યાત્રા/અંગુલિ હે!
અંગુલિ હે!
રચી રહો અંજલિ, અંગુલી હે!
શીખો હવે આજ લગી ન શીખ્યું તે;
ધરી લિયે પધદલેનું માર્દવ,
રચી રહો સંપુટ કા અનન્ય.
હે અંગુલી! કર્મ કર્યા ઘણાં ઘણાં:
માટી ભરી માં મહી શૈશવે ને,
કેશોર્યમાં એ ક્રીડનમાં ગુંથાઈ ગૈ,
યુવા વિષે વજ્જર બંધ થૈ લડી
કુશ્તી ઘણી, કે પ્રિયના કરે સરી
કુમાશ ધારી બિસતંતુ જેવી.
કે અંગુલી, તે કરજોડ કૈં કરી,
જેકાર ઝીલ્યા, અરપ્યા વળી ઘણા,
તું આશિષાર્થે થઈ છત્ર શી રહી,
અને કદી ભોળપભાવથી ઘણી
અબૂઝ માળા જપતી ય તું રહી.
રે આ બધું આમ કર્યું કર્યું છતાં
બાકી હજી બાવન બ્હારનું બધું;
ક્હે, તાહરાં અગ્ર થકી સવ્યું કદી
સંજીવની અર્પતું ઈશ – અમ્રત?