કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૦. હૈયાની વાત

From Ekatra Wiki
Revision as of 13:28, 10 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૦. હૈયાની વાત|}} <poem> કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!         ઉછી-ઉધારાં ન કરીએ; હૈયે ઊગે એવી હૈયાની વાતને         ફૂલ જેમ ફોરમતી ધરીએ. કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને       ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૦. હૈયાની વાત


કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!
        ઉછી-ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
        ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને
        મોરલો કોઈની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું?
        પીડ પોતાની, પારકા લ્હેકા!
રૂડા-રૂપાળા સઢ કોકના શું કામના?
        પોતાને તુંબડે તરીએ. —
કોઈ કોઈ સંભારે રામટેકરી,
        કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
        ક્યાંક દરદે નીંગળતા દુહા:
જીવતી ને જાગતી જીવનની ખોઈમાં
        કોઈની ભભૂત ન ભરીએ. —
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
        રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
        પાસે જ હોય કે દૂર:
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા!
        જીવતાં ન આપણે મરીએ. —
કોકનાં તે વૅણને વીણી વીણીને, વીરા!
        ઉછી-ઉધારાં ન કરીએ.
૨૪-૮-’૬૩
(સંજ્ઞા, પૃ. ૩૭-૩૮)