એકોત્તરશતી/૧૮. પુરાતન ભૃત્ય

From Ekatra Wiki
Revision as of 07:32, 28 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જૂનો નોકર (પુરાતન ભૃત્ય)}} {{Poem2Open}} ભૂતના જેવો એનો ચહેરો હતો, તેવો જ એ મહા મૂર્ખ પણ હતો. કંઈ ખોવાય તો ગૃહિણી કહેઃ બેટો કેષ્ટો જ ચોર છે! ઊઠતાં બેસતાં હું એને ગાળો ભાંડું છું કે તારો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જૂનો નોકર (પુરાતન ભૃત્ય)


ભૂતના જેવો એનો ચહેરો હતો, તેવો જ એ મહા મૂર્ખ પણ હતો. કંઈ ખોવાય તો ગૃહિણી કહેઃ બેટો કેષ્ટો જ ચોર છે! ઊઠતાં બેસતાં હું એને ગાળો ભાંડું છું કે તારો બાપ મરે, પણ એ સાંભળ્યું ન સાંભળ્યું કરી કાઢે છે! જેટલો એ માર (બેત=સોટી) ખાય છે, એટલો તો એ પગાર ખાતો નથી, તોયે ભાન આવતું નથી. ખૂબ જરૂરી કામ હોય અને હું જીવ પર આવી એને બોલાવું, ‘કેષ્ટા, કેષ્ટા’ કરીને ચીસો પાડું, હું ગમેતેટલી ઉતાવળ કરું તો પણ જવાબ મળતો નથી. ભલેને પછી હું એને મલક બધામાં ખોળ્યા જ કરું! ત્રણ ચીજ એને આપી હોય તો એમાંથી એક રહે છે અને બાકીની બે ક્યાં ગઈ તે એ જાણતો નથી. અને જો એક આપી હોય તો આંખના પલકારામાં (એને ભાંગીને) એકની ત્રણ કરીને લાવે છે! દિવસે બપોરે ગમે ત્યારે ગમે ત્યાં નિદ્રાને એણે સાધેલી છે. ખૂબ બૂમો પાડીને હું એને ‘ પાજી, અભાગિયા, ગધેડા' કહી ગાળો દઉં છું ત્યારે એ તો બારણા આગળ ઊભો ઊભો હસ્યા કરે છે—એ જોઈને મારો તે પિત્તો ઊકળી જાય છે. પણ તોયે, એની માયા છોડવી મારે માટે મુશ્કેલ છે. કારણ, એ મારા બહુ જૂનો નોકર છે. ઘરની ધણિયાણી કડક સ્વરૂપ ધારણ કરીને કહે છેઃ હવે તો નથી સહન થતું, આ રહ્યાં તમારાં ઘર-બાર, કેષ્ટાને લઈને રહો! એ નથી હુકમ માનતો; કપડાં, વાસણ, આસન કે ખાવાની ચીજ, ઘરમાં જે કંઈ છે તે બધું, શી ખબર, ક્યાંનું ક્યાં ચાલી ગયું! અને માત્ર પૈસો પાણીની પેઠે જાય છે! એ જો બજારમાં ગયો તો પછી આખા દિવસ એનું મોં જોવા મળવું મુશ્કેલ! હં. તે જરી પ્રયત્ન કરો તો શું તમને કેષ્ટા સિવાય બીજો નોકર નહિ મળે?’ આ સાંભળી હું એકદમ ગુસ્સામાં આવી વેગથી દોડી જાઉં છું, અને એની ચોટલી પકડીને ખેંચી લાવું છું. હું એને કહું છું : ‘પાજી, આજે જ તું અહીંથી ચાલી જા, હું તને નોકરીમાંથી કાઢી મૂકું છું!' એ ધીરેધીરે ચાલી જાય છે, હું મનમાં વિચાર કરું છું કે બલા ટળી! પણ બીજે દિવસે સવારે ઊઠીને જોઉં છું તો બેટો મૂરખનો સરદાર હાથમાં હુક્કો લઈને તે મારી સામે ધરી ઊભો છે! એનું મોઢું ખુશખુશાલ છે, દુઃખ તો કોઈ વાતે કંઈ છે જ નહિ, અને ચિત્ત બિલકુલ સ્વસ્થ છે! છોડવા