ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લૂ, જરી તું—

From Ekatra Wiki
Revision as of 05:07, 2 January 2023 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લૂ, જરી તું— |}} <poem> લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય! કોકિલા, તું ધીમે ધીમે ગા, કે મારો જીયરો દુભાય! પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી, સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં જે જં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લૂ, જરી તું—

લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય!
કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય!

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,
સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં જે જંપી,
એકલી અહીં કે રહી પ્રિયતમને ઝંખી,
લૂ, જરી તું…

ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:
ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;
પરિમલ ઊડે, ન ફૂલહૈયે સમાયા,
લૂ, જરી તું…

કોકિલા, તું ધીમે ધીમે ગા,
કે મારો જીયરો દુભાય;
લૂ, જરી તું ધીરે ધીરે વા,
કે મારો મોગરો વિલાય.


૨૫-૧૧-૧૯૫૦ (સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૮૨)