કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૮. થાક લાગે
Revision as of 15:41, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૮. થાક લાગે}} <poem> ના, ના, નહીં આવું, મેળે નહીં આવું, {{Space}}{{Space}}{{Space}}મેળાનો મને થાક લાગે; મારે વહેતે ગળે ન હવે ગાવું, {{Space}}{{Space}}{{Space}}મેળાનો મને થાક લાગે. ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી? ક્યાં છે...")
૮. થાક લાગે
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.
ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.
એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે,
ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.
૧૯૬૨
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૫)