અમૃતા/તૃતીય સર્ગ - નિરુત્તર/ત્રણ
એક પ્રયોગખોર લેખકની વાર્તા પ્રગટ થઈ હતી. એણે ઉપર લખેલું કે આ લઘુકથા છે. ઉદયન, અમૃતા અને અનિકેતે એ વાંચી હતી. ત્રણે જણ એ સામયિકનાં ગ્રાહક હતાં. લઘુકથા શરૂ થાય તે પૂર્વે એક ફકરો કૌંસમાં લખ્યો હતો —
(મને લાગે છે કે તમામ લેખકોએ આદિકાળથી આરંભીને આજ સુધી આવવું જોઈએ. આપણી ‘આજ’ને ઓળખવા માટે એની પાછળના સમગ્ર સમયને પચાવી પાડવો જોઈએ. પ્રાચીન ભારતીય સાહિત્યમાં જે રૂપક મળે છે તે બધા પર નવેસરથી લઘુક્થાઓ લખાવી જોઈએ.વચ્ચે આવીને પશુઓની ભાષામાં પંચતંત્ર રચવું જોઈએ. એનાં એ પાત્રો, અભિનય આજનો. મેં તાજેતરમાં જે લઘુકથા લખી છે તે તમને સહુને વાંચવાની તક મળે એટલા માટે પ્રગટ કરાવું છું. એની નકલ કરવાની સહુ કોઈને છૂટ છે… એવા જૂના વિષયવસ્તુ પર કોપીરાઈટ ઊભો કરવાનો મને હક નથી. આ કથા હવે સાર્વજનિક છે.)
એ પણ એક જમાનો હતો. જયારે માનવો નગણ્ય હતા. દેવ અને દાનવના બે સમૂહ હતા. જે દેવોનો સમૂહ હતો તેમાં બધા જ દેવ હતા. પ્રત્યેક દેવ સંપૂર્ણ દેવ હતો. એ દેવમાં દેવત્વની સહેજે ક્ષતિ ન હતી. જે સમૂહ દાનવોનો હતો તેમાં બધા જ દાનવો હતા. પ્રત્યેક દાનવ સંપૂર્ણ હતો. એ દાનવમાં દાનવત્વની સહેજે ક્ષતિ ન હતી.
ત્યારે માનવો માત્ર બે હતા. એકનું નામ अ હતું. બીજાનું નામ उ હતું, એ બંનેના સ્વભાવમાં ભેદ હતો, પરંતુ બંને ઉત્સાહી અને મહત્ત્વાકાંક્ષી હતા. તેથી પ્રવાસ કરતા કરતા છેક સુમુદ્ર-કિનારે ગયા અને કાલફૂટ નામનું ઝેર નીકળ્યું, તે ફળફળાદિ, ફૂલ છોડવાઓ અને વનસ્પતિનો નાશ કરવા લાગ્યું. તે જોઈને તેઓ પરમ તપસ્વી એવા મહાદેવ પાસે ગયા અને એમની ખુશામદ કરવા લાગ્યા. એમની ખુશામદ પર મહાદેવ સ્મિત કરતા હતા પણ દયાથી પ્રેરાઈને એ કાલફૂટ આરોગી ગયા. એમનો કંઠ નીલ થઈ ગયો. તેથી એમની શોભા ઓર વધી.
अ અને उ મહાદેવ તરફ આકર્ષાયા. પાસે ગયા. એ માની બેઠા કે હલાહલ પણ મહાદેવજીએ પીધું છે તો અમૃત નીકળશે ત્યારે પણ એનો પ્રસાદ એમને જ ધરાવવામાં આવશે. કાલફૂટ પીતાં જે નીચે પડી ગયું તે વીંછી, સર્પ આદિને પ્રાપ્ત થયું. તેમ આ બેદરકાર તપસ્વી અમૃત પીતાં પીતાં પણ કંઈક તો ઢોળશે અને આપણને ખપ પૂરતું મળી જશે. એમણે પરસ્પર નક્કી કર્યું કે અમૃત માટે લડવું નહીં. જેના તરફ એ ઢળે એ એનો અધિકારી.
