War and Peace
‘એકત્ર' સંકલિત શ્રેણી
વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ
War And Peace
Leo Tolstoy
યુદ્ધ અને શાંતિ
લીયો ટોલ્સટૉય
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ
લેખક પરિચય:
લીયો ટોલ્સટૉય (૧૮૨૮-૧૯૧૦) રશિયન નવલકથાકાર, લેખક અને તત્ત્વચિંતક તેમની બે અમર, યશદા કૃતિઓ War and Peace અને Anna Karenina માટે વિશ્વ સાહિત્યમાં આદરપાત્ર બની છે. એમની કૃતિઓમાં નૈતિકતા, આધ્યાત્મિકતા અને માનવીય અનુભવોનાં થીમ ઉપર વાર્તાતત્ત્વની રચના જોવા મળે છે. રશિયન સાહિત્ય જગતના આ અગ્રણી સર્જકે વિચારોત્તેજક નિબંધો અને નવલકથાઓનો આપણને વારસો આપ્યો છે. માનવ સ્વભાવની સંકુલતાઓ સમાજ અને નૈતિકતા ઉપર એમની રચનાઓ સારો પ્રકાશ પાડે છે.
વિષયવસ્તુ :
‘યુદ્ધ અને શાંતિ’એ રશિયન નવલકથાકાર કાઉન્ટ લીયો ટોલ્સટૉયની અત્યંત પ્રસિદ્ધ ઉમદા કૃતિ છે. ૧૮૬૫થી ૧૮૬૯નાં વર્ષોમાં એ ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. મહાકાવ્ય જેટલો વ્યાપ અને ઊંડાણ ધરાવતી આ મહાન નવલકથા, માનવીય પરિસ્થિતિ, તેનો ઐતિહાસિક સંદર્ભ અને પાત્રોનાં સંકુલ ચરિત્ર-ચિત્રણ તથા ઊંડી આંતરદૃષ્ટિ માટે વખણાઈ છે.
રશિયાના ફ્રાન્સ પરના આક્રમણ અને નેપોલિયન યુદ્ધો દરમ્યાન કેટલાંક ભદ્રવર્ગીય પરિવારોની વાત અહીં કહેવાઈ છે. વિશ્વસાહિત્યની એક મહાનવલ ગણાતી આ કૃતિમાં પ્રેમ, યુદ્ધ, રાજકારણ અને માનવીય પરિસ્થિતિ જેવાં વિષય-વસ્તુઓની કલાત્મક ગૂંથણી થયેલી છે.
પ્રસ્તાવના :
આ નવલકથામાં મારે ઉપયોગી શું છે? યુદ્ધજનિત અવ્યવસ્થા અને અંધાધૂંધીમાં (માનવીય) પ્રેમનો દીપક જલતો રહો-એવો સદાબહાર સંદેશ :
માનવજાતના અસ્તિત્વના હાર્દમાં, સાર્થકતા અને સંબંધોની માનવીની સ્ટ્રગલ (સંઘર્ષ) હંમેશાં રહી છે, એ જ તો ટોલ્સટૉય મુખ્યરૂપે અહીં કહેવા માગે છે. અને તે વિવિધ ભૂમિકાઓ ધરાવતાં પાત્રો, તેમનાં જીવન અને આંતરસંબંધોની કલાત્મક ગૂંથણી દ્વારા રસપ્રદ રીતે રજૂ કર્યું છે.
લીયો ટોલ્સટૉય એરીસ્ટૉક્રેટીક રશિયન પરિવારમાં ઉછર્યા હોવાથી, આ વાર્તાની પશ્વાદ્ ભૂમિકામાં જે ચોપાસ ઉથલપાથલ અને ખાનાખરાબીનું વાતાવરણ છે તેનાથી અપરિચિત નહોતા. ૧૯મી સદીના પ્રારંભે યુરોપમાં પ્રસરેલાં નેપોલિયનિક યુદ્ધોના વ્યાપક ઐતિહાસિક સંદર્ભ અને પોતાના જીવનના અનુભવોમાંથી પ્રેરણા મેળવીને આ નવલની બાંધણી થઈ છે. એક લેખક અને ફિલોસોફર તરીકે, માનવ સ્વભાવની સંકુલતાઓનું ચિત્રણ, આપણી પસંદગીનાં પરિણામો, અને આપણને સૌને બાંધનાર એક અદૃશ્ય સૂત્ર (પ્રેમ, દયા, કરુણા, માનવતા)ને સમજાવવાનો અહીં પ્રયાસ થયો છે.
૧૮૬૯માં આ નવલ પ્રથમવાર પ્રગટ થઈ ત્યારે એનો સમર્થ સંદેશ જેટલો ગૂંજતો-ગાજતો હતો, તેટલો જ આજે પણ તેવો જ છે, જે આપણને સહાનુભૂતિ, સમજદારી અને સ્નેહ અને ક્ષમાવૃત્તિની અંતર્નિહિત ક્ષમતાની સદા યાદ અપાવતી રહે છે.
