દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૧. ફૂલણજીની ગરબી

From Ekatra Wiki
Revision as of 15:25, 11 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૧. ફૂલણજીની ગરબી|}} <poem> ફૂલણજી તમે ફુલાવ્યા કેમ ફૂલ્યારે, આ ઉપજ ખરચનો અડસટો કેમ ભૂલ્યા, મારા ફૂલણજી. કરજ કરીને વરા ભલા તમે કીધારે, આ ગરથ પરાયા ખરચીને જશ લીધા, મારા ફૂલણજી. ઘર વેચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૬૧. ફૂલણજીની ગરબી

ફૂલણજી તમે ફુલાવ્યા કેમ ફૂલ્યારે,
આ ઉપજ ખરચનો અડસટો કેમ ભૂલ્યા, મારા ફૂલણજી.
કરજ કરીને વરા ભલા તમે કીધારે,
આ ગરથ પરાયા ખરચીને જશ લીધા, મારા ફૂલણજી.
ઘર વેચીને ઘી સાકર તો લીધાંરે,
આ જમણ સરસ સામોવડિયાથી કીધાં મારા ફૂલણજી.
પીતાંબર પેહેરી પંગતમાં ફરિયારે,
આ મનમાં ફૂલ કરી મૂછે કર ધરિયા, મારા ફૂલણજી.
વળતો દિવસ થયો કે માગે નાણાંરે,
આ નાણાનાં તો ન મળે ક્યાંઈ ઠેકાણાં, મારા ફૂલણજી.
ફૂલણજી ઉપર અરજી થઈ ત્યાંથીરે,
આ જપત થઈ મિલકત કાહાડ્યા ઘરમાંથી મારા ફૂલણજી.
ફૂલણજી તમને જેણે ફૂલાવ્યારે,
આ તે તો કોઈ મદદ કરવા નવ આવ્યા, મારા ફૂલણજી.
ફૂલણજી તો કુવો શોધવા ચાલ્યારે
આ ગરથવિના તે અફિણ ન કોઈએ આલ્યાં, મારા ફૂલણજી.
જમતી વખત વખાણ ભલાં જે કરતારે,
આ એ સહુ હાસ્ય કરે નિંદા આચરતા, મારા ફૂલણજી.
એ અવસર તો અધિક વખાણી ચડાવ્યારે,
પણ આ અવસર તો બેવકૂફ ઠરાવ્યા, મારા ફૂલણજી.
પેહેર્યાને પટકુળ બાંધ્યા ચંદરવારે,
આ ઘર બાળીને ચાલ્યા તીરથ કરવા, મારા ફૂલણજી.
ફૂલજીની રાંડ રૂએ મોેં વાળીરે,
આ ફૂલણજી સીધાવ્યા ટેકો ટાળી, મારા ફૂલણજી.
ભોળાને નરસી શિખામણ દેશેરે,
તે નિસાસાનું પાપ ઘણું શિર લેશે, મારા ફૂલણજી.
દિલમાં દલપતની શિખામણ ધરજોરે,
તો કરજ કરીને નાત વરા કરજો, મારા ફૂલણજી.