એકોત્તરશતી/૫૩. કથા કઓ
વાત કહે, વાત કહે. હે અનાદિ અતીત, અનંત રાતમાં શા માટે બેસીને જોઈ રહે છે? વાત કહે, વાત કહે. યુગયુગાંત પોતાની વાત તારા સાગરમાં રેડે છે, કેટલાંય જીવનની કેટલીય ધારાઓ આવીને તારા જળમાં મળે છે! ત્યાં આવ્યા પછી તેનો પ્રવાહ રહેતો નથી, તેની કલકલ ભાષા નીરવ થઈ જાય છે—એ તરંગહીન ભીષણ મૌન, તું એને ક્યાં લે છે? હે અતીત, તું હૃદયમાં વાત કહે, વાત કહે.
વાત કહે, વાત કહે. હે સ્તબ્ધ અતીત, હે ગોપનચારી, તું અચેતન નથી —વાત કેમ કહેતો નથી? મારા મર્મમાં મેં તારો સંચાર સાંભળ્યો છે, કેટલાય દિવસોના કેટલાય સંચય તું મારા પ્રાણમાં મૂકી જાય છે, હે અતીત તું લોક લાકમાં ગુપ્ત ભાવે કામ કરતો જાય છે, મુખર દિવસની ચપલતાની વચમાં તું સ્થિર થઈને રહે છે, હે અતીત, તું ગુપ્ત રીતે હૃદયમાં વાત કહે, વાત કહે.
વાત કહે, વાત કહે. કોઈ વાત તે કદી ખોઈ નાખી નથી, બધું જ તું ઉપાડી લે છે વાત કહે વાત કહે. તું જીવનને પાને પાને અદૃશ્ય લિપિ વડે પિતામહોની કહાણી મજ્જામાં મેળવીને લખે છે. જેની વાતો બધા ભૂલી ગયા છે, તેમનું કશું જ તું ભૂલ્યો નથી, બધી વીસરાઈ ગયેલી નીરવ કહાણી તું સ્તંભિત થઈને વહ્યા કરે છે. હે મુનિ અતીત, તેને ભાષા આપ. વાત કહે, વાત કહે.