આ પ્રકરણમાં, આ વાર્તાનું હાર્દ પમાડનારા છ અગત્યના પેરેગ્રાફને આપણે તપાસીશું. સમાજના ઉચ્ચ ભદ્રવર્ગનાં ચમકતાં સલોનથી માંડીને યુદ્ધનાં ક્રૂર સમરાંગણો સુધી આપણે પાત્રોને પ્રેમ, મહત્ત્વકાંક્ષા અને મુક્તિમાં કેવો વિહાર કરે છે તે જોઈશું. સાથોસાથ આપણી માનવજાતની આંતરસંલગ્નતા, આપણી પસંદગીની શક્તિ અને માનવીય સ્પિરિટની સ્થિતિસ્થાપકતા જેવા થીમને પણ જોતા જઈશું.
મુખ્ય વિચારબિંદુઓ :
૧. માનવીય સ્વભાવનો દ્વૈતભાવ :
રશિયન ભદ્રવર્ગીય પરિવારની દુનિયામાં આપનું સ્વાગત છે, વાચક મિત્રો ! અહીં સમાજનો ઉચ્ચ વર્ગ મુત્સદ્દીગીરી, કાવાદાવા અને વશીકરણમાં કેવો સપડાયો છે, ડૂબ્યો છે તે જુઓ. કથાનકનું એવું સેટીંગ લેખકે ઊભું કર્યું છે કે પાત્રોનાં જીવન(કાર્ય) અને તેનાં ભાગ્યના તાણાવાણા ગૂંથાયેલા જણાય. આપણો કથાનાયક બધાં સંબધિત પાત્રોની સાથે વાર્તામાં મુખ્ય રોલ ભજવતો દેખાશે.
પ્રારંભમાં પડદા-ઉઘાડ દર્શન આપણને થાય છે જવાનીના જોમ-જુસ્સાવાળી અને મધ્યવયને ઊંબરે ઊભેલી નતાશા રોસ્તોવાના ! તેની નિખાલસતા, નિર્દોષતા અને ઉત્સાહ-ઉમંગ, સૌંદર્યપ્રચૂરતા ખરેખર એવાં તો મોહક છે, આકર્ષક છે, મેગ્નેટીક છે કે તેનાં રોમાન્સ અને સામાજિક અપેક્ષાઓને આપણે જોતા જ રહી જઈએ.
એ દરમ્યાન પીયરે બેઝૂખોવ, નામનો સાહસી અને જુસ્સા-જંતરવાળો જુવાનિયો, નવો નવો ધનિક નિશાળિયો એક વિચારશીલ મનોમંથન લઈને જીવતો જોવા મળે છે, કે આ મને મળતું સમૃદ્ધ-સંપન્ન માનવીનું સ્ટેટસ બહારથી તો પ્રિયકર, જયકર લાગે છે, પણ આખરે જીવનનો અર્થ, મર્મ, રહસ્ય મારે તો જાણવાની-શોધવાની ઇચ્છા છે. શું કરું?
આ પાત્રસૃષ્ટિનું બીજું એક પાત્ર-માનુની Helene Kuragina સ્વભાવે ચતુર ને લુચ્ચી, પોતાની કમનીય કાયાનાં જાદુ પાથરનારી, પીયરેને પરણીને પસ્તાયેલી એવી સ્ત્રી પોતાની ચાલાકીભરી અદાઓની નિષ્ફળતા સમજી ચૂકી હોય છે....આથી વિપરિત સ્વભાવનું પાત્ર—શાંત-વિચારશીલ-સ્થિરચિત્ત, આંતરમુખી પ્રિન્સ આન્દ્રે બોલ્કોન્સ્કી, આ ઉપરછલ્લા સામજિક સંબંધો, સંસાર અને બગડતી જતી દુનિયામાં કંઈક અર્થ અને સાંત્વન શોધવાને મથતો જોવા મળે છે.
આ ભપકાદાર-ભદ્રવર્ગીય સામાજિક પરિવેશના કેન્દ્રમાં –ઉપરછલ્લો બાહ્ય દેખાવ (આડંબર) અને અંદરની વાસ્તવિકતા વચ્ચે એક પ્રકારની કશ્મકશ, તણાવની પરિસ્થિતિ છે. બધાં પાત્રો સામજિક અપેક્ષાઓ અને પોતાની વ્યક્તિગત, ઊંડી ઇચ્છાપૂર્તિઓ સાથે સંઘર્ષ અનુભવે છે. એક તરફ આવું તેમનું સામાજિક જગત છે-સંકુલ સંસાર છે, તો બીજી તરફ દુનિયાના સ્તર ઉપર યુદ્ધનો ભય ઝળુંબે છે, જે આ ધનિકોનાં (અને સમગ્ર માનવજાતનાં)નાજુક જીવન સંતુલનને ખોરવી નાખવાની ધમકી આપ્યા કરે છે.
