ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/આદિવાસી શેમળો
આદિવાસી શેમળો
જીવનમાં એક જ અવિસ્મરણીય આદિવાસીને મળ્યાનું અનુભવું છું. આદિવાસીનો ઉત્ફુલ્લ ઉત્સાહ અને એની અંગભૂત રૂપરચના તથા વ્યક્તિત્વનો પરિચય પણ એના દ્વારા જ મળ્યાં. ગિરનારનું એ જંગલ તો વૃક્ષોની મહાસભા જ કહી શકાય! એમાં સાગની પ્રચંડ બહુમતી ખરી, ફણ બીજાં વૃક્ષોયે ખરાં જ; અને મારી આંખ સામે તો આંબાની જ હારમાળા ઊભી હતી. એ બધા જૂનાગઢના નવાબના વૃક્ષપ્રેમનાં પ્રતીક હતાં.
અસમાન સમાજરચનાને જંગલભૂમિ કહેવી કે જંગલભૂમિની સમાજરચના કહેવી? ડુંગરાળ જમીનનું આખું જંગલ અસમાન સપાટીનું. ઠેકડા મારો કે ભૂસકા મારો તો આગળ વધાય! ટેકરો અને ઢાળ, ઢાળ અને ટેકરો! ગિરનાર પાસે કીણ હોય તો ટેકરા પાસે ઢાળ કેમ ન હોય? મારું રહેઠાણ સામાન્ય ટેકરા પર એટલે કે ઊંચી જગ્યાએ, અને દોઢસોક વાર દૂર ઢોળાવે એક પ્રચંડ શેમળો! એ મને આદિવાસી કબીલાનો સદી પસાર કરેલા વયસ્ક વડીલ જેવો લાગે! વયસ્ક લાગે, વૃદ્ધ નહીં! શેમળાને મેં પ્રથમ વાર ઓળખ્યો એ જંગલમાં! મુંબઈ જતાં ટ્રેનમાંથી જમણી બાજુએ વલસાડ વટાવ્યે ડબ્બામાંથી પછી શેમળા જોયા પણ મને એ બહુ નાના, વછેરા જેવા લાગ્યા, કારણ કે મેં પેલા પ્રચંડ શેમળાને જોયો હતો. શેમળાના શરીરે કાંટા હોય. કાંટાની આસપાસનો ભાગ નાનકડી ઢાલ જેવો ગોળાકારે ઊપસેલો હોય, કાંટો તેનું મધ્યબિન્દુ. એક સમય એવો આવે, જ્યારે તમામ પાંદડાં ખરી જાય! જાડું થડ, તે પરના ઢાલ જેવા કાંટા અને ડાળ-ડાળખી જ દેખાય! ત્યારે કોઈ આદિવાસી, આદિવાસીઓનાં ઘરેણાં પહેરી અવસ્ત્ર ઊભો હોય એવું લાગે! મને એ પુરાણકથાનો કોઈ રાક્ષસ નહીં, ણ આદિવાસી કબીલાનો મુખી જ લાગે! આદિવાસી જેવું જ એનું ઝાખું કાળું શરીર, એ પરના ઢાલ જેવા ઊપસેલા ગોળાકાર ભાગો અને વચ્ચોવચ ઉપસેલા કાંટા! પણ એ અવસ્ત્ર, નિષ્પર્ણ થયા પછી એના અસ્તિત્વની અદ્ભુત લીલા શરૂ થાય! એને ફૂલ ફૂટવા માંડે! શરીરે એકે પાંદડું નહીં, અને લાલ સરોજ જેવા આખા વૃક્ષે ટોચ સુધી છૂટાછવાયાં ફૂલો ફૂટે. અને એણે આખા શરીરે કંગન પહેર્યા હોય એવો એ રળિયામણો લાગે! આખો વગડો કેસરિયો સિંદુરિયો થઈ ગયો હોય એવું તો કેસૂડાની મોસમમાં એ જ જંગલમાં મેં જોયું છે. કેસૂડાની મખમલ જેવી કાયા પર આંગળાનાં ટેરવાં ફેરવી ફેરવીને સ્પંદિત થવાનો આનંદ પણ માણ્યો છે, પણ એ આદિવાસી શેમળાને લાલ લાલ પુષ્પોના અનેક કંગનો પહેરીને ઊભેલો જોઉં અને બસ જોયા જ કરું! એકાકી લાગતો એ શેમળો પુષ્પો