રચનાવલી/૧૪

From Ekatra Wiki
Revision as of 14:34, 27 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. મહાકાળીનો ગરબો (વલ્લભ મેવાડો)|}} {{Poem2Open}} પશ્ચિમના જગતમાં જાતીય સમાગમ સાથે ‘મૂળ પાપ’ જોડાયેલું છે. તેથી સ્ત્રી-પુરુષના સંબંધમાં કે સ્ત્રી અંગેના સ્વરૂપમાં નારીવાદ સુધીની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૪. મહાકાળીનો ગરબો (વલ્લભ મેવાડો)


પશ્ચિમના જગતમાં જાતીય સમાગમ સાથે ‘મૂળ પાપ’ જોડાયેલું છે. તેથી સ્ત્રી-પુરુષના સંબંધમાં કે સ્ત્રી અંગેના સ્વરૂપમાં નારીવાદ સુધીની ઝુંબેશ કરવી પડે એવી ત્યાંની સ્થિતિ છે. હમણાં વળી પૉપ જ્હૉન પૉલ બીજાએ જાતીય સમાગમ કૅન્સર તરફ લઈ જાય છે એવું વિધાન કર્યું છે અને આ વિધાનની સામે ખુદ ઇટલીમાં પણ ડૉક્ટરોએ શંકા ઊભી કરી છે. આની સામે ઓશૉ રજનીશનું ધ્યાન પણ ક્યાંક ટાંકવામાં આવ્યું છે. કહે છે : ‘જીવન અસ્તિત્વ ધરાવે છે કામ દ્વારા. કામ એ માધ્યમ છે. તમે જો જીવનને સમજતા હો, તમે જો જીવનને ચાહતા હો તો તમને ખબર હોવી જોઈએ કે કામ એ પવિત્ર છે, શુદ્ધ છે. તો તમે એને જીવો છો, એમાં તમે આનંદ શુદ્ધ સમાધિ લો છો અને બહુ સ્વાભાવિક રીતે એ આવે છે અને પોતાની રીતે ચાલ્યો જાય છે. ભારતીયદર્શનના ચાર પુરુષાર્થમાં ધર્મ, અર્થ પછી કામનું સ્થાન છે. અને તેથી જ ભારતીય દર્શનપરંપરામાં શક્તિ સંપ્રદાય ઉદ્દભવી શક્યો છે; જેમાં સ્ત્રીની શક્તિથી જ જગતની ઉત્પત્તિ માની તેની ઉપાસના ચીંધવામાં આવી છે. શક્તિના મહાલક્ષ્મી, મહાકાળી, મહાસરસ્વતી જેવા સ્વરૂપ ઉપરાંત પણ ઘણાં સ્વરૂપોની કલ્પના કરવામાં આવી છે. સમસ્ત જગત પ્રત્યેનો અને સ્ત્રી-પુરુષના સંબંધને લક્ષ્ય કરીને સ્ત્રીના સ્વરૂપ પ્રત્યેનો આ શક્તિરૂપ દૈવીરૂપ તંદુરસ્ત અભિગમ વિશિષ્ટ ભારતીય દેણ છે. તો આસોના પહેલા નવ દિવસની નવરાત્રિ દરમ્યાન માટીના છિદ્રોવાળા ઘડાને માથે લઈ કુંડાળું વળી શક્તિરૂપ દેવી કે માતાજીની સ્તુતિ કરતાં ગવાતો ‘ગરબો’ એ ગુજરાતની સંસ્કૃતિની દેણ છે. ‘ગરબો’ જો ગુજરાતની સંસ્કૃતિની દેણ છે તો ગુજરાતી પ્રજાજીવનમાં અને સાહિત્યમાં ‘ગરબો’ લોકપ્રિય થયો એ કવિ વલ્લભ મેવાડાની દેણ છે. સત્તરમી સદીમાં થઈ ગયેલો વલ્લભ મેવાડો અમદાવાદનો વતની હતો. ચુંવાળાના બહુચરાજીનો ભક્ત હતો. માતાજીના મંદિરમાં આજે પણ ‘વલ્લભ ધોળાની જે’ બોલાવાય છે, તેમાં જે વલ્લભનો ઉલ્લેખ આવે છે તે જ આ વલ્લભ મેવાડો છે. આજે તો નવરાત્રિમાં ડિસ્કો ગરબા અને દાંડિયા સુધી પહોંચેલું ગુજરાતી ગરબાનું અસલ રૂપ જોવું હોય તો વલ્લભ મેવાડાના ગરબાઓને યાદ કરવા પડે. વલ્લભ પહેલાં ગુજરાતમાં ગરબા નહીં લખાયા હોય, એવું કદાચ નહીં બન્યું હોય, પણ ગરબાને લોકપ્રિય કરનાર અને એના સાહિત્યપ્રકારને સ્થિર કરનાર તો વલ્લભ જ છે. માતાજીનો વિષય કરીને રચેલા વલ્લભના ગરબાઓમાં દૈવી ભક્તિના વિવિધ રંગ જોઈ શકાય છે. અંબાજી, બહુચરાજી અને મહાકાળી એ ત્રણે ય દેવીસ્વરૂપોનો વલ્લભ એવો મહિમા