ગીત-પંચશતી/સ્વદેશ
સ્વદેશ
૧
હજારો મન આપણે એક સૂત્રમાં બાંધ્યાં છે, હજારો જીવન આપણે એક કાર્યમાં સોંપ્યાં છે — વંદે માતરમ્. હજારો બાધાઓ ભલે ખડી થાઓ, પરંતુ આપણે હજાર પ્રાણ નિર્ભય રહીશું — વંદે માતરમ્. આપણે ડરવાનાં નથી વાવાઝોડાથી, આંધીથી; અસંખ્ય તરંગો છાતી પર સહીશું લહેરથી. આ નશ્વર જીવન તૂટે તો ભલે તૂટી જાઓ, છતાં આ દઢ બંધન કદાપિ તૂટવાનું નથી — વંદે માતરમ્.
૨
તારે માટે મા, દેહ સોંપી છે, તારે માટે મા પ્રાણુ સોંપ્યા છે. તારા જ શોકમાં આ આંખો વરસશે, આ વીણા તારાં ગાન ગાશે. આ બાહુ જો કે અશક્ત અને દુર્બળ છે, તો પણ એ તારું કામ પાર પાડશે. આ તલવાર જો કે કલંકથી મલિન છે, તો પણ એ તારા બંધનનો નાશ કરશે. મારા શોણિતથી, હે દેવી, જો કે તારું કંઈ જ કામ નહિ થાય, તો પણ, હે માતા, તારું તલપૂર કલંક ધોવા, તારી યાતના હોલવવા હું તે વહાવી શકું છું. હે જનની, મારી આ વીણામાં જો કે કશું બળ નથી, તો પણ શી ખબર, મા, કદાચ એકાદું સંતાન આ વીણાનો રવ સાંભળીને જાગી ઊઠે !
3
આગળ ચાલ, આગળ ચાલ, ભાઈ. પાછળ પડી રહેવું એ તો છે ફોગટનું મરી રહેવું. જીવવા-મરવાનુ ફળ શું, ભાઈ? આગળ ચાલ, આગળ ચાલ, ભાઈ. પલકારે પલકારે સમય જાય છે, મુહૂર્ત જોઈ બેસી રહેવાનો કોઈ અર્થ નથી. ટીપણું લઈને ‘સમય સમય’ કરવાથી સમય ક્યાં મળશે ભાઈ? આગળ ચાલ, આગળ ચાલ ભાઈ. જે પાછળ પડી ગયા છે તેને બોલાવી લે. એને સાથે લેતો જા. કોઈ ન આવે તો મહત્ત્વનો રસ્તો ગ્રહણ કરીને એકલો ચાલ્યો જા. પાછળથી માયાનું ક્રંદન બોલાવે છે. મોહનાં બંધનને તોડીને ચાલ્યો જા, પ્રાણની સાધના કરવાની છે, આંખોનાં આંસુ વ્યર્થ છે, ભાઈ આગળ ચાલ, આગળ ચાલ, ભાઈ. દુનિયાના માર્ગોના કિનારા પર કાયમના ભિખારી જેવા છીએ. જેઓ ચાલ્યા જાય છે તે દયાની નજરે દેખે છે, પગની ધૂળ ઊડીને આવે છે. ધૂળની પથારી છોડીને સૌ ઊઠો, માનવોને સાથ આપવો પડશે — જે તે ન કરી શકે તો પછી આંખ ઉઘાડીને જો, એ રહ્યું રસાતલ, ભાઈ. આગળ ચાલ, આગળ ચાલ, ભાઇ.
૪
આજે આપણે માની હાકથી ભેગા થયા છીએ. ઘરનો હોવા છતાં પારકાની પેઠે ભાઈને છોડીને ભાઈ કેટલા દિવસ રહે ? રહીને રહીને પ્રાણની અંદર એ કોણે ‘આવ' કહીને બૂમ પાડી છે; તે ગભીર સ્વર ઉદાસ બનાવી દે છે, હવે કોણ કોને પકડી રાખે ? જ્યાં રહીએ છીએ, જ્યાં પ્રાણ પ્રાણ વચ્ચે બંધન છે, ત્યાં પ્રાણનું આકર્ષણ ખેંચી લાવે છે— એ પ્રાણની લાગણી કોણ નથી જાણતું ? માન અપમાન ભૂંસાઈ ગયાં છે, આંસુ લુછાઈ ગયાં છે, ભાઈને ભાઈ પાસે જોઈને નવી આશામાં હૃદય તણાય છે. કેટકેટલા દિવસોની સાધનાને પરિણામે આજે આપણે ટોળેટોળાં ભેગા મળ્યા છીએ, આજે ઘરના બાળકો બધાં ભેગાં થઈને માને મળી આવો.
