યાત્રા/મનુજ–પ્રણય
‘પ્રિયા–’ ગુંજી ઊઠ્યો મન ગગનમાં શબ્દ સહસા,
દિશાઓમાં જાગ્યે કનક રસ કો, શાંત જલમાં
ઊઠ્યા વીચિસ્પંદો, જગત પલટ્યું એક પલમાં;
ક્યહીં વ્યોમાંકેથી વરસી મુદ કા નૂતનરસા!
પરાગે લોભાયો ભ્રમર જ્યમ પેખે કમલિની,
અને ઝંખ્યું પોતે સકલ મધુ ત્યાં સંચિત લહે,
પિછાન્યું હૈયાએ મધુર રસ આ જ્યાંથી પ્રવહે,
ખરે એ તો આ છે રમણીઉરની રમ્ય નલિની!
અને કોઈ ઘેરા નયનરસની જાગી રટણા;
ભમ્યો પૃથ્વી કેરા પ્રતિમુખ પરે મીટ ભરતો, ૧૦
ભમ્યો પુષ્પે પુષ્પે નિજ ટહલ નાની ઉચરતો,
રહ્યો પ્રાર્થી કોઈ પરસ-નિજ પૂર્ણત્વ ઘટના.
પ્રિયે! પહેલી ન્યાળી મધુ ઉપવને કુન્દકલિકા
સમી, ત્યારે તારું અધુરું મધુરું હૈયું સ્ફુટિત,
હરિત્ પર્ણો કેરા પુટ મહીં ઝિલાયું શું અમૃત,
સુધાર્થી ભૃંગાર્થે પ્રગટી રસની હોય ખનિકા!
વસંતે વા દીઠી મઘમઘતી કો સંજરી સમી,
કશી અંગે અંગે સુરભિ તવ ઝંકાર કરતી,
પિકો કેરી ઘેરી ટહુક તવ કણે ઉભરતી,
અને પ્રીતિસ્રોતે ચડતી ભરતી કેાઈ વસમી. ૨૦
તને ન્યાળી વેગે વન વિચરતી ક્ષિપ્ર હરિણી,
મરુત્-જિહ્વા જેવી તૃણપટ અહા શે પજવતી!
સહ શૃંગીઓનાં શિર દૃગતરંગે નચવતી,
કશી પ્રીતિ-ઝંઝા ડગમગવતી ચિત્ત-તરણી.
લહી વા ગંભીરે જલ છલકતી ભવ્ય સરિતા,
તટને આલંબી વસતી અણદીઠા પિયુ ભણી,
કદી ઉત્ખાતંતી, કદી ભિંજવતી, ઉગ્ર–નમણી!
કશે સ્હાવી ચ્હાવી અદમ જલની આવી દયિતા?
પ્રિયા–મારી મારી, કુસુમલ સુવેગા ભરજલા,
તને ન્યાળી ન્યાળી નયનતિને ઝાંખપ ચડી, ૩૦
છતાં એકે તારી લટ મુજ કપલે નવ અડી,
કશી તું દુઃસ્પર્શી, કશી બલવતી એ તું અબલા!
છતાં હૈયાએ તે નહિ નિજ તજી કચ્છપમતિ,
તને સ્હાવી ચ્હાવી નિજ કરવી એવું ધ્રુવ કરી,
મચ્યું એ તે ગંડુ, સ્થળ સ્થળ રહીં તે અનુસરી
તને–તારાં ધીરાં તરલ ચરણેને દૃઢગતિ.
તને હું કૌમાર્યે નિરખું શિવને મંદિર જતી,
કુણાં ઊર્મિબિન્દુ દ્વયનયનને સંપુટ ભરી,
સ્તવંતીઃ ‘મા અંબા, વર હર સમે– મંજુ ઉચ્ચરી,
–અને જાતે થૈને વર અરપવા ઝંખને થતી! ૪૦
વળી જાતાં જાતાં નિત નિરખતે પંથ પરથી,
ગવાક્ષે ઊભેલી કમલ સમ કૂણા વરણની,
પ્રતીક્ષંતી તારે પિયુ દૃગ થકી શું હરણની,
અરે, ક્યાં હું કે પિયુ કદી? સરે હાય ઉરથી!
