સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/માણસિયો વાળો

From Ekatra Wiki
Revision as of 07:03, 9 November 2022 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
માણસિયો વાળો

સોરઠના હૈયા ઉપર ભાદર વહે છે. સૂરજને અંજલિ છાંટતી જાણે કાઠિયાણી ચાલી જાય છે. કાળમીંઢ પથ્થરો વચ્ચે થઈને સૂરજનાં કિરણોમાં ઝલક ઝલક વહેતો એનો મસ્ત પ્રવાહ કાળા રંગના મલીરમાં ઢંકાયેલા ચંપકવરણા દેહ જેવો દેખાય છે. એક ચારણે જીવતી ચારણીઓના મોહ છોડી એ ભાદરની સાથે વિવાહ કરવાનાં વ્રત લીધાં હતાં.[1] એવી વંકી ભાદરની ભેખડ ઉપર ઊભો રહીને જેતપુરનો માણસિયો વાળો સમળાઓની સાથે ક્રીડા કરી રહ્યો છે. દયાધર્મના ધુરંધરો પારેવાંને ચણ નાખે, રૂપના આશકો મોરલા-પોપટને રમાડે છે, પણ માણસિયા વાળા દરબારનો શોખ હતો : પોતે જમીને પછી સમળાઓને રોટલા ખવરાવવાનો. દરબારગઢની પછવાડે જ ભાદરની ઊંચી ભેખડો છે. ત્યાં ઊભીને માણસિયો રોટલાનાં બટકાં ઉછાળે, ઉપર આભમાં ઘટાટોપ થર વળીને ઊડતી એ પંખિણીઓ અધ્ધરથી ને અધ્ધરથી એ બટકાં ઝીલી લે, પાંખો ફફડાવીને પોતાના પ્રીતમ ઉપર જાણે કે પંખા ઢોળે અને આભમાં ચકરચકર ફરીને કિળેળાટ કરતી સમળીઓ રાસડા લેતી લાગે. માણસિયો વાળો નિર્વંશ છે. પિત્રાઈઓની આંખો એના ગરાસ ઉપર ચોંટી છે. જેતપુરમાં જેતાણી અને વીરાણી પાટી વચ્ચે રોજરોજ કજિયા-તોફાનો ચાલ્યા કરે છે. એવે જ ટાણે ગાયકવાડના રુક્કા લઈને અંગ્રેજોની પાદશાહી કાઠિયાવાડને કાંઠે ઊતરી પડી. એજન્સીના તંબૂની ખીલીઓ ખોડાવા મંડી. સોલ્જરોના ટોપને માથે સોનેમઢ્યાં ટોપકાં સૂર્યના તેજમાં ચમકવા લાગ્યાં. લાંગ સાહેબ સોરઠનો સૂબો થઈને આવ્યો. કાઠિયાવાડને સતાવનાર લૂંટારાઓમાં માણસિયા વાળાનું નામ પણ લાંગની પાસે લેવાણું. લાંગે માણસિયા વાળાને તેડાવ્યો. પોતાના ત્રણસો મકરાણીઓને શસ્ત્રો સજાવીને માણસિયો વાળો રાજકોટમાં દાખલ થયો. હમણાં પલટન વીંટળાઈ વળશે, હમણાં માણસિયાને હાથકડી નાખી દેશે, હમણાં એની જાગીર પિત્રાઈઓમાં વહેંચાઈ જશે — એવી અફવાઓ રાજકોટમાં ફેલાઈ ગઈ. સોલ્જરોના ઘોડા માણસિયા વાળાના ઉતારા આગળ ટહેલવા લાગ્યા. કીરચોના ઝણઝણાટ અને સોલ્જરોનાં બખતરની કડીઓના ખણખણાટ સંભળાવા માંડ્યાં. બીજી બાજુ, માણસિયાએ દાયરો ભરીને પોતાને ઉતારે કસુંબાની છોળો માંડી છે. સગાં-વહાલાં, ઓળખીતાં-પાળખીતાં, હેતુમિત્ર માણસિયા વાળાને રંગ દેતાં પ્યાલીઓ ગટગટાવે છે. જે ઘડીએ સોલ્જરોના થોકેથોક વળવા મંડ્યા, પલટનના ઘોડાઓના ડાબા સડક ઉપર ગાજવા મંડ્યા, તોપના રેંકડા દેખાવા શરૂ થયા, તે ઘડીએ દાયરો વીંખાવા મંડ્યો. કોઈ કહે, ‘છાશ પી આવું,’ કોઈ કહે, ‘જંગલ જઈ આવું,’ ને કોઈ કહે, ‘નાડાછોડ કરી આવું,’ જોતજોતામાં એકેય ઘરડું-બુઢ્ઢું માનવી પણ ન રહ્યું. સહુને જીવતર વહાલું લાગ્યું. આપો માણસિયો હસવા લાગ્યો. “કાં ભાઈ મકરાણીઓ!” આપા બોલ્યા : “તમારે કાંઈ કામેકાજે નથી જાવું? ઊઠો ને, એક આંટો મારી આવો ને!” “ગાળ મ કાઢ્ય, દરબાર, એવડી બધી ગાળ મ કાઢ્ય. હુકમ દે એટલે આખા રાજકોટને ફૂંકી મારીએ.” ત્રણસો મકરાણીઓ જંજાળ્યોમાં સીસાં ઠાંસીને બેઠા છે. પાણી પીવા પણ એકેય ઊઠતો નથી. કલાક, બે કલાક, ત્રણ કલાક! અને સોલ્જરો વીંખાવા મંડ્યા. તોપોના રેંકડા પાછા વળ્યા. ઘોડાના ડાબા ગાજતા ગાજતા બંધ પડ્યા. અને થોડી વાર થઈ ત્યાં તો રાજકોટના ઠાકોર મેરામણજીની છડી પોકારાણી. માણસિયો અને મેરામણજી એકબીજાને બથમાં ઘાલીને મળ્યા. “આપા માણસિયા,” મેરામણજીએ મહેમાનની પીઠ થાબડીને કહ્યું : “સાહેબે રજા આપી છે. જેતપુર પધારો.” “કાં, મળવા બોલાવ્યો’તો ને સાહેબને મળ્યા વગર કાંઈ જવાય?” “માણસિયાભાઈ, સાહેબને નવરાશ નથી. હું એને મળી આવ્યો છું. હવે સીધેસીધા જેતપુર સિધાવો.” “ના ના, મેરામણભાઈ! એમ તો નહિ બને. સાહેબને રામ રામ કરીને હાલ્યો જઈશ.” “કાઠી! હઠ કરો મા; સરકારનાં સેન સમદરનાં પાણી જેવાં છે; એનો પાર ન આવે.” “અને, મેરામણજીભાઈ! માણસિયાનેય સમદરમાં નાહવાની મોજ આવે છે; ખાડાખાબોચિયામાં ખૂબ નાયા.” એટલું બોલીને માણસિયા વાળાએ લાંગની છાવણી પાસે થઈને પોતાની સવારી કાઢી.