૫
ના, મને ગાવાનું ન કહેશો. એ શું ખાલી હાંસીખેલ છે, પ્રમાદનો મેળો છે, કેવળ ખોટી વાતો અને છલના છે ? આ તો આંસુ, હતાશાનો શ્વાસ, કલંકની કથા, દરિદ્રની આશ છે; આ તો છાતી ફાટી જાય એવાં દુ:ખથી ઊંડી મર્મવેદના હૈયામાં ઘૂમરાય છે. આ શું ખાલી હાંસીખેલ છે, પ્રમાદનો મેળો છે, કેવળ ખોટી વાતો અને છલના છે? શું હું અહીં યશનો ભૂખ્યો શબ્દો ગૂંથી ગૂંથીને હાથતાલી ઉઘરાવવા આવ્યો છું ? ખોટી વાતો કહીને ખોટો યશ લઈને ખોટા કામમાં રાત ગાળવા આવ્યો છું? આજે કોણ જાગશે, કોણ કામ કરશે, કોણ જનનીની લાજ ધોઈ નાખવા માગે છે, કોણ કાતર થઈને રડશે, અને માને ચરણે પ્રાણની સધળી કામના ધરી દેશે? આ શું ખાલી હાંસીખેલ છે, પ્રમોદનો મેળો છે, કેવળ ખોટી વાતો અને છલના છે ?
૬
ગગનમાં આનંદધ્વનિ જગાવો. તમે કોણ પૂર્વ તરફ જોઈને જાગી રહ્યા છો, ગાઢ નિદ્રામાં ડૂબી ગયેલાને વારંવાર ‘ઊઠ ઊઠ’ કહો. જુઓ, પેલી અધારી રાત જાય છે, નવ જ્યોતિમયી ઉષા નવા આનંદથી, નવા જીવનથી, ખીલેલાં ફૂલોમાં, મધુર પવનમાં અને પંખીઓના કૂજનમાં હસે છે. જુઓ, ઉદયગિરિને માર્ગે, શુક્ર તારો, આશાના પ્રકાશથી જાગે છે, તરુણ સૂર્ય કિરણનો મુગુટ ધારણ કરીને અરુણના રથમાં ચડે છે. ચાલો, માનવ સમાજમાં કામ કરવા જઈએ, જગતમાં બહાર આવો, ઊંઘમાં ન પડી રહો, સ્વપ્નમાં ન ડૂબી રહો. લાજ, ત્રાસ, આળસ, વિલાસ જાય છે. મોહરૂપી ધુમ્મસ જાય છે. પેલા શોક, અને સંશય દુઃખ સ્વપ્નની જેમ દૂર જાય છે. જૂનાં વસ્ત્ર ફેંકી દો, નવા સાજ સજો, અને સરળ સબળ આનંદભર્યા મને અમલ અટલ જીવનમાં જીવનનું કાર્ય શરૂ કરો.
૭
હે પૃથ્વીલોકના મન ઉપર મોહિની નાખનારી, હે નિર્મલ સૂર્યકિરણોથી ઉજ્જવલ ધરણી, અમારાં જનક અને જનનીની જનેતા ! નીલ સાગરનાં જળથી જેનાં પગનાં તળિયાં પખાળાય છે, પવનથી જેનું શામળું અંચલ ફરફરી રહ્યું છે. જેના હિમાચલરૂપી લલાટને ચૂમી રહે છે, એવી હે સફેદ હિમમુગટ ધારનારી ! પહેલું પ્રભાત તારા ગગનમાં ઊગ્યું, પહેલો સામગાનનો સ્વર તારા તપોવનમાં (ગુંજ્યો), પહેલાં તારાં વનોમાં, તારાં ઘરોમાં, કેટકેટલાં જ્ઞાન અને ધર્મ તેમ જ કાવ્યગાથાઓ પ્રચાર પામ્યાં ! તું ચરકલ્યાણમયી ધન્ય છે, દેશિવદેશે અન્ન પહોંચાડી રહી છે. કરુણાથી પીગળીને ગંગા ને યમુનારૂપે પુણ્ય પીયૂષ સમા સ્તન્યને હે વહાવનારી !
૮
કોણ વ્યાકુળ આંસુ સારીને આવી આવીને પાછું જાય છે? કોણ મિથ્યા આશાથી મારા મુખને જોઈ રહ્યું છે? એ તો મારી જનની. કોની અમૃતમય વાણી અનાદરનું ભાન થતાં વિલાઈ જાય છે? કોની ભાષા બધાં ભૂલવા ઇચ્છે છે? એ તો મારી જનની. ક્ષણેક એનો સ્નેહભર્યો ખોળો છોડ્યા પછી હું એને ઓળખી શકતો નથી, કોનાં પોતાનાં જ સંતાન અપમાન કરે છે? એ તો મારી જનની. પુણ્ય કુટીરમાં વિષાદભરી કોણ થાળ પીરસીને બેઠી છે? એ સ્નેહનો ઉપહાર હવે મોઢામાં રુચતો નથી. એ કોણ ? એ તો મારી જનની.
