સોરઠી બહારવટિયા ભાગ-2/માછરડાનું ધીંગાણું

Revision as of 11:03, 20 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માછરડાનું ધીંગાણું|}} {{Poem2Open}} ડુંગરની ભેખ ઉપર માથું ઢાળીને મૂળુ માણેક બેઠો છે. રોઈ રોઈને આંખો ઘોલર મરચા જેવી રાતી થઈ ગઈ છે. પડખે બેઠેલા માણસો એને દિલાસો આપવા લાગ્યા. “મૂરુભા! છા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
માછરડાનું ધીંગાણું

ડુંગરની ભેખ ઉપર માથું ઢાળીને મૂળુ માણેક બેઠો છે. રોઈ રોઈને આંખો ઘોલર મરચા જેવી રાતી થઈ ગઈ છે. પડખે બેઠેલા માણસો એને દિલાસો આપવા લાગ્યા. “મૂરુભા! છાતી થર રાખો. હવે કાંઈ મૂવેલો દેવોભા પાછો થોડો આવે તેમ છે?” “ના, ભાઈ! મૂવો તે કારણે હું રોતો નથી. એવા સાત ભાઈને પણ રણછોડરાયના નામ માથે ઘોળ્યા કરું. પણ દેવો તો અમારા કુળને બોળીને મૂવો.” થોડી વારમાં બહારવટિયો છાનો રહ્યો. પછી બોલ્યો, “મારી મનની મનમાં રહી ગઈ. દેવાના કટકા મારાથી થઈ શક્યા હોત તો મારા હાથ કેવા ઠરત! દુનિયાને દેખાડત કે ભાઈએ સગા ભાઈને અધરમ સાટુ છેદી નાખ્યો. પણ હવે બાજી ગઈ.” “મુરુભા! માછરડાને પાદર વડલા નીચે સાહેબોએ દેવુભાની લોથ લટકાવી છે.” “ભલે લટકાવી… જગત જોશે કે અધરમીના એવા હવાલ હોય છે. રંગ છે સાહેબોને. ભલે એની કાયાને કાગડા-કૂતરાં ખાતાં.” “મુરુભા! હવે ઈ લોથમાં તો દેવુભાનો આતમા નથી રહ્યો; પાપનો કરનારો પ્રાણ તો ચાલ્યો ગયો છે અને ખોળિયું તો હિંદુ-મુસલમાન સહુને મન સરખું જ પાક લેખાય. એ ખોળિયાને અવલમંજલ પોગાડ્યા વિના દેવુભાનો જીવ પ્રેતલોકમાં જંપશે નહિ.” “ભલે, તો લઈ આવીએ.” માછરડાને પાદર પાકી ચોકી વચ્ચે દેવાનું મુડદું લટકે છે. દેવાએ ન કરવાનું પાતક કર્યું હતું. મૂળુએ જાકારો દીધો પછી દેવા પોતાનાં ત્રીસ માણસોની સાથે ગામડાં ભાંગતો ને કુફેલ આચરતો. એક દિવસ બહારવટિયા બુટાવદર નામના ગામ પર પડ્યા, ગામ ભાંગ્યું, ગામનો કોઠો કબજે લીધો. હીણી મતિના ભાઈબંધોનો ચડાવ્યો દેવો દારૂમાં ચકચૂર બન્યો. અને એ અક્કલ ખોઈ બેઠેલાના કાનમાં ભેરુએ ફૂંક્યું કે “દેવુભા! આહીરના દીકરાની વહુ : તારે લાયક એનાં રૂપ : તું આ ગામનો રાજા કહેવા : હુકમ દે, ઉઠાવી લાવીએ!” “રે’વા દે : દેવુભા, અલ્લાના કસમ છે તને! એ કામો રે’વા દે! ખુદાનો ખોફ ઊતરશે, રે’વા દે!” મકરાણી સાથી શકર જમાદાર, કે જે ખંભાળિયેથી દેવાની સાથે ભળેલો, તેણે આ બૂરાઈને રસ્તેથી દેવાને ઘણો ઘણો વાર્યો, પણ દેવાનો દેવ રૂઠ્યો હતો. વરવો ચંદ્રવાડિયો નામે આહીર : એના દીકરા શવાની આણાત સ્ત્રીને અધરાતે ઉઠાવી જઈ લંપટોએ કોઠામાં પૂરી. આખી રાત એ કાળો કોઠો આહીર અબળાને વિલાપે કંપતો રહ્યો. સવારે એને પાછા ઉઠાવી ઘેરે નાખી ગયા. બીજા દિવસની