ગુજરાતી નિબંધ-સંપદા/કિશોરસિંહ સોલંકી/હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર
હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર
ઘર. કાના-માતર વિનાના બે અક્ષર. એકલાઅટૂલા પણ ભાદરવાની જેમ ભર્યા ભર્યા. હાશ કરીને જીવવા માટેના આશ્રયદાતા, એવા બે અક્ષર-શબ્દ.
ઘર, સિમેન્ટ-કૉંક્રીટની ચાર દીવાલો ને ધાબું, ઈંટ-માટીનાં ભેંતડાં ને નળિયાં, ભંગાર પતરાંની આડશ ને કંતાન કે પ્લાસ્ટિકનું ઢાંકણું કે લાકડાની ચાર થાંભલીઓ ને ઘાસનું ઓઢણું. આ ઘર.
મારું ઘર, જે લીંપણની ઓકળીઓ ઉપર મારાં પ્રથમ પગલાં પડ્યાં હતાં એ ઘર. જેનાં નળિયાંનાં ઝારીબારામાંથી આવતાં સૂરજનાં કિરણોને જોયાં હતાં, એ ઘર. જ્યાં પ્રથમ શ્વાસમાં સીધેસીધી હવાનો ઘૂંટડો ભર્યો હતો અને પછી રડ્યો હતો ‘ઊંઆ… ઊંઆ’ એ ઘર!
પાદરેથી ગામમાં જવાના ત્રણ રસ્તા પડે. એમાં દખણાદો જે રસ્તો છે એ સીધો જ જાય આ બંદાના ઘર સુધી. પાદરની હોટલથી આગળ વધ્યા એટલે એક બાજુ વાઘરી અને રાવળનાં ઘર-વાડા તો બીજી બાજુ લુહારોનો મહોલ્લો! ત્યાં વાડે વાડે ડાબી બાજુ વળો એટલે સામે સુથારનાં ઘર અને એની પાછળની ઓળ એ જ આપણું ઘર. સુથારોનાં ઘરની પછીત એ અમારું આંગણું. આંગણામાં રસ્તા પર પડે છે લીમડી. એનું થડ એ જ મારા ઘરની દીવાલ.
એ લીમડીના ઉછેરનો હું સાક્ષી છું. એને મોટી કરવામાં મારો ફાળો છે. વાત એવી છે કે, અમારે બાજુમાં એક નવું ઘર બનાવવાનું હતું. કુંભારોએ ઈંટવાડો પાડ્યો હતો. ઘર માટે ગધેડાં ભરીને ઈંટો મંગાવેલી તે ત્યાં મૂકી રાખેલી, એવામાં આવ્યું ચોમાસું. ઘરનું કામ રહ્યું બંધ. ચાર માસમાં, ઈંટોની છાતી ચીરતી ઊગી નીકળી એક લીમડી, તે આ. ત્યારે તો હું હતો — સાતેક વર્ષનો. આજે મારાથી સાતેક વર્ષ નાની, એનો વડીલ તે હું, લીમડી ઊભી છે. જેને અમે વાડોલિયું કરીને, પાણી પાઈને મોટી કરી છે, એ. એની છાયામાં ખાટલો ઢાળીને સૂવાનો લહાવો લેવાય છે આજે; ટાબરિયાં ભેગાં થઈને રમે છે એની નીચે. લીમડીએ આશરો આપ્યો છે પંખીઓને પોતાની ડાળે, છાંયડામાં માણસો અને પશુઓને. મેં? મેં કોને આશરો આપ્યો છે? કે પછી કોઈનો આશરો લીધો છે? નક્કી કરી શક્યો નથી.
દ્વિધાભરી સ્થિતિ લઈને ઊભો છું ગઈ કાલના ઘરના ઉંબરામાં.
ઘર, માટી-ઈંટની ભીંતોવાળું, ગારાથી ઈંટોને બેસાડીને બનાવેલું ઘર. યાદ નથી ક્યારે બનાવેલું આ ઘર. મારા જન્મ પહેલાંનાં વર્ષોનું ઘર. દૂબળું ઘર. ઘસાયેલું ઘર. સતત સંઘર્ષમાં જીવેલું ઘર. મોડી સાંજે વગડો લઈને પાછું વળતું ઘર. કમાડ બંધ કરીને આખી રાતનાં અંધારાં ઉલેચતું ઘર.
