યાત્રા/મદ્ – યાત્રા1
[નાન્દી]
પ્રિયા હૈયા કેરી અધુરપની પૂર્ણત્વ રટના,
ન જાણું કયારેની મિલનપળ કાજેની રટના
પગોએ પ્રારંભી યુગ યુગ અનતા પગથીએ,
સદા ભાસી એ તો કદી ન ઘટવા જેવી ઘટના.
ક્ષણે જે આ હૈયું સ્ફુરણ કરવું શીખ્યું ગભરુ,
તને ત્યારથી મેં પરમતમ કામ્યા જ સમજી,
અને નેત્રદ્વારે હૃદય નિરખતું જગતને,
રહ્યું ઢુંઢી તેને ડગ ડગ પળે ને પ્રતિ પળે.
‘તને રસ્તે જાતો નિત નિરખંતો દૂર દૃગથી,
ઝુલંતી હીંડોળે કમળસમ કૃળા વરણની,
રૂડી વાંકી ડોકે તવ પિયુ તણે પંથ લહતી,
પિયુ ક્યાં હું તારો? મુજ હૃદયની ધૂણી ન શકી
તને પ્હોંચી જેવી મુજ ચરણધૂલિ જઈ શકી.
વળી કેડી જુદી, મઘમઘ વસંતે વિકસિયા
ત્યહીં આંબા હેઠે, પનઘટ તણાં તે પગથિયાં
ચડંતી આવી તું શિર ગગરી કો મંજરી સમી
સ્ફુરંતી સાંનિધ્યે સુરભિ ભભકાટે, પણ કહે
હતો ક્યાં હું ત્યારે તવ ઉર વચ્ચે કોકિલ તદા?
૧.૨.૪૧
રાત્રે ૩.૩૦
[૧]
‘પ્રિયા’ – વાણી કેરા પયનિધિ થકી, જીવન તણા
મહા ક્ષારાબ્ધિથી મથન મથતાં લાગ્યું રતન,
અહો, શા શા કોડે શતશત કર્યા કૈંક જતન,
થવા મંત્રે સિદ્ધિ રટણ મહીં મેં રાખી ન મણા. ૧.
‘પ્રિયા’ – સૌ પ્રીતિનું શિખર, રસ સો કેરું સદન;
જગત્-સ્નેહીઓની રતિ અરતિ શી લાગી બનવા,
શિશુહૈયે માંડ્યા નભ ચગવવા કે કનકવા,
અને ભાસ્યું તારું સકલ-સુખ-આધાન વદન. ૨.
‘પ્રિયા’ – હૈયા કેરી અધુરપની પૂર્ણત્વ–ઘટના
બને તારા યોગે, જગત સઘળું નંદનવન
બને તારા યોગે, સતત મચતું એ જ સ્તવન,
તદા ઊડવા કેવા સઢ પવનમાં પ્રાણપટના! ૩.
તને, મુગ્ધે! ભાળી મધુ ઉપવને કુન્દકલિકા
સમી, ત્યારે તારુ અધુરું મધુરું હૈયું સ્ફુરિત,
હરિત્ પર્ણો કેરા પુટ મહીં ઝિલાયું શું અમૃત,
(૪) સુધાર્થી ભંગાથે પ્રગટી રસની ગૂઢ ખનિકા. ૪.
વસંતે વા ભાળી મઘમઘતી કો મંજરી સમી,
કશી અંગે અંગે સુરભિ તવ ઝંકાર કરતી,
પિકો કેરી ઘેરી ટહુક તવ કર્ણે ઉભરતી,
(૫) અને પ્રીતિસ્રોતે ભરતી ચડતી કેાઈ વસમી. ૫.
લહી વા કાસારે છલકત જલે કો કમલિની,
સુનેરી તેજોમાં અરુણ દલ બોલી મલપતી,
મરાલોને હૈયે અનુનયસરિત્ તું પ્રસવતી,
થતી હોળી કેવી ગભરુ દિલનાં પ્રીતિ દલની! ૬.
- તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી,
મર-જિહવા જેવી તૃણ પટ અહા શે પજવતી!
સહુ શગીઓનાં શિર મનતરંગે નચવતી,
(૬) કશી પ્રીતિઝંઝા ડગમગવતી ચિત્તતરણી! ૭.
તને દીઠી વ્યોમે સુધવલ મરાલી શું ક્રમતી,
દિશાઓને અંકે અગમ ગતિરેખા તું રચતી,
ન ભોગામી સૌને હૃદય રસઝંખા શી ખચતી,
ધરાવાસી હૈયે ડમરી બની તું કેવું ભ્રમતી! ૮.
લહી શ્યામા રાત્રે ઝગમગ ઝબૂકંત બિજલી,
ઘનોનાં ઘેરાયાં હૃદયપટ ચીરી ચમકતી,
જવલત્ રૂદ્ર નૃત્યે શિવહુદય ભીંસી ઠમકતી,
અજંપાની આગે કુટિર ઉપરની જાતી પ્રજળી! ૯.
