અનેકએક/કાળુંધોળું

From Ekatra Wiki
Revision as of 00:51, 26 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''કાળુંધોળું'''}} <poem> ૧ કાળું ધોળું થવા જઈ રહ્યું હોય ત્યારે જ ધોળું કાળું થઈ રહ્યું હોય છે પણ સામસામાં પસાર થઈ રહ્યાં કાળુંધોળું એકમેકમાં હોય એ પળ ઉતાવળમાં ચૂકી જવાય છે એ પકડી લઈ ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કાળુંધોળું




કાળું
ધોળું થવા જઈ રહ્યું હોય ત્યારે જ
ધોળું કાળું થઈ રહ્યું હોય છે
પણ
સામસામાં પસાર થઈ રહ્યાં
કાળુંધોળું એકમેકમાં હોય એ પળ
ઉતાવળમાં ચૂકી જવાય છે
એ પકડી લઈ
ત્યાં છૂપ્યા રસ્તે નીકળી જઈ શકાય તો
પહોંચી જવાય ત્યાં
જ્યાં
કાળું હોય નહિ
ધોળું હોઈ શકે નહિ




તું
ડુંગર પરથી પથરા
હું દરિયાકાંઠેથી છીપલાં લઈ આવ્યો
પથરા ખરબચડા ઊબડખાબડ
અણીદાર ગોબાયેલા
છીપલાં ચળકતાં લીસાં
ઝીણાં નકશીકામવાળાં
પથરા ઊના છીપલાં ભીનાં
આપણે છીપલાં જીતવાં નહોતાં
કે પથ્થરો હારવા નહોતા
દરિયો
ડુંગરની ટોચ આંબી શકે નહિ
ડુંગર
દરિયાનો તાગ લઈ શકે નહિ
આપણી રમત તો
કાળુંધોળું લગોલગ રાખી
ચુપકીદીને બોલાશ સંભળાવવાની
ઊંડાઈને ઊંચાઈ દેખાડવાની હતી




માત્ર કાળું...
નર્યું કાળું જોઈ શકાયું છે?
કાળું જ કાળું?
ઉપર નીચે વચ્ચે આજુબાજુ કે ક્યાંકથી
ધોળું ઊભરી જ આવ્યું હોય
સાથોસાથ દેખાયું જ હોય
ધોળું બોલતાં જ
કાળુંકાળું પણ સંભળાયું જ હોય
માત્ર કાળું...
નર્યું ધોળું...
એકમેકથી સાવ નોખું
હોઈ શક્યું છે?




કાળુંધોળું
મહોરાં ધારણ કરી
શતરંજની બાજીમાં સામસામાં ખડાં છે
સામસામાં વ્યૂહ, વેર છે
પ્રપંચ, પ્રતિકાર છે
તાણ, તરકટ છે
કાળું જીતવા
ધોળું મરણિયું
ધોળું પરાસ્ત કરવા
કાળું જીવલેણ છે
એક જીતમાં એક હાર નિશ્ચિત છે
ન હાર ન જીત પણ શક્ય છે
બસ કાળું પોતાનું મહોરું ઉતારી દે
ધોળું પોતાનું
પણ આ શતરંજ છે
ને શતરંજમાં મહોરાં છે તો જ બાજી છે




કાળું
ઓછું ધોળું જ છે
ધોળું ઓછું કાળું
કાળું હોય ત્યાં સુધી જ
ધોળું છે
ધોળું હશે તો કાળું હશે
કાળું ઘેરાય તો ધોળું ઘૂંટાય
ધોળું ઠરે
કાળું આપોઆપ હળવું થાય
કટ્ટર પ્રતિદ્વન્દ્વી લાગે ખરાં
પણ ખરેખર તો
કાળુંધોળું ળું-નાં જ રૂપ છે
અને એકીવેળાએ છે



કાળું હતું
એ પક્ષે ખડા રહેવા
તમે કાળું ચીતરેલી ધજા લઈ દોડી ગયા
અને આપોઆપ ધોળું હતું તેની વિરુદ્ધ થઈ ગયા
આ ભૂલ ઘાતક નીવડશે
એ તમારી સમજમાં જ ન આવ્યું
તમે
ધોળુંની આંખોમાં અંગાર
કાળુંના લોહીમાં જામગરી ચાંપી બેઠા
હાડમાં ઝેરના પાતાળકૂવા ઉતારી દીધા
બેઉ ભાથાંમાં
ઝનૂન-જુલ્મ ખૌફ-ખુન્નસ ડર-દહેશત ભરી બેઠા
ને પછી અસહાય થઈ ખેલ-તમાશો જોતા રહ્યા
અરેરે... કાશ...
તમે કાળુંધોળુંની વચ્ચોવચ્ચ ગયા હોત
કાળુંને ધોળું લખેલી ધજા
ધોળુંને કાળું લખેલી ધજા આપી હોત તો
એક જીવલેણ-ખૂંખાર જંગ
નિવારી શક્યા હોત