આ ઘરમાં સૌપ્રથમ ઘોડિયામાં હીંચકો ખાધો હતો. હાલરડાંનો આલાપ સાંભળ્યો હતો. જ્યાં મારી પ્રથમ પા પા પગલી ભરાઈ હતી. પગની ઝાંઝરીની ઘૂઘરી વાગી હતી. માતાનાં થાનલેથી દૂધના ઘૂંટડા પાતું ઘર.
આથમણા બારણે આવેલું મારું આ ઘર. ત્રીસ વર્ષ પહેલાં અમારા ઘરોની ઓળ ગામમાં છેવાડી ગણાતી. કોઈ કહે તો ‘ગાંદરાવાળાં ઘર’ તરીકે ઓળખાય, ઘરમાંથી બહાર નીકળીએ તો કેરકાંટાનાં જાળાં, ફાફડાથોરનું વન, ઊંડા ઊંડા ખાડા અને એની પાસે જ ગામના ઉકરડા. ગામના ઉકરડામાં ઊછરેલ વનેરુ છીએ અમે.
સામે જ ગામનું તળાવ, ચોમાસામાં અડધા ગામનું પાણી અમારા ઘર પાસેથી પસાર થાય. અડધો જેઠ ઊતરે એ પછી તો આખા ગામનાં ઘરને સીંચતાં જોવાનો એક લહાવો હતો. અમે નાનાં નાનાં ટેણિયાં નળિયાંની ઓળ ઉઘાડીએ. સીંચનાર કારીગર તે સીંચતો રહે. ઘરની ઉપર હોય પાટડા, એના ઉપર લાકડાની વળીઓ અને વાંસની પાથરેલી ખપાટો. એના ઉપર ગામના કુંભારના ચાકડા ઉપર ઉતારીને નીંભાડામાં પકવેલાં હોય નળિયાં. નળિયા ઉપર નળિયું. એક પછી એક. એક જ લાઇનમાં ગોઠવાઈ જાય. સીધો વરસાદ ઝીલતાં નળિયાં… નેવાંથી નિચોવાતાં નળિયાં. એક જ ધારે વરસાદને વહેવડાવતાં નળિયાં.
ક્યારેક કોઈ બિલાડું કે કાગડાએ કે વાનરે જો નળિયાં આઘાંપાછાં કર્યાં હોય તો એમાંથી સીધો જ વરસાદ આવે ઘરમાં. નિસરણી લઈને પલળતાં પલળતાં સીંચવાનાં એ નળિયાં. જે ચૂતું હોય તે બંધ કરવાનું. ક્યારેક તો વરસાદ ત્રણ-ચાર દિવસ સુધી આંખ ખોલ્યા વિના સતત ચાલુ રહે. કંટાળી જવાય ઘરમાં ને ઘરમાં. આખું ભીંજાઈ જાય. બધું જ ભીનું ભીનું. ચૂલો પણ ના સળગે. બળતણ પણ ભીંજાઈ ગયાં હોય. તેથી તો ચૂલામાં અડવતાં સળગ્યા વિના ધુમાડો ગોટાય. ધુમાડાથી ભરાઈ જાય આખું ઘર. વરસતા વરસાદમાં ઘરમાંથી નળિયાંમાં થઈને બહાર નીકળે ધુમાડો — નહાતો નહાતો. આંખો ભરાઈ જાય આભલાની જેમ.
ઘર નાનું, કુટુંબ મોટું. ઓસરીમાં એક બાજુ ભેંસો અને બળદ બંધાય. પણ આથમણા વાયરાનો વરસાદ સીધો જ આવી જાય ઓસરીમાં. એને કંતાનની આડશથી અટકાવવાનો પ્રયત્ન થાય. ઘાસ પણ ભીંજાઈ ગયું હોય, ઢોર પણ ના ખાય.
બધું જ બની જાય વરસાદમય.
ઘરની પછીતની દીવાલના પાયા ઉંદરડાઓએ ખોદી નાખ્યા હોય તો વરસાદનું બધું જ પાણી પૂછ્યા વિના આવી જાય ઘરમાં. આખું ઘર જળબંબાકાર. બધા જ કોદાળી-પાવડા લઈને દોડી જાય પછીતની પાછળ, અડધા કલાકમાં તો પછીતની દીવાલે બંધાઈ જાય પાળો. બૈરાં ઘરમાંથી ઉલેચવા માંડે પાણી. પણ ત્યાં સુધીમાં તો ઘરની અંદરની પછીતે ઊભેલી કોઠીઓના પાયા પલળીને ઓગળી ગયા હોય. કોઠીઓમાં ભરેલું હોય અનાજ, તે ઢળી પડે. પલળી જાય આખા વરસનું અનાજ પણ. પાણી ઉલેચીને કોઠીઓ નીચે ઈંટો ગોઠવાય. થીગડાં મરાય. લાકડાના ચાર પાયા પર ઊભેલું પાણિયારું ત્રાંસું થઈ જાય. પાણી ભરેલાં માટલાં ધફાધફ નીચે પડીને ફૂટી જાય. વરસાદના પાણીમાં વધારો થાય. ગોદડમાંમી ઉપર પડેલાં પાંચદસ ગોદડાં પણ અનુભવ કરી લે ચોમાસાનો, વર્ષમાં ત્રણ-ચાર વખત લીંપણની ચામડીથી ઓળાતું ઘર હાડપિંજર જેવું બની જાય, અમારી જેમ.
