. પિયારા : ના, મારે તો છૂટવું જ નથી. મને તો આ ગુલામી જ મીઠી લાગે છે. સૂજા : સાંભળ! હું એક ફિકરમાં પડ્યો છું. પિયારા : વળી શી ફિકર છે? જોઉં, હું એનો ઇલાજ કરી શકું તો. સૂજા : [નકશો બતાવી] જો પિયારા — આંહીં મીરજુમલાની તોપો છે, આ જગ્યાએ મહમ્મદના પાંચ હજાર ઘોડેસવારો છે, અને આ તરફ ઔરંગજેબ. પિયારા : ક્યાં! હું તો માત્ર કાગળિયો દેખું છું. બીજું તો કાંઈ દેખાતું નથી. સૂજા : અત્યારે તો આ આવી વ્યૂહરચના થઈ છે. પણ કાલે લડાઈ વખતે કોણ ક્યાં હશે, તે કહી શકાય નહિ. પિયારા : ના, તે તો કંઈ જ કહી શકાય નહિ. સૂજા : ઔરંગજેબનો દસ્તૂર એવો છે કે પ્રથમ એ તોપોના ગોળા વરસાવે, ને પછી તરત જ ઘોડેસવારો દોડાવી હુમલો કરે. પિયારા : વાહ! ત્યારે તો વાત સહેલી ન કહેવાય. સૂજા : તું તો કાંઈ સમજે જ નહિ! પિયારા : અરે વાહ રે! પકડી પાડી ને શું! કેમ કરીને સમજી ગયા! હેં, કહો તો ખરા, એટલું બધું તમે કેમ કરીને સમજી ગયા? ગજબ! બરાબર પકડી પાડી, હો! સૂજા : મારી ફોજ તાલીમ વગરની છે. પણ જો જશવંતસિંહને આ બાજુ લઈ શકું, એક વાર એને લખી જોઉં. પરંતુ — ઠીક, તારી શી સલાહ છે, પિયારા! પિયારા : તમને સલાહ આપવાનું મેં છોડી દીધું છે. સૂજા : શા માટે? પિયારા : શા માટે? એટલા માટે કે તમે સલાહ માનતા જ નથી. હું તમને બરાબર ઓળખું છું. મારી સલાહ પૂછો એ સાચું, પણ વિરુદ્ધ સલાહ આપીએ કે તરત તમે ખિજાઈ જાઓ છો. સૂજા : તે — હા — તે ભલે. પિયારા : એથી મેં તો પતિવ્રતા હિન્દુ ઑરતની માફક ખાવિંદની હામાં હા ભેળવવાનું જ હવે રાખ્યું છે. સૂજા : સાચી વાત છે. વાંક મારો જ છે. હું સલાહ માગું છું ખરો, પણ મનગમતી સલાહ ન મળવાથી ખિજાઉં છું — સાચું બોલે છે. પણ શું કરું? હવે સુધરવાનો ઇલાજ નથી. પિયારા : ઇલાજ હોત તો હું પોતે જ તમને ન સુધારત! પણ હવે તો હું મહેનત જ નથી કરતી. માત્ર મારી મેળે ગાયા કરું છું. સૂજા : સુખેથી ગા. તારું ગાન તો જાણે સુરા છે. સેંકડો વેદનાને વીસરાવી દે છે. આ કઠોર સત્ય જગતમાંથી ઊંચકીને દૂર ઉપાડી જાય છે. તું ગાય છે ત્યારે લાગે છે કે જાણે કોઈ ઝંકાર મને ઘેરી રહ્યો છે. તે વખતે આસમાન, પૃથ્વી કે બીજું કાંઈ જાણે દેખાતું નથી. ગા. યુદ્ધ તો હજુ કાલે છે. હજુ ઘણી વાર છે. તે વખતે થવાનું હોય તે થાય. આજ ગાયા કર. પિયારા : સાંભળવું હોય તો પ્રથમ આ પૂનમની ચાંદનીમાં દિલ નવરાવી લ્યો. તમારાં વાસના-પુષ્પોને પ્યારરૂપી ચંદનનું લેપન કરી લ્યો. ત્યાર