કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૦. સાંભરણ

From Ekatra Foundation
Revision as of 05:10, 13 November 2022 by Kamalthobhani (talk | contribs)
Jump to navigation Jump to search
૨૦. સાંભરણ

રોઈ રોઈ આંસુની ઊમટે નદી
                    તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય
                    પછી ગોકુળિયું ગામ ત્યાં વસાવજો.

આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
                    પાંપણનાં દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
                    ને વેળામાં વીખરાતાં રેશું.
છલકાતું વહેણ કદી હોલાતું લાગે
                    તો વેળુમાં વીરડા ગળાવજો.

આઠમની ધોધમાર મધરાતે એક વાર
                    પાનીએ અડીને પૂર વળશે,
પાણીની ભીંતો બંધાઈ જશે
                    ગોકુળને તે દી ગોવાળ એક મળશે.
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ,
                    મોરપીંછિયુંને ભેળી કરાવજો.

પૂનમની એકાદી રાતના ઉજાગરાને સાટે
                   જીવતર લખી જાશું,
અમથુંયે સાંભરશું એકાદા વેણમાં
                    તો હૈયું વીંધાવીને ગાશું.

ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે
                    તો વનરાવન વાટે વળાવજો!...
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ,
                   મોરપીંછિયુંને ભેળી કરાવજો.


૧૯૭૧ (અંતરનું એકાંત, પૃ. ૮૭)