તને દીઠી મીઠી મૃદુલ ઝરતી એક ઝરણી,
વિશાળે પર્યંકે ગિરિવર તણે રમ્ય રમતી,
સહુ સંગીઓને તરલ મધુ ક્રીડાથી ગમતી,
કુણા હૈયાવીણા – સહજ સ્વર જાતી રણઝણી. ૧૦.
લહુ વા ગંભીરે જલ છલકતી ભવ્ય સરિતા,
તટોને આલબી ધસતી અણદીઠા પિયુ ભણી,
કશી ઉત્ખાતંતી, કશી ભિજવતી, ઉગ્ર-નમણી!
(૭) કશે હાવી રહાવી અદમ જલની આવી દયિતા? ૧૧.
- લહી વા ઉત્તુંગા ગિરિશિખરથી ભોમ ઢળતી,
પ્રપાતોની ધારા સમ પ્રખર કે ગર્જન ભરી,
સહુ આલંબોનું – યમનિયમનું સર્જન કરી
ક્યા ગર્તોત્સંગે ન લહુ જલ તારાં અરપતી! ૧૨.
- પ્રિયા – નારી – મારી, કુસુમલ, સુવેગા, ભરજલા,
તને ન્યાળી ન્યાળી નયનદ્યુતિને ઝાંખપ ચડી,
છતાં તારી એકે લટ મુજ કપલે નવ અડી,
(૮) કશી તું દુઃસ્પર્શી, કશી બલવતી ઓ તું અબલા! ૧૩.
છતાં હૈયાએ તો નહિ નિજ તજી કચ્છપમતિ,
તને સ્હાવી સ્હાવી નિજ કરવી એવું ધ્રુવ કરી,
મચ્યું એના ધ્યેયે, સ્થળ સ્થળ રહ્યું તે અનુસરી
(૯) તને તારાં ધીરાં અધીર ચરણોને દૃઢગતિ. ૧૪.
અરે, મૂંગી મૂંગી ટહલ શત દ્વારે તવ કરી,
ભમ્યું પૂંઠે પૂંઠે તુજ શુ તુજ છાયાપદ ગ્રહી,
અને એકાંતે વા ભર જન મહીં નિર્લજ રહી
રહ્યું ગુંજી ગુંજી રટણ તવ આક્રંદ ઉભરી. ૧૫.
તને મેં કૌમાર્યે નિરખી શિવને મંદિર જતી,
કુણાં ઊર્મિબિન્દુ દ્રયનયનને સંપુટ ભરી,
સ્તવંતી ‘મા, અંબા, વર હર સમે– મંજુ ઉંચરી,
(૧૦) અને ઝંઝા જેવી તવ વર થવા ઝંખન થતી. ૧૬.
- તને જાતાં જાતાં નિત નિરખી મેં પંથે પરથી,
ગવાક્ષે ઊભેલી કમળ સમ કૂંળા વરણની,
પ્રતીક્ષંતી તારો પિયુ દગ થકી શું હરણની,
(૧૧) હતો ક્યાં હું તારે પિયુ? અહ, સરી હાય ઉરથી! ૧૭.
ઘણી વેળા જ્યોત્સ્ના-રજત-છલતા સૌધ-તલ પે
કુસુમ્બી સાળુડે તવ પિયુ તણે સ્કન્ધ ઢળતી,
લહી સ્વપ્ના જેવી વદતી હસતી મુગ્ધ લળતી,
કશું ગોરંભાઈ ‘રસ રસ!' હિયું મારું જલપે. ૧૮.
- સજંતી શૃંગારો નિરખી કદી છાની સ્મિત ભરી,
સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ,
કસીને કંચૂકી હદય સજતી શી તસતસ!
(૧૨) સજ્યો સાળુ–જાણ્યું સફર પર ચાલી અબ તરી! ૧૯
કદી સામે આવી પ્રિય સજન સંગે વિહરતી;
છલ્યાં તારાં વીણ્યાં સ્મિતકુસુમ પંથે ગણી ગણી,
દબાયો હું પાર્શ્વે, કર નચવતી નેત્ર નમણી
વહી ગૈ પાસેથી, સમદ રસનૌકા શી તરતી! ૨૦
લહી વા પૂંઠેથી કર પિયુકરે ગૂંથી પળતી,
ખુલ્યા શીર્ષે તારે મઘમઘત ચંપો શું મલક્યો!
શું દર્પે હાસંતો, નિજ પરમ સૌભાગ્ય છલક્યો!
અને આંખો છાની રહી અવશ આંસુ નિગળતી! ૨૧.
વિલોકી વા કામ્યા તરલ દ્યુતિને રંગપરદે,
લસંતી લીલામાં શતફુલ ખીલ્યા ચંદનદ્રુમે,
પ્રગાઢાશ્લેષોમાં વિહરત અનેક રસક્રમે,
ભરી આંખો ભાળી હરખ ધરીને ખિન્ન દરદે. ૨૨.
ઘણી વા આસ્વાદી પ્રણય રસના કુલ્લ કવને,
સ્ફુરંતા કારુણ્ય, લસલસત શૃંગારશયને,
રસેપ્સુ હૈયાને પટુ નેચવતી ઊર્ધ્વ ડયને,
ઘણો લૂંટ્યો તારા અભિનવ રસોના વિભવને. ૨૩.
