એકોત્તરશતી/૬. મેઘદૂત
કવિવર, ક્યારે કયા વિસ્મૃત વર્ષમાં કયા પુણ્ય આષાઢના પ્રથમ દિવસે તમે મેઘદૂત લખ્યું હતું? મેઘમન્દ્ર શ્લોક પોતાના અંધારમય સ્તરે સ્તરમાં વિશ્વના જેટલા વિરહીજનો છે તે સર્વના શોકને સઘન સંગીતમાં એકત્ર કરી ધારી રહ્યો છે.
તે દિવસે એ ઉજ્જયિનીના પ્રાસાદના શિખરે ન જાણે કેટલી ઘનઘટા હતી, વિદ્યુતઉત્સવ, પ્રચંડ પવનવેગ અને ગર્જનનો ધ્વનિ હતો! એ જ વાદળોની અથડામણના ગંભીર ઘોષે એક દિવસ સહસ્ત્ર વર્ષનું અંતરમાં છુપાયેલું અને અશ્રુથી આકુલ એવું વિયોગનું ક્રંદન જગાડ્યું હતું. એ દિવસે કાળનું બંધન છેદીને ચિરસમયનું રૂંધાયલું. અશ્રુજલ તમારા વિપુલ શ્લોકકરાશિને ભીંજવીને જાણે કે અઢળક ઝરી પડ્યું હતું!
તે દિવસે શું જગતના સૌ પ્રવાસીઓએ હાથ જોડીને મેઘની ભણી આકાશમાં માથું ઊંચું કરીને પ્રિયતમાના ઘર ભણી દૃષ્ટિ કરીને એકી અવાજે વિરહની ગાથા ગાઈ હતી? તેઓએ બંધનહીન નવમેઘની પાંખ પર બેસાડીને તેમનો અશ્રુપૂર્ણ પ્રેમનો સંદેશો દૂર બારી પાસે જ્યાં વિરહિણી મુક્તકેશે, મ્લાનવેશે, સજલનયને ભોંય પર સૂતી હતી ત્યાં મોકલવા ઈચ્છ્યું હતું?
એ સૌનું ગીત તમારા સંગીત દ્વારા દિવસે રાતે દેશદેશાંતરમાં વિરહિણી પ્રિયાને શોધવાને શું કવિ, તમે મોકલી દીધું? શ્રાવણમાં જેમ જાહ્નવી દિશદિશાંતરના જલપ્રવાહોને ખેંચી લઈને મહાસમુદ્રમાં લુપ્ત થવા માટે વહાવી લઈ જાય છે, જેમ પાષાણશૃંખલામાં કેદ થયેલો એવો હિમાચળ આષાઢમાં અનંત આકાશમાં સ્વાધીન વ્યોમવિહારી મેઘવૃંદ જોઈને દુઃખથી નિઃશ્વાસ નાખી હજારો કંદરામાંથી ઢગલેઢગલા વરાળ ગગન ભણી મોકલે છે; અધીર કામનાની જેમ તે (દોડીને) ધસી જાય છે, શિખર ઉપર ચડીને સૌ સાથે મળીને અંતે એકરાર બની જાય છે, સમસ્ત આકાશનો કબજો લઈ લે છે.
તે દિવસ પછી સ્નિગ્ધ નવવર્ષનો પ્રથમ દિવસ સેંકડો વાર ઊગ્યો ને આથમ્યો. પ્રત્યેક વર્ષા તમારા કાવ્યની ઉપર નવવર્ષાની વારિધારા વરસાવીને, મેઘની ગર્જનાના નવાનવા પ્રતિધ્વનિનો સંચાર કરીને વર્ષાની નદી સમા તમારા છંદના પ્રવાહના વેગને બહાળો કરીને નવું જીવન આપી ગઈ છે.
કેટલાય સમયથી કેટલાય સંગીહીન મનુષ્યોએ પ્રિયા વિનાના આવાસમાં વરસાદથી થાકેલી તારાચંદ્રવિહોણી આષાઢની બહુ લાંબી સાંજના સમયે દીવાના આછા ઉજાસમાં બેસીને, એ જ છંદનું મંદ મંદ ઉચ્ચારણ કરીને પોતાની એકલતાની વેદનાને ડુબાવી છે. એ સૌના કંઠનો સ્વર તમારા કાવ્યમાંથી સમુદ્રના તરંગના કલધ્વનિની જેમ મારે કાને પડે છે.
ભારતને પૂર્વ છેડે હું એ જ શ્યામ બંગ દેશમાં બેઠો છું, જ્યાં કવિ જયદેવે કોઈક વર્ષાદિને દિગંત પરનાં તમાલવનમાં શ્યામ છાયાનું અને પૂર્ણ મેઘથી ઘેરાયલા એવા આકાશનું દર્શન કર્યું હતું.
આજનો દિવસ ધૂંધળો છે. વરસાદ ઝરમર વરસે છે. પવન ભારે તોફાની છે. એના આક્રમણથી અરણ્ય હાથ ઊંચા કરીને હાહાકાર કરે છે. મેઘના સમૂહને ચીરીને વીજળી પ્રખર વક્ર હાસ્ય શૂન્યમાં વરસાવીને ડોકિયાં કરે છે.