ઘૂંટડે ઘૂંટડે ચોમાસું પીતું ઘર શિયાળાની શરૂઆતમાં ભેજમાંથી મુક્ત બનવા તરફડતું હોય. ત્યાં વહેલો ઊગતો અને વહેલો આથમતો સૂરજ ઠૂંઠવાતો હોય. ચૂલો ફૂંકાય, દેવતા સળગે, ટેંટિયાં અડવાય અને આખું ઘર ટૂંટિયું વાળીને ઠંડીને ભગાડે. ઘરની ભેંસનું શેડકઢું દૂધ અને એમાં કોદરાની ગરમાગરમ ઘેંશ. તાંસળું ભરીને પેટમાં રેડાય. હોઇયાં કરીને, ગોદડાના ગાભામાં વીંટળાઈ વળવાનું. એક જ માંચામાં બબ્બે જણ. ટૂંટિયાં વાળીને આંદરણીઓમાં અટવાતા અટવાતા આખી રાત પસાર કરી નાખવાની — આ ઘરમાં.
ચોમાસું જતાંની સાથે લીંપણની ઓકળીઓ ઊગી નીકળે. બે દિવસમાં તો આખું ઘર નવી પરણેતર જેવું લાગે. લીલા લીંપણમાં મારાં પગલાં હજી પણ સચવાયેલાં હશે. કોઠીઓના પાયા નવા બને, ભીંજાયેલું અનાજ કોરું થાય. બગડેલું જુદું કઢાય. અમે ખાઈએ, ઢોર પણ.
ઉનાળો તો તોબા મારા બાપ. નળિયાંમાંથી સીધો જ સૂરજ વરસ્યા કરે ઘરમાં. પણ લીંપણના કારણે બફારો ઓછો લાગે. ફૂંકાતી લૂ હાડકાંની સોંસરી નીકળી જાય. ઉનાળો મોટા ભાગે પસાર થાય ખેતરમાં, વયોવૃદ્ધ આંબાની લીલમલીલી છાયામાં, નીકનું કરી ઓશીકું ને કાઢી નાખીએ બપોર, ઘર વગર.
ઘરમાં તો એક બાજુ ચૂલાની ગરમી. ઘઉંના રોટલા કલાડામાં શેકાતા હોય ત્યારે ભૂંગળી લઈને બળતણ અડવતાં ફૂંકતા હોઈએ, ધુમાડાનું જોર વધે એમ ગરમી પણ, તોય ઘર વચ્ચે માંચો ઢાળીને એકાદ પછેડી ભીની કરીને, ઓઢીને પસાર કરી દેવાનો ખરો બપોર અથવા આંગણામાં ઢાળી માંચો ને ઉઘાડા શરીરે આંદરણીઓની છાપ પીઠે ઉપસાવતા ઘસઘસાટ ઊંઘી જવાનું.
ઉનાળો તો ઉનાળો હોય છે. ચોમાસાનો ભેજ અને શિયાળાની ઠંડીને સૂકવતા ઉનાળામાં. ગોદડમાંચીએથી લાવીને આખા આંગણામાં પાથરીએ ગોદડાં. એક-બે વખત પાસાફેર કરીએ, ગોદડાંમાંથી ભેજ થાય અને માંકડ-ચાંચડ પણ. સાંજના ખંખેરીને વાળી લઈએ ગોદડાં.
આશરાનો એક દર — આ ઘર. એની ભીંતોએ કદીય જોયો નથી સિમેન્ટ. એનાં નળિયાંને મળ્યાં નહીં પતરાં. ઘરનો મોભ લાગ્યો બોદાવા. વળીઓ પણ ખવાઈ ગઈ. નળિયાં બની ગયાં ઠીકરાં. પાટડા તૂટવાની તૈયારી સાથે તાકી રહ્યા. આંગણાની કુંભીઓ હાલી ગઈ — વૃદ્ધ માણસના દાંતની જેમ.
