ટોળાં અવાજ ઘોઘાટ/૨૫- કાવ્યકંડુ
Verbal gameનું મોટામાં મોટું સુખ એ એકલાં રમી શકાય છે, તે છે. એટલે ક્યારેક ક્યારેક એનું ખેંચાણ તીવ્રતાથી પણ થાય છે. એટલે એમ કંઈ આ એક વખતની પ્રિયતમ રમત, એની આદત છૂટશે નહીં. અને કશું છોડવા-તોડવા-જોડવાનો સંકલ્પ નથી. સંકલ્પની મુઠ્ઠી કેવી રીતે વળે, દૃઢ થાય;-અને ખરેખર વાળી વળી શકે, અને શું કામ વાળવી સંકલ્પની મુઠ્ઠીને? વાળવાથી શું વળે? અને ખરેખર શું વાળવું છે ? આ બધા પ્રશ્નોના ઉત્તરો અગોચર છે હજી, એટલે એવા પ્રશ્નોના ઉત્તરો માટે અથવા એ પ્રશ્નોથી છૂટવા માટે અથવા એ પ્રશ્નો સામે આંખ આડા કાન કરવા માટે અથવા કદાચ એના ઉત્તરોને તર્જની અને અંગૂઠાની પકડમાં પકડીને અનિમેષ તાકી રહેવા માટે પણ- કાવ્યવૃત્તિ તો થવાની. એ કેવળ ખેલકૂદ છે કે કોઈ ગંભીર પ્રવૃત્તિ છે? ગંભીર એટલે ઊંડી. ઊંડાણમાં શું છે? કદાચ કંઈ નથી. કદાચ કંઈ છે. કંઈ છે તો એને પામવાથી શું? ન પામવાથી શું? અને આમ વિચારીએ તો કશુંક જામે છે તે જામવાથી પણ શું? પ્રશ્નોની અસંખ્ય હારમાળા અને અંત (અલબત્ત જીવનના) સુધી કોઈ ઉત્તર ન મળવો એવી સળંગ પ્રક્રિયા જેવું આ કાવ્ય-
અને છતાં કાવ્યકંડુ કાવ્યકંડુ ન હોત તો ચામડીનું ખરજવું હોત એમ કોઈ મનોવૈજ્ઞાનિક સિદ્ધ કરે અને કવિ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે અને એને કોઈ પારિતોષિક આપે તો આવો ભેદ-ભાવ શા માટે ? હું કહું છું તો પછી ખરજવું કેમ સિદ્ધિ નહીં ? એની કેમ પ્રસિદ્ધિ નહીં ? એનો કેમ પુરસ્કાર નહીં ? કાવ્યનો પુરસ્કાર અને ખરજવાનો તિરસ્કાર ? ક્રાન્તદૃષ્ટિ કપાઈ ગઈ છે મારા કાવ્યપુરુષની. અને છતાં જોયું ને આ પત્રના શરીર પર ફરી વળી છે સાદ્યંત કાવ્યખૂજલી ? આ વલૂરમાં કોઈ અનન્ય મીઠાશ આવે છે આ ક્ષણે. સૂધબૂધ પણ વલૂરાય છે ઘેનમાં. મારા શબ્દેશબ્દ પર બ્રહ્માની આંગળીઓના વધેલા નખ એકધારા રમમાણ છે. (‘નવનીત-સમર્પણ’ના તંત્રીશ્રી ઘનશ્યામભાઈને પત્ર લખતા લખતા જે કંઈ રચાયું તે )