ગુજરાતી નિબંધ-સંપદા/મનસુખ સલ્લા/સ્નેહનું બળ : હંસામાડી
સ્નેહનું બળ : હંસામાડી
નામ એમનું હંસાબહેન. પરંતુ મોટા ભાગના એમને ‘માડી’ને નામે જ ઓળખે. જાતિવાચક સંજ્ઞાવાચક બની જાય ત્યારે સ્નેહની વિશિષ્ટ ઘટના ઘટી હોવી જોઈએ. ‘માડી’ સંબોધન એનાં તમામ લક્ષણો સાથે એમનામાં શોભતું.
સ્નેહનો જાદુ અભ્યાસ, આવડત કે બુદ્ધિમત્તાને વળોટી જઈ શકે. નિર્વ્યાજ સ્નેહનો મહિમા જ વિશિષ્ટ હોય છે. માડીના વ્યક્તિત્વની અસરકારકતાનું રહસ્ય સ્નેહમાં છે. તેઓ ભાગ્યે જ બેપાંચ ચોપડી ભણેલાં હશે. ભાલના રોઝકા જેવા નાના ગામમાં ઊછર્યાં. તેમાં ધૂળ ઝાઝી અને સુગંધ ઓછી. પરંતુ હૃદય ચોખ્ખું, તેથી પછીથી વિકસી શક્યાં. હૈયું અને હોઠ એકરૂપ. ભારોભાર આખાબોલાં. પણ વેણ લાગણીમાં ઝબોળાયેલું હોય. તેથી વિદ્યાર્થીઓને ‘મારા રોયા’ કહી શકે. એ એમનો તકયાકલામ હતો, પણ ઘીની નાળ્ય જેવો નરવો લાગતો. અભિવ્યક્તિ કઠણ પણ સ્નેહથી ભરપૂર હોવાથી એમનો ઠપકો મધુર લાગતો.
સામાન્ય ઓળખ તો મૂળશંકરભાઈ ભટ્ટનાં પત્ની તરીકેની, પણ એ અધૂરી ગણાય. ધીરે ધીરે તેમણે પોતાની ઓલખ ઊભી કરી હતી. નહોતાં વિદ્વાન કે નહોતી સંસ્થાસંચાલનની શક્તિ, છતાં આદરણીય બની રહ્યાં. વિદ્યાર્થીઓ માટેના સ્નેહજન્ય કાળજીભર્યા સંબંધથી પારકાંને પોતીકાં કરી શકતાં. સ્નેહના બળે તેઓ પણ વિકસ્યાં અને અનેક વિદ્યાર્થીઓનાં હૃદયમાં ‘માડી’ રૂપે પ્રતિષ્ઠિત થયાં.
મૂળશંકરભાઈ મોટા શિક્ષક, માનસશાસ્ત્રના તજ્જ્ઞ, કેળવણીકાર તરીકે પ્રતિષ્ઠિત. માડી એમનામાંથી પોતાની રીતે જેટલું પામ્યાં તેટલું પચાવ્યું. નાનાભાઈ અને મૂળશંકરભાઈએ પોતાની સહધર્મચારિણીઓનું જે ધીરજથી ઘડતર કર્યું, તેમને વિકસવાની અનુકૂળતા આપી, તે દાંપત્યજીવનના વ્યાકરણનું ઉત્તમ નિદર્શન છે. મૂળશંકરભાઈની અભિવ્યક્તિ સંયમિત. તોળી તોળીને બોલે. માડીનું બધું સીધુંસટ, ખુલ્લું. બધામાં ડાઇરેક્ટ મેથડ હોય, વિદ્યાર્થીઓ અને પોતાનાં સંતાનો વચ્ચે ઝાઝો ભેદ નહીં. વિદ્યાર્થીઓ સાથે વાત કરતી વખતે ‘માડી’ના હકથી બોલે, ‘હું તો હાંચું કઈ દઉં, તારા ભાઈ જેવું કેળવણીકાર જેવું… બોલતાં મને નો આવડે.’ સલાહ સાચી હોય, પણ રજૂઆત આગ્રહભરી જ હોય. બે આકરાં વેણ કહેવામાં સંકોચ નહીં. વિદ્યાર્થીના હિતની વાત છે તો પેટના જણ્યાની જેમ એનેય શું કામ ન કહેવી? ‘મારે કાંઈ નથી, તારા ભલા હારુ કઉં છું.’ એમ ઉમેરતાં જાય. ક્યારેક મૂળશંકરભાઈ કહેતા. ‘તમે એને બહુ ન કહો.’ તો માડી તડ દઈને કહી દેતાં, ‘હું કામ નો વઢું? મારા દીકરા જેવો છે. મારો હક છે તે કેવાની. મારે હૈયે એવું હોઠે. ભેખડે ભરાય ને છોલાય એના કરતાં પેલેથી કેવું હારું. બોલ્ય એલા, મારી વાત હાચી છે કે ખોટી?’ એમાં સાચાખોટાનો તો પ્રશ્ન જ ક્યાં હોય? માડીએ કહ્યું માટે જ સ્વીકારાતું, મૂળશંકરભાઈ માથા ઉપર હાથ ફેરવતાં ફેરવતાં મરકે, ખાટને પગનો ઠેલો મારીને હાથની અદબ વાળી લે. ત્યાં સુધીમાં માડીનાં ૧૦-૧૫ વાક્યો વહી ગયાં હોય.
માડી વિદ્યાર્થીઓને કહી શકે તે મનુભાઈ પંચોળી — દર્શક જેવા વડીલને પણ બેધડક કહી શકે. ત્રણેક વર્ષ પહેલાં મનુભાઈ ખૂબ માંદા પડી ગયા. જસલોકમાં રાખવા પડ્યા, પછી લોકભારતી આવ્યા. માડી આગ્રહ રાખીને ખબર કાઢવા આવ્યાં. માડી અને મનુભાઈની ઉંમર સરખી છે. મનુભાઈ પથારીમાં સૂતા હતા. માડી સામે ખુરશીમાં બેઠાં હતાં. કહે, ‘જુઓ, હું કઉં છું તે ભોજાઈને નાતે. તમે મારા દિયર થાવ છો. તમારી ઉંમર કાંઈ હવે નાની નથી. ઘરમાં ટાંટિયો ટકતો નથી એમાંથી માંદા પડ્યા છો. આજ સુધી બોવ દોડ્યા. હવે હાંઉ કરો. ટાંટિયો ઘરમાં રાખશો તો સાજા રહેશો. ખોટું નો લગાડતા. હું તો હાચું કઉં છું.’ સામાન્યપણે મનુભાઈ સંભળાવે વધુ, સાંભળે ઓછું. પણ માડીની વાત બરાબર સાંભળી. એટલું જ કહ્યું, ‘હવે ધ્યાન રાખશું.’ માડીનો આ અધિકાર નિર્વ્યાજ સ્નેહમાંથી જન્મેલો હતો.
શિક્ષણ એટલે કેવળ માહિતીજ્ઞાન નહીં. ચારિત્રઘડતર કરે એ સાચું શિક્ષણ. છાત્રાલયપ્રધાન અને સર્વાંગી વિકાસ માટે મથનાર શિક્ષણસંસ્થામાં ગુરુ જેટલું જ ગુરુપત્નીઓનું સ્થાન છે. માતાપિતા કે કુટુંબીજનોને મૂકીને આવેલો વિદ્યાર્થી જ્યારે ગુરુપત્નીમાં માતૃભાવ કે ભગિનીભાવ અનુભવે છે ત્યારે અનાયાસે તે વધુ સમધારણ બને છે. તેનાં વલણો નરવાં બને છે. એથી ગુરુપત્ની જ્ઞાની હોય તો ઉત્તમ, પણ પ્રેમાળ તો હોવાં જ જોઈએ. સ્નેહ અનેક બંધ તાળાંની ચાવી બની શકે છે. ગુરુપત્નીઓની કામગીરી અપ્રત્યક્ષ છે, પણ છે અત્યંત અગત્યની. શિક્ષકો-વિદ્યાર્થીઓના પારિવારિક સ્નેહસંબંધોનાં મૂળ આવી રીતે સ્થિર થાય છે. લોકભારતીમાં હંસામાડી, વિજયાબહેન (પંચોળી) કે પુષ્પામાસીની ઉપસ્થિતિ આ કારણે મહત્ત્વની બની હતી.