વિવરણ :
આજની દુનિયામાં પણ તમને આ જ વિષયવસ્તુ વાસ્તવમાં વ્યાપ્ત હોય એવું નથી લાગતું? રશિયા, હા, એ જ ટોલ્સટૉયનું રશિયા, નાનકડા યુક્રેનને રગદોળી રહ્યું હોય, આરબ-ઇઝરાયલ સંઘર્ષ ફરી ગાઝા પટ્ટીમાં માથું ઊંચકી રહ્યો હોય અને બીજી બાજુ G-20 જેવી વિશ્વપરિષદો શાંતિ-સહયોગ અને વિશ્વ-પરિવારના સૂર છેડી રહી હોય !! સમષ્ટિ માટે-વિશ્વ માટે જેમ ખરું, તે જ વ્યક્તિ માટે પણ ખરું છે કે આપણે બધા જ જીવનના સાચા અર્થની શોધમાં, આપણી સ્વ-ઓળખના સંઘર્ષમાં અને સુખના મૃગજળ પાછળની દોડમાં પડેલા નથી? તો મિત્રો, આવાં સાહિત્યિક વસ્તુબીજો timeless, સનાતન છે. ટોલ્સટૉય, આવી પાત્રસૃષ્ટિ સર્જીને, તેમનાં જીવનની રૂપરેખા દોરીને, તેમની પસંદગીઓ દર્શાવીને આપણને એક અરીસો ધરે છે કે જેમાં આપણે આપણું પોતાનું પ્રતિબિંબ, મનના વિચારો-મથામણોનો પડઘો, અનુભવોનું અને માનવીય આંતરસંલગ્નતાનું (નિ)દર્શન કરી શકીએ.
દા.ત. જયારે નતાશા એના પહેલા પહેલા પ્રેમના પ્રવાહમાં જોરદાર અનાતોલ કુરાગીન જોડે વહી ગઈ, ત્યારે તેને ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘દિલ તો પાગલ હૈ-દિલ દિવાના હૈ’નો કેવો વૈશ્વિક અનુભવ થયો હશે તે આપણે સમજી–સાંકળી શકીએ છીએ. એ મનોહર મુગ્ધાવસ્થાની મનની-તનની મધુર મૂંઝવણો, મીઠી મારકણી ઉત્તેજક અદાઓ, ક્યારેક અનિશ્ચિતતાઓ, શંકા-કુશંકાઓ, સમય અને સ્થળનું ભાન ભૂલાવી દેતા અનુભવો—આ બધાંમાંથી કોણ પસાર નહીં થયું હોય, ભલા?
આવ જ અસ્તિત્વવાદી મૂડમાં, પીયરે, જીવનનો મર્મ, અર્થ જાણવા માટે, સિદ્ધ અર્થ શોધવા(સિદ્ધાર્થ બનવા) મથી રહ્યો છે. એના પાત્ર દ્વારા માણસની શાશ્વત અર્થની શોધ, જીવનના હેતુની ખોજ અને આપના ભાગ્યના ઘડતરમાં આપણી પસંદગીની સશકત ભૂમિકા વગેરેનું દર્શન થાય છે. માનવજાતના સમગ્ર ઇતિહાસમાં આવાં અગણિત જાગૃત વ્યક્તિત્વો ‘self-discovery’આત્મ-ખોજ, સ્વ-શોધ અને ધરતી પર તેમના સ્થાન, અસ્તિત્વની સાર્થકતાની શોધ કરતા રહ્યાં હશે તેનાં પડઘો ને પ્રતિબિંબ આપણને પીયરેમાં દેખાય છે... વાર્તામાં આગળ વધીએ તો, વિશ્વયુદ્ધને કારણે આવાં પાત્રોનાં જય-પરાજયો, દશા-દુર્દશા કેવાં રહ્યાં તેનું ચિત્રણ જોવા મળશે.
૨. યુદ્ધનો બોજો :
વાર્તાના આ પગથિયે, ઉચ્ચ ભદ્રવર્ગીય સમાજની ચહેરાની ચમકદમક, ચળકતી લાગતી બાજુ ધીમે ધીમે ઝાંખી પડતી જાય છે, અને યુદ્ધની કરુણ-દારુણ વાસ્તવિકતા સામે આવતી જાય છે. યુદ્ધજનિત ક્રૂરતા, માનવસંહાર, નુકશાનનો મોટો બોજ આવતાં જ એક વખતનું બિંદાસ્ત, નિશ્ચિંત, નફિકરું જીવન માણતાં પાત્રો, ખબર પણ ન પડે તે હદે, તે રીતે બદલાઈ રહ્યાં છે. યુદ્ધના સંકટના સમયમાં, કપરા કસોટીકાળમાં, પાત્રો નવા નવા સંબંધો શોધે છે, ભયનો સામનો કરે છે, જીવનની કર્કશતાઓ-કટુતાઓને વેઠે છે. બૉલરુમ-બાર-રેસ્ટોરાંમાં રાચનાર પાત્રો હવે બહારના વાસ્તવિક જીવનમાં પગ મૂકતાં થાય છે. તેમને જીવનની ઉપરછલ્લી, અર્થહીન-આભાસી રોનક અને રોશનમેલાનો ખ્યાલ આવી જાય છે. પ્રિન્સ આન્દ્રે યુદ્ધમાં જોડાઈને સમરાંગણનો કુરુક્ષેત્રીય અર્થ અને અનુભવ લે છે. નીડર સેનાનાયક બનેલો આન્દ્રે, યુદ્ધનું દ્વૈત-બેધારી તલવાર જુએ છે : યુદ્ધની ભયાનકતા અને માન-સમ્માનની ઉમદા દોડ ! આપણને એના પાત્રમાં, એનો ચારિત્રિક વિકાસ અને આસપાસના જગતની એની વધેલી સમજનાં દર્શન થાય છે.