એક દાણ હલ્લાં કરી લાંક સામાં બકી ઊઠ્યા,
ખેર ગિયાં લાંક મૉત નિશાણીકા ખેલ,
તીનસો મકરાણી ભેળા ચખ્ખાંચોળ મૂછાં તણી,
ઉબાણી વેગસુ આયા ઘરાંકું આઠેલ.
અને
થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,
ફરી જાવે આંક તૂર વિધાતાકા ફાલ,
માણસી જેતાણી મૃત્યુકાળથી ઓઝપી જાવે,
(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે હો જાવે પેમાલ.

એવી રીતે માણસિયો વાળો જેતપુર આવ્યો.

*

છેવટે પિત્રાઈઓની અદાવત ફાવી. સગાં-વહાલાંઓએ જ એ સિંહને પાંજરે નખાવ્યો. ‘ગાંડો! ગાંડો!’ કરીને પિત્રાઈઓએ માણસિયાને કાળા કોઠામાં કેદ કરાવ્યો. બંદીવાન ખાતો નથી, પીતો નથી, આસમાન સામે આંખો માંડીને બેઠો રહે છે. ત્યાં તો ‘ક....ર...ર....ર...ર!’ એવો પ્રીતભર્યો સૂર એણે આભમાં ઊડતી સમળીની ચાંચમાંથી સાંભળ્યો. “આવ! આવ! આવ!” એવા આપા માણસિયાએ આવકારા દીધા. સમળી પાંખો સંકેલીને નીચે ઊતરી, કોઠા ઉપર આંટા લેવા લાગી. આપાએ પોતાની ભેટમાંથી કટાર ખેંચી, પોતાના પગની પિંડી ઉપર ચીરો માર્યો, તરબૂચની ડગળી જેવું લાલ ચોસલું પોતાના દેહમાંથી વાઢીને આપાએ અધ્ધર ઉલાળ્યું. સમળીએ આનંદનો નાદ કરીને અધ્ધરથી એ ભોજન ઝીલ્યું. બીજી સમળીએ ચીસ પાડી. બીજું ચોસલું માણસિયાએ પોતાની મસ્તાન જાંઘમાંથી વાઢીને ઉછાળ્યું. ત્રીજી આવી, ચોથી આવી; જોતજોતામાં તો સમળીઓના થર બંધાઈ ગયા; આપાને આનંદના હિલોળા છૂટ્યા. હસતો હસતો, પંખિણીઓને પ્યાર કરતો કરતો, આપો પોતાની કાયા વાઢતો ગયો અને આભમાં મિજબાની પીરસતો ગયો. સાંજ પહેલાં એણે દેહ પાડી નાખ્યો. પિત્રાઈઓનાં મોઢાં શ્યામ બન્યાં. માણસિયાની નનામી નીકળી છે. આભમાં સમળીઓનાં ટોળાં ઊડે છે. પોતાનો પ્રિયતમ જાણે કે શયનમંદિરમાં પોઢવા પધારે છે એમ સમજીને સમળીઓ નીચે ઊતરી, શબને વળગી પડી, પોઢેલા સ્વામીનાથને પંખા ઢોળવા લાગી. લોકોએ વાંસડા મારી મારીને પંખીને અળગાં કર્યાં. ચિતાને આગ મેલાણી અને ચારણે મોઢું ઢાંકીને મરશિયા ઉપાડ્યા :

ગરવરનાં ગરજાણ, ઊડી આબૂ પર ગિયાં,
માંસનો ધ્રવતલ મેરાણ, ઢળિયો જેતાણા ધણી.

[આજ ગિરનારનાં ગીધ પંખીઓ ઊડીને આબુ પહાડ ઉપર ચાલ્યાં ગયાં, કેમ કે એ પંખીડાંને માંસથી તૃપ્ત કરનાર શૂરવીર તો ઢળી પડ્યો છે.]

પંડ પર જાડી પસતોલ, ખાંભીનાં ભરવાં ખપર,
(તેં) કપાળુંમાં કૉલ, માતાને આલેલ માણશી!

[હે માણસિયા, તું આજ આ રીતે કેમ મૂઓ? તેં તો તારા શરીર પર પિસ્તોલ મારીને લોહીથી દેવીના ખપ્પર ભરવાનો છૂપો કૉલ દેવીને દીધો હતો!]

ઉતાર્યાં આયર તણાં, ધડ માથાં ધારે,
તોરણ, તરવારે, માંડવ વેસો, માણસી!

[તેં તરવારની ધાર વડે આહીરોનાં માથાં વાઢ્યાં હતાં, અને તરવારોનાં તોરણ બાંધીને જાણે કે તારા વિવાહ ઊજવ્યા હતા, હે માણસિયા!]

નાળ્યુંના ધુબાકા નૈ, ધડ માથે ખગ-ધાર,
કાંઉં સણીએ સરદાર, મરણ તાહળું, માણસી!

[હે માણસિયા વાળા, આ શું કહેવાય? આવું શાંત મૃત્યુ તારે માટે સંભવે જ કેમ? તું મરે ત્યારે તો બંદૂકોના ભડાકા હોય અને તારા શરીરને માથે તરવારની ધાર ઝીંકાતી હોય; એને બદલે તું છાનોમાનો શીદ મૂઓ, બાપ?]

ગઢ રાજાણું ગામ, (જે દી) મેડે ચડી જોવા મળ્યું,
તે દી જેતપરા જામ, (તારે) મરવું હતું, માણસી!

[તારે તો તે દિવસે મરવું ઘટતું હતું. જે દિવસે રાજકોટમાં તું લાંગ સાહેબને મળવા ગયો હતો અને તારાં શૌર્ય નિહાળવા આખા ગામનાં નરનારીઓ માર્ગની બન્ને બાજુ મેડીએ ચડ્યાં હતાં.]

ચે માથે શકત્યું તણા, પાંખાના પરહાર,
ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી!