હંસામાડી ઝીણી કાળજી લઈ શકતાં. માંદા વિદ્યાર્થી માટે કે મૂંઝાયેલા વિદ્યાર્થી માટે તેમની આંખ સજાગ હોય. ખવડાવવા-પિવડાવવામાં પોરહીલાં. તેઓ જાણે કે ફલાણા વિદ્યાર્થીને ચા વિના માથું ચડે છે તો ઘેર બોલાવીને પાય. પાછાં કહે, ‘તારા ભાઈને નહીં કઉં, પણ ચાની ટેવ ધીરે ધીરે મૂકી દે. ભણતરમાં આવી ટેવ સારી નઈ.’ એમને ત્યાં જનાર કટકબટક તો કરે જ. ગમે તે કામ હોય, તેમની વાત વણથંભી ચાલુ રહે. એમાં પ્રથમ પુરુષ એકવચન સંકોચ વિના આવે. વાતરસ જબરો. એમાં ઘઉં-તેલના ભાવતી માંડીને નાનાભાઈ (ભટ્ટ) કેવડા મોટા માણસ છે ત્યાં સુધીનું બધું આવી શકે. અનુભવે વિદ્યાર્થીઓનાં મનને સમજવાની આવડત કેળવાયેલી. એને આધારે અધિકારપૂર્વક શિખામણ કે ઠપકો આપી શકતાં. એમની વાતનો ભાર ન લાગે. અલકમલકની વાતોમાં કહેવાનું કહી દે.
વાતનો ખરો રંગ આવે તેઓ સવારે શાક સુધારતાં હોય કે બપોરે ઘઉં વીણતાં હોય ત્યારે નિરાંતે બેઠાં હોય. એમને પૂછવાની જરૂર નહીં કે ‘માડી, મદદ કરું?’ વિદ્યાર્થી પોતાના ઘરમાં જતો હોય તેવી સ્વાભાવિકતાથી એમના રસોડામાં જઈ, થાળી લાવી, ઘઉંમાંથી કાંકરા વીણવા તેમની પડખે બેસી જાય. ગભરુ કે ભરાડી, ઓછાબોલો કે સળંગ દળનારો — કોઈ પણ વિદ્યાર્થી માડી સાથે વાત કરી શકે. ઘર જ લાગે. માડીની વાતમાં મૂળશંકરભાઈનો મહિમા આવે જ. કહેતાં, ‘હું તો રોઝકાની ધૂળમાં મોટી થઈ. સાવ ભૂત જેવી હતી. સારા પ્રતાપ તમારા ભાઈના કે મને કેળવી. એમની હાર્યે રઈને બે વાત શીખી. ભોળાનાય ભગવાન હોય છે ને?’