નતાશાનો યુવાન, તરવરિયો, ઉત્સાહી-આદર્શઘેલો, ભોળો, ભાઈ પેત્યા રોસ્તોવ, સાહસિક સ્વભાવવશ યુદ્ધમાં ઝંપલાવે તો છે, પણ જંગની જંગલી વાસ્તવિકતા એનો કોળિયો કરી જાય છે. એની શહીદી, પૂરા રોસ્તોવ પરિવારને, ખાસ કરીને બેન નતાશાને ઊંડી આઘાત-અસર આપી જાય છે. એ તો બિચારી પહેલાં માનતી હતી કે દુનિયા તો બહુ સરસ છે, સરળ છે, જીવન સ્વાદિષ્ટ છે... પણ હવે તેને જગતની જટિલતા અને જીવનની કડવાશનો પરિચય થઈ રહ્યો છે. પહેલાંની ચૂલબુલી, તરંગ-તરલ, ગૂંજાયમાન નતાશા, પોતાને અને પરિવારને શોકના આઘાતમાંથી બહાર લાવવાની જવાબદારીના બોજથી દબાઈ રહી છે, પરિવારના સાંવેગિક સંતુલન અને પોષણની સ્ત્રીસહજ સંવેદનશીલતાએ તેને બદલી નાખી છે-એક રીતે એનું રૂપાંતરણ હૃદયદ્રાવક છે, તો બીજી તરફ પ્રેરક પણ છે. જે રીતે તેણે તેની ઊંડી પીડાને કરુણામાં ઢાળી અને વિપત્તિમાં આંતરિક તાકાત કેળવી છે તે કાબિલ એ તારીફ છે.
આ દરમ્યાન, પીયરેને દુશ્મન સૈન્ય પકડી લે છે અને બંદી-યુદ્ધકેદી બનાવી દે છે. કાળી કોટડીમાં, તેને પોતાના અસ્તિત્વની નાજુકતા, ક્ષણભંગુરતા અને બધા જીવોની આંતરસંલગ્નતા સમજાવા માંડી છે.
વિવરણ :
આ નવલકથાનો દ્વિતીય પેસેજ-જીવનમાં આપણે જે પસંદગીઓ કરીએ છીએ અને પછીના અનુભવો મેળવીએ છીએ તે આપણા પોતાના અને આપણી આસપાસના લોકોના જીવનને ઘડવામાં ઘણો મોટો ભાગ ભજવતા હોય છે-એવું શીખવી જાય છે. યુદ્ધની ભૂમિકામાં આપણાં પાત્રો નવા સંબંધો સ્થાપે છે, જીવનના અમૂલ્ય પાઠો શીખે છે અને તેમની સ્થિતિસ્થાપકતાનાં ખરાં ઊંડાણ પામે છે. એમના અનુભવોમાંથી, યુદ્ધની કાલિમા અને વિભિષિકામાંથી બહાર આવી, તેઓ બદલાયાં છે અને શીખ્યાં છે કે અકલ્પનીય વિપરિતતાઓ અને વિપત્તિઓની વચ્ચે પણ વિશ્વાસનો એક શ્વાસ, આશાનું એક કિરણ, પ્રેમનું એક ઝરણ અને મુક્તિની સંભાવના રહેલી જ હોય છે. માટે માનવજાતે ક્યારેય નિરાશ, નાસીપાસ, હતોત્સાહ થવાની જરૂર નથી.