સજંતી શૃંગાર નિરખી કદી ઓષ્ઠે સ્મિત ભરી,
સુકેશે સીંચંતી સુરભિ, નયને અંજન રસ,
કસીને કંચૂકી હૃદય સજતી શું તસતસ!
પછી પહેર્યો જ્યારે ગવન, ઉપડી શું બસ તરી!
અહો! એવી એવી વિવિધ તવ લીલા નિરખતાં
વસંત વીતી ને શિશિર મુજ ભાગ્યે નિત રહી, ૫૦
હતાત્મા હૈયાની સરિત રણપાટે જત વહી,
મને દુઃખી ભાળી સુખ જગતનાં શું હરખતાં!
છતાં નિત્યે કોનાં સુખ નથી રહ્યાં, દુ:ખ પણ ના,
લહ્યું ત્યારે મારી વ્યથ હૃદયની શું સ્થગિત થૈ,
ભમંતાં ઘેલુડાં નયન વિરમ્યાં કે વિનત થૈ,
અને નાના હૈયે નવલ રચવા માંડી ગણના.
સરી મારી નાની લઘુ મનુજની ક્લાન્ત કથની,
જગઝંઝા કેરી ઝપટ થકી મૂર્છા-તટ ઢળ્યાં
મનુષ્યોને કાજે ચરણ મુજ પાછાં જગ પળ્યાં,
ઝગી ઊઠી ઝંખા-લઉં હું ય ધુરા વિશ્વરથની! ૬૦
ધરા માતા, તારા રજકણ મહીઃ યે સભર શાં
ભર્યાં તે દ્રવ્યો, કે અણુતમ અણુમાંય ગરિમા
કશી તે ભંડારી, જડતમ જડામાંય પરમા
છુપાવી તે કેવી સ્થિતિ અકલિતા ઉન્નતરસા.
ભમતાં ભૂક્ષેત્રે પથ-તટ પરે શ્રાઃ પગલે,
ઢળ્યો’તો હું કે દી, પ્રખર પવને કે રખડતું,
ચડી આવ્યું પાર્વે મુજ અબલ કો હિંચું દ્રવતું,
અહો એવું કે જે નિરખી ગિરિ હૈયું ય પિગળે.
લહ્યું એને-એના વિનત મૃદુ આશાળુ ઉરને,
લહ્યા એના કૂણા કર તૃણુ સમાં દીન મથતા ૭૦
મહા આંધીમાં કો ચહત નિજ આલંબ, કથતા
કથા પેલી જૂની કુસુમ પ્રજળ્યાની જગ-રણે.
અને વર્ષા કેરાં પ્રથમ જલથી સીંચિત બન્યે,
ઉઠે જેવી સૂકી મૃદ મઘમઘી, મૃણ્મય કણો
વિષે કે આકાશી રણઝણી રહે સૌરભ-ગુણો,
અહો એવું પેલું હૃદયા પુલકર્યું નવ્ય સ્વપને.
કશો એના લુખ્ખે અધર રસ તાજે વિકસિયો,
કશી ઝાંખી આંખે ચમક દમકી દામિની રહી,
રહ્યું હૈયું થીજ્યું અરુણુવરણા અંકુર ગ્રહી–
અહો, પંગુ પાયે નવલ રવ કે નર્તત હસ્યો. ૮૦
અને જેવો રાતાં અનલ-મધુરાં કિશુંકભર્યા
પલાશે આવીને હરિત શુક ટ્હૌકંત વિરમે,
ત્યહીં બેઠો આવી ઉર-વિટપ એને સપરમે
દિને કે મીઠેરો શિશુપ્રણય રેલી સ્મિત નર્યાં.
પછી જ્યારે હૈયે નિરખ્યું : અબ કે ઘૂંઘટ નથી
કશો તારે હૈયે, સકલ ઉઘડી અર્ગલ ગયા,
લહ્યો સામે બહોળો જલધિ, રવિએ માંડી મૃગયા,
પ્રબોધી મેં પ્રીતિઃ ચલ ઉર, હવે સંકટ નથી.
તને હોંશે હોંશે અગમ ગિરિનાં નિર્ઝર કને
ગયો લૈ, તીરેનાં તરુવિટપને દોલન ઝુલી, ૯૦
પિકોની ઈર્ષાને મબલખ જગાડી જગ ભુલી,
તને પોશે પોશે જલ અમલ પાયાં, ન સ્મરણે?
