ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/એક ઝાડ
Revision as of 07:15, 4 January 2023 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક ઝાડ| }} <poem> મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે. હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો. નર્યું રેખાઓનું માળખું છે એ. એને ચરણે ઊભીને એને જોઉં છું. પીધુંલીધુંદીધું એ...")
એક ઝાડ
મારા બારણા સામે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો.
નર્યું રેખાઓનું માળખું છે એ.
એને ચરણે ઊભીને એને જોઉં છું.
પીધુંલીધુંદીધું એ ખંખેરીને ઊભું ન હો.
અટારીએથી રાત્રિઓના આછાઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એની:
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની…
શાખાબાહુઓ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.
૯-૬-૧૯૭૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૧)