૩. સુખની દિશામાં :
વાર્તાયાત્રામાં આગળ વધતા, પશ્વાદભૂમિકા પાછી બદલાય છે. હવે, આપણાં પાત્રો, તેમની પસંદગીઓ અને તેનાં પરિણામો તથા નવી ખરબચડી વાસ્તવિકતાઓનો સામનો કરતાં કરતાં મૈત્રી, પ્રેમ અને સુખની બદલાયેલી તાસીર જોઈ રહ્યાં છે. એક સમયની આવેગશીલ અને તેજ-તર્રાર નતાશા, શોક અને ભાઈની ખોટના આઘાતથી ઘડાઈને, ઘવાયેલા પ્રિન્સ આન્દ્રે પ્રત્યેના પ્રેમમાં સાંત્વન અને શક્તિ પામે છે. તેઓ પાછાં જોડાયાં તેથી તેમનો પ્રેમ ખીલ્યો, અને તેમને લાગ્યું કે ‘ઘનઘોર વાદળની પાછળ પણ એક પ્રેમ-વિદ્યુત ઝબકાર છૂપાયેલો હોય છે.’ નિરાશા પાછળ પણ આશા હોય છે, એમણે બંનેએ અનુભવેલાં એકસરખાં સુખ-દુઃખ, પ્રેમ અને પીડા; પૂર્વજીવનના ઉપરછલ્લા સંબંધોથી ઉપર ઊઠીને-પાર જઈને, નવા ઊંડા હાર્દિક, સશક્ત સંબંધમાં તેમને બાંધે છે... આ દરમ્યાન, યુદ્ધકેદી થયેલો પીયરે તેની કાજળ કોટડીમાંથી મુક્ત થાય છે અને સ્વખોજની, આધ્યાત્મિક જાગૃતિની યાત્રામાં આગળ વધે છે. અપમાન, અવમાનના, અત્યાચારમાંથી પસાર થઈ, જીવનની-અસ્તિત્વની નવી ઓળખ મેળવી, બધા જીવોની આંતરસંલગ્નતામાં, રોજીંદા જીવનમાં નાનાં નાનાં દયા-માનવતાનાં કાર્યોમાં આનંદ અને સંતોષ પામે છે. પહેલાં સંપત્તિસૂરા, શરાબ ને સુંદરીમાં સુખ શોધનાર જીવ હવે સર્વજીવ એકતા અને ‘સાદું જીવન-ઉચ્ચ વિચાર’માં પરિતૃપ્તિ અનુભવતો થયો આવો સાધુચરિત પીયરે અને યુદ્ધ-આહત પ્રિન્સ આન્દ્રે વચ્ચેના સંબંધ પરસ્પરની સમજદારી અને સાથીદારી, બિરાદરી(કોમરેડપણું)ની તાકાતના પુરાવા સમાન છે. તેમના માર્ગો જુદા હોવાં છતાં, તેમના સમાન અનુભવો, પરસ્પર આદર તેમને જરૂરતના સમયે સહાયક અને પૂરક નીવડે છે.
વિવરણ :
આપણાં પાત્રો, પ્રેમ, મૈત્રી અને વ્યક્તિગત પરિપૂર્તિની સંકુલતાઓની વચ્ચે જીવનનૌકા હંકારે છે ત્યારે આપણને જીવનચાલક ઊર્જા અને આશાની અમરતાની શક્તિનો પરિચય થાય છે. અત્યંત પડકારજનક સંજોગોમાં, પાત્રો જુએ છે અને શીખે છે કે હજી બધું બગડી નથી ગયું, પૃથ્વી રસાતાળ નથી ગઈ-જીવનનો અર્થ અને આનંદ શોધી શકાય છે, અને તે મળે પણ છે.. આ પેસેજ આપણને વાચકને પણ જોતાં શીખવે છે કે તમારી પાસે પણ આશા અને સુખની પસંદગીની શક્યતા અને શક્તિ રહેલાં જ છે, પછી ભલે આપણી આસપાસની દુનિયા ગમે તેટલી અંધારછાયી કેમ ન હોય !
૪. ઠાલો ઘમંડ :
આ વિભાગમાં, આપણે અસ્થાયીપણાની વાસ્તવિકતા અને જીવનની પસાર થતી કડવી-મીઠી યાદો વિશે જોઈશું. પ્રેમ, મૈત્રી અને વ્યક્તિગત વિકાસની ભરતી-ઓટની વચ્ચે આપણાં પાત્રો પ્રસંગોપાત અનિવાર્યરૂપે અથડાતાં રહેતાં હોય છે અને તેની એમના જીવન ઉપર પણ અસર થતી હોય છે.
નતાશા અને આન્દ્રે વચ્ચે પ્રેમાંકૂર પાંગરે છે તે યુદ્ધ-આહત જગતને પ્રેમની આશામાં બેઠા થવાનો સંકેત છે... પણ નસીબ જેવુંયે કંઈક છે, કહેવાય છે ને કે સુખને પણ નજર લાગે છે. આ પ્રેમ લાંબો ચાલે એ કદાચ વિધાતાને મંજૂર નહિ હોય, તેથી ઝખ્મી આન્દ્રે ઝાઝૂં જીવી ન શક્યો. નતાશા ફરી પાછી હતાશામાં હલેસાં મારવા માંડી, સુખની ક્ષણભંગુરતાના સરોવરમાં સરવા લાગી. છતાંયે, એને અગાઉ આઘાતમાંથી ઉગરવાનો અનુભવ હતો, તેથી તે અકલ્પનીય યાતનાના પહાડને પણ પાર કરી ગઈ.