૯
જનનીના દ્વાર પર આજે, હે સાંભળો, શંખ વાગી રહ્યો છે! હવે ભાઈ, મિથ્યા કામમાં ડૂબેલા રહેશો નહિ, રહેશો નહિ ! અર્ધ્ય ભરી લાવીને પૂજાનો થાળ ધરો, રતનદીપને જતનથી સળગાવીને લાવો, હાથ ભરીને ફૂલની છાબ લઈ આવો. અને માની આહ્વાન વાણીનો ભુવનમાં પ્રચાર કરો ! આજે પ્રસન્ન પવનમાં નવું જીવન દોડી રહ્યું છે. આજે પ્રફુલ્લ કુસુમમાં નવી સુગંધ જાગે છે. આજે ઉજ્જવળ ભાલે માથું ઊંચું કરો, અને સંગીતના નવા તાલે ગંભીર ગાથા ગાઓ! નવપલ્લવની ગૂંથેલી માળા કપાળે પહેરો ! આજે આ શુભ સુંદર સમયે નવો સાજ સજો !
૧૦
હે ભારત, આજ તારી સભામાં આ કવિનું ગીત સાંભળ. નવા હર્ષથી તારા ચરણમાં પૂજાનું દાન લાવ્યા છીએ. અમારા દેહની શક્તિ લાવ્યા છીએ, અમારા મનની ભક્તિ લાવ્યા છીએ, અમારો પ્રાણ લાવ્યા છીએ, તને દાન આપવા અમારી શ્રેષ્ઠ અર્ધ્ય લાવ્યા છીએ. અમારી પાસે સોનાની થાળી નથી, અન્ન મળતું નથી. અમારી પાસે જે છે, તે નવા પડિયામાં લાવ્યા છીએ, સમારોહની આજે જરૂર નથી. આ દીનની પૂજા છે, (તેથી) દીન આયોજન છે— (તારા) ચરણુની રજ લૂંટી લઈને ચિર દારિધ્રથી મુક્ત થઈશું. દેવતાઓને પણ દુર્લભ એવો તારો પ્રસાદ પડિયામાં લઈશું. હે મહાતાપસ, તું રાજા નથી, તું જ પ્રાણનો પ્રિય છે. ભીખી આણેલાં આભૂષણ ફેંકી દઈને તારું જ ઉત્તરીય પહેરીશું. દૈન્યમાં તારું ધન છે, મૌનની અંદર છુપાયેલો છે, તારો અગ્નિવચન મંત્ર — તે જ અમને આપ. પારકાનો સાજ ફેંકી દઈને તારું જ ઉત્તરીય પહેરીશું. અમને અભયમંત્ર આપ, તારો અશોકમંત્ર આપ. અમને અમૃતમંત્ર આપ. નવું જીવન આપ. જે જીવન તારા તપોવનમાં હતું, જે જીવન તારા રાજ્યાસને હતું, મુક્ત અને દીપ્ત તે મહાજીવનથી ચિત્ત ભરી લઈશું. મૃત્યુને તરી જનાર, શંકાને હરી લેનાર તારો તે મંત્ર આપ.
૧૧
હે મારી સોનાની બંગમાતા, તને હું ચાહું છું. તારું આ આકાશ, તારો વાયુ હંમેશાં મારા પ્રાણમાં વાંસળી બજાવે છે. હે મા, જ્યારે ફાગણ માસમાં તારા આંબાના વનનો મઘમઘાટ મને ગાંડો કરી મૂકે છે, ત્યારે તારા પર વારી જાઉં છું, મા ! અને માગશર માસમાં તારા ભર્યાં ભર્યાં ખેતરોમાં મીઠું તારું હાસ્ય જોયું છે ! કેવી તારી શોભા, કેવી તારી છાયા; કેવો સ્નેહ, કેવી માયા ! વડની તળે કે નદીના કિનારે કિનારે તેં કેવો અંચળો પાથર્યો છે! હે મા, તારા મુખની વાણી મારે કાને અમૃત જેવી લાગે છે, તારા પર વારી જાઉં મા! હે મા, તારા વદન પર મલિનતા જણાય ત્યારે મારા નયનોમાં આંસુ ભરાઈ આવે છે. તારા આ ખેલાઘરમાં મારું બાળપણ વીત્યું છે. તારી ધૂળ અને માટી અંગે ચોળીને હું મારા જીવનને ધન્ય માનું છું. અને દિવસ પૂરો થતાં સંધ્યાકાળે તું ઘરમાં દીવો પ્રગટાવે છે; ત્યારે મારી બધી રમતો પડતી મૂકીને તારા ખોળામાં દોડ્યો આવું છું. જેમાં ગાયો ચરે છે એવાં ત!રાં મેદાનોમાં, પેલી પાર જવાના હોડીઘાટ પર આખો દિવસ પંખીઓથી ગુંજી ઊઠતા, છાયાથી ઢંકાયેલા તારા ગ્રામમાર્ગો, અને ધાનથી ભરચક તારે આંગણે, હે મા, મારા જીવનના દિવસો વીતે છે. મા, તારા ગોવાળિયા, તારા ખેડૂતો એ સઘળા મારા ભાઈ છે! મા, તારા ચરણોમાં આ માથું ઝુકાવી દીધું છે; એ પર તારી ચરણરજ ચડાવ, એ થશે મારા મસ્તકનું માણેક! મા, આ ગરીબનું જે કાંઈ છે એ તારા ચરણામાં અર્પું છું — વારી જાઉં છું મા ! હું પારકાને ઘેરથી ભૂષણ માનીને ગળાનો ફાંસો નહિ ખરીદું.
