રચનાવલી/૨
બાર ગાઉએ બોલી બદલાય એ તો આપણે જાણીએ છીએ. અમદાવાદમાં જે બોલાય છે તે ખેડામાં નથી બોલાતી અને ખેડામાં જે બોલાય છે તે સૂરતમાં નથી બોલાતી. બરાબર એ જ રીતે આજે જે ગુજરાતી બોલાય છે તે નર્મદના જમાનામાં નહોતી બોલાતી અને નર્મદના જમાનામાં જે બોલાતી તે નરસિંહ મહેતાના જમાનામાં નહોતી બોલાતી. સ્થળ પ્રમાણે તેમ સમય પ્રમાણે ગુજરાતી ભાષાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં સાંભળીએ છીએ ત્યારે લાગતું નથી કે કોઈ જૂની ગુજરાતી સાંભળીએ છીએ કારણ કે લોકોના કંઠમાંથી વહેતી વહેતી એ આપણા સુધી પહોંચતા બદલાતી આવી છે. પણ નરસિંહના સમયની બદલાયેલી નહીં પણ અકબંધ સચવાયેલી ગુજરાતી ભાષા સાંભળવી હોય તો લોકોમાં પ્રચલિત નહીં પણ જ્ઞાનભંડારમાં સચવાયેલી હસ્તપ્રતો પાસે જવું પડે. આવી જ, નરસિંહના સમયની અકબંધ સચવાયેલી ગુજરાતી ભાષા મધ્યકાલીન ગુજરાતી કવિ પદ્મનાભની ‘કાન્હડદે પ્રબંધ'માં જોવા મળશે, થરાદના જૈન ભંડારમાં આ રચના સચવાયેલી રહી. બહુ ઓછી એની નકલો થઈ અને તેથી આજે જ્યારે એને વાંચીએ છીએ ત્યારે ગુજરાતી, રાજસ્થાની કે હિન્દીનો ભેદ ઘણોખરો ભુલાઈ જાય છે. સાચું છે. ‘કાન્હડદે પ્રબંધ’ એવી ગુજરાતીમાં લખાયેલો છે, જ્યારે રાજસ્થાની, ગુજરાતી અને હિન્દી ભાષામાં આજે છે તેવો પૂરો ભેદ હજી થયો નહોતો. કેટલાક એને ‘ગુર્જર અપભ્રંશ’ પણ કહે છે અને તેથી ‘કાન્હડદે પ્રબંધ' જેવી રચના ગુજરાતી અને રાજસ્થાની બંને સાહિત્યની મજિયારી મિલકત ગણાવેલી છે. ‘કાન્હડદે પ્રબંધ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું નરસિંહ મહેતાના સમયનું ઐતિહાસિક વીરરસનું દીર્ઘકાવ્ય છે. ‘કાન્હડદે પ્રબંધ' શબ્દ સૂચવે છે તેમ એમાં કોઈ ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર અપાયેલું હોય છે સાથે એમાં કલ્પનાના અંશો પણ ભેળવેલા હોય છે. ઇતિહાસ, ચરિત્ર અને દંતકથાના મિશ્રણથી લખાતા પ્રબંધ કાવ્યના પ્રકારમાં બીજા અનેક પ્રબંધો ગુજરાતીમાં જડે છે, પણ ‘કાન્હડદે પ્રબંધ'નું સ્થાન વિશિષ્ટ છે. મુનિ જિનવિજયજીએ કહ્યું છે કે, ‘આ કાવ્ય વિશુદ્ધ ધર્મપ્રેમ, ઉન્નત રાષ્ટ્રપ્રેમ, ઉત્તમ સદાચાર પ્રેમ અને સાત્ત્વિક સત્યપ્રેમનો એક પ્રશસ્ત સ્રોત છે. આ કાવ્યપ્રબંધ શુદ્ધ ઐતિહાસિક કાવ્ય છે.’ ‘કાન્હડદે પ્રબંધ'માં કવિ પદ્મનાભે ગુજરાતીમાં આજે તો જાણીતી એવી કરણ વાઘેલાના દુભાયેલા પ્રધાન માધવે અલાઉદ્દીન ખીલજીને ઉશ્કેર્યો અને એને કારણે ગુજરાતમાં વિનાશ વેરાયો એનો કરુણ૨સ આલેખ્યો છે. તો રજપૂતોનું શૌર્ય, એમની અપૂર્વ યુદ્ધકળા અને યુદ્ધકુનેહનો વીરરસ પણ આલેખ્યો છે. વળી તુર્કકન્યા પીરોજાના અપ્રતિમ પ્રેમનો શૃંગા૨૨સ પણ એમાં છે. ચાર ખંડમાં પ્રસરેલું આ દીર્ઘકાવ્ય મોટે ભાગે દોહા, ચોપાઈ અને સવૈયાની દેશી ચાલમાં લખાયેલું છે. એમાં પાંચેક જેટલાં ગીતો છે અને મધ્યકાળમાં ભાગ્યે જ જોવા મળે તેવું પટ્ટાઉલીનું ગદ્ય પણ એમાં જોવા