ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૭

From Ekatra Wiki
Revision as of 09:46, 7 March 2023 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
કડવું ૧૭

[કૌન્તલપુરમાં પ્રવેશતા જ ચંદ્રહાસને પોતાના બાળપણના પ્રસંગો યાદ આવવા લાગે છે. મદન પત્ર વાંચે છે પછી વિષયા સાતે ચંદ્રહાસનું લગ્ન કરાવે છે. વિવાહ-મંગળના આ વર્ણનમાં તત્કાલીન સમાજના રીત રિવાજનું પ્રતિબિંબ પડે છે.]

રાગ : દેશાખ

ઋષિ નારદ બોલ્યા વાણી રે, તું સાંભળ, ગાંડીવપાણિ રે.
પેલા સેવક ચાર જે હુતા રે, ફરી આવ્યા જ્યાં સ્વામી સૂતા રે.         

સ્વામીને ગયા’તા છાંડી રે, છાની સેવા કરવા માંડી રે.
એકે ચાંપવા માંડ્યા પાય રે, એક ઢોળવા લાગ્યો વાય રે.         

સેવકનો સાંભળી શ્વાસ રે, જાગી ઊઠ્યો ચંદ્રહાસ રે;
નેત્ર ચોળતો બોલ્યો શૂર રે : ‘લાવો અશ્વ, થયું અસૂર[1] રે.         

એક લાવ્યો પાત્ર ભરીને પાણી રે, એકે અશ્વ આપ્યો આણી રે.’
પછે અશ્વે થયો અસવાર રે, આગળ ચાલે ચતુર ચાર રે.         

વિષયા જુએ સ્વામી-વાટ રે; લાગી વાર, થયો ઉચાટ રે.
એવે સમર્યાં આદ્ય ભવાની રે, આઈની સેવા અતિશે માની રે.         

એવે સ્વામી આવતો દીઠો રે, અમૃતપેં લાગ્યો અતિ મીઠો રે.
ચંદ્રહાસે જોયું ગામ રે, દીઠો નાનપણાનો ઠામ રે.         

‘હ્યાં હું બાળક સાથે વઢતો રે, નિશાએ ઓટલે પડતો રે.
હ્યાં ભિક્ષા માગીને જમતો રે, હ્યાં શાલિગ્રામ સાથે રમતો રે.         

હ્યાં મોઈ હુતી માતા મારી રે; મુને લોક કહેતા ભિખારી રે.
એ ટળ્યા સર્વે સંતાપ રે, આ શાલિગ્રામ તણે પ્રતાપ રે.’         

વિચારતાં પહોંતો રાજદ્વાર રે, જ્યાં ઊભો છે પ્રતિહાર રે,
સાધુ અશ્વથી ઊતરિયો રે, પોળિયા પ્રત્યે ઊચરિયો રે.         

‘જાઓ, તેડો તમારા સ્વામી રે.’ કહાવ્યું કુંલિદકુંવરે શિર નામી રે.
‘કહો એક ઉતાવળી વાત રે, પત્ર મોકલ્યું તમારે તાત રે. ૧૦

પોળિયો કહ્યો સમાચાર રે, મદને તેડ્યો કુલિંદકુમાર રે.
વેગળેથી આવતો નરખ્યો રે, ઓળખી આભ્યંતર હરખ્યો રે. ૧૧

ધાઈ આલિંગન દીધું રે, આસન આપી પૂજન કીધું રે :
‘ચંદ્રહાસ, પધારો પ્રહુણા રે; મુને કેશવે કીધી કરુણા રે.’ ૧૨

વિષયા મનમાં હરખે રે, આઘું ઓઢી પિયુને નરખે રે,
એવે ચંદ્રહાસે છોડી ચિઠ્ઠી રે, પણ શિથિલ ગાંઠડી દીઠી રે. ૧૩

‘ધૃષ્ટબુદ્ધ રહ્યા ગામ અમારે રે, મોકલ્યું પત્ર પિતા તમારે રે;
પ્રધાન પાંચ દિવસ ત્યાં રહેશે રે, લખ્યું કામ તે કાગળ કહેશે રે.’ ૧૪

પત્ર મદને કરમાં લીધો રે, ઉકેલી અવલોકન કીધો રે :
‘સ્વસ્તિ શ્રીકૌંતલ ગામ રે, સુત મદન એવું નામ રે. ૧૫