આવતાં જ મયકશોની એક મોટી મહેફિલ બની જાય! એનું એકાકીપણું કોણ જામે કલ્પના કે અફવા બની જાય! એનાં લાલ પુષ્પોમાં કંઈ એવો માદક રસ રહેલો કે તે પામવા માટે જાતજાતનાં પક્ષીઓ આવે અને આખો દિવસ મયખાનાનો કોહરામ મચી રહે, રસપાન કરતાં પક્ષીઓનો! ઉલ્લાસ અને તરવરાટ બસ જોયા જ કરીએ! માણસ તો મયપાનમાં લીન થાય, રસ પામે તે બોલે નહીં અને આછકલાઓ બબડ્યા કરે, પણ પક્ષીઓના કંઠેથી તો એમનો રસપાનનો ઉલ્લાસ ટહુકા રૂપે ફૂટ્યા જ કરે! ગામઠી મેળા જોયા હોય તે એ અવસરને પંખીઓનો મેળો જ કહેવાના. ઊડે ત્યારે પોતાની લાંબી પૂંછડીથી હવામાં લિસોટો દોરનારાં ફૂટડાં, સોહામણાં પક્ષીઓ આમ તો મુખ્યત્વે માંસાહારી, તે પણ પેલાં લાલ લાલ પુષ્પોનો રસ પામવા આવે. ટચૂકડાં પક્ષી તો ફૂલ પર બેસી મધ્યભાગે ચાંચ મારે પણ આ ફૂટડાં પક્ષી તો મરજીવો સાગરમાં ગોતું મારે એમ પુષ્પથી સહેજ દૂર અધ્ધર ગુલાંટ મારે અને એ દરમિયાન જ લાલ પુષ્પના મધ્યભાગે ચાંચ મારી રસ પામે! કેટલાંયે પુષ્પો પર લાંબી પૂંછડીવાળાં પક્ષી ગુલાંટ અને ચાંચ મારતાં હોય એનું વર્ણન કરવા માટે તો કવિકુલગુરુ કાલિદાસ જ અધિકારી! પુષ્પે પુષ્પે જાણે જિગર મુરાદાબાદીની પેલી ‘ગભરા કે પી ગયા… લહેરા કે પી ગયા…’ ગઝલ તાદૃશ થઈ જતી! એ શેમળો નહોતો, રીંદોનું મયખાનું હતું! ઉનાળાના એ દિવસો વીસરાતા નથી. કુલીન વર્ગનાં વૃક્ષો એની સામે સામાન્ય લાગતાં! અમારી સંસ્થામાં એક બળદ હતો — લાલિયો. એ વૃક્ષ પાસે જાય કે નસકોરાં ફુલાવે! એને પેલાં શેમળાનાં પુષ્પોમાં રહેલા રસનો, મદનો છાક ચઢે! પુષ્પો પાડીને એના મોઢા સામે મૂકીએ ત્યારે એ જંગલના કબીલાની ઉજાણીમાં કોઈ મસ્તરામ ઝાપટતો હોય એમ એ પુષ્પો જમવા માંડે અને થોડા દિવસમાં તો એ મદમસ્ત બની જાય! વાતવાતમાં એનાં નસકોરાં ફૂલે અને ફુત્કારે! ‘જોબન કે દિન ચાર…’ એ કવિતા તો માણસ માટે હશે. આ શેમળા અને તેનાં પુષ્પોનો રસ પામનાર પક્ષીઓ અને એ લાલ પુષ્પો જમનાર લાલિયા બળદ માટે નહીં. જંગલની વસ્તીમાં તાશીરો પિટાતો નહીં, નોતરિયા ફરતા નહીં, તોયે શેમળાને પુષ્પો આવવા માંડે ત્યારે બ્રાહ્મણની ચોર્યાસી તો નહીં, પણ અઢારભાર વનસ્પતિ પર રહેતાં અઢારે વરણનાં પક્ષીઓ શેમળા પાસે આવતાં અને આખો દિવસ, કલશોર કરતાં ઘૂમતાં, મંડરાતાં, ચહેકતાં રહેતાં. ઊડાઊડ ચાલતી નહીં, ભ્રમણ ચાલતું; શેમળાની નહીં, એનાં પુષ્પોની આસપાસ પક્ષીઓની પરકમ્મા ચાલતી… પેલાં ફૂટડાં પક્ષીઓ રસ મરજીવો ગોતું મારીને ગોતી મેળવે એમ ગુલાંટ મારીને, પુષ્પ પર ચાંચ મારી રસ પામતાં રહેતાં… દિવાળીના ઉત્સવિયા નહીં, એ હોળૈયા લાગતાં! આમ પણ ઉનાળો એટલે હોળૈયો જ લાગે! એમનો ઉત્સાહ અને ઉન્માદ મદીલી ઉજાણી ચાલે છે એની જાણ કરતાં. આ તો એ પુષ્પ હાથમાં લઈને સૂંઘીએ તો કશી સુવાસ આવે નહીં! કેસૂડાંને ક્યાં સુવાસ કે વાસ પણ હોય છે! એવાં આ પુષ્પો! માણસ પાસે પક્ષીઓ જેવી ઘ્રાણેન્દ્રિય નહીં, તો માણસનાં નસકોરાંને એમાં રહેલા મદક રસની ગંધ શી રીતે આવે? એ પુષ્પો ખરવા માંડે અને મિજલસ આછી થતી જાય, પુષ્પના સ્થાને લીલાં ડોડવાં ઊપસે, વિકસે… અને શેમળો એક નવું રૂપ ધારણ કરે. લાલ લાલ કંગનો ખેરવીને એ લીલાં ડોડવાં ધારણ કરે… એ શ્યામલ શરીરને નવાં લીલાં ઘરેણાં મળે. એ સુકાય અને ફાટે, પછી પવનનું મોજું આવે તે સાથે સવાર-સાંજની પ્રાર્થનામાં કોઈ કોઈ વાર સૌ. નીલાબહેન ગાંધીના મંજુલ કંઠે ગવાતું સૂરદાસનું પેલું પદ આંખ સામે લહેરાય… પેલા ડોડવામાંથી જાણે એક નાનકડી સફેદ વાદળી જન્મે, તે હવામાં લહેરાતી ઊડે અને પવન પડી જાય ત્યારે ધીરે ધીરે અદ્ભુત એવી નમણી હળવાશથી જમીન પર બેસે અને બેસતાં બેસતાં વિખેરાય…
‘યેહ સંસાર હૈ ફૂલ સેમર કો…’ એ પંક્તિ મનોમન ગવાયા કરે અને શેમળાના ઊડતા સુંવાળા રૂને પકડવા દોડીએ ત્યારે ભાન થાય કે સૂરદાસ સાચું કહી ગયા છે: ‘હાથ કછુ નહીં આયો…’ એવો વિષાદભર સાક્ષાત્કાર થાય… અપ્સરાનો કેશરાશિ પણ શેમળાના રૂ જેવો મુલાયમ નહીં હોય! દિવાસળી માટે પોચું લાકડું આપનાર શરીરે ટૂંકા, તીખા અને તીણા કાંટા ધરાવતા શેમળાનાં હૃદયમાંથી આકાશી વાદળી જેવું મુલાયમ રૂ ઊડે… ધરતીનાં બાળકોને આપણે જાણી શકવાના હતા ખરા? વૃક્ષોની જીવનલીલાની પ્રસન્નતા માનવસંદર્ભે ક્યારેક ઘેરો વિષાદ બની રહે છે… છતાં ધૂળમાંથી, આસપાસનાં વૃક્ષોની ડાળ પર વળગેલા એ મુલાયમ રૂને વીણીવીણીને એક નાનકડો તકિયો ભર્યો. રાત્રે એ પર માથું મૂકી લાંબા થઈએ ત્યારે માથામાં ગુદગુદી થાય, બાળકને રમાડતાં ગદગદિયાં કરીએ એવો ગેલ થાય… સ્પર્શ અને સ્પંદ… એક મૂંગી અનુભવાતી કવિતા… કુલીન કવિઓએ વસંતનો વૈભવ કવ્યો છે, ફણ ગ્રીષ્મનો બેતહાશા ઉલ્લાસ, કેસૂડાં, સેમર અને ગુલમહોર પુષ્પોનો વૈભવ તો કોઈ આદિવાસી કવિએ જ ગાવો રહ્યો! કુલીન પુષ્પછોડો પાસે પુષ્પઝાડો પાસે હોય છે એટલો મબલખ વૈભવ હોતો જ નથી! કંઠ ભરીને શું ગાય? આખેઆખું અસ્તિત્વ ગાતું હોય છે – પુષ્પવૃક્ષોનું! ગરમાળાને લાંબી શિંગ લટકે તે પહેલાં ડાળે ડાળે પીળાં ઝુમ્મર તો જંગલી કહેવાતાં વૃક્ષે જ ઝૂમે!