અહા, ભોળું ભેળું યુવક ઉર હું લેઈ વિહર્યો,
પ્રતિ સ્નેહાશ્લેષે તવ ઉર તણો નાયક બન્યો,
પ્રતિ ક્રીડાક્ષેત્રે મુખરરવ હું ગાયક બન્યો,
ઘણું રીઝ્યો ખીજ્યો, ‘રસ રસ!’ રટી વિશ્વવિચર્યો! ૨૪.
છતાં ના ના તૃપ્તિ થઈ જ, રસની મૂર્તિ સઘળી
રહી સ્વપ્ના જેવી, નયન ઝબકંતાં ઉડી જતી;
ધરાના સંસ્પશે ગગનફુલની રાખ જ થતી,
અને એવો એવો અભગ તલસ્યો હું વળી વળી. ૨૫.
રસોનાં રૂપોનાં ભરચક લહી એ સરવરો,
મને થાતું આ તે કુટિલ ગતિ શી પ્રીતિ રસની!
રહ્યો આ સૃષ્ટિનો ક્રમ જ? અથવા સ્નેહવ્યસની
જનો હું શા અર્થે નિમિત શું કો અન્ય જ કરો? ૨૬.
ગમે તે હો! મારે નહિ રસ બિજાના નિરખવા,
બિજાનાં હર્મ્યે ન ભમવું કણના ભિક્ષુક બની,
ભલે મારે અથે રસનિધિ નહીં, તો રસકણી
તણી યે આશા ના? સતત હિજરાવાં, તલખવા? ૨૭.
ભમ્યો ધીખ્યું ધીખ્યું હૃદય લઈ પ્રત્યંગ પ્રજળી,
પરાઈ પ્રીતિનાં મૃગજળ બધાં વર્જિત કર્યાં,
અને કાળે કાળે મુજ કઠણ એ શું તપ ફળ્યાં,
લહી વ્યોમે કોઈ બદરી, ચમકી કોઈ બિજલી! ૨૮.
ઝગી કોઈ વિદ્યુત ક્ષણ નયન દીપાવી ગઈ કો,
તપ્યા મારા શીર્ષે બિખરી ગઈ બે બિન્દુ બદરી,
ગઈ ઠંડા હૈયે બદન તણી કે હૂંફ વિતરી,
ઘડી સુક્કા કંઠે હૃદય રસની છોળ થઈ કો! ૨૯.
અજાણી કો માર્ગે મળી મલકીને નેત્ર વિરમી.
મળી કો નેપચ્ચે દ્રિય નયનને ભેટી ઉપડી,
અધૂરું વા કોઈ ઘડી અધર ચૂમી ગઈ છળી,
ખરે, આ તે સંધું જગતભરનું અંતિમ અમી? ૩૦.
ઝરૂખે ઝુકેલી હતી નિરખતી પાંથ પથના,
ઉદાસી આંખોનાં જલ સુકવતી ઉષ્ણ શ્વસને,
અનોખા મારા એ જગતકમણે ઈષ્ટ રસને
સ્ફુરંતો તેં ભાળ્યે, ઉતરી, પકડયા અશ્વ રથના! ૩૧
ગૃહે હું એકાકી રત ખટપટે કૈં ગગણતો
હતો ત્યાં કે છાયા ઢળી ભવનદ્વારે, મઘમઘી
હિના ઊઠી ત્યાં કે, નયન ઉંચકું, પ્રીતિ પડઘી;
‘અરે જાતે શોધ્યું ઘર...!’ ‘ બસ..’ કર્યો મૌન ભણતો! ૩૨.
અને મત્પર્યંકે અધુર જનને આસન લઈ
ગુંથતી ભાતીલાં ભરત, તું ઉકેલી કંઈ રહી
નવી જૂની, છાની પ્રગટ કથનીએા, નિશ વહી,
અહા એ વાતોથી અધિક રજની નિર્મલ થઈ! ૩૩.
[૨]
પછી એવાં કૈં કૈં ઘડી પળ તણાં અર્ધ મિલને
રચાતી બંધાતી પ્રગટતી વિલાતી રસદ્યુતિ
ઉજાળી ગૈ ઘેરાં તિમિર, પણ હારી ઉરધૃતિ,
ગમ્યાં ના ના એવાં કમલદલનાં બિન્દુ દિલને ૩૫.
અને આ સંસારે લઘુ પણ ઊંડો જીવન તણા
ભમ્યો, ઘૂમ્યો, ઝૂઝયો, લથબથ થયા, ભોમ ઢળિયો,
સુકા કંઠે, ખુલ્લે ચરણ રણુ વીંધંત પળિયો,
કદી પુષ્પો લાધ્યાં, કદી સરપની લાધી ય ફણા. ૩૫.
હું તો મારે ભાગે કૃતિકરમ જે કાંઈ ચઢતું
ગયું, જે જે ક્ષેત્રે મુજ ચરણને સ્થાન મળતું
ગયું, ત્યાં ત્યાં મારું લઘુક હળ સ્વેદે નિગળતું
ઝુકાવી રાખ્યું મે', રસ તણું મૂક્યું નામ પડતું! ૩૬.
