વસુધા/મને અધિક છે પસંદ

From Ekatra Wiki
Revision as of 08:14, 8 October 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મને અધિક છે પસંદ|}} <poem> મને અધિક છે પસંદ, અગણ્ય ઉડુઓ થકી ખચિત ખુલ્લી રાતોથી યે મને બસ પસંદ છે સઘન મેઘથી આવરી અડાબીડ જ અંધકારભર રાત, જેમાં ક્યહીં તગી અટુલી તારલી લઘુક એક જાતી જરી....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મને અધિક છે પસંદ

મને અધિક છે પસંદ,
અગણ્ય ઉડુઓ થકી ખચિત ખુલ્લી રાતોથી યે
મને બસ પસંદ છે સઘન મેઘથી આવરી
અડાબીડ જ અંધકારભર રાત, જેમાં ક્યહીં
તગી અટુલી તારલી લઘુક એક જાતી જરી.

મને અધિક છે પસંદ,
અસંખ્ય મધુ વાનીઓથી છલકત મિજબાનીઓ
થકી વધુ પસંદ છે સતત મેં કડાકા પછી
અથાગ રખડાટના, મળતી દીન યજમાનના
ગૃહે અ–રસ રોટી સાથ ચટણીની તીખી મઝા. ૧૦

મને અધિક છે પસંદ,
સુરીલ દૃઢતાલ શાસ્ત્રમય ગાન-જલસાથી યે
મને વધુ પસંદ છે ગભરુ નાનકા બાળના
મુખેથી સરતું સહાસ્ય રમતાં, કંઈ ક્રન્દનો
વિષે, વિસરી રોવું, એક અણધાર્યું ‘તા...તા’ સુખી.

મને બસ પસંદ છે જગતના સુયોજ્યા બધા
પ્રહર્ષ થકી, લાધતી સહજ એક હર્ષક્ષણ.