ટોળાં અવાજ ઘોઘાટ/૧૨- મારા પ્રશ્નનો જવાબ નથી
મારા પ્રશ્નનો જવાબ નથી. અમિતાભ બચ્ચનની બેનમૂન અદાકારીમાં કે પોંગા પંડિતમાં. મારા પ્રશ્નનો જવાબ નથી લોકસહાયક ટ્રસ્ટમાં કે વરસાદની આગાહીમાં. ચાલુ ટ્રેઈને ટેલિવિઝન કાર્યક્રમ જોવાથી કે ફોર્ડને મારી નાખવાની ધમકી આપનારને પકડવાથી કે ઋષીકેશ અને બદ્રિનાથના યાત્રામાર્ગમાં હોટેલ બાંધવાથી હું ખુશ થયો નથી. સ્વપ્નોને અંકિત કરતું યંત્ર પણ અનુત્તર રહે છે. અને ઉત્તર નથી મળતો મને ટેલિવિઝન સેટોને આબકારી જકાતમાંથી મુક્તિ મળવાથી અને આમ છતાં અમદાવાદમાં પથ્થરના બે મિનારા ઝૂલે છે સર્વધર્મધુરંધરોની પ્રતિમાઓ અમૃતબિંદુ ઝરે છે કન્યાઓ ઝીણું ઝીણું ભરતકામ ભરે છે. શેરડીના કૂચામાંથી કાગળ બનાવવાના પ્લાન્ટો નખાય છે. અને હમણા જ ઊતરેલી ગરમાગરમ, જલેબી ચખાય છે. વધુ અભ્યાસ અર્થે કોઈ અમેરિકા જાય છે અને પારણા કરાવવા કોઈ લીંબુ પાય છે. વાય છે વાયરાઓ- અનિરુદ્ધ અનુત્તર આ મારી કલમ ક્રુદ્ધ બાવનની બહાર બબડતા બુદ્ધ શુદ્ધ, અતિશુદ્ધ ઘી ખાવું ગમે અને હાથ બે અવિરત તિન પત્તી રમે આ ખોજ શેની શબ્દોમાં ? આદિપર્વનું અજ્ઞાન અને નિર્વાણની નિરર્થકતા પછડાય છે મુઠ્ઠી બનીને કોફીના ટેબલ પર : કર કરણ ક્રિયા કાર્ય કર્તવ્ય કર્મ કર્માધીન કારક કર્તા હર્તા મારી જિજ્ઞાસાના મૂલને-
ખડખડાટ હાસ્યના કાચમાં (આ સાદ્યંત પ્રત્યક્ષપણે ધુમાગ્નિના સંબંધરૂપે શબ્દરૂપે યુક્તિરૂપે ઉપમાનરૂપે) કહેવાયેલા સાચમાં તરડ પડે છે તિર્યક્ પ્રશ્નની અને બધું તૂટે છે અનપેક્ષિત અવાજ સાથે. ફૂટી ગયેલા કાચના ભૂકા જેવું મન સાંભળે છે : સાલ મુબારક : પણ સળવળતું નથી. એના આમ ફૂટી જવામાં પણ મારા પ્રશ્નનો જવાબ નથી. અનુત્તર અટકીને ઊભી છે- આ કલમ... અલમ્