ખરે, આ સંસારે સકલ ફલ-ભંડાર હરિએ
પુર્યો તાળાં કૂંચી નિજ મહીં, કહ્યું ને મનુજને
‘ફલાશા છોડી તું કરમ કર, ત્યાં સ્નેહરુજને
મટાડે તેવી ઓષધિ ક્યહીં ઢુંઢું, કેણ ગિરિએ? ૩૭
નહીં, એવી આશા કઠણ ઉરને પીસી પટકી,
રહ્યો છું તે ખેડી મુજ ગરીબની ખેડ અદની,
ત્યહીં ઊન્હા ગ્રીષ્મે, બળબળતી લૂમાં દરદની,
ધરાને ખેડંતા ચરણ મુજ ગ્યા સ્હેજ અટકી. ૩૮.
હતું એ શું? ઢેફું. અણગણ ઉખેડવાં ધરતીથી
ઉશેટ્યાં પીસ્યાં કૈં કઠણ હળની તીક્ષ્ણ અણીએ
વિંધેલાં ઢેફાંમાં અદનું હતું ઢેકું, ઉપણીએ
ઉડાડેલો દાણો, વિવશ નિજ ઉચ્છિષ્ટ ગતિથી. ૩૯.
મને એ બાઝ્યું, મેં મૃદુલ મનથી લીધું કરમાં,
કશી આશા, કેવી તલસ હતી એના કણકણે!
‘મને આ રોડાંમાં નહિ પટકજે, ના તું રમણે
મુકે તે ઝંઝાને ચકર, વરષાના ભમરમાં!’ ૪૦.
અને મારે ભાગે લઈ જઈ ધર્યું એક ઘટમાં,
હર્યા એ અંગેથી અફલ કણ કૈં પથ્થર તણા,
રસો કૈં દુર્ગન્ધી મલિનજલના ગોબરગુણા,
રહ્યું કેવું હાસી ઘટ અવર કેરી નિકટમાં! ૪૧.
ઝરી વર્ષા, મેં યે જલ ધરતીનાં સિંચન કર્યાં,
દઈ દ્રવ્ય મેંઘાં, ગુણ બલ તણી શક્તિ બઢવી,
અને કૈં બી વાવ્યાં, ઉદય તણી કે શીખ પઢવી,
ખિલી ઊઠ્યાં પુષ્પ, સુરભિ મલકી, અંતર ઠર્યા! ૪૨.
‘મને સંગે લૈને ક્યમ ન વિચરો?’ ફોરમ સમી
વદી તું. મેળામાં ભ્રમણ કર્યું, લોકોની નજરે
પડ્યાં પ્હેલાં, તારી સખી કંઈ અજાણી મૃદુ સ્વરે
વદી, તેં મત્કર્ણે મુખ ધરી કર્યું સીંચિત અમીઃ ૪૩.
તમારા તો ‘એ’—ને?’ વદી અરધું તું મુગ્ધ વિરમી,
હસી, લાજી, તારું વદન છુપવ્યું પાલવ મહીં,
હું તો ચોંક્યો, મારી સ્મૃતિધૃ ગઈ કયાંક જ વહીં,
‘તું-હું’ ‘હું-તું’ જોડી જગતદગને નિશ્ચિત ગમી? ૪૪.
પછી તો મેં વેળા સફર કઈ સાથે બહુ કરી,
ખુલેલા કેશે ને મલકત મુખે ફુલ્લ હૃદયે,
અનેરા વિશ્રમ્ભે, મુજ પડખમાં સિદ્ધ પ્રણયે
ફરી ઘૂમી હાસી, તવ હરખનાં મોતી બિખરી. ૪૫.
અને જ્યારે હૈયે નિરખ્યું : અબ કો ઘૂંઘટ નથી
કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા,
લહ્યો સામે બ્હોળો જલધિ, રવિએ માંડી મૃગયા,
(૨૨) પ્રબોધી મેં પ્રીતિ, ચલ ઉર, હવે સંકટ નથી! ૪૬.
તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી,
પિકોની ઈર્ષાને મબલખ જગાડી જગ ભુલી,
(૨૩) પિવાડ્યાં મેં પોશે જલ અમલ, એ શું ન સ્મરણે? ૪૭.
વસંતે વા જ્યારે અખિલ ધરણી થૈ કુસુમિતા,
કસુમ્બી આશ્લેષે વનહયને મત્ત અનિલ
રહ્યો ગુંજી કર્ણે અગમ ઉરનાં ગાન મદિલ,
તદા તારે કેશ કુસુમ ધરવા ચૂંટ્યું, દયિતા! ૪૮.
અને મેં લંબાવ્યા કર, કર ત્યહીં તે ય ઉંચક્યો,
ખુલેલો અંબોડો નિજ વસનથી ગોપિત કર્યો,
હસી ધીમે, શંકા-ભય-પવન કો ભીરુ ફરકયો?
