એકોત્તરશતી/૫૭. કૃપણ
હું ભિક્ષા માગતો માગતો ગામને રસ્તે રસ્તે ફરતો હતો, ત્યારે તું તારા સોનાના રથમાં જતો હતો. મારી નજરમાં એક અપૂર્વ સ્વપ્ન જેવું લાગતું હતું – કેવી વિચિત્ર તારી શોભા, કેવો વિચિત્ર તારો સાજ! હું મનમાં વિચારતો હતો કે આ કોણ મહારાજ છે.
ત્યારે મને વિચાર આવ્યો હતો કે આજે શુભ ક્ષણે રાત પૂરી થઈ છે, આજે મારે બારણે બારણે ફરવું નહિ પડે. બહાર નીકળતાં ન નીકળતાંમાં જ રસ્તામાં કોનાં દર્શન થયાં! ચાલતે રથે બંને બાજુ ધનધાન્ય લુટાવશે, મૂઠે મૂઠે ઉપાડી લઈશ, ઢગલાના ઢગલા લઈશ.
જોઉં છું તો મારી પાસે આવીને રથ થંભી ગયો. મારા મોં તરફ જોઈને હસતો હસતો તું ઊતર્યો. (તારા) મુખની પ્રસન્નતા જોઈને (મારી) બધી વ્યથા શમી ગઈ. એવામાં કોણ જાણે શાથી તેં એકાએક ‘મને કંઈ આપ' એમ કહીને હાથ લંબાવ્યો.
અરે, આ તે કેવી વાત, રાજાધિરાજ; ‘મને કશું આપ’—સાંભળીને ક્ષણભર હું માથું નીચું કરી રહ્યો. તને શી ખોટ છે કે ભિક્ષુકની આગળ ભિખારી થવું પડે! આ કેવળ કૌતુકને વશ થઈને મને તું છેતરે છે. ઝોળીમાંથી ઉપાડીને એક નાનો કણ આપ્યો.
જ્યારે પાત્ર ઘેર લાવીને ઠાલવું છું, તો આ શું, ભિક્ષામાં એક નાનો સોનાનો કણ જોઉં છું! જે રાજભિખારીને આપ્યો હતો તે સોનું થઈને પાછો આવ્યો—ત્યારે હું બંને આંખોમાં આંસુ લાવીને રડું છું; તને મારું બધું જ ખાલી કરીને કેમ ન આપી દીધું?