૧૨
હવે તારી મરેલી ( સૂકી ) નદીમાં પૂર આવ્યું છે, ‘જય મા’ કહીને નાવડી વહેતી મૂક. અરેરે, ખલાસી ક્યાં છે, અરે ભાઈ, આજે પ્રાણપણે હાક માર. તમે બધા મળીને હલેસાં ઉપાડી લો, બધાં દોરડી દોરડાં છોડી નાખો. ઓ ભાઈ દિવસે દિવસે દેવું વધતું ગયું, તમે કોઈએ સોદો ન કર્યો, હાથમાં તો કોડીયે નથી, ઘાટ પર બાંધેલા રહીને જ દિવસ વીતી ગયો, મોઢું શી રીતે બતાવશો, અરે ઓ છોડી દો, શઢ ચઢાવી દો, જે થવાનું હોય તે થાય, મરીએ કે જીવીએ.
૧૩
હે મારા દેશની માટી, હું તારા પર મારું મસ્તક અડાડું છું. તારા પર જ વિશ્વમયીને, વિશ્વમાતાનો ખોળો પાથરેલો છે. તું મારા દેહ જોડે ભળી ગઈ છે, તું મારા પ્રાણ મન જોડે એકાકાર થઈ ગઈ છે. તારી આ શ્યામવર્ણ કોમળ છબી મારા મનમાં ગૂંથાઈ ગઈ છે. તારે ખોળે મારો જન્મ થયો, તારી છાતી પર જ મારું મરણ થશે. તારા પર જ હું સુખે દુઃખે રમતો રહીશ. તેં મારા મોઢામાં અન્ન મૂક્યું, તેં શીતળ જળથી મને શાતા આપી. તું બધું જ સહેનારી, બધો જ (ભાર) વહેનારી માતાની પણ માતા. તારું મેં ઘણું બધું ખાધું છે, તારું મેં ઘણું બધું લીધું છે. તો ય મેં તને શું દીધું તે હું જાણું નહીં. મારો જન્મ તો મિથ્યા કામકાજમાં ગયો. મેં તો ઘરમાં જ દિવસો ગાળ્યા. હે શક્તિદાતા, તેં મને નાહક શક્તિ આપી.
૧૪
એમનું બંધન જેટલું સખત થશે તેટલું (વહેલું) તૂટશે; આપણું બંધન તેટલું (વહેલું) તૂટશે. એમની આંખો જેટલી રાતી થશે તેટલી આપણી આંખો ખૂલશે, તેટલી જ આપણી આંખો ખૂલશે. આજે તો તારે કામ કરવું જોઈએ, (અત્યારે) સ્વપ્નો જોવાનો સમય જ નથી. અત્યારે એ લોકો જેટલંત ગર્જશે તેટલી જ ભાઈ, આપણી તન્દ્રા ભાંગશે, તેટલી જ આપણી તન્દ્રા ભાંગશે. એ લોકો જોરથી ભાંગવા ઇચ્છશે, તેના બમણા જોરથી આપણે ઘડીશું, એ લોકો જેટલા ક્રોધથી મારશે તેટલા જ (આનંદથી) હિલ્લોળ ઊઠશે. તમે હિંમત હારશો નહીં. જગતના પ્રભુ જાગૃત છે. એ લોકો જેટલો ધર્મ કચડશે તેટલી જ એમની ધજા ધૂળમાં લોટશે.