જંગલમાં માણસ એકલો એકાકી હોય તો એ અનાયાસ વૃક્ષમિત્ર બની જાય! લાકડાનો લોભ તો બાવળિયા પાસે પણ લઈ જાય અને મનેય લઈ ગયેલો. એને અનેક વેલોથી વીંટળાયેલો જોઈએ ત્યારે એ કેટલો ‘વહાલસોયો’ છે… એવા ઉદ્ગાર સરી પડે… એના કાંટાના ઝેરી ડંખ સહેવામાં પણ મઝા આવે અને એના ભૂલકા કાંટાની શરીરે આંગળાંના ટેરવાં ફરે, એની નમણી સુંવાળપની અનુભૂતિ કરે! પણ ટોચે પહોંચી કે તીખી અક્કડતા! સિંહબાળના શરીરે હાથ ફેરવીએ પણ તે મોઢા પાસે લઈ જઈએ તો? બસ, એવો અનુભવ થાય… હાથમાં કલમ લઈ આ લખું છું ત્યારે આ જ હાથે કુહાડી પકડી બાવળનાં લાકડાં ફાડેલાં એ હકીકત જાણે દંતકથા જેવી લાગે છે! ઓહ, જંગલમાં કેટલી જાતનાં કાંટા! રૂંવેરૂંવે સોયની જેમ ઊભા ખૂંપી જતા કાંટા! અજવાળે અંગ ધરીને જોઈએ તો, ત્યાં બ્રશ ઊગેલું દેખાય એવા ને એટલા, ખંજવાળિયા અને આગિયા કાંટા અને ચાલ્યા જતાંનાં કપડાં પકડી, ‘ક્યાં ચાલ્યા? થોભો!’ કહેતા આંકડિયા કાંટા! પણ એ બધામાં ઢાલની વચ્ચોવચ ઊભેલા સેમરના કાંટાનું વ્યક્તિત્વ જુદું જ!
નજીક હતો ત્યારે ખાસ તો ગ્રીષ્મમાં એ આદિવાસી શેમળાને જોયા કરતો અને હવે ક્યારેક એ અનાયાસ આંખ સામે આવીને અડબાંગપણે ઊભો રહે છે ત્યારે એને, એના સુવર્ણકંગન જેવાં પુષ્પોને, એ પર ઉજાણી માટે ચકરાતાં, ચહેકતાં પક્ષીઓને, સૂકાં ડોડવામાંથી જન્મીને હવામાં લહેરાતી એના મુલાયમ રૂની સફેદ પરી જેવી વાદળીને સંભાર્યા કરું છું… ત્યારે મારા ચિત્તમાં સૂરદાસનું પેલું પદ ગુંજ્યા કરે છે… હું હસું છું, કવિના હાથમાં તો કંઈક આવે છે, ભલે સૂરદાસે કહ્યું છે: ‘હાથ કછુ નહીં આયો…’ સૂરદાસને પદ કોણે આપ્યું? શેમળાએ જ!