કર્યું મેં વહેતું એ કુસુમ ઝરણે, દૈવ વચક્યો? ૪૯
છતાં બીજી સાંજે ગગન નિરખી રંગઘટના,
વદી ઊઠી તારાં દૃગ મુજ દગે ઢાળી સહસા,
ચુમી મારું હૈયું અટશ અધરે નૂતનરસા
ગઈ તું, ઘાટીલે તવ મુખ દિસ્યો કોઈ પટ ના. ૫૦.
અને મેં ઉલ્લાસી લસલસત કે અસવ તણી
સુનેરી પ્યાલીઓ તવ અધર સામે ત્યહીં ધરી;
નહીં પૂછ્યુંગાછ્યું, ઉર પરમ વિશ્રમ્ભન ભરી,
પિધે ગૈ મેં દીધા સકલ રસ તું અમ્રત ગણી! પ૧.
હતી શ્યામાં રાત્રે તગતગ અટારી ગગનની,
મને તે તારાને પરિચય પૂછયો ઉત્સુક થઈ,
બતાવ્યા સપ્તર્ષિ, મૃગશિર, નિશાની દઈ દઈ,
(૨૪) ‘બતાવો ને કિન્તુ, ધ્રુવ ક્યહીં?’ વદી આતુર બની. પર.
‘ખરે એ જોવો છે? પણ...’ હું અટકયો ને તું અધિકી
અધીરી થૈ, ‘હા, હા!’ ‘ ખબર ધ્રુવનું દર્શન કદા
શકે થૈ?’ ‘ના જાણું’ વદી વિવશ ધારી મુખ અદા.
(૨૫) ઘટે એ જોવો પ્રથમ પરણેલાં દગ થકી!' પ૩.
‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી.
મને ના કૈં આ તો તમ સરિખ વ્હેમી મનુજને
કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને
(૨૬) પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દગો તુર્ત જ ઢળી! ૫૪.
- પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મચતો,
ઉગ્યો ત્યાં આકાશે શકલ શશીના ગુહ્ય કથતો,
(૨૭) ખુલ્યું શું શંભુનું નયન, જયહીંથી કામ પ્રજળ્યો. ૫૫.
- અહો, શી આછેરી ગગન વિધુ-રેખા ટમટમી,
રહી તાકી હું ને, વિકળ ઉર મારું ઝણઝણ્યું,
અચિંત્યું ત્યાં કોઈ અદશ પગનું નૂપુર રણ્યું,
(૨૮) અને વૃક્ષોપર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી. ૫૬.
ન જાણું ક્યાંથી, શું, કઈ વિધ, કયું સર્વ ઉતર્યું,
ધરાની મેં ઝંખી સકલ સુરભિના દ્રવ સમું,
સર્યું મારા કારા સમ હૃદયને ભેદી વસમું,
કશા ઘટ્ટાશ્લેષે ચશશશી મને ચૂસી જ રહ્યું! પ૭.
પ્રભાતે મેં જ્યારે મુખ તવ લહ્યું પાંપણ-ઢળ્યું,
કપોલે તારા મેં નવલ મુદની ઝાંય નિરખી,
ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી,
(૨૯) અને મેં કૈ પ્રાચ્યું. પણ વદન તે ઊંચું ન કર્યું. ૫૮.
- પછી હારી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી?
ગાયાં 'તાં શું કાને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી
જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી :
(૩૦) ‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હું ને ગઈ તજી! ૫૯.
ઉભી જૈ બારીમાં સુનમુન, ક્ષમા પ્રાર્થંત તવ,
ઉભો તારી પૂંઠે, પળ અનુનયે કે કંઈ વળી,
અને આર્દ્રે કંઠે ઉચરું સહસા સન્મુખ ફરી
(૩૧) ઢળી મારે સકળે સકલ નિજ અર્પંતી વિભવ. ૬૦.
- પ્રિયે, તારો પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના
સુવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના
(૩૨) ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યા, સ્નિગ્ધ શ્વસતાં. ૬૧.
જિત્યો બાંધ્યો તારા કિસલય કરે મત્ત ગજને,
હર્યો મારો બુદ્ધિ-પ્રખર મદ, તારી શિશુ તણી
સ્વયંસ્ફર્ત પ્રજ્ઞા મુજ સર૫ માથે થઈ મણિ,
ચહ્યું વજ્ર હાથે મુજ, વશ થવા તારી ભુજને. ૬૨.
ધસી મારી શક્તિ તવ અબલતા શક્ત કરવા,
સ્ફુરી મારી દીપ્તિ તવ તિમિરની ગ્લાનિ ગળવા,
બઢ્યું મારું આયુ તવ ઉણપ આયુની હરવા,
ચહ્યું મારા આત્મે તુજ તનુ મહીં નિત્ય ઠરવા. ૬૩.
ખિલ્યાં શાં શાં આશા કમલ, મલક્યા શા ઉમળકા :
‘તને સ્થાપું મારા પ્રણયબલથી શ્રેષ્ઠ રમણી,
હરું સૌન્દર્યોના મદ મલિન, આ તારી નમણી
સુહાગી મૂર્તિને પટ પ્રણયના દેઈ બળકા. ૬૪.