છતાં પણ જે છોડતો નથી, તેનું કરવું શું? એ મારો બહુ જૂનો નોકર છે. તે વરસે દલાલી કરીને હું કંઈક વધારાના પૈસા પામ્યો, એટલે મનમાં વિચાર કર્યો કે એકવાર શ્રીવૃંદાવન ફરી આવું. તેમાં વળી સ્ત્રી સાથે આવવા તૈયાર થઈ, મેં એને સમજાવીને કહ્યું કે પતિના પુણ્યમાં જ સતીનું પુણ્ય છે! નહિ તો ખર્ચ વધી જાય! દોરડાં દોરડી ખેંચાખેંચી કરીને પોટલાંપોટલી બાંધીને, બંગડીઓ ખખડાવતાં, અને પેટી તૈયાર કરતાં સ્ત્રીએ રોતાં રોતાં કહ્યું: ‘પરદેશમાં કેષ્ટાને લઈને જશો તો બહુ હેરાન થશો!' મેં કહ્યું : ‘રામ રામ કરો, નિવારણ સાથે આવવાનો છે.’ રેલગાડી દોડી જાય છે; બાપરે! વર્ધમાનમાં ઊતરીને જોઉં છું તો કૃષ્ણકાન્ત(કેષ્ટો) અત્યંત શાંત ચિત્તે હૂકો તૈયાર કરીને લાવે છે. એની આવી ધૃષ્ટતા હવે રોજ રોજ તે કેટલી સહન કરવી? પણ હું એનો ગમે એટલો દોષ કાઢું, તો પણ મારા એ જૂના નોકરને જોઈ મને ખૂબ આનંદ થયો. હું શ્રીવૃંદાવન ધામ ઊતર્યો. ડાબા જમણી, આગળ પાછળ ચારે બાજુથી મને પંડાઓએ ઘેરી લીધો, અને એક પલમાં તે તેમણે મારા પ્રાણ કંઠે આણ્યા. અમે છ સાત માણસોએ મળીને ખૂબ બંધુભાવપૂર્વક એક જગાએ સાથે મુકામ કર્યો. મનમાં આશા બંધાઈ કે આરામથી દિવસો જશે! ક્યાં વ્રજબાલા, ક્યાં વનમાળા, અને ક્યાં વનમાળી હરિ? હાયરે, ક્યાં એ ચિર-વસંત? હું અહીં વસંત(બળિયા)માં મરું છું! સાથીદારો બધા સ્વપ્નની પેઠે ઘર છોડીને ભાગી ગયા! ઘરમાં હું એકલો હતો; રોગનાં તીક્ષ્ણ બાણોથી આખું શરીર ભરાઈ ગયું હતું. અને રાત ને દિવસ હું કરુણ ક્ષીણ સ્વરે પુકારતો હતો : ‘કેષ્ટા, કેષ્ટા, પાસે આવ, આટલે દિવસે છેવટે હું પરદેશ આવ્યો, ત્યારે મારો જીવ નહીં બચે એવું લાગે છે.’ આહા! એનું મોં જોઈને મારું હૃદય ભરાઈ આવે છે, જાણે એ જ મારું પરમ ધન ન હોય! રાત ને દિવસ એ મારો જૂનો નોકર મારા ઓશિકા આગળ ઊભો રહે છે. એ મારા મોંમાં પાણી ટોવે છે, કુશળ પૂછે છે, મારા માથા પર હાથ મૂકે છે, ચૂપચાપ ઊભો રહે છે, એની આંખોમાં ઊંઘ નથી, અને એના મોંમાં અનાજનો દાણો નથી! રહી રહીને એ કહે છે: ‘માલિક, તમારે બીવાનું કોઈ કારણ નથી! સાંભળો; તમે દેશમાં પાછા જશો અને મા–ઠાકુરાણીને ફરી જોવા પામશો!’ હું સાજો થઈ ને ઊઠ્યો, એને તાવે પકડ્યો. મારા કાલવ્યાધિનો ભાર એણે પોતાના દેહ પર લઈ લીધો. બેભાન અવસ્થામાં તેણે બે દિવસ કાઢ્યા, નાડી બંધ થઈ ગઈ. આટઆટલી વાર હું તેને છોડવા ગયો, પણ આજે આટલે દિવસે તે મને છોડી ગયો! ઘણા દિવસ પછી હું જાત્રા પૂરી કરીને મારે ઘેર પાછો ફર્યો. પણ આજે ચિરસાથી મારો એ જૂનો નોકર સાથે નથી.

(અનુ. રમણલાલ સોની)