૧૫
તારા સ્વજનો તને છોડી દેશે, તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે નહિ. રે, તારી અશાલતા તૂટી પડશે, કદાચ એને ફળ આવશે નહિ. રસ્તામાં અંધારું ઊતરી આવશે, તેથી જ શું તું અટકી પડશે? ઓ, તું વારે વારે દીવો પેટાવશે, પણ કદાચ દીવો પેટશે નહિ, તારા મોંની વાણી સાંભળીને કદાચ વનનાં પ્રાણી આવીને તને ઘેરી લેશે — તેમ છતાં કદાચ તારા પોતાના જ ઘરમાં પથ્થરનાં હૃદય પીગળશે નહિ. બારણાં બંધ જોયાં, એટલે શું તરત જ તું પાછો આવી રહેશે ? તારે ફરી ફરીને બારણાં ઠેલવાં પડે, તોયે કદાચ એ ન ચસે!
૧૬
વિધાતાનાં બંધન કાપી શકે એટલો શક્તિશાળી છે— તું શું એટલો શક્તિશાળી છે? અમારાં વિનાશ અને સર્જન તારા હાથમાં છે એવું અભિમાન છે, એવું તારું અભિમાન છે. હંમેશાં પાછળ ખેંચીશ, હંમેશાં નીચે રાખીશ -એટલી તારી શક્તિ નથી, એ ખેંચવાનું લાંબો સમય તને છાજશે નહીં. શાસનથી ગમે તેટલો ઘેરી લે, દુર્બલને પણ શક્તિ હોય છે, ગમે તેટલો (તું) મોટો હોય પણ ભગવાન બેઠા છે. અમારી શક્તિ હણીને તું પણ જીવતો નહીં રહે. તારો બોજ વધતાં જ (તારી) હોડી ડૂબી જશે.
૧૭
છાતી કાઢીને તું ઊભો રહે જોઉં; વારે વારે ઝૂકી ન પડીશ, ભાઈ. તું કેવળ વિચાર કરી કરીને હાથમાં આવેલી લક્ષ્મી પાછી ન કાઢતો, ભાઈ. ગમે તે એક નિશ્ચય કરી લે, તણાતા ફરવું એ મરવા કરતાં વધારે છે — ઘડીમાં આ બાજુ, ઘડીમાં પેલી બાજુ, એ રમત હવે રમીશ નહિ, ભાઈ. રત્ન મળે કે ન મળે તેમ છતાં પ્રયત્ન તો કરવો જ પડશે. મનને ગમતું ન થાય (તોયે) આંસુ સારીશ નહિ, ભાઈ. તરાવવો પડે એમ હોય તો તરાપો તરાવ, હવે અવહેલા ન કરીશ. સમય વીતી ગયા પછી આંખ ખોલીશ નહિ, ભાઈ.
૧૮
તારી હાક સાંભળીને કોઈ ન આવે તો તું એકલો જજે. એકલો જજે, એકલો જજે, એકલો જજે. જો કોઈ બોલે નહિ, અરે ઓ અભાગી, જો બધા જ મોં ફેરવી લે, બધા જ ડરી જાય, તો પ્રાણ ખોલીને, મોં ઉઘાડીને તારા મનની વાત તું એકલો કહેજે. જો બધા જ પાછા જાય, અરે ઓ અભાગી, વનવગડાને રસ્તે જતી વખતે કોઈ પાછું ફરીને જુએ નહિ, તો માર્ગમાંના કાંટા લોહી નીગળતા પગે તું એકલો કચડજે. જો દીવો ન ધરે, અરે અરે ઓ અભાગી, ઘનઘોર તોફાની રાતે જો ઘરનાં બારણાં વાસી દે, તો વજ્રનલથી તારી છાતીનું પિંજર સળગાવી લઈ તું એકલો બળજે.
૧૯
સાર્થક છે મારો જન્મ કે આ દેશમાં જન્મ્યો છું, તને ચાહીને હે મા, સાર્થક છે જન્મ. રાણીની જેમ તારી પાસે ધન– રત્ન છે કે નહિ તે જાણતો નથી. માત્ર જાણું છું, મારાં અંગ તારી છાયામાં આવી શાંતિ પામે છે. કયા વનમાં ફૂલ પોતાની સુવાસથી આટલાં આકુળ કરતાં હશે, તે જાણતો નથી. કયા આકાશમાં આવું હાસ્ય કરતો ચંદ્ર ઊગતો હશે. આંખો ઉઘાડતાં જ તારા પ્રકાશે પહેલાં મારી આંખોને ઠારી હતી, તે જ પ્રકાશમાં આંખો રાખીને અંતે, આંખો બંધ કરીશ.