અને પ્રીતિઝંઝા સનનન ચડી કેવી ગગને!
દિનો રાત્રિ ભૂલ્યે, શરદ શિશિરોની સ્મૃતિ ગઈ?
સદાની મારે શું મધુ નિતરતી પૂનમ થઈ,
હું તો ડૂલ્યો ડોલ્યો તવ ઉરપરાગોની લગને, ૬૫.
અહો, ક્યાં તે મારાં રણ, જલ કશાં આ છલકતાં?
ખરે, મારે ભાગ્યે નિરમી રસની આવી રમણા?
કદી આવી પ્રીતિ વિપળ પણ પામું, ઉજમણાં
રચું શાં શાં? ભેટું શત શત હું મૃત્યુ મલકતાં! ૬૬.
[૩]
- પછી મેં પ્રીતિને કલશ કરવા પૂર્ણ રસથી
ચહ્યું: ‘હાવાં ચુંટું કુસુમ, નહિ વા ચૂંટું?’ મથને
ચડ્યો, ત્યાં તે કયાંથી પવનડમરી ઊઠી રથને
(૩૩) મનોના સ્વપ્રોના ઘસડી ગઈ કેવા ચડસથી! ૬૭.
અરે, મારો મારો કલશ શતધા છિન્ન બનિયો,
સુના હૈયે મારે અગન ભડક્યા ભૂતભડકા,
નિરાશાની છાટે શિર પટકતો, ધોમ તડકા
નિસાસાના ઝીલી સુનમુન ભમ્યા, થૈ મરણિયો. ૬૮.
અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી
કહ્યું : ‘આ હૈયાને અખ ધબકવે અર્થ જ નથી.
મરી ચૂકેલા આ મનુજશબના જે દહનથી
(૩૬) સરે કો જીવાર્થે અરથ, તહી જા આગ વરસી!’ ૬૯.
અને એવી એવી જલન વરસી, જાય ન કહી
નહીં જે ભૂગર્ભે, રવિ ઉદર વા તેવી અગની
મને બાળી ઝાળી ધગધગ ધિખાવી સણસણી
ગઈ, એ વાતો તો ઉચિત વધુ કે ક્હેવી જ નહીં. ૭૦.
- તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ
જુઠાં સાચાં મારાં, સુવરણ સમો તેજલ રસ
વહી જાતો મારો લહું અગમ ઢાળે, શું કલશ
(૩૭) રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ? ૭૧.
- કશો શીળોશીળો પરસ ઉતર્યો કો મુજ શિરે!
ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમને અંચલ ધરી
ગયું કો શું, ઝોપે જનની ઉદરે આત્મ ઉતરી
(૩૮) નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદશિબિરે. ૭૨.
- કશી એ નિદ્રામાં ઋતુ વહી ન તેની સ્મૃતિ કંઈ,
ગઈ ગ્રીષ્મો, વર્ષા, શરદ, શિશિરો, કોકિલ સુણી,
સ્મૃતિ જાગી, નીંદે અનુભવી રહું ગૂઢ સલુણી
(૩૯) દૃગોની કો દીપ્તિ નિરખતી મને નંદિત થઈ. ૭૩.
- અને બીતો બીતો નયન ઉંચકુ, આ ય સ્વપન
રખે ખોઉં! જોઉં, ઝળહળ થતાં બે નયન કો
રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કો ગૂઢ રણકો
(૪૦) પ્રતીતિનો પામું : બસ રસ તણું' આંહિ સદન! ૭૪.
- ન ’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન,
અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ,
અને એના હસ્તે કુસુમ હતું મારું, ક્ષણ ક્ષણ
(૪૧) રટંતુ એ ‘મા! મા!’, રણઝણ ઊઠ્યો મેદપવન. ૭૫.
- ‘અરે, મારું-મારું કુસુમ ક્યહીંથી આ તવ કરે?’
ધસ્યો હું ઔત્સુક્યે, કુસુમ ત્યહીં ‘મા! મા!’ ઉચરિયું –
મને શું ટાળંતું, અધિક કરને એ વળગિયું,
(૪૨) અને જૂનાં શલ્યે ઉર છણછણ્યું દગ્ધ રુધિરે. ૭૬.
પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતે, શિર ધર્યો
વળી મારે, કોઈ સુરભિ મુજ હૈયે રહી સરી.
હતી એ તે કોની? કુસુમ તણી? વા તે સ્મિત ભરી
(૪૩) અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો. ૭૭.
ગમે તેની હો તે, ખટપટ ન મારે ઉગમની;
સદાનો હું તો છું સભર રસને જાચક; ભમ્યો
ધરા ઢૂંઢી આખી, જ્યહીં રસ ત્યહીં તુર્ત જ નમ્યો.
અહો, હો જે કો તું મુજ રણ વિષે વારિદ બની! ૭૮.
અને એ આંખોએ દૃઢ સ્મિત થકી લેઈ જકડી
પૂછ્યું આ હૈયાનેઃ ‘ખટપટ તને ના ઉગમની?
મહાજ્ઞાની તું તો?’ શર વિકળતાનાં સણસણી
રહ્યાં પાછાં, મારી ધૃતિ થરથરી મૂર્છિત ઢળી. ૭૯.
