અનેકએક/કોરાકાગળ
<poem> ૧
કોરા કાગળથી હળવું પારદર્શક પવિત્ર સાચું સુંદર... કશું નથી
૨
હે સ્વજન... કોરા પરબીડિયામાં કોરો કાગળ બીડું છું વાતો વેરી નાખે શબ્દો ચડાવે ચક્રવાતે અર્થો ઓળખ પાડી પાડી છૂટું પાડે હે સ્વજન... આવ આવ... આ કોરી વાટે કોરેકોરા મળીએ
૩
કાળ લુપ્ત કરે છે જ્ઞાનને અજ્ઞાનને માન અરમાન શબ્દસંધાનને નામને હાડ માંસ ચામને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરને પથ્થર ઈંટ ઇમારતોને વસાહતોને નગર નગરપતિને રાઈ રજકણ પ્હાડ ખાઈને કાળ શનૈ: શનૈ: મુક્ત કરે છે કાળને સંક્રમી હું કાગળ કોરો રાખું છું ૪
ચોમાસામાં આડેધડ ઊગી નીકળે વનસ્પતિ એમ શબ્દો ઘોંઘાટિયા અરાજક બેકાબૂ ઊપસી આવ્યા છે કાગળમાં હું ખચ્ચ્ ખેંચું છું તસુ કોરી જગા મળી આવે!
૫
શાંત સ્વચ્છ સરોવરમાં આકાશો આવી આવી સરી જાય... અનરાધાર વરસતું ધુમ્મસ સચરાચર એકાકાર કરી દે રણમાં ડમરીએ ચડેલા રેતકણોના સુસવાટા ફૂંકાઈ ફૂંકાઈ ફસડાઈ વિલાઈ જાય સમુદ્રમાં ઊછળતી લહેરો ઊછળતી ખળભળતી રહે સમુદ્રમાં આવું કંઈક આવું જ કોરા કાગળમાં થતું હોય છે
૬
હું લખું તે તમામ... ... કાગળ ભૂંસી નાખે છે કલમ સ્યાહી સુસજ્જ છે છતાં અક્ષરેઅક્ષરને ઊંડે તાણી જઈ પડખું ફેરવી ફરી નિર્લિપ્ત થઈ જાય છે માત્ર થોડી ક્ષણ અક્ષરમરોડોની ભંગુરતાના આનંદમાં હોઉં છું
૭
આભાસમાં વાસ્તવની વાસ્તવમાં આભાસની ક્રીડા કરવા કોઈ કોઈ વાર કાગળમાં અક્ષરો થઈ ઊતરું... રમ્ય વળાંકોમાં વિહરું છું
૮
શ્વેત ઝંઝાવાતોને સ્યાહીના ઉત્કંઠ ઉન્માદોને અંગુલિમાં અવશ કંપનોને આંતરી હાથમાં લીધેલ કાગળને એવો ને એવો કોરો રાખવો કપરું છે
૯
લખીશ તો વીખરાઈ જશે હવામાં પડઘો ઓગળી જાય એમ નહિ લખું તો હવામાં ધુમ્મસ અદૃશ્ય થઈ જાય એમ એના કરતાં સામે છે તે ને અંતર્લીનની વચ્ચેથી આ કાગળ હળવે હળવે ખસેડતો જાઉં
૧૦
અક્ષરોથી ઊંચકી લેવાના પ્રયત્નોમાં રમમાણ છું શું છે આ નિર્મમ ઠંડીગાર સફેદી હેઠળ?
૧૧
નથી પ્રગટી તે વાચા નથી રચી તે ભાષાને ઘૂંટીઘૂંટીઘૂંટી ઘૂમરીમાં ઉતારી દઈ કાગળને વધુ કોરો કરું છું
૧૨
ધરી દે શબ્દભંડાર વાણીવિલાસ ઉતારી દે નામ સર્વનામ મહોરાં વિશેષણવાઘા થંભવી દે ક્રિયા...પદોેનાં આંદોલન થા થા નર્યા કર્તા સન્મુખ કર્તુમ્ અકર્તુમ્ અન્યથા...
૧૩
એક અક્ષર પાડવો દુષ્કર છે લખ્યું ભૂંસતા રહેવું વિકટ... અશક્યવત્ વિકટ હે નિરભ્ર શુભ્રા...! સ્પંદિત થઈ વહી આવ વહી આવ... આ ક્ષરઅક્ષરને નિ:શેષ કર નિ:શેષ કર!