યાત્રા/સપ્ત રાગ
[૧]
તિલક કામોદ
અહા, મીઠી મીઠી સ્વરધુની ઝરે અદ્રિ ઉરથી,
સુમન્દા આછેરી મૃદુ કલવતી, અશ્મ પથના
ભિંજાવંતી વાધે, પુકુર રચતી ક્યાંક અટકી,
ક્યહીં વેગે વહેતી, ક્યહીં વિરસતી ઉત્સ મધુરા.
વહી ચાલી ચાલી, ગિરિચરણની કુંજ તરુની
વટાવી, મેદાને હળુ રસળતી, ક્ષેત્ર હરિતે
સુવાસો શ્વાસંતી, કુસુમ તણી કુંજે મલપતી,
કદમ્બોની કુંજે ઘડીક વિરમી નીલ સલિલે.
સુહાગી સન્ધ્યાના સુવરણ ઝર્યાં, વાયુ ફરક્યો,
નદી હૈયું હીસ્યું, જુગલ ટહુક્યું સારસ તણું,
અને કાંઠે કાંઠે કર કર ગુંથી મંદ પળતા
નવા પ્રેમીયુગ્મે પ્રથમ અધરોનું મધુ ચખ્યું.
અહા, મીઠો મીઠો સુરભુવન આમેદ વહતા
તને પીધો પીધો, અયિ તિલક કામોદ મહતા!
[૨]
કેદાર
લચંતી સાથી ક્ષિતિ ઉભરતાં આમ્ર તરુ શાં,
અને રક્તશ્યામે ફલથી લસતાં જંબુવન ત્યાં,
મહા દ્રાક્ષાકુંજે લલિત ઝુમતા પુંજ મધુના,
અને ઈક્ષુક્ષેત્રે નરતત ધરાનો રસ કશો!
વિશાળાં બીડોમાં પણ વિચરતાં શષ્પ ભુજતાં,
શુકોનાં વૃન્દોના કલરવ ફલોનાં વિટપ પે,
પિવાડે ગૌ હેતે પય લિહલિહી વત્સશિરને,
અને માદા દેતી ચણ વિકસિયા શાવકમુખે.
ત્યહીં ભક્તે અન્ન પ્રભુપદ ધર્યાં કૂટ રચીને,
ઉદારે કો જીવે સકલ જનને ભોજ અરપ્યો,
અને પ્હેલી માતા નિજ સકલ સૌભાગ્યરસને
રહી સ્રાવી, દેઈ સ્તનમુખ શિશુના મુખ મહીં.
સમસ્તાં ભોજ્યોના મધુભૃત મહા પુદ્ગલ સમ
તને પ્રાશ્યો પ્રાશ્યો સભર રસ, કેદાર પરમ!
[૩]
દુર્ગા
ઉષાની સૌવર્ણી પિયળ નભને ભાલ પ્રગટી,
ખિલી કંકુવર્ણી સરવર જલે કૈં કમલિની,
ઝર્યાં પારિજાતો ઢગ પર ઢગો કુંજકુહરે,
અને આછી આછી લહર જલને સાગર સ્ફુરી.
ઊઠી બાલા, હૈયે કંઈ કંઈ થતા સ્ફોટ અકળ,
અજાણી આશાઓ, રુધિર તણી કૈં રમ્ય સ્ફુરણા,
નવાં અંગો કેરો ઉદય, નવલી ઝંખન મધુ,
રહી પેખી મીઠું રવિકિરણથી રંજિત જગત્.
શુચિ સ્નાને, વસ્ત્રે વિમલ, કચ છુટ્ટે મલપતી,
લલાટે બિન્દી ને અધર પર મુગ્ધ સ્મિત મઢી,
કરે પૂજાથાળી, રુમઝુમત સૃષ્ટિ જગવતી
જઈ થંભી, નામી શિર, શિવપદે અર્પિત થઈ.
ઉગંતી ઊર્મિનાં સ્ફુરણ ધરતી બાલસલિલા
સરિત્ જેવી દુર્ગા ઉર પર ઝિલી સૌમ્ય સુજલા.
[૪]
દરબારી
ઝૂલે છે નૃપમંદિરે મદભર્યા માતંગ સાલંકૃત,
બાજે ભેર ગભીરઘોષ, સ્વનતી કૈં રાગિણી ઉત્કટ,
ઊંચાં અંબર આંબતાં શિખર કૈં પ્રાસાદનાં પ્રોન્નત,
જ્યાં ઊડે જયરાગ રંજિત કંઈ ઊંચા કુસુમ્બી ધ્વજ.
બેઠા ભૂપતિ આસને, ભ૨ સભા, ભટ્ટાર્ક શૌર્યોજ્જ્વલ,
વાચા નિર્ઝરતી રસાર્દ્ર રસના આગાર વાગીશની,
વાર્તાઓ વિલસંતી દિગ્વિજયની, ગૂઢાર્થ સંકેતની,
ને વીણા સહ ગાન ગાતી રમણી માધુર્યનિષ્યન્દિની.
ગાજ્યાં ત્યાં રણશિંગ, દુંદુભિ પરે ચોટો પડી યુદ્ધની,
શૂરાનાં રુધિરો છલ્યાં, નૃપતિની આંખેથી વહ્નિ ઝર્યા.