સુવાડી મૂર્છામાં મુજ મદ અધૂરા મગજનો,
દૃગોએ તેના તે અકળ સ્મિતના અંકુશ થકી
ઉપાડ્યો આત્માનો ગજ મુજ; વને કૈંક ભટકી
વળ્યો પાછો થૈને ચ્યુતમદ, વિસારી ગરજનો. ૮૦.
પછી ત્યાં આત્માએ વિનત હૃદયે એહ ચરણે
ધરી માથું પ્રાર્થ્યું: ‘અબુઝ ઉરના દોષ ક્ષમજે,
મને જ્યાં જ્યાં ભાળે કુટિલ અ-દયા હૈ તું દમજે,
સદા ઝંખું: રાખે સતત તવ આ સ્નિગ્ધ શરણે.’ ૮૧.
પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી
અધૂરી આંખોની ભટકણું બધી; તેજલ નદી,
(૪૪) અહો, એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી. ૮૨.
પૂછ્યું મેં પ્રીછીને પરમ રસ સામર્થ્ય દૃગમાંઃ
ખરે, હું શું ભૂલ્યો ખટપટ ન કીધે ઉગમની?
હું શું ભોળું જાણું શિશુ કળ બધી આ અગમની?
મને જ્યાં જ્યાં લાધ્યો રસ, ઢગ થયો તેહ પગમાં. ૮૩.
‘ન મેં ઇચ્છ્યું કો દી રસકુસુમનો નાથ બનવા,
ન મેં ઇચ્છ્યું કો દી કુસુમકુસુમે વા ભટકવું;
ખરે ખીલ્યાં પુષ્પો, રસકસ ખુટે ત્યાં પટકવું
સદા માથું, એને ગુણ પરમ ને સત્ય ગણવા?’ ૮૪.
‘સદા કાળે હું તો પરમ ઉર એકાર્થ તલસ્યો,
મને જે ધારી ર્હે નિજ ઉરદલે શાશ્વત, જ્યહીં
સમુદ્રે તેના હું મુજ જલ બધાં જાઉં જ વહી.
નહીં કેાઈ હૈયે મુજ ઉર પરે એ રસ રસ્યો. ૮૫.
‘ફુલોના જ્યાં જ્યાં પથ્થર થઈ જતા, સૌરભ સડી
ઉઠે જ્યાં દુર્ગન્ધો, કમકમી છળી ત્યાંથી છટકું,
સદા જૂઠા પાજી ક્ષણિક રસજાળે નવ ટકું,
ગણી સ્થૂલાચારી બહુચર, જલાવે હર ઘડી? ૮૬.
‘કહે ભૂમાં એકે કુસુમ હતું કો શાશ્વત ખિલ્યું,
છતાં મેં છોડ્યું છે? નહિ નહિ. મને પથ્થર કર્યો
હતો તો હું ર્હેતો સજડ જડ એક સ્થળ કર્યો,
મને સર્જ્યો, મા તે મધુપ, મધુ જ્યાં ત્યાં જઈ ઢળું.' ૮૭.
સુણી મારી એવી કલબલ શિશુની, દૃગ સ્મિતો
વધુ ખીલ્યાં, ગાઢો કરપરસ ગાઢો વધુ થયો,
અજંપાની આગે અમૃત ઉતર્યા, પ્રાણ પુલક્યો,
દૃગોનાં તેજે શું વચન વરસ્યાં ગૂઢ સુનૃતો. ૮૮.
‘અરે મારા મીઠા મધુકર, રસેપ્સા સહુ ઉરે,
અને પૃથ્વી હૈયે રસ પણ ઘણું છે છલકતા,
ફુલોમાં, પાણીમાં વિખ અનલ ઝાળે ઝલકતા,
રસાર્થી તે કે જે સકલ રસમાં સિદ્ધ વિહરે. ૮૯.
‘ધરાનો જો કેવો રસ કુસુમ ને કંટક તણાં
ગ્રહે રૂપે, નીરે ઝરત, નગમાં તે સ્થિર બને,
ચડી કાષ્ઠે કાષ્ઠે અનલ થઈ ઘૂમે વનવને,
ઘનત્વે ધાતુમાં ઘટ કવચ થાતો અણગણ્યાં. ૯૦.
‘રસોની પ્રાપ્તિના પથ પથ જુદા. તે કુસુમને
ચહ્યાં, એ તો તારી પ્રકૃતિ; કુસુમોના રસ સુક્યા,
બન્યું એ તો ત્યાંના પ્રકૃતિ નિયમે, જો નવ ટક્યા
બધા પ્રીતિ સ્નેહો, નહિ જગત તું દૂષિત ગણે. ૯૧.
‘મળેલું છે સૌને અણુ રસ તણું ગૂઢ હૃદયે,
સ્ફુરંતાં તે પ્રાણી રસ ચરણ કાજે જગ ઘુમે,
મળે ભેટે ચૂમે અવર અણુ, જ્યોતો ટમટમે,
છતાં ના એ જ્યોતે, તિમિર ટળતું સૂર્ય ઉદયે. ૯૨.