પેલી બાજુ સમુદ્રમંથનનો કાર્યક્રમ ફરીથી શરૂ થયો હતો. ઝેર પીધા પછી શંકર નિદ્રાધીન થયા હતા તેથી કૈલાસ પર્વતથી પણ ઊંચા એમના ખભાઓ પર ચડીને બંને સમુદ્રમંથનનું વિરાટ દૃશ્ય જોવા લાગ્યા. તે દરમિયાન उ ની ઈચ્છા થઈ કે શંકરનું ત્રીજું નેત્ર કેવું છે તે જરા તપાસી લેવું જોઈએ. પણ अ એ અંગે તટસ્થ રહ્યો. એણે સમજાવ્યું કે કોઈનાં છિદ્ર જોવાં નહીં. એ ભલે બંધ રહે. વળી, શંકરનું આ ત્રીજું નેત્ર હિંસક કહેવાય છે. ઊંઘમાં પણ એ ખૂલે તો નાહક ભોગ બની જવાય.
अ અને उ દેવ અને દાનવોનો ઉત્સાહ જોઈ રહ્યા હતા. બંને જમણે-ડાબે ખભે ઊભા હતા ત્યાં ભગવાન શંકરને લાગ્યું કે આ લોકો નિદ્રામાં ડખલ પહોંચાડી રહ્યા છે. એકે જણ ઝબકીને નીચે ન પડી જાય એવા શાંત સ્વરે એમણે કહ્યું — તમારે ત્યાં સુધી જવું હોય અને બધું નજીકથી જોવું હોય તો હું ભાઈ વિષ્ણુને કહું. ગરુડ મોકલીને તમને ત્યાં પહોંચાડી દેશે. अ અને उ સમજ્યા કે મહાદેવજી આશુતોષ શા માટે કહેવાય છે. એમની કૃપાથી, માપી ન શકાય એટલા ઓછા સમયમાં એ લોકો સમુદ્રમંથનના સ્થળે પહોંચી ગયા.
‘અલ્યા, આમાં દેવો ક્યા?’
‘એટલી વારમાં ભૂલી ગયો? જોને આ વાસુકિનું પૂછડું પકડીને થાક ન લાગે એ રીતે ખેંચી રહ્યા છે.’
‘આ દાનવો પહેલાં કરતાં કંઈક મંદ પડ્યા લાગે છે. વાસુકિનો મુખભાગ એમણે પકડ્યો છે તેથી એનાં નેત્રોમાંથી, મુખમાંથી અને શ્વાસમાંથી નીકળતી ઝેરી જ્વાળાઓથી એમની કાંતિ નાશ પામી છે.’
‘જોયું ને? તારો ઈશ્વર પણ કેવો પક્ષપાતી છે?’
‘ના. એ તો ન્યાયી છે. જો તો ખરો, દાનવો તરફ મંદરાચળ નમેલો છે. ભગવાન કાચબો બનીને પોતાની પીઠ પર આ મેરુના ભારેખમ રવૈયાને ટેકવી રહ્યા છે. એના ઘસાતાં કાચબાની પીઠને તો કોઈ ખણતું હોય તેવું જ લાગતું હશે.’
‘અલ્યા જો, નહીં તો રહી જઈશ. આ દાનવોની પેલી પાછળની જોડીએ કહલ આરંભ્યો છે. જો, પેલાએ પાછળ ઊભેલાના બાલ પકડ્યા અને એને પાણીમાં ડુબાડ્યો. પરંતુ સમુદ્રના પાણીમાં ખારાશની ઘનતા હોવાથી એ અનાયાસ બહાર ઊછળી આવ્યો. અને એણે પોતાના હરીફને ભેટું મારીને આકાશમાં ઉછાળ્યો. આકાશની હવા બહુ પાતળી હોવાથી એના આધારે એ ટક્યો નહીં અને પોતાના સ્થાને આવી ગયો. એટલી વારમાં તો બંને જણા વેરભાવ ભૂલી ગયા અને સહુની સાથે હોંકાટો કરીને નેતરું ખેંચવા લાગ્યા. અંદરોઅંદર એ લોકો લડે છે ખરા, પરંતુ એમનું જૂથબળ ભારે કહેવાય.’
‘મને એમના તોફાનમાં રસ નથી. નાહક લડે છે.’
‘પણ આ દેવોને તો એકબીજામાં લડવા જેટલો પણ રસ નથી. માપસર બળ લગાડીને ગણતરીપૂર્વક કામ કર્યા કરે છે.’
