જનાન્તિકે/આડત્રીસ
સુરેશ જોષી
આછી ઝરમર-પ્રેમીઓની અક્રમ જલ્પના જેવી; માફકસરની હૂંફ શોધવાને વિહ્વળ બનાવે એવી સુખદ ઠંડી ને આપણી નક્કરતાને ભેદીને આરપાર જતાં જાદુગર વાદળો. આજુબાજુ અને ઉપરનીચેનું બધું જ ભૂંસાઈ ગયું હતું. શુદ્ધ વર્તમાનનું સૂચ્યગ્ર બિન્દુ જ માત્ર અસ્તિત્વ ધરાવતું હતું. પાસે સહયાત્રીઓ ચાલતાં હતાં, પણ એમની રૂપવિધુર શ્રુતિ જ કેવળ ઉપલબ્ધ હતી. અમે ચાલ્યે જતાં હતાં, પણ લક્ષ્ય સાથેનું અનુસંધાન ભૂંસાઈ ગયું હતું. ચાલવું એ જ ચાલવાનું લક્ષ્ય હતું. દરેક પગલે મારામાંથી ય બધું ભૂંસાતું જતું હતું. હું પોતે નરી પારદર્શી સપાટીના જેવો બની ગયો હતો. એમાં કોઈના મુખનું પ્રતિબિંબ નહોતું. પારદર્શક શૂન્યમાં ફેરવાઈ જવાનો આ અનુભવ મને સાવ હળવો કરી દેતો હતો. ચામુંડાની ટેકરી નીચેનું મૈસુર શહેર જોઈને કોઈ મુગ્ધ જન ઇન્દ્રપુરીને યાદ કરતું હતું. કોઈક પોતાના મનોરથનું ચામુંડા આગળ નિવેદન કરવા અધીરું હતું. મને તો નરી ઓગળી જવાની મજા માણવી ગમતી હતી. એ આબોહવા અને એ પારદર્શી શૂન્ય સંચિત કરીને નીચે ઊતર્યો. હવે અહીં, લોકારણ્યમાં અટવાતો હોઉં છું ત્યારે ય, આસાનીથી એ પારદર્શી શૂન્યને તળિયે ડૂબકી મારી જવાનું ગમે છે. બધા બુદ્બુદ શમી જાય છે, આજુબાજુની વ્યક્તિઓના ચહેરાઓ તરલ બનીને ઓગળતા જાય છે ને શુદ્ધ પ્રસુતિની સ્થિતિમાં અવશિષ્ટ થઈને રહેવાનું પ્રાપ્ત થાય છે. એ સ્થિતિમાંથી બહાર આવ્યા પછી બધી અનુભૂતિને એ શૂન્યનો પાસ બેસી જાય છે, આથી આ જગતનો એક નવો સ્વાદ ચાખવા મળે છે.