સૈન્યો સજ્જ થયાં, હયો ગજ દલો ગોરંભિયાં મેઘ શાં,
ને ત્યાં ઊતરી સૌ અધર્મ હણતી આશીષ ધર્માત્મની.
એવો ભવ્ય બલિષ્ઠ ગૌરવ ભર્યો ઉદ્દીપ્ત-ઓજસ્ સદા,
પ્રૌઢપ્રાણ બૃહત્ શ્રવ્યો શું દરબારી કન્નડો સૌખ્યદા.
[૫]
માલકોષ
નીલ શ્યામ નિરભ્ર ઘુમ્મટ ઢળ્યો આકાશનો, આવરી
સર્વે પ્રાન્ત દિશા તણા, દગ મીંચી આત્મસ્થ સંધ્યા થઈ,
રંગોની રમણા તજી ક્ષિતિજ ત્યાં ઝૂકી વિરાગા બની,
ને ઘેરો ઘન ઘેાષ કો સ્ફુટ થયો આક્રામતો દૂરથી.
ખોલ્યાં ધ્યાન સમાપીને ચખ શિવે કૈલાસના આસને,
દીઠાં સર્વ દિશાથી નીર ધસતાં નારાપતિઓ તણાં,
મુક્તામંડિત ફેનચામર ધરી ઉત્તુંગ ભાવોર્મિએ,
ને નારાયણના પ્રફુલ્લ દૃગ શો વ્યોમે ઉદ્યો ચંદ્રમા!
“દેવી! મંગલ યાચવા અહીં પળે, જે આદિ આ સાગર”,
બોલ્યા શંકર, “લાવ બીન, રચ તું સત્કારસંભાર સૌ.”
ને છેડ્યો જલનાથનાં જલ સમા ગંભીર મુક્ત સ્વરે
અબ્ધિનાં તલ સપ્ત પૂર્ણ ભરતો કો નવ્ય રાગોત્તમ.
ઊંડી ભવ્ય પ્રલંબ પ્રોન્નત શિરે રેલંત નીરચ્છટા
ગાહી એમ અખૂટકોષ રસની મેં માલકોષી ઘટા.
[૬]
શંકરા
ઊંચા નીલા શિબિર સરખા દેવદારુ-નિકુંજે
કૈલાસે ત્યાં મરકત મઢી નૃત્યની રંગપીઠે
શીખે નૃત્ય શ્રમ કરી બહુ વ્યગ્ર વેશે ગણેશ,
પાસે ઊભા ખડખડ હસે કાર્તિકેય પ્રકામ.
આવ્યાં ત્યાં તો ગિરિ વિચરતાં પાર્વતી ને મહેશ,
જોયું : ભોળો શિશુ અટપટાં ના શકે સાધી નૃત્ય;
તે યે હાસ્યાં, પણ હૃદયમાં મિષ્ટ વાત્સલ્ય ફોર્યું,
આવી ઊભા શિવ નિકટમાં, સૌમ્ય ગાંભીર્ય વ્યાપ્યું.
ને શંભુએ સરલ રચના સૂરની એવી યોજી,
સાદા તાલે ગણપતિ પદો આફુડા યોગ્ય રૂપે
ઠેકા લેતા ત્યહીં થઈ ગયા નાદબંધે જડાઈ,
ઉચ્ચૈઃ નીચૈઃ સ્ફુરણ રચતા અશ્વ શા અદ્રિદેશે.
એવો તેજી સ્તનત ઘન શો શંકરે સૃષ્ટ મિષ્ટ,
મેં આરોગ્યો શિશુ સમ બની શંકરા કો બલિષ્ઠ!
[૭]
દેશી
લીલા નીલમ પાટ શાં જલ ઠર્યાં ઊંડા અગાધે સરે,
ઝકી તીર કદંબકુંજહૃદયે પોઢેલ ત્યાં વાયુએ
લીધો જાગૃતિશ્વાસ, પર્ણ ફરક્યાં પ્રોલ્લાસતી મર્મરે,
કાંઠે મત્સ્ય ચુગંત સારસયુગ ક્રોશંત ઊડ્યું તહીં.
‘ક્યાં? ક્યાં?’ પ્રશ્ને ગગનપટને શ્વેત રેખાગતિએ
આંકંતું એ સ્થિરલયરવે તિક્ત ઉદ્ગારલીલા
રેલંતું એ ગગનગુહના ગુપ્ત કો પ્રાંત માંહે
લોપાયું ને રહી રણઝણી સૌ દિશા-ઝાલરો ત્યાં.
રાધાનાં નયનો ખુલ્યાં પ્રણયની પૂર્તિની મૂર્છા પછી,
જોયા ના હરિ શ્યામ પાસ, ઝબકી, ઊઠી મહા આતુરા,
‘ક્યાં ક્યાં શ્યામ?’ રટંતી એ દ્રુત પદે દોડી સુધાવિહ્વલા,
કુંજ કુંજ ભમી રહી હરિમના તૃપ્તિ-અતૃપ્તિ ભરી.
એવી મીઠી શ્રવણપુટને પૂરતી તો ય ખાલી
રાખી નિત્યે ઉર ઉછલતી દેશીની સ્વર્ણ પ્યાલી.