યાત્રા/એક સાંજ

Revision as of 05:32, 22 November 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક સાંજ|}} <poem> જતી'તી સંધ્યાના શિબિર ગમ પૃથ્વી રસળતી, અમારી ગાડીયે દડબડ જતી દક્ષિણ દિશે, જડેલા પાટાના સરળ ઉરને ઉગ્ર દમતાં, ધપંતાં પૈડાંની ખટપટ ઉઠી ઊઠી શમતી. વળી સાથે સાથે પથ તણી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક સાંજ

જતી'તી સંધ્યાના શિબિર ગમ પૃથ્વી રસળતી,
અમારી ગાડીયે દડબડ જતી દક્ષિણ દિશે,
જડેલા પાટાના સરળ ઉરને ઉગ્ર દમતાં,
ધપંતાં પૈડાંની ખટપટ ઉઠી ઊઠી શમતી.

વળી સાથે સાથે પથ તણી પ્રલંબાઈ વધતા
તણાયા સ્તંભે પે જલધિલહરી વિસ્તૃત સમા
થતા નીચા ઊંચા નિયમસર સૌ તાર, લહરી
ઉઠાવી લાવીને અગમ મુલકોની પજવતા.

અને એ તારો પે ક્યહીં ક્યહીંક બેઠાં વિહગડાંઃ
ભૂરું મચ્છીભખ્ખુ, અસિતવરણે કોશી, ચકલાં
ચકંતાં ને હાલ સ્થવિર જડ સંન્યાસી સરખો,
તમામે બેઠાં ત્યાં અમ તરફ શી પૂંઠ કરીને!

ઉપેક્ષા શી સૌને! વનચર શું નિઃસત્વ સમજી
અમારી ગાડીને, નજર નહિ નાખે ય ગમ આ:
કયા આશ્ચર્ય કે ક્ષણ સુખદ કેરા સ્વપનમાં
નિરાંતે બેઠાં એ મગન થઈ વાતા પવનમાં?

૧૯૩૬