કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૩૧. તારી સુવાસ
Revision as of 15:51, 12 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading| ૩૧. તારી સુવાસ}} <poem> તારી સુવાસ અંગ થકી ઓસરી નથી, આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી. ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા? મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી. આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં, આંખો મેં...")
૩૧. તારી સુવાસ
તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.
ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી.
આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.
સમણું છે એ કહો છો, તો માની લઈશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.
એને કશું ન કહેશો, ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.
૧૬-૩-’૭૨
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૧૪)