કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૭. હજી

Revision as of 02:51, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૩૭. હજી}} <poem> ફળીમાં ઢાળેલું ઉભડક વિસામાનું પગલું કરે પાણી પાણી, કલરવ ઊઠે તોરણ થકી અને નેવાં નીચે પરબ સરખી આંખ ઝમતી; જરા ફંફોસીને પવન પણ પાછો ફરી જતો!... હજી ઓચિંતું કો રણઝણી જતું ઝાંઝ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૭. હજી

ફળીમાં ઢાળેલું ઉભડક વિસામાનું પગલું
કરે પાણી પાણી, કલરવ ઊઠે તોરણ થકી
અને નેવાં નીચે પરબ સરખી આંખ ઝમતી;
જરા ફંફોસીને પવન પણ પાછો ફરી જતો!...

હજી ઓચિંતું કો રણઝણી જતું ઝાંઝર અને
અધીરી આંખોમાં છલછલ થતો આસવ, પછી
મદીલા સૂરોમાં તરબતરતો કંઠ; ઠરતા
બધા ધીમે ધીમે ઝળહળ થતા દીપ શયને!

ગયાં ઊડી ભીનાં સ્મરણ પણ, એકાંત અમને
લઈ આવ્યું છેલ્લી સફર કરવાની ક્ષણ સુધી.
અજંપો ઓઢીને અહીંતહીં સૂતેલા સમયને
જરા ઢંઢોળ્યો તો ક્ષણ ક્ષણ થતો એ પણ ગયો...

ગમાણે બાંધેલો થન થન થતો અશ્વ હણણ્યો —
રજોટાયું આખું જીવતર, કરી ખેપ ભવની.

(અંતરનું એકાંત, પૃ. ૧૪૮)