આ તરફ પીયરેએ પણ બદલાવ અને અસ્થાયીપણાનો સામનો કર્યો. એની પત્ની હેલનના અણધાર્યા અવસાન પછી તે પ્રેમહીન લગ્નજીવનનાં બંધનથી મુક્ત થયો, અને જીવનને નવા માર્ગે લેવાની શક્યતા વિચારવા માંડ્યો. તેની આધ્યાત્મિક વિકાસયાત્રા ચાલુ રાખતાં, તે પણ જતું કરવાની ભાવના અને ક્ષમાવૃત્તિનું મહત્ત્વ સમજ્યો... આપણે પણ રોસ્તોવ ફેમીલીનો વિકાસ-યુદ્ધના પડકારોને પાર કરી શકવામાં જોઈ શકીએ છીએ. તેઓ પરસ્પરનાં સહયોગ અને અચલ પ્રેમના સહારે વિપત્તિનાં વંટોળ-પાર કરી વધુ બળવત્તર બનીને બહાર આવે છે.
વિવરણ :
આ પરિવારો એક વૈશ્વિક સત્યની યાદ અપાવે છે : પરિવર્તન એ માનવ-અનુભવનો અનિવાર્ય ભાગ છે. જીવનના અસ્થાયીપણાના પ્રકાશમાં, આપણને વ્યાખ્યાયીત કરતી આપણી વિકાસક્ષમતા, અનુકૂલનક્ષમતા અને જીવનઅર્થ શોધ અને ક્ષમતાનો તે પરિચય કરાવે છે... આપણે તબાહ થઈ જઈએ કે પડી ભાંગીએ તો પણ, ‘જીવન એક વિવિધરંગી અનુભવોના તાણાવાણાવાળું બહુરંગી વસ્ત્ર યા જાજમ છે. જેને પોતીકું સૌંદર્ય અને સાર્થક્ય છે’— એવા જ્ઞાનથી આપણે સાંત્વન અને આશા પામીએ છીએ. આ જ્ઞાન જ આપણને મુક્તિની શક્તિ સમજવામાં મદદ કરે છે; એ આપણે આગામી પ્રકરણમાં જોઈશું.
૫. મુક્તિની શક્તિ, સ્વતંત્રતાની તાકાત :
આપણાં પાત્રો, ક્ષમા, મુક્તિ અને સુખની શોધના ધૂળિયા-પવનિયા માર્ગે આગળ વધતાં, પ્રેમની પરિવર્તનકારી શક્તિનો અનુભવ કરે છે. બદલાતી જતી પરિસ્થિતિઓવાળા જીવનમાં તેઓ પોતાની પસંદગીઓની પોતાના અને અન્યના ઉપરની અસર જોતાં, સૌની વચ્ચે એક સ્નેહસેતુ સાચવે છે.
પ્રિન્સ આન્દ્રેના અવસાન બાદ, એના શોકમાંથી બહાર આવવા મથી રહેલી નતાશાને, સ્વની-અર્થની ખોજમાં નીકળેલો પીયરે મળી જાય છે. બંનેને પોતાના અનુભવો અને પ્રાપ્ય સમજદારી શેર કરવામાં સારું લાગ્યું. એકમેકને શાંતિ, સાંત્વન ને સહાનુભૂતિ મળ્યાં. એમની મિત્રતા અને સંગમાંથી પ્રેમનો રંગ ખીલ્યો અને તેમનાં આહત હૃદયોને, મનની મથામણોને મમતાનો મલમ લાગ્યો.
પહેલાંની આવેગમય, યૌવન-ઉછાળ નતાશા હવે ઠાવકી, ઠરેલ, ગ્રેસફૂલ નારી બની ગઈ હતી. પરિવારના આઘાત અને કટુ અનુભવોના અંધકારમાંથી ઉપર ઊઠેલી, પક્વ-ચિત્ત, સમજદાર નતાશા, પોતાના પરિવર્તન પંથે પ્રયાણ કરી રહેલા પીયરેને સાથ-સહયોગ આપવા સક્ષમ બની હતી. તેનો અવિચળ પ્રેમ અને સમજદારી તેમના સહિયારા ભાવિની આધારશિલા બની રહ્યો હતો. તે પણ ઘણા સમયથી જીવનનો મર્મ અને સહારો શોધી રહી હતી તેનાં દ્વાર ખૂલતાં લાગ્યાં... એ જ રીતે, અગાઉ યુવાનીમાં પ્રતિષ્ઠા-પદ-સંપત્તિના ચક્કરમાં પડેલો પીયરે, નતાશાના પ્રેમમાં મુક્તિ અને સંતૃપ્તિનો અનુભવવ લેવા લાગ્યો. એમનું સંમિલન શુદ્ધ આનંદજનક બની રહ્યું. નતાશાના સંગમાં પીયરેનો ભૂતકાળનો ભાર હળવો થયો અને એણે નમ્રતા, કરુણા અને શાંત સંતોષ અનુભવ્યો.