[તારી ચિતા ઉપર સમળીરૂપી શક્તિઓ આવીને પાંખોના પ્રહારો કરે છે. તારા સરખા શૂરવીરના માંસનું ભક્ષ કરવા એ સુંદરીઓનાં વૃંદ વળ્યાં છે.] માણસિયાનું મૃત્યુગીત [ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિત્રાઈઓને ફિટકાર આપે છે.]

1

કાંસા ફૂટ્યા કે ન ફૂટ્યા બાગા રણંકા હજારાં કોસ,
મીટે કાળ આગે ભાગા બચે કોણ મૉત,
મીરખાને ખોટ ખાધી સવાઈ કમંધ માર્યા,
ડોલી મારવાડ બાધી ટકાવે દેશોત.

2

પેલકે પાંકડે ધીંગ દેવીસિંગ માર્યા પોતે,
મહારાજ ખૂટી ગિયા તીન ઘડી માંય,
પાણીઢોળ કીધો આઠે મસલ્લાકો આણીપાણી,
જોધાણે ગળીકા છાંટા કે દિયે ન જાય,

3

માન ગેલે ત્રીજી બેર વાટે પ્રાગજીકું માર્યા,
ઓઠે વાળ્યા ઝાલા બાધા એકેથી અનેક,
ઝાલારી ચાકરી કીધી માથે પાણીફેર જોજો
હળોધકી ગાદીકું લગાડી ખોટ હેક.

4

કાઠિયાવાડમાં હુવો અસો ન બૂરો કામો,
દગાદારે દેખ્યા આગે ખૂનિયારો દેખ,
સત તો બત્રીશ માંહી બેઠી ખોટ જગાં સુધી,
મંડી સાવ સોનાથાળી માંહી લુવા મેખ,

5

એક દાણુ હલ્લાં કરી લાંક સામા બકી ઊઠ્યા,
ખેર ગિયા લાંક મૉત નિસાણીકા ખેલ,
તીન સો મકરાણીભેળા ચખાંચોળ મૂછાં તાણી,
ઉબાણી તેગસું આયા ઘરાકું અઠેલ.

6

થાહ સમંદરાં આવે, આભ જમીં એક થાવે,
ફરી જાવે આંક તુર વિધાતાકા ફાલ,
જેતાણી માણસી મૃત્યુકાળથી ઓઝપી જાવે,
(તો તો) પૃથ્વી પીઠ ઊંધા થાવે, હો જાવે પેમાલ.

7

કોરવાસું ભીમસેન પાછા પાગ દેવે કેમ,
રામદૂત બીવે કેમ રાખસાંકી રીડ,
કાળભદ્ર જાતિવાળા તોછાં નીર પીવે કેમ,
કેદ કીધા જીવે કેમ શાદૂળા કંઠીર.

8

તોપાંકા મોરચા માથે હલાતા હાકડા તાડે,
ફોજાંકા ફાકડા કરી જાતો ગજાફાડ,
કાળઝાળ આવી પૂગી સાત હીં સમંદ્ર જાગી,
કાઠિયાવાડરા ભાંગ્યા લોઢારા કમાડ.

9

મૂળરાજ નાજાણી નોહોતા તો તો જાતી માથે,
હેઠું ઘાલી બેઠ બાધા પડ્યા ભોંય હાથ,
જેતાણું ડોલતું રાખે ન જાણ્યું હરામજાદે,
નીગમ્યો હરામજાદે જેતાણાકો નાથ.

10

ગોત્રહત્યા ઊતરે ના હેમાળામાં હાડ ગાળ્યે,
જજ્ઞ ક્રોડ કર્યે ગોત્રહત્યા નહિ જાય,
નશાં રવિમંડળમાં અવિચળ કરી નામો,
માણસિયો ગિયો સુરાંપૂરાં લોક માંય



  1. પચાસ-સાઠ વર્ષ પૂર્વે કમરહંસ નામના ચારણે પોતાની સ્ત્રીનું અવસાન થયા પછી બીજી સ્ત્રી પરણવાની ના પાડી હતી અને વિધિપૂર્વક ભાદર નદી સાથે વિવાહ ઊજવી, ધુમાડાબંધ ગામ જમાડ્યું હતું. એનો ત્રુટક દુહો પણ બોલાય છે કે : ભાદર જેસી ભામની, કમરહંસ જેસો કંથ; હંસલી જેસી હોય (તો) કમરહંસ વિવા કર