૨૦
અમારા આ રાજાના રાજ્યમાં અમે બધા જ રાજા છીએ. નહિ તો અમારા રાજા સાથે કયા અધિકારથી મળીએ? અમે ખુશીમાં આવે તે કરીએ છીએ, તેમ છતાં તેમની ખુશી મુજબ જ ફરીએ છીએ. અમે ગુલામોના રાજાની ગુલામીમાં બંધાયેલા નથી. નહિ તો કયા અધિકારથી અમારા રાજા સાથે મળીએ? રાજા સૌને માન આપે છે, અને તે માન પોતે પાછું પામે છે. કોઈએ અમને કોઈ અસત્યમાં નાના બનાવીને રાખ્યા નથી. નહિ તો અમારા રાજાને કયા અધિકારથી મળીએ ? અમે અમારા મત પ્રમાણે ચાલીશું, છતાં અંતે તેમને રસ્તે જઈને મળીશું. અમે કોઈ વિફલતાના વિષમ વમળમાં (અટવાઈને) નહિ મરીએ. નહિ તો અમારા રાજાને કયા અધિકારથી મળીએ ?
ર૧
હે મારા ચિત્ત, પુણ્યતીર્થે ધીરે ધીરે જાગ— આ ભારતના સાગરતીર પર. અહીં ઊભા રહી, બે હાથ લાંબા કરી નરદેવતાને નમસ્કાર કરું છું, ઉદાર છંદમાં, પરમ આનંદથી તેની વંદના કરું છું. ધ્યાનગંભીર આ પર્વતો અને નદીરૂપી જપમાલાને ધારણ કરનાર મેદાનોવાળી નિત્ય પવિત્ર ધરતીને સદાય જો– આ ભારતના મહામાનવના સાગરતીર પર. કોઈ જાણતું નથી, કોના આહ્વાનથી કેટલાય મનુષ્યોનો પ્રવાહ દુર્નિવાર સ્ત્રોતમાં ક્યાંયથી આવ્યો (અને આ) સાગરમાં ખોવાઈ ગયો. અહીં આર્ય, અહીં અનાર્ય, અહીં દ્રાવિડો, ચીનાઓ, શકો, હૂણો, પઠાણો અને મોગલો એક દેહમાં લીન થઈ ગયા. પશ્ચિમે આજે દ્વાર ખોલ્યાં છે, ત્યાંથી બધા ઉપહાર લાવે છે, આપશે અને લેશે, મળશે અને મેળવશે. પાછા નહિ જાય — આ ભારતના મહામાનવના સાગર તીર પર. આવો હે આર્ય, આવો અનાર્ય, હિન્દુ-મુસલમાન, આવો, આવો આજે તમે અંગ્રેજ, આવો આવો ખ્રિસ્તી, આવો બ્રાહ્મણ, મનને પવિત્ર કરી બધાનો હાથ પકડો. આવો હે પતિત, બધા અપમાનનો ભાર દૂર થાઓ. માના અભિષેકમાં જલદી આવો, આવો, મંગલકલશ ભરવાનું હજુ થયું નથી -બધાના સ્પર્શથી પવિત્ર કરેલા તીર્થંજલથી — આજ ભારતના મહામાનવના સાગરતીર પર.
૨૨
હે જનમનગણઅધિનાયક ભારતભાગ્યવિધાતા, તારો જય હો ! પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગ, વિન્ધ્ય, હિમાચલ યમુના, ગંગા અને ઊછળતા જલધિ તરંગો — સૌ તારા શુભ નામે જાગે છે, તારા શુભ આશિષ માગે છે અને તારી જયગાથા ગાય છે. હે જનગણમંગલદાયક ભારતભાગ્યવિધાતા, તારો જય હો ! જય હો, જય હો, જય હો, તારો જયજયકાર હો ! રોજ રોજ તારું આહ્વાન પ્રચારિત થાય છે; તારી ઉદાર વાણી સાંભળીને હિંદુ, બૌદ્ધ, શિખ, જૈન, પારસી, મુસલમાન, ખ્રિસ્તી — બધા પૂર્વ અને પશ્ચિમ બાજુએથી તારા સિંહાસન પાસે જ આવે છે અને પ્રેમનો હાર ગુંથાઈ જાય છે. હે જનગણઐકયવિધાયક ભારતભાગ્યવિધાતા, તારો જય હો ! જય હો, જય હો, જય હો, તારો જયજયકાર હો! રસ્તો પતન અભ્યુદયનો ખાડા ટેકરાવાળો છે, યાત્રીઓ યુગયુગથી દોડી રહ્યા છે! હે ચિરસારથિ, તારા રથના ચક્રથી રાત ને દિવસ રસ્તો ગાજી રહ્યો છે. દારુણ વિપ્લવની અંદર, સંકટ અને દુઃખનો ત્રાતા એવો તારો શંખધ્વનિ વાગે છે. જનગણને રસ્તાનો પરિચય કરાવનાર, હે ભારતભાગ્ય વિધાતા તારો જય હો, જય હો, જય હો, તારો જયજયકાર હો. ઘોર તિમિરથી ભરેલી ગાઢ મધ્ય રાત્રિએ પીડિત મૂર્છિત દેશમાં તારું અવિચલ મંગલ, નીચી ઢળેલી અનિમેષ આંખે જાગતું હતું. દુઃસ્વપ્નમાં અને આતંકમાં હે સ્નેહમયી માતા, તેં ખોળામાં લઈને રક્ષણ કર્યું છે. હે જનગણદુઃખત્રાયક ભારતભાગ્યવિધાતા, તારો જય હો, જય હો, જય હો, તારો જયજયકાર હો ! રાતની સવાર થઈ. પૂર્વી ઉદયગિરિના લલાટ પર રવિની છબી પ્રગટી. વિહંગો ગાય છે, પુણ્ય સમીરણ નવજીવનરસ ઢોળે છે. તારા કરુણ અરુણ રંગે નિદ્રિત ભારત જાગે છે — તારાં ચરણમાં માથું નમેલું છે. હે રાજરાજેશ્વર ભારતભાગ્યવિધાતા, તારો જય હો ! જય હો, જય હો, જય હો, તારો જયજયકાર હો !