વિવરણ :
પાત્રોનાં ભાગ્ય પણ કેવાં ગૂંથાયેલાં છે તે હવે ઝડપથી સ્પષ્ટ થવા લાગ્યું છે. સ્વ. આન્દ્રેની બહેન શાંત અને અંતરમુખી પ્રિન્સેસ માર્યા(મારિયા)ને તેના પરિવારમાં જ સુખ-શાંતિ-સ્વજન સહવાસ મળતાં. નતાશા સાથે તેનું બોન્ડીંગ વધતાં, તે ભૂતકાળના અણગમતા બનાવોમાં જતું કરવાનું, ક્ષમા આપવાની અને વર્તમાનને વધાવવાનું શીખી.
અન્ય એક પાત્ર-નિકોલાઈ રોસ્તોવ-પહેલાં અવિચારી, ઉડાઉ, આવેગશીલ યુવાન હતો, પછી સમય જતાં અનુભવે એક જવાબદારીભર્યો, સમજદાર, કાળજી કરનાર વ્યક્તિ બની રહ્યો. યુદ્ધના તેના અનુભવો અને મારિયા સાથેનાં તેનાં લગ્ન એના જીવનમાં સ્થિરતા અને હેતુપૂર્ણતા લાવે છે અને તે સમર્પિત પતિ અને પ્રેમાળ પિતા બની રહે છે....
અહીં મેસેજ સ્પષ્ટ છે કે પ્રેમ આધારિત સંબંધો આપણા જીવનમાં હીલીંગ, પરિવર્તન લાવે છે અને જીવનનો અર્થ શીખવી જાય છે.
૬. ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’ – ટકાઉ ને મજબૂત બંધન પ્રેમનું :
હવે આપણે, આપણાં નવલકથાનાં પાત્રોના વિકાસના છેલ્લા પડાવમાં આવી પહોંચ્યા છીએ - તેમના ભૂતકાળ જોડે સમાધાન અને તેમનાં સ્વપ્નાંની સાર્થકતાની ઘડી...! આ વિચાર પ્રેરક પેસેજમાં પાત્રો એમના આખરી ભાગ્યને ભેટે છે અને ભાવિનો નવો માર્ગ કંડારે છે. એમના જીવનના દરેક વળાંક પર,તેઓ તેમના ગૂંથાયેલા સહભાગી ઈતિહાસના અનુભવોને શેર કરીને નવું બળ મેળવે છે. નતાશા અને પીયરે, તેમની ઊંડી સમજદારી અને પ્રેમથી જોડાય છે અને સાંવેગિક તોફાનોને આશા અને સ્થિતિસ્થાપક સહનશક્તિથી પાર કરી જાય છે. બંનેના કોમન પડકારોનો સામનો કરતાં, તેઓ શીખતાં જાય છે કે સાચું સુખ સત્તા-સંપત્તિની પાછળ દોડવામાં નથી, પણ પોતાને પ્રિય સંબંધોને પ્રેમથી નિભાવી સાદું જીવન જીવવામાં સમાયેલું છે.
નિકોલાઈ, તેના પ્રેમાળ પતિ અને જવાબદાર પિતાની ભૂમિકામાં વિકસતો જાય છે અને તેના પરિવારને સ્થિરતા ને સલામતી પૂરી પાડે છે. તેની અવિચળ સન્માનભાવના અને નક્કર પ્રતિબદ્ધતા દ્વારા, તે સ્થિતિસ્થાપકતા અને નિર્ણાયકતાના પ્રતીક બની રહે છે, જે તેના પરિવારને યુદ્ધની આકરી તાવણી અને તણાવોમાંથી બહાર લઈ આવે છે.
પ્રિન્સેસ મારિયા, તેના સંઘર્ષો અને પીડાઓ ઉપર વિજય મેળવીને, વાત્સલ્યમયી માતા અને પ્રેમાળ પત્નીની ભૂમિકાનો આનંદ માણે છે. એની શ્રદ્ધા અને આંતરિક ઊર્જાથી, એનો પરિવાર જીવનના જટિલ, નાજુક વળાંકોમાંથી પસાર થાય છે ત્યારે, આશા અને પ્રેરણાનું ભાથું પૂરું પાડે છે.
વિવરણ :
ક્ષમાભાવનાની પરિવર્તનકારી શક્તિ અહીં છતી થાય છે, તે આપણને પીડા, પસ્તાવા અને યંત્રણામાંથી, ફિનીક્ષ પંખીની જેમ રાખમાંથી પુનઃ બેઠા થવાની તાકાત આપે છે. દરેક પાત્રો, પોતપોતાની રીતે, અપ્રિય ભૂતકાળ જોડે સમાધાન કરી મુક્તિ અને હીલીંગની તકને આશ્લેષમાં લે છે. પોતાની જાતને અને એકમેકને ક્ષમા બક્ષે છે અને નવા જીવન-સત્યને પામે છે કે— ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ’ ‘જગતની સૌ કડીમાં, સ્નેહની સર્વથી વડી.’ એ ગમે તેવાં તૂટેલાં હૃદયોને જોડે છે, ઊંડામાં ઊંડા ઘાને પૂરી દે છે અને જીવનયાત્રાના નૂતન માર્ગોનું નિર્માણ કરે છે.
