કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૪૦. નહીં નહીં

From Ekatra Wiki
Revision as of 02:52, 10 November 2022 by Kamalthobhani (talk | contribs) (Created page with "{{Heading|૪૦. નહીં નહીં}}<br> <poem> બધાં જેવું મારે પણ ઘર હતું... આંગણ મહીં પરોઢે આવીને કલરવ જતો પાડી પગલાં. ગમાણે બાંધેલી ખણકી ઊઠતી સાંકળ અને ઉલાળેલા શિંગે થનથન થતી સીમ, ઉંબરે જરા આળો આળો હળુહળુ થત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૦. નહીં નહીં


બધાં જેવું મારે પણ ઘર હતું... આંગણ મહીં
પરોઢે આવીને કલરવ જતો પાડી પગલાં.
ગમાણે બાંધેલી ખણકી ઊઠતી સાંકળ અને
ઉલાળેલા શિંગે થનથન થતી સીમ, ઉંબરે
જરા આળો આળો હળુહળુ થતો સ્પર્શ પગનો
પછી શેરી-ચૌટે રણકી ઊઠતાં ઝાંઝર, પછી
કૂવાકાંઠે આછું જળ છલકીને ધન્ય બનતું!

બપોરે એકાંતે ગુસપુસ થતી, ઠીબ ફફડી
વળી જંપી જાતી, મઘમઘ થતું ઘેન ઘરમાં.

બધું સાંજે પાછું ધબકી ઊઠતું... ગામ ફરતો
થતો ઝીણો ઝીણો રવ, નભ છવાતું ક્ષિતિજના
ગુલાબી ખોળામાં ઝળહળ થતા ગોખ નયણે...

હવે તો ખંડેરો... જણ નવ રહ્યાં કોઈ નમણાં —
બધાં જેવું મારું પણ... નહીં નહીં... માત્ર ભ્રમણા!

(અંતરનું એકાંત, પૃ. ૧૭૮)