કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૨૮. બેહદની બારાખડી
Revision as of 06:36, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs)
૨૮. બેહદની બારાખડી
આઘું આઘું ને તોય ઓરું,
ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
દૂર દૂર ને છોને દિશાઓને આવરે,
આવડીક આંખોમાં આવ્યુંને આખરે!
ઝીલ્યું ન જાય એ શું ઝૂકે છે, વાહ રે!
અધખૂલી બારીએ આ બેસીને રોજ એની
કિરણોની કૂરડી વ્હોરું.—
ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
ઊગતે પહોર ચહું મીઠા મલકાટમાં;
બળતે બપોર સહું તીખા ઉકળાટમાં,
સાંજ પડે જોઈ રહું સૂના પમરાટમાં,
કો’કવાર કાજળ સું કાળું છવાય
અને કો’ક વાર ચંદન સું ગોરું.—
ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
આ રે ગગન સાથે માંડું હું ગોઠડી,
બેહદની વાર વાર ઘૂંટું બારાખડી,
બોલી અબોલ કેવી હૈયાની ઊઘડી!
શબદો વેરાય મારા શૂન્યમાં અગાધ
અને શૂન્યને શબદ હું મ્હોરું.—
ગગન મારે, આઘું આઘું ને તોય ઓરું.
૧૬-૭-૬૩ (સંજ્ઞા, પૃ. ૩૧)