આપણને કાલાતીત પ્રજ્ઞા અને સાર્વત્રિક સત્ય લાધે છે કે— ‘લાખો નિરાશામાં, અમર આશા છૂપાયેલી છે.’ પ્રેમ અને ક્ષમાપૂર્ણ સાર્થક ભાવિ ઘડવું એ આપણા જ હાથમાં છે - આવાં સુંદર વિચારબીજો પેઢીઓ સુધી માનવજાતને પ્રેરણા આપતાં રહેશે.
સમાપન :
‘યુદ્ધ અને શાંતિ’ ઇતિહાસના તોફાની, કોલાહલપૂર્ણ-અશાંત સમયગાળામાં પાત્રો/પરિવારોનાં જીવનમાં આવતા ચડાવ-ઉતાર, સંબંધો, સંઘર્ષો અને વિકાસની શક્યતાઓ વર્ણવતાં વર્ણવતાં, દુનિયાને ઘડનારાં અને માનવજાતને મઠારનારાં પરિબળોનું (નિ)દર્શન કરાવે છે. માટે આજે પણ આ નવલકથા એટલી જ પ્રસ્તુત અને સમય-સાપેક્ષ છે. પ્રેમ, ક્ષમા, મૈત્રી, જીવનધારક શક્તિ-સામર્થ્ય અને માનવ અનુભવોની આંતર સંલગ્નતા જેવાં થીમ અહીં ચર્ચાયાં છે.
વૈશ્વિક સંઘર્ષો, આધુનિક પડકારોના ચહેરામાં આપણું પ્રતિબિંબ જોવાને આ કૃતિ પ્રેરિત કરે છે. દુનિયાની પરિસ્થતિ બદલાઈ છે, પણ આ નવલનો મેસેજ બદલાયો નથી:- માનવીય સ્પિરિટ નોંધપાત્ર રીતે રાખમાંથી બેઠું થઈ શકે એવું હોય છે. એને કોઈ વિપત્તિ, વિપરિતતા કે વંટોળ તેને ડગાવી-ડરાવી શકે એમ નથી.
ચાવીરૂપ મુદ્દાઓ :
(૧) ઐતિહાસિક મહાકાવ્ય જેવી નવલકથા : ૧૮૧૨માં રશિયા ઉપરના ફ્રાન્સના નેપોલિયનિક યુદ્ધની પાશ્વાદ્ ભૂમિકામાં આ નવલકથાનું સેટીંગ રચાયું છે. રશિયાનાં ઉચ્ચવર્ગીય પરિવારોનાં જીવન, તેમનાં પાત્રોનાં ભાગ્ય, આંતર સંબંધો ઉપર પ્રકાશ પાડે છે.
(૨) પાત્રોનો જીવનવિકાસ : ટોલ્સટૉયની નવલકથાઓ તેનાં પાત્રોના ઊંચા જીવનવિકાસ માટે જાણીતી છે. એનાં પાત્રોનું ચરિત્રચિત્રણ સંકુલ અને વાસ્તવિક રીતે થયેલું છે, એમનાં માનસ, વિચારો અને લાગણીઓ પણ ઊંડાણથી દર્શાવાયાં છે.
(૩) વિષયવસ્તુઓ : યુદ્ધની નિરર્થકતા, સત્તાનાં લક્ષણો, પ્રેમ, ક્ષમા, મૈત્રી, સમયપ્રવાહ જેવાં વિવિધ વસ્તુબીજો અહીં વિકસાવ્યાં છે. માણસની પસંદગીની સ્વતંત્રતા, free will, અને નિર્ણયાત્મકતા અંગે તાત્ત્વિક પ્રશ્નો પણ અહીં ઉપસાવ્યા છે.
(૪) ઐતિહાસિક ચોકસાઈ : નવલકથામાં વર્ણવેલા અને ચૂંટેલા ઐતિહાસિક પ્રસંગો, ઘટનાઓ અંગે લેખકે ઝીણવટભર્યું રિસર્ચ કર્યું છે, જેનાથી વાચકને નેપોલિયન યુગ અને રશિયન ભદ્રવર્ગીયનાં ચિત્રણ ચોકસાઈભર્યાં લાગે છે.
અવતરણો :
• “બધા સુખી પરિવારો એકસરખા હોય છે, જયારે દરેક દુઃખી પરિવાર, તેની રીતે દુઃખી હોય છે.”- નવલકથાનું આ ઉઘાડ-વાક્ય ખૂબ પ્રખ્યાત અવતરણ પૂરવાર થયું છે, જે ટોલ્સટૉયના માનવીય સુખ અને દુઃખ પરના ચિંતનને ઉજાગર કરે છે.
• “બળવાન યોદ્ધાઓ બે જ છે : સમય અને ધીરજ !” જીવનમાં પડકારોના સમયે વ્યક્તિની સહનશીલતા અને સમય ઉપરનું ટોલ્સટૉયનું ચિંતન અહીં પ્રતિબિંબિત થયું છે.