રચનાવલી/૧૭૧

From Ekatra Wiki
Revision as of 12:42, 8 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭૧. સેન્ટ જોન (બર્નાર્ડ શૉ) |}} {{Poem2Open}} બ્રિટિશ નાટકકારોમાં શેક્સપિયર પછી જો કોઈ નામ લેવાતું હોય તો તે બર્નાર્ડ શૉનું છે. ૧૯૨૫માં નૉબેલ ઇનામ મેળવનાર આ નાટકકારનું ૧૯૦૫માં ‘માન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭૧. સેન્ટ જોન (બર્નાર્ડ શૉ)


બ્રિટિશ નાટકકારોમાં શેક્સપિયર પછી જો કોઈ નામ લેવાતું હોય તો તે બર્નાર્ડ શૉનું છે. ૧૯૨૫માં નૉબેલ ઇનામ મેળવનાર આ નાટકકારનું ૧૯૦૫માં ‘માનવ અને મહામાનવ’ (મૅન ઍન્ડ સુપરમૅન) ભજવાયું એ સાથે એ સમયના જગતના જીવતા નાટકકારોમાં તેઓ સૌથી વધુ પ્રસિદ્ધ નાટકકાર સાબિત થયેલા. આમ તો, બર્નાર્ડ શૉ લાંબો સમય અપ્રિય રહેલા. ઘણાંઓને એમની સમાજને બદલી નાંખવાની ઇચ્છા અને એમનાં પ્રગતિશીલ વલણો પસંદ નહોતાં. ૧૯મી સદીના અંત ભાગમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટનમાં વિક્ટોરિયન યુગની જાહોજલાલી આથમવા માંડેલી. નવા ફેરફારો શરૂ થયા. સમાજવાદી સંગઠન અને ધીમે ધીમે બધું બદલી નાંખવાની ખેવના રાખતી ફેબિયન સોસાયટી સક્રિય બન્યાં. સ્વતંત્ર બુદ્ધિથી વિચારતો ‘નવો મનુષ્ય’ ઊભો થયો, ઘરકામમાંથી બહાર આવી સંસદની ચૂંટણીમાં મતાધિકાર માગતી ‘નવી નારી’ જન્મી અને વિક્ટોરિયન યુગના ચોખલિયા દમનથી મુક્ત ‘નવી નૈતિકતા’એ દેખાવ દીધો. આ ત્રણે અંગેના બદલાતા દૃષ્ટિબિંદુને રજૂ કરતું ‘નવું નાટક’ હયાતીમાં આવ્યું. નોર્વેજિયન નાટકકાર ઈબ્સનના નાટકોથી પ્રભાવિત થઈ બર્નાર્ડ શૉ આ નવા નાટકના અગ્રણી બન્યા. બર્નાર્ડ શૉનાં નવાં નાટકોએ સ્ત્રી-પુરુષના લાગણીગૂંથ્યા પ્રશ્નોના વિષયોને બાજુએ રાખીને તત્કાલીન સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રશ્નોના જાહેર વિષયો હાથમાં લીધા, મોટી સંખ્યામાં લોકોને સ્પર્શતા જાહેર મુદ્દાઓ પર આ નાટકોએ ધ્યાન કેન્દ્રિત કર્યુ. બર્નાડ શૉ દરેક નાટકને લાંબી પ્રસ્તાવના જોડતા અને નાટકના વિષયને લક્ષમાં રાખી જાતજાતના મુદ્દાઓ તાર્કિક રીતે ચર્ચતા. એટલે કે બુદ્ધિપ્રધાન નાટકોની મોસમ બેઠી. આ નાટકોમાં પાત્રો પણ લાંબી લાંબી ચર્ચા કરતાં પણ દરેક પાત્રની પોતાની વિચારસરણી હોવાથી આ ચર્ચાઓ દરમ્યાન વિચારધારાના વિરોધમાં કટોકટી ઊભી થતી. નર્મ, મર્મ અને વ્યંગને કારણે પાત્રો દ્વારા થતી દલીલોથી બર્નાર્ડ શૉ દશ્યોને જબરદસ્ત રીતે ઊભાં કરતાં. એમનાં નાટકો ઉપરઉરથી જોતા વિવેચકોને, વિચારથી ઉન્નત થયેલા લેખકના દિમાગી તુક્કાઓ લાગ્યા છે; પણ હકીકતમાં બર્નાર્ડ શૉના સંગીતપ્રેમે કે એમની સંગીતસૂઝે નાટકના લાંબા સંવાદોમાં પણ એક પ્રકારનું સુયોજિત સૂરીલાપણું મૂક્યું છે. બર્નાડ શૉ મૂળભૂત રીતે નાટકની ઊપજને મનુષ્યનો બૌદ્ધિક રીતે સભાન થવાનો પ્રયત્ન સમજે છે. બર્નાડ શૉની કારકિર્દી સંગીતના વિવેચક તરીકે શરૂ થયેલી. પિતા પ્રભાવક ન હોવાથી બર્નાડ શૉની માતાએ સંગીતના પાઠો અને સભાઓ દ્વારા કુટુંબનિર્વાહ કરેલો. માતા બહારના કામમાં સતત રોકાયેલી હોવાથી માતાનો વધુ પ્રેમ બર્નાર્ડ શૉર્ન ભલે ન મળ્યો પણ માતા તરફથી મળેલ સંગીતપ્રેમ બર્નાર્ડ શૉને એમનાં નાટકોના સંવાદલેખનમાં