શાંત કોલાહલ/૧૭ એઈ વ્હાલીડા

From Ekatra Wiki
Revision as of 01:53, 28 March 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૭ એઈ વ્હાલીડા

એઈ વ્હાલીડા ! સાંભળી લેજે સાદ,
અંગ મારાંને વીંટળાયો છે નાગ,
ઝેરની એનાં જીરવી જાય ન આગ,
મોવરમાં ધર મંતરનો કોઈ રાગ,

નહિ તો એલા જિન્દગી લગી
મેલજે મોરી યાદ...
વ્હાલીડા સાંભળી લેજે સાદ...

સાંભળી લીજે સાદ ઓ સાજન ! પડઘો પાડે વન :
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.

આકળી મારી આંખ ભમે રે
ચંતને ય ન્હૈ ચેન,
મારણ એવી નિંદનું મુને
આવતું ઘેરું ઘેન.
રંગની વળી રોળ, અંધારે આથમી રહ્યો દન;
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.

વેણ ઝીલીને વાયરો વહી
જાય છે ચારે કોર,
પળની સરે પ્હોર, ન તોયે
આવતો ઓરો મોર;
માંહ્યલી રે મસ આગથી બળ્યું જાય છે આ જોવન;
એક વેળા આ આંખથી તુંને જોઈ લેવાનું મન.