૨૩
અમારી યાત્રા શરૂ થઈ. હવે ઓ કર્ણધાર, તને નમસ્કાર કરીએ. હવે પવન જોરથી ફૂંકાય, તોફાન જાગે તોયે અમે પાછા ફરનાર નથી. તને નમસ્કાર કરીએ છીએ. અમે તારો જય પોકારીને, વિપદ બાધાને ગણુકાર્યા વગર, હે કર્ણધાર, હવે મા ભૈ: બોલીને હોડી તરતી મૂકીએ છીએ, તું એને પાર ઉતારી દે; તને નમસ્કાર કરીએ છીએ. અત્યારે જેઓ પોતાના ઘરમાં રહ્યા છે. તેમની રાહ નહિ જોઈએ, હે કર્ણધાર, જ્યારે તારો સમય નજીક આવ્યો છે ત્યારે કોણ કોનું છે? તને નમસ્કાર કરીએ છીએ. મારે પોતાનું કોણ ને વળી પારકું કોણ ? ક્યાં બહાર અને ક્યાં ઘર ? હે કર્ણધાર, તારા મોં સામે જોઈને, આનંદપૂર્વક બધો ભાર ઉઠાવી લઈશું, તને નમસ્કાર કરીએ છીએ. અમે હલેસાં લીધાં છે, સઢ ચડાવ્યા છે. હવે તું સુકાન પકડ, ઓ કર્ણધાર, અમારું મરવું જીવવંય એ તો મોજાંનો નાચ છે, તેની વળી ચિંતા શી? તને નમસ્કાર કરીએ છીએ. અમે મદદની શોધમાં બારણે બારણે વારે વારે નહિ ફરીએ, હે કર્ણધાર, ફક્ત તું જ છે અને અમે છીએ—એ જ સાર છે એમ સમજ્યા છીએ. તને નમસ્કાર કરીએ છીએ.
૨૪
માતાના મંદિરનું પુણ્ય આંગણું આજે ઉજ્જવળ બનાવી દો, ( માતાના ) શ્રેષ્ઠ પુત્રો વિરાજો, શુભ શંખ વાગો, વાગો. ગાઢ અંધારી રાત્રિની લાંબી પ્રતીક્ષા પૂર્ણ કરો, જ્યોતિની દીક્ષા લો, બધા યાત્રીઓ તૈયાર થાઓ, શુભ શંખ વાગો, વાગો. બોલો, નરોત્તમનો જય, પુરુષોત્તમનો જય, તપસ્વીરાજનો જય, માતાના આશીર્વચનથી. વજ્રના મહા આસન ઉપર આવો, બધા સાધકો આવો, આ દેશને ધન્ય કરો. બધા ભોગી, બધા ત્યાગી, દુઃસહ–દુ:ખભાગી આવો. દુર્જયશક્તિસપન્ન અને મુક્તબંધ સમાજ આવો. જ્ઞાની આવો, કર્મી આવો, ભારતની લજ્જા દૂર કરો. મંગળ આવો, ગૌરવ આવો, અક્ષય પુણ્યની સૌરભ આવો, ઉજ્જવળ કીર્તિરૂપી આકાશમાં તેજ-સૂર્ય આવો. વીરધર્મથી અને પુણ્યકર્મથી વિશ્વના હૃદયમાં વિરાજો. શુભ શંખ વાગો, વાગો. નરોત્તમનો જય, પુરુષોત્તમનો જય, તપસ્વીરાજનો જય, જય જય જય.
