એકોત્તરશતી/૩૭. ઉદ્બોધન

From Ekatra Wiki
Revision as of 13:06, 28 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉદ્બોધન (ઉદ્બોધન)}} {{Poem2Open}} કેવળ અકારણ આનંદથી, હે પ્રાણ, ક્ષણિક દિનના પ્રકાશમાં આજે ક્ષણિકનું ગીત ગા! જેઓ આજે જાય છે, હસે છે અને જુએ છે, પાછું વળીને જે નજર કરતા નથી, નાચતા ખેલતા દો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉદ્બોધન (ઉદ્બોધન)

કેવળ અકારણ આનંદથી, હે પ્રાણ, ક્ષણિક દિનના પ્રકાશમાં આજે ક્ષણિકનું ગીત ગા! જેઓ આજે જાય છે, હસે છે અને જુએ છે, પાછું વળીને જે નજર કરતા નથી, નાચતા ખેલતા દોડી જાય છે, કંઈ પૂછતા નથી, પલકમાં ખીલે છે ને ખરી પડે છે—તેમનું જ ગીત આજે તું ગા, હે પ્રાણ, ક્ષણિક દિવસના પ્રકાશમાં! આજે તું બેઠો બેઠો પ્રત્યેક ક્ષણની વારતા ન ગૂંથ, સ્મૃતિવાહિનીને ન બાંધ! જે આવે તેને આવવા દે, જે થવાનું હોય તે થાઓ, જે જતું રહે તેનો શોક ભૂંસાઈ જાઓ! પ્રત્યેક ક્ષણની રાગિણીને ગાતાં ગાતાં દ્યુલોક અને ભૂલોક દોડતાં જાઓ! ક્ષણની વારતાને વહીને એક જ ક્ષણમાં ક્ષણ ખલાસ થઈ જાઓ! જે ખતમ થવા બેઠું છે તેને ખતમ થવા દે. તૂટેલી માળાનાં વેરાયેલાં ફૂલોને ફરી વીણવા ન જા! જે સમજાયું નથી તેને હું સમજવા ઈચ્છતો નથી. મળ્યું નથી તેને ખોળવા ઇચ્છતો નથી. જે પુરાયું નહિ તેનો ખાડો પૂરવા કોણ ઝૂઝ્યા કરવાનું? જે વખતે જે મળે તેનાથી આશા પૂરી કરી લે, જે ખતમ થઈ જાય તેને ખતમ થઈ જવા દે! અરે, રહેવા દે, રડવું રહેવા દે! પોતાના હાથે જ બાંધેલા બંધનને બે હાથ વડે તોડીને ફેંકી દે! જે સહજ તારી સામે છે તેને આદરપૂર્વક હૃદયમાં બોલાવી લે. અસાધ્ય સાધન બધાં આજે તો ખતમ થઈ જાઓ, ખતમ થઈ જાઓ! આજે તો ક્ષણિક સુખનો ઉત્સવ છે—અરે, રહેવા દે, રડવું રહેવા દે! કેવળ અકારણ આનંદથી નદીના જળમાં પડેલા પ્રકાશની પેઠે ચમકતો ચમકતો દોડી જા! પૃથ્વી પર શિથિલ-બંધનવાળો બનીને ચમકતું જીવન વ્યતીત કર—શિરીષ ફૂલના અલકને સ્પર્શીને જેમ ઝાકળ ઝૂલે છે તેમ! કેવળ અકારણ આનંદથી મર્મરતાનમાં તું ગીતથી ભરાઈ જા!

(અનુ. રમણલાલ સોની)