પછી હું ગીત ગાઉં, અને તમે તમારાં એ ફૂલો મારે ચરણે ધરી દો. સૂજા : હા! હા! હા! ભારી સુંદર ભાષા બોલી! જો કે તારી ઉપમાઓનું રસપાન તો આ બંદારામ હજી કરી શક્યા નથી! પિયારા : ચૂપ! હું ગાઉં ને તમે સાંભળો. પ્રથમ તો આ જગ્યાએ ટેકો દઈને આવી રીતે બેસો. ત્યાર પછી હવે આ હાથ આ જગ્યાએ આવી છટાથી ગોઠવી રાખો. પછી હવે આંખો મીંચો. ખ્રિસ્તી લોકો બંદગી કરતી વખતે મીંચે તેવી રીતે — એટલે કે મૉંએથી બોલે કે ‘અંધારેથી ઉજાસમાં લઈ જા’ — પણ સાથોસાથ શરીરથી તો, ઈશ્વરે જેટલો પ્રકાશ આપ્યો છે તેટલાને પણ આંખો બીડીને અંધકાર કરી બેસે! સૂજા : હા! હા! હા! હા! તારી બીજી વાતો તો ઠીક, પણ જ્યારે તું આ બગલા ભગતોની મશ્કરી કરે છે, ત્યારે મને બહુ જ મીઠું લાગે છે, કેમ કે હું કોઈ ધર્મને માનતો જ નથી. દારા હિન્દુડો થઈ ગયો છે — ઢૉંગી. ઔરંગજેબ ઝનૂની મુસલમાન. એ ય ઢૉંગી. મુરાદ ચુસ્ત મુસલમાન નથી એટલે પણ ઢૉંગી. પિયારા : અને તમે કોઈ ધર્મને માનો નહિ એટલે ઢૉંગી. સૂજા : શાનો? હું તો એકેય ધર્મનો ડૉળ જ નથી કરતો. હું તો એને ચોખ્ખું કહું છું કે મારે તો શહેનશાહ થવું છે. પિયારા : એ પણ ઢૉંગ જ. સૂજા : ઢૉંગ શાનો? દારાની તાબેદારી કબૂલવા હું તૈયાર હતો, પણ ઔરંગજેબ કે મુરાદનો તો હું મોટેરો ભાઈ છું. પિયારા : ઢૉંગ, મોટેરા ભાઈ હોવું એ પણ ઢૉંગ. સૂજા : કઈ રીતે! વહેલો જન્મ્યો’તો ને? પિયારા : વહેલા જન્મવું એ પણ ઢૉંગ. વળી વહેલા જન્મવામાં તમારી પોતાની તો કશી જ બહાદુરી નહોતી. એટલા ખાતર તમે સિંહાસનનો વધુ દાવો ન કરી શકો. સૂજા : કેમ નહિ? પિયારા : એમ તો આપણો બબરચી આ રહમતઉલ્લાખાં તમારાં કરતાં ક્યાંયે વહેલો જન્મ્યો છે. તો પછી તમારા કરતાં સિંહાસન પર એનો દાવો મોટો? સૂજા : એ કાંઈ શાહજાદો થોડો છે? પિયારા : શાહજાદો થવામાં શી વાર લાગે? સૂજા : હા! હા! હા! હા રે તારી દલીલો! લે દલીલ કર ના, તું તો ગાન જ ગા — તારાથી એ જ બનશે. [પિયારાનું ગીત] મને બાંધી રાખી છે કયા બંધથી રે. હું તો થાકી છું છૂટવા મથી મથી રે. મને મીઠી લાગે છે તારી કેદ, હવે છોડી દે તોય છૂટવું નથી રે. — મને. મારા જાતાં જાતાં તે પગ ઝલાય છે રે, અને આવે વિજોગની યાદ હવે અળગા થાવું ન તારી આંખથી રે. — મને. સૂજા : પિયારા, ઈશ્વરે તને શા માટે સરજી? આ સૌંદર્ય, આ રસિકતા ને આ સંગીત : આવી દેવતાઈ વસ્તુને પ્રભુએ આ કઠોર મૃત્યુલોકમાં શા માટે પેદા કરી, પિયારા? પિયારા : તમારે ખાતર, વહાલા!