વાત જામે રેવાબાની વાતે. રેવાબા એમનાં સાસુ. આકરાં અને આગ્રહી. ૬૦ વર્ષના મૂળશંકરભાઈનેયે મૂળિયો કહે. એમને ઘેર જઈએ એટલે રેવાબા અમારાં ભોજન, શાક, ઘી, દૂધ બધાં વિશે ઝીણવટથી પૂછે. પણ જ્ઞાતિ વિશેનાં એમનાં રિઝર્વેશન છેક સુધી રહેલાં. નાત વિશે અમને અવશ્ય પૂછે. કાને સાંભળે ઓછું, માડી હળવેકથી અમને કહી દે. ‘વાણિયા-બામણમાંથી એકાદ કૈ દે. નૈં તો મનેય ફરી નવડાવશે.’ પણ રેવાબાની ગેરહાજરીમાં માડી એમના ગુણ ગાતાં થાકે નહીં. આંખમાં અને અવાજમાં ભારોભાર આદર છલકાય. ‘બા ભલે સ્વભાવનાં આકરાં હતાં, પણ મને પેટની દીકરીની જેમ રાખી છે. હારા પ્રતાપ એમના. એમના આશીરવાદથી તમારા ભાઈ આવા થયા. રેવાબાએ તમારા ભાઈને નાનાભાઈને સોંપ્યા તેથી ભણી શક્યા… વિચાર તો કર્ય, ભાલનાં ગામડાં, એકલી વિધવા બામણ બાઈ, છોકરાં નાનાં, ખડ વાઢીને ઘર ચલાવ્યું, શું શું વીત્યું હશે? આપણે તો આજે બારબાદશાઈ છે. ઘરડાં માણસ તે બે વેણ આકરાંય કહે, પણ એના જેવી સાધ્વીબાઈ મેં બીજી જોઈ નથી. એના પગ પૂજું તોય ઓછું છે.’ એક દૃશ્ય વારંવાર જોયું છે. પ્રૌઢ હંસામાડી ચશ્માં ચડાવી રામાયણ વાંચતાં હોય ને કાને ઓછું સાંભળતાં રેવાબા કાને ભૂંગળી માંડી માથું હલાવતાં હલાવતાં સાંભળતાં હોય. એમને કમ્યુનિકેશનનો પ્રશ્ન નડતો નહોતો.
આવી આવી વાતોમાં માડી કેવળ ઘઉં ચોખ્ખા કરે એટલું જ નહીં, સાંભળનારનાં મન-હૈયાંને પણ ચોખ્ખાં કરે. ક્યારેક સ્વામી આનંદ, ક્યારેક નાનાભાઈ તો ક્યારેક ઉમાશંકરભાઈ — બધાની વાત ભારોભાર આદરથી કરે. એમાં તત્ત્વમીમાંસા ગેરહાજર હોય, પણ મર્મ પકડી લીધો હોય. ને પાછા મીંડ પર આવી જાય, ‘આપણે કાંઈ ઝાઝું હમજીએ નૈં. પણ માદેવ પાછળ પોઠિયો પૂજાય તેવું મારું છે.’ ને હસી પડે.
હાસ્ય એમના વ્યક્તિત્વના પ્રતિબિંબ જેવું નિર્દંભ, સરળ, મોકળું.
માડીમાં સહજ કોઠાસૂઝ હતી. અટપટા પ્રશ્નો વખતે એમને ઉકેલ સૂઝી આવે. લોકભારતીમાં એક કાર્યકરની બેબીને ગૅસ થયો. પેટ ફૂલી ગયું. બેબીને લઈને એની વાત મૂળશંકરભાઈ પાસે આવી. મૂળશંકરભાઈ મોટા વૈદ્ય, પણ વર્ગ લેવા ગયા હતા. બેબીની પીડાને કારણે માતા પણ રડી પડી. માડીએ વિગત જાણી કહ્યું, ‘જો મારી બહેન, આભનો ચાંદો ને બાળકનો ફાંદો તો વધે ને ઘટે. એમાં રોતા નો બેહાય. ઘીમાં હિંગ કાલવીને દૂંટી ફરતી ચોપડી દે. હમણાં હારું થઈ જાશે.’ પેલા બહેને ઉપાય અજમાવ્યો ને બેબીને રાહત થઈ ગઈ. આવા અનેક નુસખા એમને જીભને ટેરવે. માડીની સમજાવવાની તળપદી રીત અને વ્યક્તિત્વની લાક્ષણિકતા આવા પ્રસંગોથી અનેકને યાદ રહી ગઈ છે.
વિદ્યાર્થીઓની સાજેમાંદે કાળજી લેવાય તેટલાથી માડી ન અટકે. અભ્યાસ પછીના જીવનમાં પણ માડી સ્નેહજન્ય સંભાળ લેતાં. તરુબહેન નામના વિદ્યાર્થિનીને કોઠે રતવા. પ્રથમ બાળક મૃત્યુ પામેલું, પછી ભણવા આવેલાં. માડી આ વિગત જાણે. તરુબહેન ભણીને ગયાં ત્યારે માડીએ બાધા રાખી કે બાળકને સાંઢીડા મહાદેવને પગે લગાડવા આવશે. મૂળશંકરભાઈએ બતાવેલી દવા લાભદાયી નીવડી. આ વાત ૧૯૬૪ આસપાસની. લાંબી મુસાફરી. પણ માડીનો આગ્રહ અફર. તરુબહેન પુત્ર રાજાને લઈને વાલોડથી સણોસરા આવ્યાં. માડી સાંઢીડા સાથે ગયાં. દૌહિત્રની જેમ રાજાને ખોળામાં લઈ મહાદેવને પગે લાગ્યાં. તેની રક્ષાની કામના કરી. સ્નેહને કોઈ સીમા હોતી નથી. તેમાં સૌનો સમાવેશ થાય છે. માડીનો આ વ્યવહાર પણ સાવ સહજ હતો.
આ સ્નેહની મૂડીથી તેઓ લોકભારતીમાંથી ભાવનગર રહેવા ગયાં ત્યારે ત્યાં પણ અનેકને ભીંજવ્યાં. વિદ્યાર્થી ભણીને ગયો એને ૧૫-૨૦ વર્ષ વીતી ગયાં હોય, પણ મળવા જાય એટલે ઝીણવટથી સૌને સંભારે – પત્ની, બાળકો. સૌની વિશેષતા સાથે યાદ કરે, ખબરઅંતર પૂછે. છેલ્લાં વર્ષોમાં મોટી માંદગી પછી ઓળખ તાજી કરવામાં વાર લાગતી, પણ કમ્પ્યૂટરમાં કમાન્ડ બરાબર અપાય તે ફાઈલ ઊઘડી જાય તેમ એક વાર સહેજ ઓળખનો આધાર મળે કે બધું અકબંધ ને તાજું છે તેમ લાગે. જીવણભાઈ ધ્વનિરૂમવાળા એટલું ઓળખાયું કે રમા, બાળકો સૌ જાણે ગઈ કાલે મળ્યાં હોય તેમ વાત માંડે. એમની સ્મૃતિ આ પ્રકારે છેલ્લે સુધી કામ આપતી હતી.
૮૩ વર્ષની દીર્ઘ ઉંમર હતી. શરીર ક્ષીણ થઈ ગયું હતું. ૬ ફેબ્રુઆરીની મધરાતે જાણે કે દીવામાં દિવેલ ખૂટી જાય ને શાંતપણે પૂર્ણવિરામ પામે તેમ માડી આ લોક છોડી ગયાં.
એક ગૃહિણી, ગુરુપત્ની, નજીવું ભણતર, પણ સ્નેહના બળે સંબંધની સુવાસનો કેટલો વ્યાપ કરી શકે અને જાતને પણ કેટલી વિકસાવી શકે તે માડીના જીવનમાં પ્રત્યક્ષ થતું હતું.
શિક્ષણસંસ્થાઓમાં સંબંધના માધુર્યમાં કુટુંબનાં બહેનો કેટલો મોટો ફાળો આપી શકે તેનું એક ઉત્તમ દૃષ્ટાંત હંસામાડી પણ છે ને એમાંથી જ એવી અપેક્ષા પણ જાગે છે કે દરેક ગુરુપત્ની આવાં હોય તો વિદ્યાધામો વધુ તેજસ્વી અને મધુર બનશે.