ચાંદનીના હંસ/૪૬ સ્વગતોક્તિ–૨

Revision as of 10:23, 16 February 2023 by KhyatiJoshi (talk | contribs)


સ્વગતોક્તિ–૨


ભાલે તર્જની ખોસી નર્મદમુદ્રા
કે હથેળી પર જડબું ટેકવી રોદાઁના ‘થિંકર’ અદ્ભુત અદા.
મ્હોં વકાસી ગહન ગૂઢ ચિન્તનમાં લીન કે ગમગીન?
ભલા, આ છબછબિયાં તું છોડ.
છોડી દે પાણીની સુંવાળી આંગળીઓ સાથેનાં પળભરનાં ગલગલિયાં
અરે ઓ ખલતાધર, ઑટોગ્રાફર, પેગમ્બરી કૉબિમોશાઈ, આર્ટીસ્ટ ધ ગ્રેટ!
બહાર આણ દીર્ઘ-કેશ દાઢી-મૂછમાંથી તારું મ્હોં.
આમ શું કરે છે?! એકવાર તો માંહ્યલાને જો.
નારસિસસ થઈ નીતરાં પાણીમાં દર્શનજળનું મધુર પાન કર.

વનવને ફર વનેચર બની ખૂદી નાંખ સચરાચર.
ભાઠામાં તરબૂચનો લાલ લાલ ગર ને આસ્વાદ્ય મધ્યાહ્ન પ્રખર.
એક વાર, બસ એકવાર જરા પ્હેલ તો કર.
ઉઘાડા ડિલે, ઊંધે માથે પડતું મૂક ફરી આ એ જ નીતરાં પાણીમાં
તેં તારણ આપ્યું એ પણ છે કે સુકાઈ રહેલા સમંદરનો પ્રલંબપટ?
શુષ્ક નયનમાં તળિયે વહેતા વીરડા ખોદશે કોણ?
ભલા, તું પામ્યો છે પાણીનો અર્થ?
તેજસ્વી ઝળહળ રૂપ સુંવાળું સરી જાય સોણામાં સરકી
                    આવતા સત્યની જેમ.

પોતાના કરી લે સકળ રંગ અને સ્વાદ.
મૂર્ત તો યે અમૂર્ત.
પરમ આનંદ અને ગાઢ વિષાદ.
દ્વૈત રચતી ભાષામાં જળને પામી શકાય નહીં.
આથી જ બસ પ્હેલ કર ને હનુમાનકૂદકે ઝંપલાવ પાતાળી જળમાં
‘માંહી પડ્યા તે મહાસુખ માણે’... એવું ય નથી.
ને નહીં જ માણે એમ પણ નથી.
પ્રશ્ન કર માણવું એટલે શું?
ડૂબતા ડૂબતા તરવામાં પણ નિશ્ચિત છે તરવાની મજા.
એકદા રાખ ખેરવી જો. ઓલવાયો તો નથી ને અંદર અગ્નિ?
આ ક્ષણની સાથે દોડ.
અરે આ બીજી તે આવી ગઈ, ત્રીજી આવે તે પહેલાં...
એકાદ શ્વાસ સુદ્ધાં બચ્યો હોય તો તું મોડો નથી.
ઝંપલાવ જલદીથી આ રજસ્વલા ઝાળમાં, પાતાળમાં તું ભરી
                   ભરી ફાળમાં....

૧૧-૯-૮૫