આ ઘરનો ઊંચો ઉંબરો જ્યારે મેં સૌપ્રથમ ઓળંગ્યો ત્યારે ગબડી પડ્યો હતો. એના લીંપણને આંગળીએથી ખોતરીને ઉખેડ્યું છે. આંગણામાં રમતાં રમતાં મુઠ્ઠીએ મુઠ્ઠીએ ભફાવી છે માટી. ટાબરિયાં ભેગાં મળીને રમ્યાં છીએ અહીં. આંગણાની ઈંટોની ભીંતો એકાદ વખત ચૂનાથી અભડાઈ છે. બારણાની બે બાજુએ શુભ ને લાભ લખાયાં છે. ગળીથી એક-બે મોરનાં ચિત્રો ચીતરાયાં છે. પણ વખત જતાં મોરનાં પીંછાં ખરી ગયાં છે. ખીંટીઓ નીકળી ગઈ છે ને બાકોરાં પડી ગયાં છે.
પ્રથમ કૂકડો બોલે ત્યારે માંચામાંનાં ગોદડાં સમેટાય. ચૂલો સળગે. એના ઉપર મુકાય ગરમ પાણી કરવા માટે દોણું. પાટડે લટકતા આંકડા સાથે બંધાય રવૈયો. ચોરસીમાંથી બે-ત્રણ દિવસનાં કાઢવામાં આવે દૂધાતણાં. એનામાંના દહીંને ભાંગવામાં આવે હાથથી અને પછી ગોળીમાં નંખાય. સામસામે નેતરાં તણાય ને વલોણાનો ઘેરો ઘેરો અવાજ ઘોરાવા લાગે.
ઘરમાં દાખલ થતાં ડાબા ખૂણામાં લપાઈને બેઠી હોય ઘંટી; ‘ઘમ્મર ઘમ્મર ગાય રે ઘરડાં માની ઘંટૂડી, ઝીણો લોટ દળાય રે ઘરડાં માની ઘંટૂડી’… જ્યારે વલોણાનો વારો ના હોય ત્યારે વહેલી સવારે ઊઠીને મા ઘંટી દળે — પોતે દળાય. શિયાળાની કડકડતી ઠંડીમાં પરસેવે રેબઝેબ થઈ જાય. ઘરમાં આઠ-દસ જણના રોટલા ટિપાય એટલું દળવાનું. સવારે રાંધીને, લઈને ખેતર જવાનું.
બધાં જાય ખેતરમાં ત્યારે ઘરને લાગે તાળું. પણ એની ચાવી તો બહાર આળિયામાં જ મુકાય. ન કોઈ લઈ જાય કે ચોરી જાય, ન કોઈ ખોલે ઘર. એટલો વિશ્વાસ હતો માણસમાં માણસને. અમે નિશાળેથી છૂટીને, ઘર ખોલીને ચોરસીમાં છાબડીમાં પડેલા બાજરી કે જુવારના રોટલા સાથે મરચાંની ચટણી અને છાસના હાબડૂકા લઈને હોઇયાં કરી લઈએ.
ઘંટીની બાજુમાં ખાઇણિયો. એમાં બધું જ ખાંડવાનું સાંબેલાથી. એમાં કમોદ, કોદરા, ચૅણો કે કૂરી ખાંડીને એનાં તાંદળાં બનાવાય. એ પણ મા જ કરે. એની બાજુમાં જ વળગણી. એના ઉપર આખા ઘરનાં લૂગડાં લટકે. પછી શરૂ થાય કોઠીઓની હરોળ. એકમાં ઘઉં, બીજીમાં બાજરી, જુવાર, કઠોળ ભરેલાં હોય. પછી આવે ગોદડમાંચી અને પછી પાણિયારું ને ચૂલો. ચૂલાની બાજુમાં હોય મીઠાનું માટલું અને એના ઉપર મુકાય કલાડું.
ન મળે કબાટ કે પટારો. કબાર હોય તો માટલાના. પૈસા કે અગત્યના કોઈ કાગળ હોય તો એક માટલામાં મુકાય. વધારેમાં હોય ગોખલા-આળિયાં. એમાં પડ્યું રહે કાચરકૂચર. વૈભવમાં હોય અનાજ ને થોડાં ઘરેણાં. ઘરેણાં વારે-તહેવારે પહેરાય; નહીંતર ક્યાંક પોટલું બાંધીને એકાદ કોઠીમાં અનાજ ભેગું નાખી રાખવાનું.