૨૫
ભય નથી, ભય નથી; જય થશે, જય થશે; આ દ્વાર ખૂલી જશે. હું જાણું છું કે તારા બંધનની દોરી વારે વારે તૂટી જશે. પ્રત્યેક ક્ષણે તું તને પોતાને ભૂલી જઈ ઊંઘમાં રાત્રિ વિતાવે છે. વારે વારે તારે વિશ્વનો અધિકાર પાછો મેળવવો પડશે. સ્થળમાંથી તને આહ્વાન આવે છે; લોકાલયમાંથી તને આહ્વાન આવે છે. તારે સુખમાં, દુઃખમાં, લજ્જામાં, અને ભયમાં શાશ્વતકાળ સુધી ગીત ગાવાનું છે. ફૂલ, પાંદડાં, નદી, ઝરણું તારા સૂરે સૂરમાં સૂર મિલાવશે. તારા છંદમાં પ્રકાશ અને અંધકાર સ્પંદિત થશે.
૨૬
સંકોચની વિહ્વલતા પોતાનું જ અપમાન છે, સંકટની કલ્પના માત્રથી મરવા જેવા ના થઈ જશો. ભયથી મુક્ત થઈ જાઓ. પોતાની અંદર શક્તિ મેળવો, પોતા ઉપર વિજય મેળવો, દુર્બલની રક્ષા કરો, દુર્જનને આઘાત કરો, પોતાને દીન, નિઃસહાય ક્યારેય ન જાણો. ભયથી મુક્ત થઈ જાઓ. પોતા પર વિશ્વાસ કરવામાં સંશય ન રાખો. ધર્મ જ્યારે શંખ વગાડીને હાકલ કરે ત્યારે નીરવ થઈ, નમ્ર થઈ પ્રાણ હોડમાં મૂકો. ભયથી મુક્ત થઈ જાઓ, કઠણ કામમાં પોતાનો કઠણ પરિચય આપો.
૨૭
વ્યર્થ પ્રાણોની આવર્જનાને બાળીને અગ્નિ પેટાઓ. એકલી રાત્રિના અંધકારમાં મારે માર્ગનો પ્રકાશ જોઈએ છે. દુન્દુભિ પર કોના પ્રહાર શરૂ થયા ? હૃદયમાં ભારે ધ્વનિ બજી ઊઠયો—સુપ્તિની રાત્રિના સ્વપ્નમાં જોયેલું ભલું બૂરું દોડીને ભાગે છે. નિરુદ્દેશના હે પથિક, શું મને હાક મારી? તને જો ન દેખી શકું તો ભલે નહીં જોઉં, ભીતરમાંથી માગવાનું અને પામવાનું તેં મિટાવી દીધું, મારા વિચારને તોફાનનો પવન લગાડી દીધો. વજ્રશિખાએ એક ક્ષણમાં ધોળા-કાળાને એક કરી દીધા.
૨૮
શુભ કર્મપથ પર નિર્ભય ગીત શરૂ કરો. બધા દુર્બળ સંશયો નાશ પામો, ચિરશક્તિનું નિર્ઝર સતત વહે છે. તે અભિષેક લલાટ ગ્રહણ કરો. તમારા જાગ્રત, નિર્મલ, નૂતન પ્રાણ ત્યાગવ્રતની દીક્ષા લો. વિઘ્નો થકી બોધ ગ્રહણ કરો—કઠોર સંકટો તમને સમ્માન આપો. દુ:ખ જ તમારું મહાન ધન બનો. હે યાત્રી, ચાલો દિવસ-રાત ચાલો—અમૃતલોકના માર્ગની શોધ કરો. જડતા અને તામસને પાર કરો, કલાન્તિની જાળને તોડી નાખો- દિવસને અંતે અપરાજિત ચિત્તથી મૃત્યુતરણ તીર્થમાં સ્નાન કરો.
૨૯
નૂતન યુગના પ્રભાતે સમયનો વિચાર કરવામાં સમય બગાડશો નહીં. શું રહેશે ને શું નહીં રહે, શું થશે ને શું નહીં થાય તેના સંશયમાં, હે હિસાબી, તું તારી ચિંતાને પણ ઉમેરશે? જેવી રીતે દુર્ગમ પર્વતમાંથી ઝરણું નીચે ઊતરી આવે, (તે જ રીતે) તું નિશ્ચિંત બનીને અજાણ્યા માર્ગે કૂદી પડ. જેટલા અન્તરાય આવશે તેટલી જ તારામાં શક્તિ જાગશે. અજાણ્યાને વશ કરીને તું એને પોતાનો પરિચિત બનાવી લેશે. જ્યાં જ્યાં તું ચાલશે ત્યાં જયભેરી વાગશે. ચરણના વેગથી જ માર્ગ કપાઈ જશે. તું વિલંબ કરીશ નહીં.