આડકતરી સહાય જરૂર કરી છે. એટલું જ નહીં પણ નાટકમાં બદલાયેલી નારીનું ચિત્રણ કરવામાં પણ બર્નાર્ડ શૉને માતાનો આદર્શ ખપમાં આવ્યો છે. બર્નાર્ડ શૉની નજરમાં નારી કોઈ વળગી બેઠેલી વેલી કે બંધ દ્વારમાં જળવાયેલો છોડ નથી, પણ નારી એ જીવનશક્તિનું અવતરણ છે, ડાર્વિને ઉદ્બોધેલી નિર્બળને મારીને યોગ્યતમની ટકી રહેવાની ઉત્ક્રાંતિને બદલે બર્નાડ શૉ ઉચ્ચતમ બૌદ્ધિકતાથી અને પ્રબળ ઇચ્છાશક્તિથી વધુ સારા માનવ ભણી, કદાચ મહામાનવ ભણી જતી ઉત્ક્રાંતિને ચાહે છે; અને એમાં નારીની જીવનશક્તિનું અવતરણ મોટો ભાગ ભજવી શકે એમ છે એવું માને છે. ના૨ીની આવી પ્રબળ જીવનશક્તિને રજૂ કરતા એમના ‘સેન્ટ જોન’ નાટકે બર્નાર્ડ શૉની કીર્તિને ટોચ પર મૂકી આપી છે. ઈશુના ઉપદેશથી બહુ દૂર ફંટાયેલાં ચર્ચોના ક્રિયાકાંડોથી ઉબાઈને વહેલી વયે ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરનાર બર્નાર્ડ શૉ પ્રત્યેક જીવ તરફ અનુકંપા ધરાવનાર ધર્મપ્રિય છે પરંતુ મનુષ્ય જાતિને અને મનુષ્યના વ્યવહારોને તેઓ અસાધારણ બૌદ્ધિકતાથી જુએ છે. જડ ઘાલીને બેઠેલી રૂઢિઓથી કે અન્ય લોકોના ખરા ખોટા અંગેના ચાલી આવેલા વિચારોથી તેઓ જરાય વિચલિત થતા નથી, એનો પુરાવો ‘સેન્ટ જોન’ નાટકમાંથી મળે છે. આથી જ તેઓ ધર્મસત્તા અને રાજસત્તાથી ઉપર ઊઠી અન્તઃકરણના અવાજોને મહત્ત્વ આપે છે. ‘સેન્ટ જોન’ નાટકમાં બર્નાર્ડ ઇતિહાસમાંથી જોનના પાત્રને લઈ આવ્યા છે. પંદરમી સદીમાં જોન અંગ્રેજ લશ્કરના હાથમાંથી ફ્રાન્સની ભૂમિને મુક્ત કરવામાં મદદ કરી હતી અને એમ કરવામાં એ માત્ર પોતાના અંદરના જ અવાજને અનુસરી હતી. એ માનતી હતી કે એકાન્તમાં ઈશ્વરનો અવાજ એની સાથે વાતચીત કરે છે. આથી જ ઇશ્વર જે કહે છે એનાથી વિરૂદ્ધનું કરવામાં એ રાજસત્તા અને ધર્મસત્તા બંનેને પડકારે છે આ સત્તાઓ જોનને ધર્મ-પાખંડી કહીને જીવતી જલાવી દે છે. અન્તઃકરણના અવાજ પર આધારિત વ્યક્તિગત નિર્ણયના અધિકારને આગળ કરતું આ નાટક છ અંકોમાં રજૂ થયું છે અને છેલ્લે ઉપસંહારનો ખંડ એને જોડાયેલો છે. પહેલા ત્રણ અંકમાં એક ગામડાની સીધી સાદી ખેડૂત કન્યાનો ઉદય બતાવ્યો છે. સંત કેથરિન અને સંત માર્ગારેટ તરફથી પોતાને સંભળાતા ઈશ્વરના અવાજોને અનુસરીને જોન પુરુષ વેશે ફ્રેન્ચ સૈનિકો અને સેનાપતિમાં આત્મવિશ્વાસ ઊભો કરી અંગ્રેજો પાસેથી ઓર્લેઆંનો કબજો લઈ લે છે અને રાજા હેન્રી છઠ્ઠાને વિધિપૂર્વક ગાદીએ બેસાડે છે. પણ પછી ફ્રેન્ચો જ જોનને મોટી રકમના બદલામાં અંગ્રેજોને હવાલે કરે છે. અંગ્રેજો તેમજ પાદરીઓ જોનને દલીલપૂર્વક પાખંડી સાબિત કરવા અને એને સંભળાતા અવાજો ઈશ્વર તરફથી નહીં પણ શેતાન તરફથી આવતા હતા એવું કબૂલ કરાવવા મથે છે પણ જોન પોતાની વાતમાં મક્કમ રહી એમને ગાંઠતી નથી અને તેથી બજારમાં જાહેર રીતે જોનને બાળી મૂકવામાં આવે છે. ઉપસંહારમાં આ ઘટનાનાં પચીસ વર્ષ પછી રાજસત્તા અને ધર્મસત્તા જોનને ‘સેન્ટ જોન’ તરીકે સ્થાપે છે પણ સાથે સાથે એમની નપુંસકતા અને ભયભીતતાને પણ જાહેર કરી દે છે. રાજસત્તા અને ધર્મસત્તાની સામે વ્યક્તિસત્તાનો અને મનુષ્યની આંતરિક સંપત્તિનો વિજય દર્શાવતું આ નાટક ઐતિહાસિક ઘટનાને વટાવી જઈ સર્વકાલીન સત્ય પર સ્થાયી થયેલું જોઈ શકાય છે.