હતી શ્યામા રાત્રે તગતગ અટારી ગગનની,
મને તેં તારાને પરિચય પુછવો ઉત્સુક થઈ,
બતાવ્યા સપ્તર્ષિ મૃગશિર નિશાની દઈ દઈ,
‘બતાવોને કિન્તુ ધ્રુવ કહીં?’ વદી આતુર બની.
‘ખરે, એ જેવો છે? પણ...’ હું અટક્યો ને તું અધિકી
અધીરી થૈ, ‘હા, હા!’ ‘ખબર ધ્રુવનું દર્શન કદા
શકે થૈ?’ ‘ના જાણું'.’ વદી વિવશ ધારી મુખ અદા;
‘ઘટે એ જોવા પ્રથમ પરણેલાં દૃગ થકી!’ ૧૦૦
‘તમે યે શું વ્હેમી?’ મુખ મલકી તું સ્નિગ્ધ ઉચરી.
‘મને ના કૈં. આ તો તમ સરિખ વહેમી મનુજને
કહી દીધું સારું પ્રથમથી જ.’ મેં બોલી ભુજને
પસારી દર્શાવ્યો ધ્રુવ; તવ દૃગો તુર્ત જ ઢળી.
પછી મોડી રાતે મુજ શયન હું જાગૃત ઢળ્યો,
અગાશે એકાકી ગગનદ્યુતિભેદો શું મથતો,
ઉગે ત્યાં આકાશે શકલ શશીને કૈંક કથતો,
ખુલ્યું શું શંભુનું નયન, જ્યહીંથી કામ પ્રજળ્યો.
અહો, શી આછેરી ગગન વિધુરેખા ટમટમી,
રહી તાકી હું ને, વિકળ ઉર મારુ ઝણઝણ્યું, ૧૧૦
અચિંત્યું ત્યાં કોઈ અદેશ પગનું નૂપુર રણ્યું,
અને પર્ણે પર્ણે પવન ત્યહીં ઊઠ્યો સમસમી.
પ્રભાતે મેં ક્યારે મુખ તવ લઈ પાંપણ-ઢળ્યું,
કપોલે તારા મેં નવલ સુદની ઝાંય નીરખી–
ન’તી જે પૂર્વે ત્યાં, પ્રથમ પરણ્યા જેવી સુરખી,
અને મેં કે પ્રાર્થ્યું, પણ ન મુખ તે ઉન્નત કર્યું.
પછી ખીજી પૂછ્યું : ‘ક્યમ નયનમાં નીંદર હજી?
ગયાં'તાં શું કોને લગન?’ દૃગ તે ઉચ્છ્રિત કરી,
જડ્યાં મારી સામે, કંઈ ક્ષણ રહી શાન્ત, ઉચરી :
‘તમે યે સૌ જેવા?’ ઝડપ દઈ હું ને ગઈ તજી. ૧૨૦
ઉભી જૈ બારીમાં સુનમુન, ક્ષમા પ્રાર્થત તવ
ઉભો તારી પૂંઠે, પળ અનુનયે કૈં કંઈ પળી,
અને આ કંઠે ઉચરું : સહસા સન્મુખ ફરી,
ઢળી મારે સ્કન્ધે સકલ નિજ અર્પંતી વિભવ.
પ્રિયે! તારે પ્રીતિપરસ મુજ તે ઉન્નત છતાં
જડત્વે દર્પીલી અયસ સમ ધાતુની રચના
સવર્ણી તેજોમાં પલટી દઈ, મારા કવચના
ઉછેદી સૌ બંધો, અમૃત વરસ્યો સ્નિગ્ધ શ્વસતાં.
પછી મેં પ્રીતિનો કલશ કરવા પૂર્ણ રસથી
ચહ્યું : ‘હાવાં ચૂંટું કુસુમ, નહિ વ ચૂંટું?’ મથને ૧૩૦
ચડ્યો ત્યાં તો કયાંથી પવનડમરી ઉડી રથને
મનોના-સ્વપ્નો ઘસડી ગઈ કેવા ચડસથી!
અહા, એ તે કેવી ચડસ તણું બાજી ગજબનીઃ
મથે મારા નાના કર રવે-લગામ પકડવા,
ધસે સામે પેલા પવન ગગનોના નિત નવા;
ઉડંતો જોયો શું રથ? અહી કથા એ અજબની!