અધરાત પડી. કોઠામાંથી કુકર્મીઓ ફરી વાર વછૂટ્યા. આહીરને ઘેર આવ્યા. ઘરમાં આહીરાણીને ન દેખી. વરવાને પૂછ્યું : “ક્યાં છે બાઈ? બતાવ!” “હું નથી જાણતો.” “દ્યો એને ડામ.” વરવાને શરીરે જામગરીઓ ચાંપી ચાંપી ડામ દીધા. વેદના ન સહેવાણી ત્યારે વરવો માન્યો: “આ પટારામાં છે.” પટારામાંથી બાઈને ઉઠાવી. પ્રભાતે એનું અધમૂઉં ખોળિયું પાછું આવ્યું. ઓખામંડળની ધરતી પર નિસાસા વરસાવતી આહીરાણીએ શ્વાસ બંધ કર્યા. બુઢ્ઢો આહીર વરવો જાણે આભને પૂછતો હતો કે “ક્યાં જાઉં!” “ઢાંકને ડુંગરે. જલદી પોગ, સાહેબોનું જૂથ છે,” ધીરે અવાજે એટલું જ બોલીને એક વટેમાર્ગુ ચાલ્યો ગયો. મુઠ્ઠીઓ વાળીને વરવાએ હડી દીધી. શ્વાસભર્યો, અંધારાભરી આંખે ઢાંક પહોંચ્યો. ગોરાઓની બંદૂકો ડુંગરાની અંદર દીપડાના શિકાર ખેલે છે. કાઠિયાવાડ એજન્સીના અંગ્રેજ અમલદારો, જેની જુવાની જળભરપૂર સાયર જેવી છલકી રહી છે, તેના પગોમાં આહીરે માથું મેલી ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું. પોતાને માથે ગુજરેલા અકેકારની કથની કહી. જુવાન ગોરાનું લોહી તપી ગયું, પૂછ્યું : “ક્યાં છે બદમાશો?” “બુટાવદરના કોઠામાં.” અંગ્રેજોએ ઘોડાં પલાણ્યાં. ઈ. સ. 1867ના ડિસેમ્બર મહિનાની 29મી તારીખ છે. ગોરાઓનો પાક દિવસ છે, લૂંટારાઓને ઠાર કરી મોટાં ઇનામો મેળવવાના કોડ ઊછળે છે. આજનું ટાણું કે દી આવશે? આવો સોંઘો સુજશ ફરી નહિ જડે. કાલી પલટણના મેજર રનોલ્ડ (12 નંબરની બૉમ્બે કૅવલ્રી) આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કૅપ્ટન હેબર્ટ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કૅપ્ટન લાટૂશ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કૅપ્ટન હૅન્ડરસન કૅપ્ટન હૅરિસન જમાદાર અલવી જામનગર સિબંધીના જમાદાર નથુ આલા જામનગર સિબંધીનારાજા બહાદુર જાલમસિંહ — એટલા જણાની સરદારીએ ફોજ ઊપડી. ઘોડાંનો ઘેર થઈ ગયો. બંદૂકોમાં કારતૂસ ચડી ગયા. આભ ધૂંધળો થયો. બુટાવદરના કોઠા ઉપરથી ચાડીકાએ ડમરી દીઠી, એટલે દેવાને ચેતવ્યો કે “દેવાભા, વાર આવી વરતાય છે.” ફોજ પહોંચે તે પહેલાં તો કોઠા ઉપરથી ઠેકી ઠેકીને દેવાની ટુકડી ભાગી છૂટી અને વહારે એનો પીછો લીધો. વાઘેરો ઊતરીને વડાળી ગયા. વડાળી થઈને નવાગામ નીકળ્યા. નવાગામના વાડમાં પલટનના માણસો આંબી ગયા. ધીંગાણું થયું. બે વાઘેર ને ત્રણ પલટનિયા કામ આવ્યા, પછી ફોજવાળાએ ઓડા બાંધ્યા. સાહેબે આજ્ઞા કરી કે “રાજાબહાદુર જાલમસંગ! તમે ફગાસિયા અને જામવાળીના ડુંગરા ઝાલો.” જાલમસંગ ફગાસિયે ચાલ્યા અને વાઘેરોએ માછરડાની ધાર ઝાલી. માછરડાની ધાર તો નાની એવી ટેકરી છે. ચારેય બાજુ મેદાન છે. ઉગમણી નદી ચાલી છે. ટેકરી ઉપર કાંઈયે ઓથ નથી. ત્યાં વાઘેરોએ ખાડા ખોદીને જેવી તેવી આડશ કરી દીધી. ત્રણસો હથિયારધારીઓએ ત્રણ બાજુથી લૂંટારાને વીંટી લીધા. “સાહેબ!” ઉપર પહોંચવા માટે આકળા ગઈ ગયેલા ગોરા સાહેબ લાટૂશને રાવ બહાદુર પોપટજી વેલજી નામના અધિકારીએ વાર્યા, “સાહસ નથી કરવા જેવું. ધીરા રહેજો!” “હવે વાણિયો થા મા, વાણિયો!” એવા જલદી જવાબ આપીને લાટૂશે ધાર ઉપર ઘોડાં મારી મૂક્યાં. ઉપરથી બહારવટિયાની ગોળીઓના મે’ વરસ્યા. પેડુમાં જખમ ખાઈ જુવાન લાટૂશ ઘોડા ઉપરથી ઊછળ્યો, નીચે પટકાયો. ફોજના ગોળીબારે વાઘેરોનો પણ સોથ વાળ્યો. દુષ્ટ દેવોભા પણ છેલ્લે છેલ્લે ખરી બહાદુરી બતાવતો, જખમોમાં વેતરાઈ જઈને ઢાલને ટેકે પડ્યો હતો. બાજુમાં બે-જોટાળી બંદૂક હતી. મરતો મરતો એ મિયાં અલવીની વાટ જોતો હતો. અલવીને પોતાની સાથે લઈ જવાની એની છેલ્લી ઇચ્છા હતી. એ વખતે લાટૂશના મૉતથી વીફરેલો હેબર્ટ હાથમાં ઉઘાડી તરવાર લઈ ઘૂમતો હતો. એણે એક જગ્યાએ દેવાને પડેલો દીઠો. એને મૂએલો માની ગોરો તરવારની અણી હુલાવવા ગયો. મરણની તૈયારી કરતા વાઘેરે સૂતાં સૂતાં પોતાના પડખામાં પડેલી બંદૂક ઉપાડી હેબર્ટને ત્યાં ને ત્યાં ફૂંકી દીધો અને પોતે પણ થડકારાથી શ્વાસ છોડ્યા. (કહે છે કે લાટૂશને પણ દેવાએ ત્યાં જ મારેલો.) એ ધીંગાણામાં કામ આવેલા ઓગણીસ લૂંટારાની લાશો બીજે દિવસે માછરડાને પાદર વડલાની ડાળે લટકી ત્યારે મુલકમાં થરેરાટી બોલી ગઈ. મધરાતે મૂળુ માણેક આવી પહોંચ્યો, ચોકી વચ્ચેથી ભાઈની લાશ ઉપાડી ગયો. સોગઠીને પાદર જઈને લાશને દેન દીધું. માણેકે માંડવ રોપિયો, વાગે ત્રંબક તૂર; દેવે ખાગેથી ડંસિયા, હેબટ ને લટૂર. [માણેક વાઘેરે માંડવા રોપ્યા, ત્રાંબાળુ ઢોલ ને તૂરીના નાદ થયા. દેવાએ તરવારથી હેબર્ટ ને લાટૂશ બંને ગોરાઓને માર્યા.] માછરડે શકત્યું મળી, પરનાળે રગત પીવા, અપસર થઈ ઉતાવળી, વર દેવો વરવા. આજ ત્યાં — માછરડા પર — બે સાહેબોની કબરો છે. બુઢ્ઢા વાઘેરો દ્વારકાને બંદીખાને પડ્યા પડ્યા રોજેરોજ અને પહોરે પહોર ધીંગાણાંના સમાચારની વાટ જુએ છે. બહારવટામાં કોણ કોણ મર્યું તેની બાતમી આ બુઢ્ઢાઓને દરોગો આપ્યા કરે છે. એ રીતે એક દિવસ દરોગાએ સંભળાવ્યું કે “રવા માણેક!” લબડતી ચામડીવાળા, સુકાયેલા વાઘેર કેદીએ ઊંચું જોયું. “રવા માણેક! માછરડાની ધારે તારો દેવો મર્યો.” સૂકું મોં મલકાવીને કેદીએ માથું ધુણાવ્યું, “મરે નહિ, જેલર સા’બ! મારો દેવડો આમે આમે મરે નહિ. ખોટી વાત.” સાંભળતાં જ બુઢ્ઢાની આંખ ચળકી. ટટ્ટાર થઈને એણે પૂછ્યું, “બે ગોરાને?” “હા, હેબર્ટને અને લટૂરને.” “આહ! ભા દેવડો ભા! રંગ આય! રંગ આય! રંગ દેવડો!” એટલું બોલતો બુઢ્ઢો હરખના ઉન્માદમાં ત્યાં ને ત્યાં ઢગલો થઈ પડ્યો. પોરસથી એની છાતી ફુલાણી અને શ્વાસ ચાલ્યો ગયો.