આંહાં મેં મોકલ્યો છે ચંદ્રહાસ રે; જેનું મુખ ચંદ્ર-પ્રકાશ રે.
લટપટ કરી[2] મળતા રહેજો રે, અમો સેવક છું એમ કહેજો રે. ૧૬

રખે રૂપ-રંગ તું જોતો રે, એવો સમો રખે તું ખોતો રે!
એનું મન હરીને લેજે રે, એને સદ્ય વિષયા દેજે રે. ૧૭

એથી અધિક શું લખીએ રે? પછે અર્થ કરી નહિ શકીએ રે.’
એવું પત્ર વાંચી જોયું મદન રે, અતિ ઊલટ પામ્યું મન રે. ૧૮

‘ધન્ય તાત તણી કમાઈ રે, આવો ખોળી કાઢ્યો જમાઈ રે.’
ત્યાં તેડાવ્યો બ્રાહ્મણ કોય રે, જે લગ્ન ઉતાવળું હોય રે. ૧૯

એવે ટીપણું મુગટમાં ખોસી રે, ત્યાં આવ્યા ગાલવ જોશી રે;
ઋષિએ ચંદ્રહાસ આવી નરખ્યો રે, ઓળખી અભ્યંતર હરખ્યો રે. ૨૦

‘શકે પ્રશ્ન અમારું મળિયું રે, એ વચન પૂરવનું ફળિયું રે.’
પછે મદને દીધું અતિ માન રે, સંતોખ્યા મુનિ ભગવાન રે. ૨૧


‘કહો મુહૂર્ત, ગાલવ મુનિ રે, ઢૂંકડું ક્યાં છે લગન રે?
ગાલવ કહે : ‘વચન મારું માન રે, છે લગ્ન આજ મધ્યાહ્ન રે. ૨૨

તુજ તાતે વિચાર્યું હશે પહેલું રે, વર મોકલ્યો તો મુહૂર્ત છે વહેલું રે.
માટે આજ લગ્ન કીજે રે; ‘ધૃષ્ટબુદ્ધિનું મન જેમ રીઝે રે.’ ૨૩

હરખ્યો મદન મહા ગુણવાન રે : ‘પિતા લાવશે પૂંઠેથી જાન રે.’
મંડાવ્યું વિવાહ તણું કાર્ય રે ગાલવ થયા આચાર્ય રે. ૨૪

આપ્યા વરને ઉત્તમ ઉતારા રે, મોકલ્યા સેવક સેવા કરનાર રે.
બહુ પ્રેમદા પીઠી ચોળે રે, વર ઉષ્ણોદકે અંધોળે[3] રે. ૨૫

વાજિંત્ર વિધવિધનાં વાજે રે, શું મેઘ ગગને ગાજે રે!
નગરની નારી જોવ જાય રે, જેના કુમકુમવર્ણા પાય રે. ૨૬

વનિતા[4]એ વરને નિરખ્યો રે, શ્યામા કહે : ‘સ્વરૂપ શશી સરખો રે,
એનું મુખકમળ રઢિયાળું[5] રે, વિષયાને વર જોડી વારુ રે.’ ૨૭

એવે દુંદુભિ સર્વ ગગડિયાં રે, વિષ્ણભક્ત વરઘોડે ચઢિયા રે.
વિસ્મે થઈ થઈ બોલ્યા લોક રે : ‘વરને માનુષ કહેતા ફોક[6] રે. ૨૮

દેવકુંવર શું રૂપ એનું શોભે રે, મન જ્યાં જોઈએ ત્યાં થોભે રે,
કરમાં કેવું શ્રીફળ લીધું રે! એને ગાલે ટપકું કેવું કીધું રે! ૨૯

ધુસળ મુસળે પોંખી પધરાવ્યા રે, માહેરામાં ગાલવ ઋષિ લાવ્યા રે.
પછે તાંબુલ છાંટણ કીધાં રે, ગાલવે ગોત્રજનાં નામ લીધા રે. ૩૦


આવ્યાં ચોરીએ યુગ્મ નિધાન રે; મદન આપે કન્યાદાન રે. ૩૧

વલણ


મદન કન્યાદાન આપે, સર્વને મન ઉલ્લાસ રે;
કર જોડી કહે પ્રેમાનંદ, કન્યાદાન લે ચંદ્રહાસ રે. ૩૨




  1. અસુર – મોડું
  2. લટપટ કરી – મીઠું બોલી
  3. અંઘોળ – નહાવું
  4. વનિતા – સ્રી
  5. રઢિયાળું – સુંદર
  6. ફોક – નકામું