‘આપણે એક તરફ ઊભા રહીને જોયા કરીએ તે શોભે નહીં, ચાલો દેવો ભેગા જોડાઈ જઈએ.’
‘ના, મને તો દાનવો તરફ આકર્ષણ છે. એ લોકો પોતાના કામમાં વધુ સક્રિય લાગે છે.’
‘એક પ્રશ્ન થાય છે. આ વાસુકિનું નેતરું કરીને આ લોકો આટલી બધી ખેંચતાણ કરે છે તો પછી ખરબચડા રવૈયા સાથે ઘસાતાં એની ત્વચા પર બળતરા નહીં થતી હોય?’
‘તું ભોળો છે. બધા સાપ સુંવાળા હોય છે અને આ તો એમનો રાજા. આમ ખેંચવાથી એનો ઝેરનો ભાર હળવો થતો હશે. સારું, ચાલ જોડાઈ જઈએ.’
अ અને उ જોડાઈ ગયા. એ લોકો નિષ્ઠાપૂર્વક પોતાની શક્તિ અજમાવવા લાગ્યા. મંથનનો વેગ વધતાં એમાંથી કામધેનું ગાય નીકળી. દૂર તાકીને ઊભેલા બ્રહ્મવાદી ઋષિઓ એને દાનમાં લઈ ગયા. अ અને उ ને ગાયમાં રસ ન હતો. એ લોકો ભેંસનું દૂધ પીતા હતા. પછી ચંદ્ર જેવો ઉજજવળ ઉચ્ચૈ:શ્રવા ઘોડો નીકળ્યો. એ अ ને ગમ્યો પરંતુ બલિરાજાએ એનો કાન પકડીને પોતાના તરફ ખેંચી લીધો. પછી ઐરાવત હાથી નીકળ્યો. એને જોઈને જ ઇંદ્રે પોતાનો દાવો ઘોષિત કર્યો. अ અને उ ને લાગ્યું કે ભલે આમાંથી ગમે તે નીકળે આપણા ભાગે કંઈ આવવાનું નથી. ‘ખાઓ અને ખાવા દો’નો સિદ્ધાંત અહીં પૂર્ણપણે પ્રવર્તે છે.
વાસુકિના શ્વાસના પ્રભાવે उ ની કાંતિ ઝાંખી પડી રહી હતી. તેથી ગુસ્સે થઈને એણે વાસુકિના મોં પર ચૂંટી ખણી. વાસુકિએ ઉગ્ર ફુત્કાર કર્યો. उ વધુ ગુસ્સે થયો. જેમાં ઝેર સંચિત હોય છે તે મુખ્ય દાંત એણે બટાક દઈને તોડી નાખ્યો. अ દેવોની સાથે આડી-અવળી વાતે ચડી ગયો હતો.
ભગવાન શંકરે પોપચાં બંધ કરીને ઘેનમાં જ જાયું તો એમને अ દાનવોની કતારમાં અને उ દેવોની કતારમાં દેખાયો. એમણે એક વાર આંખો ચોળી લીધી અને ફરીથી જોયું તો उ દાનવોની કતારમાં અને अ દેવોની કતારમાં દેખાયો. મનોમન કહ્યું કે આ બધો ભ્રમ છે. એ લોકો ગમે તેની કતારમાં ઊભા રહે. કશો ફેર પડતો નથી. એ કંઈ ઓછા કેવળ દેવ કે કેવળ દાનવ છે? એ તો માનવ છે. એમને ફાવે ત્યાં ઊભા રહે. અને આંખો બંધ કરતાં પહેલાં એમણે નજર કરી તો अ અને उ બંને એમને સરખા દેખાયા. જેવો अ તેવો उ અથવા જેવો उ તેવો अ.
એવામાં તો ધમાલ મચી ગઈ. દેવો હોહા કરવા લાગ્યા. કેટલાક શક્તિશાળી દૈત્યો ધન્વંતરિના હાથમાંથી ઝૂટવીને અમૃતકુંભ લઈને નાસી ગયા. કેટલાક નિર્બળ દાનવો પણ દેવોની જેમ મુખ વકાસીને રહી ગયા. એ દુર્બળો અદેખાઈથી કહેવા લાગ્યા — દેવો પણ હકદાર છે, કેમ કે એમણે પણ સમાન પરિશ્રમ કર્યો છે. પણ એમની વાત હવામાં જ રહી ગઈ.