મળે છે. પહેલા ખંડમાં ‘ગુજરાતનું અન્ન ક્યારે જમું કે અહીં તુર્કોનું ધાડું આણું’ એવી પ્રતિજ્ઞા કરીને ગયેલો કરણ વાઘેલાનો મંત્રી માધવ દિલ્હી જઈ અલાઉદ્દીન ખીલજીના લશ્કરને નૉતરી આવે છે. ઝાલોરના રાજા કાન્હડદેએ લશ્કરને માર્ગ આપવાની ના પાડતા લશ્કર મોડાસા થઈને ગુજરાતમાં આવી પાટણ, સુરત અને રાંદેરને ધમરોળે છે, સોરઠને ખુંદે છે અને સોમનાથને તોડે છે પાછા ફરતા કાન્હહદે પર વેર વાળવા ચઢાઈ કરે છે, પરંતુ અલાઉદ્દીનના સરદાર અલૂઘખાનને હાર ખમવી પડે છે. બીજા ખંડમાં હાર ન ખમાતા ખુદ અલાઉદ્દીન રણે ચઢે છે અને ઝાલોર સુધી પહોંચતા પહેલા માર્ગમાં આવતા સમિયાણાના ગઢને નમાવવા પ્રયત્ન કરે છે. સમિયાણામાં રાજ કરતા કાન્હડદેના ભત્રીજા સાંતલદેવે લાંબો સમય ગઢ ટકાવ્યો પણ ગઢમાં એકમાત્ર સરોવરમાં ગોમાંસ નાંખતા બીજો કોઈ ઉપાય રહેતો નથી અને રજપૂતો કેસરિયા કરે છે. બીજો ખંડ સાંતલદેવની પરાક્રમકથાનો છે. કાવ્યના પછીના બે ખંડોમાંથી ત્રીજા ખંડમાં બાકીના બાર વર્ષની ઘટનાઓ રજૂ થઈ છે પણ આ ખંડ કાન્હડદેના પુત્ર વીરમદે પ્રત્યેનો અલાઉદ્દીન ખીલજીની દીકરી પીરોજાનો પ્રેમ કેન્દ્રમાં આવે છે. પીરોજાને જન્મજન્માન્તરની સ્મૃતિ છે. પીરોજા ખુદ સંધિ માટે વીરમદેને મળે છે. વીરમદે એનું મુખ જોવાની ના પાડે છે પણ પીરોજાની વિનંતીથી બાન પકડેલા મુસલમાનોને છોડી દે છે. ચોથા ખંડમાં ઝડપથી પ્રસંગો બને છે. અલાઉદ્દીને ફરી ઝાલોર પર ચઢાઈ કરી. કાન્હડદેનો ભાઈ માલદે અને એના પુત્ર વીરમદે મુસ્લિમ સેનાને હંફાવે છે પણ ઝાલોરનો ગઢ યુદ્ધના ઘાવ ઝીલી ઝીલી તૂટું તૂટું થવા પર આવે છે. ઘેરાને કારણે સામગ્રી પણ ખૂટે છે અને એવામાં મુસલમાનો ઝાલોરના એક ભોઈ વીકા સેજવાળને ફોડે છે અને લાલચ આપી એની પાસેથી ગઢનો ગુપ્ત માર્ગ જાણી લે છે છેવટે કાન્હહદેને લાગે છે કે ઝાઝો સામનો થઈ શકે તેમ નથી ત્યારે ચુનંદા રજપૂતો સાથે એ કેસરિયા કરે છે. બીજી બાજુ ઇચ્છા પ્રમાણે પીરોજા પાસે પહોંચેલું વીરમદેનું કપાયેલું માથું પીરોજાની સામે અવળું ફરી જાય છે. યવનપ્રેમનો અસ્વીકાર થતાં પીરોજા જળસમાધિ લે છે. આમ, ‘કાન્હડદે પ્રબંધ' ચમત્કારો સાથે રજૂ થયેલું ઐતિહાસિક કાવ્ય છે પણ એ ગુજરાતની ભૂગોળનું પણ દર્શન કરાવે છે. તત્કાલીન સમાજ, રીત-રિવાજો, નગરરચનાઓ, ગઢોની બાંધણી, લશ્કરની કૂચો વગેરેનો કવિ જાણે કે આંખે દેખ્યો અહેવાલ આપે છે. મુસ્લિમ કે રજપૂત - બેમાંથી કોઈનો ય પક્ષ લીધા વિના પદ્મનાભે યુદ્ધનાં તટસ્થ વર્ણન આપ્યાં છે. ખાસ તો સોમનાથના વિનાશ વખતની પંક્તિઓ ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવી બની ગઈ છે. કવિ કહે છે : ‘પૂર્વે રુદ્રે ઘણા દેવોને માર્યા, પૃથ્વીમાં પૂણ્ય વર્તાવ્યું, દેવલોકનો ભય ટળ્યો, પવનવેગથી રૂની જેમ કામદેવને બાળ્યો –' પદ્મનાભ પૂછે છે ‘સોમઈઆ તારું ત્રિશૂળ ક્યાં ગયું છે?’ પદ્મનાભની વેદના - હતાશાનો પડઘો આજદિન સુધી ગુંજ્યા કરે એવો છે.