ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૬

Revision as of 09:41, 7 March 2023 by Meghdhanu (talk | contribs) (કડવું 16 Formatting Completed)
કડવું ૧૬

[વિષયાને મોડું થતાં ચંપકમાલિની પૂછે છે, ‘ક્યાં ગઈ હતી?’ પહેલાં બહાનું કાઢીને પછી વિષયા મનની વાત કહી જ દે છે. ને મજાકમાં કહે છે, ‘તારે મારે એક જ સ્વામી’. આ મજાક પછી સાચી પડે છે એ કથાકારની ખૂબી છે.]

રાગ : ગોડી-ઢાળ બીજો

સખી સર્વ સામી મળી, ચંપકમાલિની પૂછે રે :
‘વડી[1] વારની વિષયા, ક્યાં ગઈ’તી? શ્વાસ ચઢ્યો છે, શું છે રે?         

ઢાળ
ત્યારની, વિષયા, ક્યાં ગઈ’તી? તુંને આવડી વાર ક્યાં વાગી રે?
ઘેર જવા બેસી રહી સર્વે, વાટ જોઈ જોઈ ભાગી રે.         

મેં તો તું સાધવી જાણી’તી તો કીધી સહિયારી રે;
અમને મૂકી ગઈ તું એકલી, એ શી રીત, બાઈ, તારી રે?         

મુને છેતરી ગઈ તું છાની, એ સૌ ભૂંડું તારું રે;
એ વાતે કુળને લાગે લાંછન, મોટા બાપનાં છોરું રે.’         

વિષયા કહે : ‘તમે ધાયાં જોવા, વાડી ચોદિશ ફૂલી રે;
મેં આવતાં એક પોપટ દીઠો, જોવા રહી તેણી ભૂલી રે!’         

‘પોપટ જોયો, અર પ્રેમદા, તો તુંને પરસેવો શું વાળિયો રે?
જારી-વજારી મૂકો રે વિષયા; કોઈક કામી મળિયો રે!’         

વિષ્યા કહે : ‘બાઈ, રહે અણબોલી, વારું છું, ચંપકમાલિની રે,
પડપૂછ પરસેવાની શી છે? તું બડબડ કરતી ચાલની રે.’         

‘આવડી રીસ કાં કરે, વિષયા? હું તો હસું છું, બેની રે;
આ દાસી માત્ર હું અળગી રાખું; મુને તું છાનું કે’ની રે.         

પછે સાન કરી સમજાવી શ્યામા, એક નેત્ર વાંકું વાળી રે;
‘તારે મારે એક સ્વામી છે,’ એમ કહી કર દીધી તાળી રે.         

નારદ કહે, તે રાજકુંવરીને વાત વિષયાની ભાવી રે;
હસતી રમતી બંને પ્રેમદા ઘેર પોતાને આવી રે.          ૧૦

વલણ


ઘેર આવી વિષયા નારી, પછે વાટ જુએ સ્વામી તણી રે;
ચંદ્રહાસે શું કીધું, જેને માથે ત્રિભોવનધણી રે.          ૧૧




  1. વડી – મોટી