उ દેવોના ટોળા પાસે ગયો. એ બધા એકમતીથી દૈત્યોની નિંદા કરતા હતા. તે સાંભળીને એણે કહ્યું — તમે દૈત્યો વિશે જેમતેમ બોલો છો પણ તમારામાંથી કોઈને તક મળી હોત તો બીજાનો વિચાર કરવાના હતા? તમારે અમૃત પીને જીવવું છે તો એમને એવી ઇચ્છા ન થાય? તમે એ માટે એમનાથી વધુ યોગ્ય હો તો યોગ્યતા પુરવાર કરી બતાવો.
अ અવીને શાંત ઊભો હતો. એણે अ ને એક તરફ લઈ જવા ઇચ્છ્યું. उ જોવા માગતો હતો કે હવે આ દેવો શું કાવતરું વિચારે છે. પણ अ અને આગ્રહપૂર્વક ખેંચી ગયો અને કહેવા લાગ્યો —
‘જો ભાઈ, એ દેવો અને દાનવો છે, લડ્યા કરશે. આપણે ચાલો આપણી ભૂમિ પર. ભગવાન શંકરને તે પહેલાં મળતા જઈએ. આ બધાઓએ એમને ઝેર પાયું પણ અમૃત પ્રાપ્ત થયું છે તેના તો સમાચાર પણ ન આપ્યા. પરંતુ ભગવાન શંકર તો બધું જાણે છે. એ તો મનોમન હસી લઈને સમાધિ ધારણ કરી લેવાના. મને લાગે છે કે દેવો અને દાનવોના વર્ગ-સંઘર્ષથી એ કંટાળ્યા છે. એમને એકે બાજુ ન્યાય લાગતો નથી તેથી અળગા રહે છે. એમના હાથમાં અમૃતકુંભ મૂકવામાં આવ્યો હોત તો સમગ્ર ધરતીના હૈયામાં અમી વળત. ચાલ આપણે એમને મળી- ને જઈએ. દેવોના કે દાનવોના — કોઈના જૂથમાં આપણે ભળવું નથી. અને અમર થવા માટે કોઈની સાથે લડવું નથી.’
‘ના, તારે જવું હોય તો જા. મને તો એમના આ સંઘર્ષમાં રસ છે. હું પણ કંઈ અમર થવા માટે લડવા ઈચ્છતો નથી પરંતુ ન્યાય માટે હું સક્રિય રહેવા ઇચ્છું છું.’
अ ભગવાન શંકર પાસે ગયો.
उ પેલા ઝઘડામાં રસ ધરાવતો હતો. એટલું જ નહીં, એનું મન પણ પેલા કુંભ તરફ વળેલું હતું. મેં પણ મંથનમાં ફાળો આપ્યો છે. તેનું ફળ મને કેમ ન મળે? એ મોહિનીના હાથમાં અમૃતકુંભ જોઈને વસ્તુસ્થિતિ સમજી ગયો. દેવો અને દાનવોની એ સભામાં એ પ્રવેશી શકે તેમ હતું નહીં. એક ગવાક્ષમાંથી ડોકિયું કરીને મોહિનીની લીલાને એ જોવા લાગ્યો.
તૃષ્ણાથી યુક્ત મનવાળા તે દૈત્યો ઉન્નત નાસિકાયુક્ત મુખવાળી મોહિનીને જોઈ રહ્યા. કેટલાક દેવોની નજર પણ નવયૌવનથી ખીલેલા સ્તનભાગ સુધી પહોંચી જતી હતી. उ અ જોયું મોહિનીના કેશપાશમાં ખીલેલાં મલ્લિકાપુષ્પની માળા કોઈને વેણીની યાદ આપે છે. કોની વેણીની યાદ આપે છે? એણે પ્રયત્ન કર્યો પણ યાદ ન આવ્યું. એ મોહિનીની સુંદર ભુજાઓ પરના બાજુબંધને જોઈ રહ્યો. એનાં નેત્ર ઉદ્વિગ્ન બનવા લાગ્યાં હતાં. ત્યાં તો સૂર્ય અને ચંદ્ર વચ્ચે દેવવેશ ધારણ કરીને ઘૂસી ગયેલો રાહુ અમૃત પીતાં પીતાં છતો થઈ ગયો. ચંદ્રે ચાડી ખાધી અને સુદર્શન ચક્રથી એનું મસ્તક છેદાઈ ગયું. उ સમજી ગયો કે આ બધું આમ જ ચાલવાનું. ચાલ अ ને જઈને વાત કરું.