નહી મારું માત્ર કુસુમ સરક્યું, ના રથ બધા
ઢળ્યા, એક્કે એકે વસન મુજ મેં વહાલપ થકી
ધર્યા અંગે તે યે પણ હુતે થયાં, કાંઈ ન ટકી
શકયું મારું – મારા સકલ રસની નષ્ટ જ સુધા. ૧૪૦
અને મેં મૃત્યુને ચરણ જઈ ધાર્યું શિર, હસી
કહ્યું : ‘આ હયાને અબ ધબકવે અર્થ જ નથી.
મરી ચૂકેલા આ મનુજ શવના જે દહનથી
સરે કે જીવાર્થે અરથ, તહીં જા આગ વરસી!’
તહીં અગ્નિસ્નાને ભડભડ બળ્યાં દ્રવ્ય સકલ,
જુઠાં સાચાં મારાં, સુવરણ સમે તેજલ રસ
વહી જાતો મારો લહું અગમ ઢાળે, શું કલશ
રચે પાછો મારો નવલ કર કો દિવ્ય અકલ?
કરો શીળો શીળા પર ઉતર્યો કે મુજ શિરે!
ધખ્યાં મારાં અંગે મૃદુ કુસુમને અંચલ ધરી ૧૫૦
ગયું કે શું, ઝોપે જનની-ઉદરે આત્મ ઉતરી
નવા કો જન્માર્થે, ત્યમ જઉં ઢળી નીંદ-શિબિરે.
કશી એ નિદ્રામાં ઋતુ વહી ને તેની સ્મૃતિ કંઈ,
ગઈ ગ્રીષ્મો વર્ષા શરદ શિશિરો; કોકિલ સુણી
સ્મૃતિ જાગી, નીંદે અનુભવી રહું ગૂઢ સલુણી
દૃગોની કે દીપ્તિ નિરખતી મને નંદિત થઈ.
અને બીતો બીતો નયન ઉંચકું, આ ય સ્વપન
રખે ખોઉં! જોઉં ઝળહળ થતાં બે નયન કો
રહ્યાં ઢોળી શા શા રસ અગમ, કે ગૂઢ રણકો
પ્રતીતિનો પામું: બસ રસ તણું આ જ સદન! ૧૬૦
ન’તાં દીઠાં પૂર્વે નયન, નવ એ દીઠું વદન,
અજાણી એ જ્યોતિ કશી ઝળહળી કોટિ કિરણ,
અને એના હસ્તે કુસુમ હતું મારું', ક્ષણ ક્ષણ
૨ટંતું એ ‘મા! મા!’: રણઝણ ઊઠ્યો મોદપવન.
‘અરે મારું–મારું કુસુમ ક્યહીંથી આ તવ કરે?’
ધસ્યો હું ઔત્સુક્યે, કુસુમ ત્યહીં ‘મા! મા!’ ઉચરિયું–
મને શું ટાળંતું, અધિક કરને એ વળગિયું,
અને જૂના શલ્યે ઉર છણછણ્યું દગ્ધ રુધિરે.
પસાર્યો મૂર્તિએ કર કુસુમવંતો, શિર ધર્યો
વળી મારે, કઈ સુરભિ મુજ હૈયે રહી સરી; ૧૭૦
હતી એ તે કોની? કુસુમ તણે? વા તે સ્મિતભરી
અમીરી આંખોના અગમ ઉરની, જ્યાં રસ નર્યો?
પછી ધીરે ધીરે કમલચરણે નેત્ર અરપી,
ઉકેલ્યું મેં હૈયું : તલસન બધી, આરત બધી,
અધૂરી ખાંખાની ભટકણ બધી; તેજલ નદી
અહો એ નેત્રોની તરસ રહી સૌ મારી તરપી.
હતી સ્વપ્નાવસ્થા? અહ સુખદ એ કેવીક દશા!
મને અંગે અંગે અણુઅણુ મહીં’ કો પરસતું
ગયું, એવા શિયે ઝરમર રસ કા વરસતું
રહ્યું એવા જેવા મનુજજગમાં કયાં ય ન વસ્યા! ૧૮૦
વસ્યા એ મીઠેરા રસ અમિત જ્યાં અમૃત રસ્યા.
ત્યહીં મારાં હાવાં ચરણ વળતાં તૃપ્ત–તરસ્યાં.
મે, ૧૯૪૩