કર્યો છે, એમના શણગાર અને સૌન્દર્યનાં એવાં વર્ણનો આપ્યાં છે કે વલ્લભના ગરબાને મધ્યકાલીન સાહિત્યની બુટ્ટી કે નથની જેવો ગણવામાં આવ્યો છે. વળી, વલ્લભના ગરબાઓ ગુજરાતી સમાજમાં હોંશભેર ઝીલાતા આવ્યા છે, તો એ ગરબાઓમાં એના સમયનો ગુજરાતી સમાજ પણ વિગતભેર ઝીલાયેલો છે. માતાજીનાં સૌન્દર્યવર્ણનોમાં મધ્યકાલીન નારીના શણગાર અને એનાં આભૂષણ જેમ છતાં નથી રહેતાં, તેમ સાથે સાથે નારીને પીડતી સામાજિક રુઢિઓ પણ અછતી નથી રહેતી. લોકપ્રિય બનેલા ગરબા મારફત વલ્લભે પ્રચ્છન્નપણે નારી સન્માનની વૃત્તિને દઢ કરવા પ્રયત્ન કર્યો છે. વલ્લભનો બહુચરાજીનું વર્ણન કરતો ‘શણગારનો ગરબો', વિવિધ પ્રસંગો અને અવતારોમાં માતાના સ્વરૂપની ઓળખ સાથે આનંદ લેતો ‘આનંદનો ગરબો’, માના શણગારને વર્ણવતો અંબાજીના ‘શણગારનો ગરબો" - આ બધા ગરબાઓ જો વલ્લભની ભક્તિને પ્રગટ કરે છે, તો ‘કજોડાનો ગરબો’ કે ‘કળિકાળનો ગરબો" વલ્લભની સામાજિક સભાનતા પ્રગટ કરે છે. પણ બધામાં ખૂબ પ્રચલિત ‘મહાકાળીનો ગરબો’ જોઈએ. ગરબો ગરબીથી જુદો પડે છે. ગરબી ટૂંકી હોય છે અને એમાં મોટા ભાગે લાગણીનો અંશ વધુ હોય છે, જ્યારે ગરબો પ્રમાણમાં લાંબો હોય છે અને એમાં વર્ણનનો અંશ વધારે હોય છે. ક્યારેક તો એ કથાગીત સુધી પણ પહોંચે છે. ‘મહાકાળીનો ગરબો'માં પાવાગઢના મહાકાળીનો ક્રોધ અને એ ક્રોધના કારણે પાવાગઢના રાજાનું પતન થયું એ કથા વણાયેલી છે. ગરબાની પહેલી કડી જ જુઓ, ‘મા તું પાવાની પટરાણી કે કાળી કાળિકા ૨ે લોલ / મા તારો ડુંગરડે છે વાસ કે ચડવું દોહ્યલું રે લોલ' પહેલી કડીમાં જ ‘પટરાણી' શબ્દ દ્વારા અને ડુંગરડે વાસ બતાવીને માતાનો મહિમા ખડો કરી દીધો છે. પછી તો ડાબે જમણે આવેલા કુંડથી માંડી ઘણી વિગતોનું વર્ણન આવે છે. રાજાની ચતુરા નાર ને કાળિકાને બેનપણાં છે. આ બહાને રાજા અંધાર પછેડો ઓઢીને માનો છેડલો ઝાલે છે. મા એને સમજાવે છે : ‘માગ માગ પાવાના રાજન કે તુષ્ટમાન થયાં ઘણાં રે લોલ... માગ માગ પુત્ર કેરી જોડ કે બંધાવું પારણાં રે લોલ માગ ઘોડાની ઘોડાશાળ કે હસ્તી માગ ઝુલતા રે લોલ.’ માગ માગ નવખંડનું રાજ કે ચાંદો સુરજ તપે રે લોલ આટલું બધું માગવાનું કહેતી માને રાજા કહે છે કે, ‘માગુ એકલડું વરદાન કે મહોલે પધારજો રે લોલ’ મા કહી ઊઠે છે ‘ફટ્ ટ્ પાવાના રાજન કે એ શું માંગીયું રે લોલ’ અને પછી માનો ક્રોધ જાગે છે. કહે છે : ‘આજથી છઠ્ઠે ને છ માસ કે તારું મૂળ ગયું રે લોલ’ ને એમ જ થાય છે. મુગલો ચઢી આવે છે, પાવાગઢ ઘેરાય છે, પાવાગઢ પડે છે. સુલતાન નેત્રમાં નીર ભરીને ‘માજી હું છઉં તમારો દાસ કે આપો મને આજ્ઞા રે લોલ’ કહીને માને શરણે જાય છે. મા પ્રસન્ન થઈને માગવાનું કહે છે ત્યારે માગે છે કે માજી થાજો મને પ્રસંન કે નથી કે જોતા રાજ હવે રે લોલ / માગુ ભક્તિ પદારથ વૈરાગ કે સેવું માનાં ચરણ રે લોલ’ આ ગરબો પાવાગઢના પતનની કથા કહે છે તેથી વધુ આડકતરી રીતે નારી સન્માનની કથા કહે છે; જેમાં નારી શક્તિનો મહિમા પણ સમાયેલો છે.