આ ઘરના લીંપણને વીસ વીસ વર્ષ સુધી ઘસ્યું છે. એના પાણિયારાના ગોળાનું પાણી પીધું છે. એના માંચામાં આળોટ્યો છું. એની ભીંતો સાથે બાખડ્યો છું. એની ચોરસીમાંથી ચોરીને ઘી ખાઈ ગયો છું. એની કોઠીમાં મૂકેલાં ગોળનાં દડબાં ભચડી ગયો છું. એના આળિયામાં ચોપડીઓ ગોઠવી છે. એના દિવેલના દીવાથી એકડો ઘૂંટ્યો છે. એની દીવાલે લોખંડના ખીલા મારીને ફાનસ ટેકવીને રાતોની રાતો વાંચીને ભણ્યો છું. એના ગાભાની સાથે માંકડ વીણતાં વીણતાં આનંદ પણ માણ્યો છે. આ ઘર જેની વળીઓમાં ચકલીઓ માળા કરે, જેની ભીંતોનાં બાકોરાંમાં કબૂતરો ઈંડાં મૂકે. જેની કોઠીઓના પાયામાં બિલાડી વિયાય, જેના મોભારે સુઘરી માળા બાંધે. ક્યારેક મોભારા ઉપર ઊંચો બેસીને મોર આષાઢના મેઘને આહ્વાન આપે. એના આંગણાની કુંભી પાસે ક્યારેક મધપૂડો આશરો મેળવે. માણસનો હાશકારો આ ઘર.
ઘરમાં માંણ જીવે, મોર ને ઢોર જીવે. કીડી-મંકોડા ને કંસારા જીવે. જીવ જીવે ને શિવ જીવે. ભીંતોમાં લોખંડની ખીલીઓથી ઠોકીને બેસાડેલ દેવ જીવે, હોકા ને ચલમની સાથે વાર-તહેવારે ગૂગળ કે લોબાનનો ધૂપ જીવે. બીડીની સાથે અગરબત્તી જીવે આ ઘરમાં.
આ ઘર આજે ઢસરડા કરતું ઊભું છે. જીવવાનાં વલખાં મારતું આવ્યું છે અહીં સુધી. એના દાંત પડી ગયા છે. કેડમાંથી વાંકું વળી ગયું છે. એનો મોભ મજબૂત રહ્યો નથી. એનાં નેવાંની ધારાઓ સુકાઈ ગઈ છે. એની ઓસરીમાં ચણેલાં ભેંતડાં આડાંઅવળાં થઈ ગયાં છે. એના હાડપિંજર જેવી ઈંટો દેખાય છે. લૂણો લાગ્યો છે એનાં પડખામાં. આ એ જ ઘર છે જેમાં હું બે બે દાયકા સુધી હકડેઠઠ રહ્યો છું, રમ્યો છું એના આંગણામાં, ભણ્યો છું એનાં અંધારાં ઓઢી. થીગડિયાં મલકનું થીગડિયું મારું ઘર. ગાલ્લેગાલ્લાં ભરીને અનાજ ઠાલવ્યું છે એની કોઠીઓમાં. પૂંભડેપૂંભડાં તોળી તોળીને લઈ ગયા છે લેણિયાત આ ઘરમાંથી. આ ઘરમાંથી જાનો જોડાઈ છે, માંડવા પણ રોપાયા છે. એના આંગણામાં ઢોલ ઢબૂક્યા છે, લુણારીઓ નીકળી છે અહીંથી, રાવણાં બેઠાં છે આંગણામાં, અફીણ-કસુંબા થયા છે. ભોજન રંધાયાં છે ને નાતો જમી છે.
ચોમાસામાં ચૂતું ઘર, શિયાળામાં થરથરતું ઘર. ઉનાળાના બફારામાં હાયવલૂરા કરતું ઘર. ઘર એટલે ઘર. કુવેશની જેમ મને ઘર વળગ્યું છે. અને હું વલૂર્યા જ કરું છું. વલૂર્યા જ કરું છું મારા લોહીમાં ભળી ગયેલા વતનના ઘરને. જેનો હું રાજા હતો. સર્વો હિ આત્મગૃહે રાજા!
આજે નિરાધાર બનીને ઊભું છે આ ઘર, મારા માટે. ગઈ કાલે હું એ ઘરમાં હતો, અત્યારે બહાર. પણ મારી ધમની-શિરાઓમાં ધબકતું એક ઘર છે — હૃદયના ઉંબરામાં ઊભેલું ઘર!