‘બધાંની આવી છે કથની જુગ જૂની, મધુકર!
નથી એકે નારી-નર-હૃદય જે શાશ્વત રસ
શકે અર્પી, એનું સ્ફુરણ નિરમ્યું અલ્પવયસ;
પરા પ્રીતિ? એને અરથ મનુહૈયે ન વિચર!’ ૯૩.
‘અરે એ તો મારી ખટપટ રહી નિત્ય, જગમાં
મનુષ્યોને મૂકી અવર કયહીં હું જાઉં? સઘળે
કથા આ સ્નેહાની અરધ પરધાની જ પ્રજળે.’
વદું દાઝ્યા હૈયે, અમૃત ઉમટે તેહ દગમાંઃ ૯૪
‘પરા પૂર્ણ પ્રીતિ, રસ અખુટની જો ઉરતૃષા,
રચી લે માટીના હૃદયઘટનો સ્વર્ણકલશ,
શકે ત્યારે ધારી ઉર સુર-જને સેવિત રસ.
કદી મિટ્ટીભાકુડે અમૃત તણી ના થાય વરષા.’ ૯૫.
બન્યાં મૂગાં નેત્રો, ઉર અકળ મારું ખળભળે,
મને મિટ્ટીનાને કવણ પલટે હા સુવરણે?
જલી ઊઠું ઝાળે, અણુ અણુ દઝાયે છણછણે.
વળી પાછું મારું હૃદય મુરછામાં જઈ ઢળે. ૯૬.
- હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા!
મને અંગે અંગે અણુ અણુ મહીં કો પરસતું
ગયું, એવા જૈયે ઝરમર સો કો વરસતું
(૪૫) રહ્યું એવા જેવા મનુજજગમાં ક્યાંય ન વસ્યા! ૯૭.
ખુલે મારી આંખોઃ સમદર છલે વ્યોમ ભરતો,
પ્રભાતી વાયુનો મૃદુલ કર વીચિ વિરચતો,
ગુંચે રંગે રંગે જલદલ મહીં, ધૂમ મચતો,
મહા કો ઝંકારે રથ ગગનમાં કોઈ તરતો. ૯૮
અને પેલી આંખો પ્રખર વૃતિની એ રથ પરે
દિઠી, મીઠી મીઠી મલક મુખ એને અહ કશી!
ત્યહીં આકાશેથી કર પ્રસરતી વિદ્યુત જશી
મને એ આમંત્રી રહી પર-સુધાસંભૂત સ્વરે. ૯૯.
‘ક્યમે આ મિટ્ટીનું જડ તનુ શકે પાંખ પસરી?
અને આ મિટ્ટીના શકલ ઝિલશે સોમરસ હોં?’
ઉઠાવી મેં પંગુ કર વળી પુકાર્યું નભદિશે,
અને પૃથ્વી પૃષ્ઠે ખરર દગ વ્યોમેથી ઉતરી. ૧૦૦
મને ન્યાળ્યો ન્યાળ્યો ટિકીટિકી ક્ષણોની ક્ષણ સુધી,
મને સ્પર્શ્યો સ્પર્શ્યો અનલ દ્યુતિનાં ઓજસ વતી;
અડ્યો જ્યાં જ્યાં એનો મણિ, યહીં ત્યહીં કો રસવતી
સુવર્ણી આભાની ઝલક પ્રગટી દિવ્ય રસધ્રી. ૧૦૧.
તદા મારા હૈયે અણુ ય અણુ યે હા અનુભવ્યું,
રટ્યો જેને જલ્પ્યો પળપળ ધરાને પટ ભમી,
બધા મર્ત્યો કેરું સુર-જનનું જે એક જ અમી
વસ્યું છે તે તો આ દ્વય નયનની માંદ્ય અચવ્યું. ૧૦૨.
‘દૃગો એ છે કેાની, પ્રિયતમ રસોને પ્રસવતી?’
ઘડી હૈયું પૂછે, મન સળવળે, પ્રાણ સ્ફુરતો–
નવા કો જન્મેલા શિશુ શ્વસનમાં શ્વાસ ઝરતો,
સ્વયં ધારે વાચા ગદગદિત ‘મા, મા!’ મુજ મતિ. ૧૦૩.
રસોના સ્વર્લોકે પરમ લઈ જાતી દગ સુધા,
તને, ‘માતા, માતા!’ ઉચરી ઉર ગુંજે, અનુભવે
ઊંડે ઊંડે આત્મા, અણુ અણુ ભરી દિવ્ય વિભવે
જતી આ શક્તિનું કુરણ ધબકે સર્વ વસુધા. ૧૦૪.
અયે, મારા મારા અણુ અણુની એ આદિ ઘટના,
બૃહત્સત્ત્વા, તારો કણ હું, મુજ તું વિશ્વગરિમા,
બધું જે જે મારું તુજ મુજ પરૈક્યે વિખરી, મા!
હવે મારી યાત્રા નવલ પથ લે દિવ્ય તટના. ૧૦૫.
તા. ૯ થી ૨૧
મે, '૪૩
પોંડિચેરી
----------------------