ગુજરાતી નિબંધ-સંપદા/પ્રફુલ રાવલ/ઘર મારામાં ધબકે છે
ઘર મારામાં ધબકે છે
મારા જ ઘરમાં મારે જાતે તાળું ખોલીને દાખલ થવાનું ભાગ્યે જ બને છે – માંડ બે-પાંચ વર્ષે. પણ જ્યારે હું તાળું ખોલું છું ને બારણું ધકેલીને પ્રવેશ કરવા જાઉં છું ત્યારે હું ઝટ દઈને દાખલ થઈ શકતો નથી. કોઈક જાણે મારું બારણું રોકીને બેઠું હોય છે! કોઈ જ દેખાતું નથી, છતાંય મને ભ્રમ થયા કરે છે – કોઈક છે, કોઈક છે, મારું કોઈક છે. આંખ મીંચકારીને હું પુનઃ જોવા મથું છું. છતાંય કશું જ જોઈ શકતો નથી ને દાખલ થવાનું પણ ક્ષણભર ભૂલી જાઉં છું. ખૂલેલાં બારણાંમાંથી એક પ્રકારની ખુશ્બૂ આવે છે. હું એ ખુશ્બૂના આકર્ષણે ઘરમાં પ્રવેશી જાઉં છું. અત્યારે એમ જ ઘરમાં દાખલ થયો છું. આજુબાજુથી ઊડીને આવેલી ધૂળ પડી છે. ભોંયતળિયા પર પડેલી ધૂળમાં મારા પગની છાપ પડી છે. હું એ છાપ જોઉં છું ને શોધું છું એમાં મારી ગઈ કાલ. હું તાળું ખીંટીએ લટકાવીને પાટ પર પડેલા કપડાં વડે પાટને સાફ કરું છું. હવામાં ધૂળ ઊડે છે. હું ઊડતી ધૂળ જોઉં છું. એમાંથી સ્મૃતિની સુવાસ પામું છું. ઘરમાં એકલો છું. જરાય ઘોંઘાટ નથી છતાંય અનેક વાર કાને અથડાય છે. જાણે મારું ઘર મારી સાથે વાતે વળગ્યું છે! એ જ મને કહ્યા કરે છે અતીતની વાતો.
આજનું મારું ઘર પરિવર્તનના ત્રણ તબક્કા વટાવીને ઊભું છે. પણ જૂનું-પુરાણું મારું ઘર હજુય પ્રત્યક્ષ થતું અનુભવું છું. નળિયાવાળું છાપરું તૂટુંતૂટું થતું રહેતું. કોહવાઈ ગયેલી વંજી પર સાંઠીઓ મૂકીને છાપરું સંચાવાતું, છતાંય ચૂતું રહેતું. વરસાદ આવતો અને બાનો જીવ ઊંચો થઈ જતો. વર્ષા વીફરેલી વાઘણ જેવી લાગતી. બા વરસાદ ન આવે તેવું મનમાં કહ્યા કરતી. આવતી સાલ તો ગમે તેમ કરીને છાપરું સમું કરાવીશું જ – એમ બાપા સંકલ્પ કરતા. છતાંય દર વર્ષે છાપરું ચૂયા કરતું જ. આજે નળિયાવાળું એ છાપરુંય રહ્યું નથી ને એ બાપાય રહ્યા નથી. ક્યારેક રાત્રે મોટાં ફોરાં પતરાં પર પડે છે તો એનો રવ સાંભળ્યા કરું છું ને પેલું ચૂતું છાપરું – સાથે બાપાનો ચિંતિત ચહેરો જોઉં છું! પાણી ઉલેચી ઉલેચીને ફુગાઈ ગયેલાં બાનાં આંગળાંનાં ટેરવાં! હવે એ બાય નથી રહી અને નથી રહ્યું એ ઘર.
અમારા ઘરમાં ઓશરી સિવાય બધે જ લીંપણ હતું, ગારવાળા ઓરડાઓમાં તાજું લીંપણ કર્યું હોય ત્યારે છાણની જે વાસ આવતી તે અત્યારે અનુભવું છું. લીંપણ સુકાય નહીં ત્યાં લગી ઓરડામાં દાખલ ન થવાતું, ન થવાનું ફરમાન રહેતું. બા કહેતી કે પગલાં પડી જાય, છતાંય ચોરીછૂપીથી હું પગલું પાડી આવતો. બીજી વાર ગાર થાય ત્યાં લગી મારું પાદચિહ્ન યથાવત્ રહેતું! એકવાર સખીને પણ બતાવેલું મારું પાદચિહ્ન. એણે જોડે જ પગલું મૂક્યું, પણ સુકાઈ ગયેલી ગાર પર પાદચિહ્ન પડતું નથી. કાયમ ગાર સુકાયા પછી જ એ આવતી ને પછી મોડા પડ્યાનો અફસોસ કર્યા કરતી. એમ જ ક્યારેય ન પાડી શકી એ પગલું – મારા ઘરના ઓરડામાં, હવે તો ગાર પણ નથી ને પગલું પાડવા જેટલી અલ્લડતા પણ રહી નથી. ને સખી? છે… માત્ર યાદમાં.
