વસુધા/પ્રતીક્ષા
આજ આ ઉંબરે તારી વાટ જોતાં વિરામીએ.
આત્મા છે બાળપંખાળા! આવ આ પૃથ્વીતોરણે.
તારા પ્રસ્થાનનાં વાજાં સાચેસાચ બજ્યાં સુણી,
ઠંડા આ સદને પાછી આશાની પ્રગટે ધુણી.
આશાળુ ગૃહિણી તારાં સ્ફુરણોથી સુખી થતી,
ગૃહનો ધોરી શ્રદ્ધાળુ તારાં કલ્લોલ કલ્પતો.
આવ વિશ્રબ્ધ હૈયે તું છોડી સંકોચ પૂર્વનો,
પૂર્વનો વિસ્મરી તારો અનાદ૨, ઉદાર થૈ.
ત્યારે તો ઘર ન્હોતું કે અધૂરપ ન’તી વળી,
ઘેનમાં સ્વપ્ન કેરાં કૈં જિંદગી જાતી’તી પળી. ૧૦
આવી તેં બારણાં ઠોક્યાં પ૨ઘે૨ વસેલનાં,
ગૃહીનાં મુખ લુખ્ખાં તેં જોઈને પાદ ફેરવ્યા.
ઉંબરે ક્ષણ બે ઊભો ઊભો ના ને ફરી ગયો,
કંઠેથી ક્રન્દનો થોડાં ઝમતાં તું કરી ગયો!
ગયો તું મુખને મોડી, નોતર્યો તો ય ના ફર્યો,
પાછો એ વાંક વંઠેલો, લાગ્યું, તે માફ ના કર્યો.
તાહરે કારણે આજે તૈયારી છે બધી અહીં,
તોરણે બારણે બાંધ્યાં, આશાશ્રીફળ ટીંગવ્યાં.
ઊંચો ના ઉંબરો, નીચી હૈયાની છત આજ ના,
ઓરડા સાંકડા છે ના, ધુમાડા છે ન ધૂનના. ૨૦
નેત્રને નમણાં ઢાળી, કંકુમાક્ષત લૈ કરે,
ઘરૂણી, પ્રાહુણા! તારું પ્રસાધન છ આદરે.
આવ તો પ્રાણપંખાળા! વસવા અમ સંગમાં,
ચેતનાપ્રાન્તના વાસી પૃથ્વીના આ ઉછંગમાં.