ચાંદનીના હંસ/૧૭ મારા ખેતરમાં...

From Ekatra Wiki
Revision as of 15:25, 15 February 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારા ખેતરમાં...|}} <poem> મારા ખેતરમાં તારા પગરવના ફોરાંથી આજે જ રો૫ણી ને કાપણી ફાગણના તડકાના અણિયાળા ન્હોરથી {{Space}} ક્યારીનું લોહી ગુલમ્હોર આછેરા અણસારો આમતેમ ઓગળ્યા {{Space}} ને આંબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મારા ખેતરમાં...


મારા ખેતરમાં તારા પગરવના ફોરાંથી આજે જ રો૫ણી ને કાપણી
ફાગણના તડકાના અણિયાળા ન્હોરથી
          ક્યારીનું લોહી ગુલમ્હોર
આછેરા અણસારો આમતેમ ઓગળ્યા
          ને આંબે આંબાના ગળ્યા મોર
લોકો કહે કે એક સ્પર્શે કરમાય ને આ ખીલી ગઈ તું તો લજામણી
મારા ખેતરમાં તારા પગરવના ફોરાંથી આજે જ રોપણી ને કાપણી.

ફળિયે રજાળ સોન – ચકલાં થઈ ઊડ્યાં ને
          ધુમ્મસમાં મ્હેક ખીલી ઊંડે,
ખેતર વચાળ નડી પગથી કે બીજ બધાં
          ભેટ્યાં ઊભાં થઈને ડૂંડે
એાઢણ ભરીને તું તો લઈ આવે ટાઢ અને પોતે તો બળબળતી તાપણી
મારા ખેતરમાં તારા પગરવના ફોરાંથી આજે જ રોપણી ને કાપણી.

ડૂબકી મારીને જરી પાંપણ ઉઘાડી મેં તો
          ડૂંડાના દૂધમલ દરિયે
કાદવમાં હાથ જઈ પૂગે એ પહેલાં તો
          દેવીના પ્હાણ મળ્યા તળિયે
આ તો ધુમ્મસ સર્યું ને લીલા તડકાની છોળમાં છલકાતી વાત લીલી આપણી
મારા ખેતરમાં તારા પગરવના ફોરાંથી આજે જ રોપણી ને કાપણી.

૩–૨-૭૩