કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૧૯. અનોખાં ઈંધણાં
અંગારા ઓલાણા અવધૂત ઊઠિયા,
પડી ગઈ પછવાડે રફરફતી રાખ;
એવી રે ધૂણીમાં જીવતર જોગવ્યે
પલટે પ્રાણ શણે મથી મરો લાખ!
અનોખાં ચેતાવો આતમ, ઈંધણાં.
ચરણધૂલિની ચપટી ભરો,
સૂની મઢીની મનાવો છત્તરછાંય;
આઘી રે ચેતનવંતી ચાખડી,
આઘા મરમી મોભીડા સમરથ સાંઈઃ
અનોખાં ચેતાવો આતમ, ઈંધણાં.
વીણો રે પરસાદી પડિયલ પાંદડાં,
રાખો સૂકાં સંભારણાંનાં ફૂલ;
કૂંપળે ગરુની કિરપા કોળતી,
ઉગતલ કળિયુંમાં એનાં ગૂઢાં મૂલઃ
અનોખાં ચેતાવો આતમ, ઈંધણાં.
સમાધે સળગાવો ઘીના દીવડા,
આભે ફરુકાવો નેજા અઠંગ!
આંખોની ઉજમાળી જ્યોતું નંઈ જડે,
રામે રૂદિયામાં ઘૂંટેલ રંગઃ
અનોખાં ચેતાવો આતમ, ઈંધણાં.
આમળિયા તાણો રે તંબૂર-તારના,
મેળવો મંજીરાની ઠાકમઠોર;
શબદે સમાણી કોણે સાંભળી
વાણી અલેક પુરુષની અઘોર!
અનોખાં ચેતાવો આતમ, ઈંધણાં.
ધગતા ઢેખાળે જીવતર નંઈ ઝગે,
જેના મરી ગિયા માંહ્યલા અંગાર;
પંડમાં પોઢેલા જગવો દેવતા,
પ્રાણે પ્રગટાવો અસલી અંબાર!
અનોખાં ચેતાવો આતમ, ઈંધણાં.
(ગોરજ, પૃ. ૧૫૮-૧૫૯)