ભગવાન શંકર अ ના પ્રશ્નનું સમાધાન કરી રહ્યા હતા. એમણે કહ્યું કે દેવ કે દાનવ જેને અમૃત મળે તેને જીવનતત્ત્વ મળશે. અહીં દેવો કે દાનવોની યોગ્યતાનો પ્રશ્ન નથી. પ્રશ્ન છે મોહિનીરૂપ ધારણ કરી રહેલા ચૈત્યન્યની વરણીનો, એને માયારૂપે જોનારા પણ ત્યાં છે. અને શ્રદ્ધાથી જોનારા પણ ત્યાં છે.
‘તો ભગવાન, મને આશીર્વાદ આપો કે હું એનાથી નિરપેક્ષ થઈને મારી પોતાની શ્રદ્ધા પર જ જીવી શકું.’
‘હે યુવક! તું નિર્ભ્રાન્ત થઈને પોતાની શ્રદ્ધાને પામી શકીશ તો પછી તારે એવા કોઈ બાહ્યા અમૃતની જરૂર નથી. તને લાગશે કે એ તારા હૃદયમાં વસે છે. એ શ્રદ્ધાજન્ય અમૃતનું બીજું નામ પ્રેમ છે. હા, સાથે સાથે તારે જગતમાં જેની સત્તા ક્યાંક ક્યાંક જોવા મળે તે માટે ઝેરને પણ ઓળખવું રહ્યું. એ કોઈક વાર પીવું પડે તો તે માટે સજ્જ રહેજે. મારા અનુભવ પરથી તને કહું છું કે એમાં આવશ્યકતા છે માત્ર અભય રહેવાની. તું તારા અંતસ્થ અમૃતને ઓળખતો હશે તો ઝેરને સહેલાઈથી પચાવી શકશે. અને જે પચાવી શકે તેના માટે ઝેર આરોગ્યવર્ધક છે. આ તો મેં મારો મત કહ્યો, નિર્ણય તારે કરવાનો છે.’
‘પરંતુ દાદા, એક પ્રશ્ર છે.’ દોડતા આવવાને કારણે ઝડપથી શ્વાસ લેતાં લેતાં उ બોલ્યો.
‘મેં મારો મત अ ને કહ્યો છે. એને પૂછી લેજે.’
‘પરંતુ…’
‘તને મારા વચનમાં સંશય છે? ભલે, પૂછી લે.’
‘માણસને એમ લાગે કે મારા હૃદયમાં અમૃત નથી વસતું. તેમ છતાં એને ઝેર પી લેવાની સલાહ આપવામાં આવે તો એણે શું કરવું?’
‘પી લેવું. જો વિશ્વાસથી અને ભયરહિત થઈને એ પી લે તો એના માટે ઝેર ઝેર રહેતું નથી.’
‘ઝેર ઝેર જ રહે. વિશ્વાસની એવી શી અસર થાય કે ઝેરમાં પરિવર્તન થઈ જાય? દાદા, તમે તમારી મહાનતાનો લાભ લઈને અમને બકાવો છો. તમે એ મોહિનીને એક વાર જોશો તો અમને આ રીતે બકાવવા નહીં બેસો.’
उ વતી अ ક્ષમા માગીને ચાલ્યો. બંને જણા થોડી વાર સુધી મૂંગા મૂંગા ચાલતા રહ્યા. પછી अ उ ને ઠસાવવા માટે એકની એક વાત વારંવાર કહેવા લાગ્યો —
‘તારામાં અમૃત વસે છે. તું ભલે ના પાડે. પણ હું જાણું છું કે તારામાં અમૃત વસે છે. એક દિવસ તને એની પ્રતીતિ થશે.’
‘બસ હવે રહેવા દે, બહુ થયું. મારા વિશેની અન્ય કોઈની માન્યતાને હું માન્ય રાખતો નથી. મને બીજું કોઈ શું સમજે? હું એકલો છું.’
એટલું કહીને એણે अ ને આગળ જવા દીધો. અને પોતાનો રસ્તો જડી આવતાં એ પૂરવેગે ચાલવા લાગ્યો.