અંધકારથી ઘેરાયલા ઘરમાં એકલો બેસીને મેઘદૂત વાંચી રહ્યો છું. ઘર તજેલા મને મુક્ત ગતિવાળા મેઘની પીઠ પર બેઠક લીધી છે અને એ દેશદેશાંતરમાં ઉડ્યું છે. ક્યાં છે આમ્રકૂટ પર્વત? ક્યાં વહે છે વિન્ધ્યને ચરણે વિખરાયેલી શિલાઓથી વિષમ એવી ગતિવાળી નિર્મલ રેવા? વેત્રવતીના તટ પર પરિપકવ ફળથી શ્યામ એવા જંબુવનની છાયામાં ખીલેલા કેવડાની વાડથી ઘેરાયલું દશાર્ણ ગ્રામ ક્યાં છૂપાઈ રહ્યું છે? પથ પરના વૃક્ષોની શાખામાં પોતાના કલરવથી વૃક્ષરાજિને ઘેરીને ગ્રામપંખી વર્ષામાં ક્યાં માળા બાંધે છે? નથી જાણતો જુઈવનમાં વિહરનારી વનાંગનાઓ કયા નદી તટ પર ફરે છે. એમના તપ્ત કપોલના તાપથી કરમાઈ ગયેલું કાનમાં ધારણ કરેલું કમલ મેઘની છાયાને માટે આકુલ થાય છે, જે ભ્રૂવિલાસ શીખી નથી એવી કઈ સ્ત્રીઓ, ગામડાંની વહુવારૂઓ, આકાશમાં ઘનઘટા જોઈને દૃષ્ટિ ઊંચી કરીને મેઘ ભણી જુએ છે? એમનાં નીલ નયનોમાં મેઘની છાયા પડે છે. કયા મેઘશ્યામ પર્વત પર મુગ્ધ સિધ્ધાંગના જલભર નવમેઘ જોઈને ઉત્સુક બનીને શિલાતલે બેઠી હતી, એકાએક ભયંકર આંધી આવવાથી ચકિત ચિકત બનીને ભયથી ગભરાઈને વસ્ત્ર સંકોરીને ગુફાનો આશ્રય શોધતી ફરે છે? કહે છે, ‘ઓ મા ગિરિશૃંગોને પણ ઉડાવી દેશે કે શું!’ ક્યાં છે અવંતીપુરી? ક્યાં છે નિર્વિન્ધ્યા નદી? ક્યાં ઉજ્જયિની ક્ષીપ્રા નદીના નીરમાં પોતાના મહિમાની છાયા જુએ છે? ત્યાં મધરાતે પ્રણયચાંચલ્ય ભૂલીને મકાનના મોભે પારેવાં પોઢી ગયાં છે. કેવળ વિરહવિકારથી રમણી સોયથી ભેદી શકાય એવા અંધકારમાં રાજમાર્ગ પર કવચિત્ ઝબકતી વીજળીના પ્રકાશમાં પ્રેમ અભિસારે બહાર નીકળે છે. ક્યાં છે બ્રહ્માવર્તમાં પેલું કુરુક્ષેત્ર? ક્યાં છે કનખલ જ્યાં પેલી યૌવનચંચલ જહ્નુકન્યા ગૌરીની ભ્રૂકુટિભંગીની અવહેલા કરી ફેનરૂપી પરિહાસને મિશે ચંદ્રનાં કિરણોથી ઉજ્જવલ ધૂર્જટિની જટા સાથે રમે છે. એ જ રીતે મારું હૃદય મેઘરૂપે દેશદેશમાં ફરતું વહેતું જાય છે કામનાના મોક્ષધામરૂપી અલકાનગરીમાં અંતે નાંગરવા માટે, જ્યાં સૌંદર્યની આદિસૃષ્ટિ વિરહિણી પ્રિયતમા વિરાજે છે. તમારા સિવાય લક્ષ્મીની વિલાસપુરીનું ઉદ્ઘાટન કરીને ત્યાં અમરલોકમાં મને કોણ લઈ જઈ શકત? જ્યાં અનંત વસંતમાં નિત્યપુષ્પવનમાં નિત્યચન્દ્રના પ્રકાશમાં ઇન્દ્રનીલના પર્વતની તળેટીમાં હેમપદ્મથી ખીલેલા સરાવરને કાંઠે મણિપ્રાસાદમાં અપાર સમૃદ્ધિમાં નિમગ્ન એવી એકાકિની વિરહવેદના રડે છે. ઉઘાડી બારીમાંથી એને જોઈ શકાય છે, પથારીને છેડે લીન થયેલી કાયાવાળી (પ્રિયા), જાણે પૂર્વ ગગનને છેડે અસ્તપ્રાય એવી પાતળી શશીરેખા! કવિ, તમારા મંત્રથી આજે હૃદયના બંધનની રૂંધાયેલી વ્યથા મુક્ત બની જાય છે. જ્યાં અનંત સૌંદર્યમાં એકલી જાગીને વિરહિણી પ્રિયા લાંબી રાત વિતાવે છે તે વિરહનો સ્વર્ગલોક હું પામ્યો છું.
પાછો ખોવાઈ જાય છે. જોઉં છું, ચારેકોર અવિશ્રામ વૃષ્ટિ પડે છે. નિર્જન નિશા અંધકારને ગાઢ કરતી આવે છે. મેદાનને છેડે તટહીનને પહોંચવા વાયુ ક્રંદન કરતો વહે છે. અધરાતે નીંદ વિહોણી આંખે હું ચિંતવું છું. કોણે આવો શાપ આપ્યો છે? શા માટે આવો અંતરાય છે? ઊંચે જોઈને રૂંધાયેલા કોડ શા માટે રડે છે? પ્રેમ પોતાનો માર્ગ કેમ નથી પામતો? ત્યાં જગતનાં નદી પર્વત બધાંયની પાર સૂર્યવિહોણી મણિથી પ્રકાશિત સંધ્યાના પ્રદેશમાં માનસ સરોવરને તીરે વિરહશયનમાં કયો નર સદેહે ગયો છે?