કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૮. મારી બંસીમાં

From Ekatra Wiki
Revision as of 10:10, 11 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૮. મારી બંસીમાં|}} <poem> મારી બંસીમાં સાત સાત કાણાં, ::::         હું એક સૂર શાને રેલું? ::::         હું કોઈ ઠામ શાને મેલું? આવા અપાર રૂપરંગોના મેળામાં ::::         નાનકડી વાડ કાં બા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૮. મારી બંસીમાં


મારી બંસીમાં સાત સાત કાણાં,
        હું એક સૂર શાને રેલું?
        હું કોઈ ઠામ શાને મેલું?

આવા અપાર રૂપરંગોના મેળામાં
        નાનકડી વાડ કાં બાંધું?
સહુમાં રમે ને વળી સોંસરવી જાય
        એવી નિરબંધી સેરને સાંધું.
મારે અનહદનાં નિત નવાં આણાં
        હું એક ખૂણે શાને ખેલું? —

ઝાકળિયા જગનો આ કેવો અફસોસ?
        વળી કેવો વૈકુંઠનો વાસો?
મોજે મોજે મારો સાગર લહેરાય
        અને ભારે ભરપૂર તોય પ્યાસો!
મારે ચોઘડિયે અમ્મર ગાણાં
        હું કોઈ ઘડી શાને ઠેલું? —

એક એક સૂરને આપું આપું ને ત્યાં તો
        લાખ લાખ સૂરની હેલી,
એકને ચહું ને મારી સુરતા અનંતમાં
        ઘૂમે છે રંગ રંગ રેલી;
મારે અંધારે છે ઊજળાં વ્હાણાં;
        કે આયખું ઘેલું ઘેલું. —

મારી બંસીમાં સાત સાત કાણાં
        હું એક સૂર શાને રેલું?

૧૦-૪-’૬૬ (સંગતિ, પૃ. ૩૭-૩૮)