ઘરમાં પહેલાં ઓશરી પછી મોટો ઓરડો અને એ પછી બે નાના ઓરડાઓ. એકમાં અનાજ રહેતું અને એક હતો અંધારિયો ઓરડો. એ અંધારિયો ઓરડો મોટા ભાગે બંધ રહેતો. અવાવરું પડ્યો રહેતો. આ અંધારિયા ઓરડામાં જતાં બીક લાગતી. જાતજાતની દંતકથાઓ જોડાઈ ગઈ હતી એ ઓરડા સાથે. એક સવારે જાગીને મેડીએથી નીચે આવ્યો ત્યારે કૌતુક થયું. ઓશરી ખાલી! મોટો ઓરડો ખાલી! રસોડામાં સગડી સળગે – એકલી. ચોકમાં પડેલી ડોલમાંથી નિરાંતે બકરી પામી પીએ. ને પેલા અંધારિયા ઓરડામાંથી ઝીણો-ઝીણો અવાજ આવ્યા કરે – રડતાં બાળકનો. હું તો ડઘાઈ ગયો. ગભરાઈ ગયો. રસોડામાં ફરી નજર કરી તો બા નહીં. ધીમે પગલે અંધારિયા ઓરડા પાસેના બારણે લપાઈને ઊભો રહ્યો. થોડોક ભય પેસી ગયો મારામાં. લપાઈને ડોકિયું કરવા જાઉં છું ત્યાં વળી પુનઃ બાળકના રડવાનો અવાજ આવ્યો. સાથે બાનો અવાજ – બહેનનો અવાજ. ભય ગતિ કરી ગયો ને કુતૂહલ મન પર સવાર થઈ ગયું. એ સાથે જ બહાર દોડી ગઈ મારી નિર્દોષતા ને નિખાલસતા. હું બાર વર્ષનો થઈ ગયો. બુદ્ધિએ બારણે ટકોરા મારવા માંડ્યા.
આ જ ઘરમાં તરંગલીલા કરતાં કરતાં મુગ્ધાવસ્થા પસાર કરી અને યૌવન પણ અહીં જ વીતી ગયું. દામ્પત્યજીવનની સવાર અહીં જ ઊગી ને સોળે કળાએ ખીલી રહી. હજુય એની સુવાસ વાતાવરણમાં વ્યાપેલી છે. સાન્નિધ્યનો મહિમા આજ પામું છું.
ઘર એનું એ જ છે. પરંતુ એનું રૂપ બદલાયા કર્યું છે. ઓશરી હજુય છે પણ નાની થઈ ગઈ છે. મોટો ઓરડો પણ નાનો થઈ ગયો છે. અનાજવાળો ઓરડો સજ્જ થઈ ગયો છે. એમાં પ્રવેશીને ઊભો રહું છું તો પ્રતિબિંબે હું જ મને દેખાઉં છું. ક્યારેક મારી જ છબી સ્પષ્ટ જોવા માટે પડદો હટાવવો પડે છે. અત્યારે આ પડદો દૂર કરીને ઊભો છું ને હું મારી જ સાથે વાતો કરું છું. વાત કરતાં કરતાં હું થોભી જાઉં છું. વનમાં પ્રવેશવાની હવે બહુ વાર નથી એવું એંધાણ મારા શિર પરના કેશનું છે.
ઘરમાં કોઈ જ નથી, માત્ર હું જ છું, તોપણ હું એકલતા અનુભવતો નથી. ઘરનો આખો માહોલ મારામાં સંક્રાન્ત થઈ ગયો છે. જૂની-પુરાણી વસ્તુઓ યાદના વનમાં વલવલે છે. જીર્ણ મારા ઘર પર સમૃદ્ધિએ છાપો જરૂર માર્યો છે. એ થોડુંક ઠાવકું બન્યું છે. નવોઢા જેવું લાગે છે. જૂનું ઘણું ભુલાઈ ગયું છે. હવે દીવડું ગોત્યું જડતું નથી. ઘરમાં કાલાં આવવાનાં બંધ થયાં છે. પડિયા બનાવવાનું ક્યારનુંયે ભુલાઈ ગયું છે. જે ટેબલ પર બેસીને લેસન કરતો હતો તે માળિયે ચડી ગયું છે. જિદ કરીને સિદ્ધપુરના મેળામાંથી ખરીદેલી પતરાની પેટી ક્યાં હશે! મારા બાળપણના અનેક સ્મરણો એ પેટી સાથે સંલગ્ન છે. ક્યારેક કબાટમાંથી જૂની વસ્તુઓ બહાર કાઢીને જોઉં છું. મોરપીંછ હજુય પીળી પડી ગયેલી નોટમાં સુરક્ષિત છે. એમાં જ એક પાના પર ઉતારેલી નઝમને અબરખની પાંદડીઓ અડકે છે. સખીએ આપેલો સાપની કાંચળીનો એક અંશ હજુ એ નોટની બેવડમાં છે.
ઘરની દીવાલો મજબૂત બની છે. ઘર એકના બદલે બે માળનું બન્યું છે. જન્મથી જ આ ઘરમાં રહું છું એટલે માયા બંધાઈ ગઈ છે. છતાંય માયા શબ્દની અર્થચ્છાયા મારા અને ઘરના સંબંધ માટે ટૂંકી પડે છે. હું ઘર સાથેના મારા લગાવને શબ્દની ત્રિજ્યામાં બાંધી શકતો નથી. આથી જ અત્યારે અમારા આ સાયુજ્યને કોઈ સંબંધનું નામ આપવાની ચેષ્ટા હું કરતો નથી. ઘર હું છું ને હું જ ઘર છું એવી લાગણી સતત અનુભવતો રહું છું. આથી જ એકલો પડું છું ત્યારે લાગે છે કે ઘર મારામાં ધબકે છે.